શું શશી થરુરની કલ્પના અનુસારનું હિંદુ પાકિસ્તાન શક્ય છે ખરું?

0
597
Photo Courtesy: indianexpress.com

“જો મોદી વડાપ્રધાન બનશે તો ભારતનો સેક્યુલર ચહેરો તરડાઇ જશે.” “જો મોદી વડાપ્રધાન બનશે તો ભારતમાં મુસલમાનોનું જીવવું મુશ્કેલ બની જશે.” 2014ની ચૂંટણીઓ પહેલા આમ ડરાવ્યા અને હવે વાત આવી પહોંચી છે હિંદુ પાકિસ્તાન સુધી જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી પાછલે બારણે ડોકાઈ રહી છે.

Photo Courtesy: indianexpress.com

2014માં થયેલી લોકસભા ચૂંટણીઓમાં ભારતીયોને આટલાબધા ડરાવ્યા હોવા છતાં તેમણે નરેન્દ્ર મોદી, ભાજપ અને તેમના ગઠબંધન NDAને સ્પષ્ટ કરતા પણ વધારે બહુમતી આપી. આ ઘટનાને પણ ચાર વર્ષ પૂરા થઇ ગયા છે અને ભારતીય મુસલમાન મોટી સંખ્યામાં ભયથી પલાયન કરવા માંડ્યો હોય એવું બન્યું નથી.

હા આ ચાર વર્ષમાં મોદી સરકારનું એકપણ કૌભાંડ સામે આવ્યું નહીં, આ ચાર વર્ષમાં જન ધન યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને છેલ્લે છેલ્લે ખેડૂતોની MSP તેમને થયેલા ખર્ચની દોઢી કરવા જેવા કલ્યાણકારી પગલાઓ જરૂર લેવામાં આવ્યા.

લાગતું વળગતું: ભારતના મહારાજાઓ પર ટિપ્પણી કરીને ભેરવાયા શશી થરૂર

આ ચાર વર્ષમાં મત ખોવાનો જબરદસ્ત ભય હોવા છતાં નોટબંધી અને GST, RERA જેવા કડક કાયદા લાવવામાં આવ્યા જેથી પ્રજાને લાંબેગાળે રાહત થાય, વ્યાપારીઓનું કામ સરળ થાય અને દેશમાં ઉત્પન્ન થતા કાળા નાણા પર અંકુશ લાવી શકાય. શરૂઆતની નાનીમોટી તકલીફ બાદ પણ પ્રજાને કોઈ મોટી ફરિયાદ રહી નથી.

હા, આ ચાર વર્ષમાં અસહિષ્ણુતા, મોબ લીન્ચિંગ, અભિવ્યક્તિની આઝાદી, દલિતો પરના કથિત અત્યાચારના નામે પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવા બોગસ આંદોલનો અને વિરોધો જરૂર કરવામાં આવ્યા પરંતુ તેમાં પ્રજાનું કોઈ જાતનું ભલું ન હોવાથી થોડા સમય બાદ બહોળા ટેકાના અભાવે તેમને સમેટી લેવામાં આવ્યા.

તો પરિસ્થિતિ એવી છે કે લોકસભાની ચૂંટણીને આડે હવે દસ મહિના પણ નથી રહ્યા અને કોંગ્રેસ જેને 44માંથી ફરીથી બહુમતી લાવવી છે એની પાસે કોઈ ઠોસ મુદ્દો નથી એ ચૂંટણી લડવા માટે. તો કરવું શું? એજ જૂનું ટ્રમ્પ કાર્ડ ફરીથી વાપરવું અને એ છે મુસ્લિમોનું તુષ્ટિકરણ શરુ કરવું.

આ તુષ્ટિકરણની શરૂઆત દેશભરના તમામ જીલ્લાઓમાં શરિયત કોર્ટ્સ ચાલુ કરવાની ગેરબંધારણીય માંગણી મુકાવડાવીને કરવામાં આવી. આ માંગણીનો સામાન્ય પ્રજામાં વિરોધ જોતા ફરીથી મુસલમાનોને ડરાવવાનો કારસો વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશી થરુર દ્વારા રચવામાં આવ્યો.

અગાઉ દિગ્વિજય સિંઘ તો હિંદુ આતંકવાદના પોતાના વિચારને વળગી રહ્યા હોવાનું કહીજ ચૂક્યા છે પણ થરૂરે તો એક ડગલું આગળ વધીને કહી દીધું કે જો 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરીથી સરકાર બનાવશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે..

ખરેખર તો આ હિંદુ પાકિસ્તાન શબ્દ જ પ્રથમ દ્રષ્ટિએ હાસ્યાસ્પદ છે કારણકે પાકિસ્તાનની રચના ઇસ્લામી રાષ્ટ્રની કલ્પના હેઠળ થઇ હતી જ્યારે ભારત એ સદાય સર્વધર્મ સમભાવની ભાવના હેઠળ આગળ વધતું રહ્યું છે.

શશી થરુરનો કહેવાનો મતલબ કદાચ એવો છે કે જો ફરીથી હિંદુવાદી ભાજપને સત્તા મળશે તો હિંદુ કટ્ટરવાદને બળ મળશે અને પાકિસ્તાનમાં જેમ કટ્ટરતાએ દેશની ઘોર ખોદી છે એમ ભારતમાં પણ લોકશાહીની પથારી ફરી જશે.

જો થરૂરની કલ્પના અનુસારનું હિંદુ પાકિસ્તાન ખરેખર 2019 પછી આકાર લઇ શકે તેમ હોય તો આપણે કહીએ છીએ તેમ પુત્રના લક્ષણ પારણાંમાંથી એમ ભાજપ સરકારના આ ચાર વર્ષમાં જ તેની ઝલક દેખાઈ ગઈ હોત. અરે, આટલા વર્ષોથી વિવિધ રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાંથી કોઈ આ પ્રકારનું ઉદાહરણ મળી આવત.

શશી થરુર અને કોંગ્રેસ કદાચ કટ્ટરવાદી મુસલમાનોના મત અંકે કરવા માટે હિંદુ પાકિસ્તાન નામનું તૂત ઉભું કરી રહ્યા હોય એવું બને કારણકે ટ્રિપલ તલાકનો કાયદો એ મુસલમાન મહિલાઓ માટે આશિર્વાદરૂપ બનીને આવ્યો છે.

આ ઉપરાંત ઉજ્જવલા યોજના, મુદ્રા યોજના અને જન ધન યોજના જેવી ઘણીબધી યોજનાઓએ મુસ્લિમ મહિલાઓને એટલોજ ફાયદો પહોંચાડ્યો છે જેટલો હિંદુ મહિલાઓ તેમજ યુવાનોને જેનું ઉદાહરણ હાલમાં કાશ્મીરી મુસ્લિમ મહિલાઓનું 2019માં મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે રમઝાન મહિનામાં તેઓ દુઆ માંગશે એ ઘટના છે.

હવે વાત કરીએ શશી થરૂરની કલ્પના અનુસાર શું હિંદુ પાકિસ્તાન બનવું ક્યારેય શક્ય છે ખરું? દુનિયાભરનું ઉદાહરણ લઇ લો તો તમને એવા અનેક દાખલાઓ જોવા મળશે કે જ્યાં જ્યાં કટ્ટર ઇસ્લામનો ફેલાવો વધ્યો છે તકલીફ ત્યાં ઉભી થઇ છે. ભારતનું એક માત્ર મુસ્લિમ બહુમતી રાજ્ય જમ્મુ અને કાશ્મીર સાથે ભારતના અન્ય હિંદુ બહુલ રાજ્ય સાથેની સરખામણી કરવાથી થરૂરની ધમકીના છોતરાં ઉડી જશે.

હિંદુ ધર્મએ ક્યારેય પોતાનો ફેલાવો કરવા ફોર્સ કે લાલચ આપી નથી, ઉલટું તેણે અન્ય ધર્મો અને તેમના તહેવારો કે તેમની સંસ્કૃતિ અપનાવી છે. હિન્દી, ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં ઉર્દુ અને અંગ્રેજી શબ્દોનો વારંવાર થતો ઉપયોગ તેનું ઉદાહરણ છે.

બીજું, 1992નો એ કાલખંડ હવે વીતી ચૂક્યો છે. બેશક, એ સમયે હિંદુ કટ્ટરવાદ તેના ચરમ પર હતો, પરંતુ બાબરી મસ્જીદનું માળખું ધ્વસ્ત થતાની સાથેજ જાણેકે હિંદુ કટ્ટરતા પર ધીમેધીમે ઠંડુ પાણી રેડાઈ ગયું.

જે હિંદુ હ્રદય સમ્રાટ પ્રવિણ તોગડિયાની સભામાં માણવ મહેરામણ ઉમટતો આજે એમને પોતાના ઉપવાસમાં ગણ્યાગાંઠ્યા લોકો જોઇને અડતાળીસ કલાકમાં એનો વીંટો વાળી દેવો પડે છે. જે ઉમા ભારતી જોરશોરથી ‘મંદિર વહીં બનાયેંગે’ બોલતા હતા એ પણ હવે સુપ્રિમ કોર્ટના આદેશનું સન્માન કરવાની વાતો કરી રહ્યા છે.

છેલ્લા પચીસ વર્ષમાં દેશનો હિંદુ મેચ્યોર થયો છે, તેણે મોદીને ‘સબકા સાથ સબકા વિકાસ’ના સૂત્રને માન આપીને 2014માં મત આપ્યો હતો નહીં કે રામમંદિર બનાવવા માટે અને આથીજ આ ચાર વર્ષમાં છૂટાછવાયા ગણગણાટ સિવાય કોઈ હિંદુ ભાજપને પૂછતો નથી કે બોસ મંદિર ક્યારે બનશે? કારણકે એને પોતાની રોજગારીમાં જ રામ દેખાય છે.

એટલે હિંદુ પાકિસ્તાન જેવી કપોળકલ્પિત બાબતો માત્રને માત્ર મુસલમાનોને ડરાવવા માટે જ છે નહીં કે દેશના ભલા માટે. જો નરેન્દ્ર મોદી 2019માં ફરીથી બહુમતી સાથે ચૂંટાશે, જે થરુરના બયાન પછી લગભગ નક્કી થઇ ગયું છે, તો ભારત તમામ ધર્મો અને વર્ગો સાથેજ વિકાસની દિશા તરફ ન્યૂ ઇન્ડિયાની રચના કરવા તરફ આગળ વધી જશે. ડોન્ટ વરી!

eછાપું

તમને ગમશે: મુદ્દો એ છે કે આપણે ખુદ મુદ્દા થી ભટકી જઈએ છીએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here