જીઓ ઇન્સ્ટીટયુટ અંગેની અફવાઓ અને ખરાઈનું સમાધાન કરી લઈએ?

1
425
Photo Courtesy: thequint.com

‘રિલાયન્સ જીઓ’ આ શબ્દએ છેલ્લા બે ત્રણ વર્ષમાં ટેલીકોમ સેક્ટરમાં તહેલકો મચાવી દીધો છે પરંતુ જીઓ ઇન્સ્ટીટયુટ જરા હટકે આઈડિયા છે. પરંતુ જેમ રિલાયન્સ જીઓના આવવાથી વોડાફોન અને આઈડિયા જેમને નહાવા નિચોવવાનો સંબંધ નહતો એ બંનેને પણ મર્જર કરવાની જરૂરીયાત ઉભી થઇ. એરટેલ જેવા ભારતના અધિકૃત સૌથી ઝડપી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પણ જીઓ આવવાના લીધે નવી નવી જાહેરાતો બહાર પાડીને પોતાના ટેરીફ રેટ્સ ઘટાડવા પડ્યા એવું કશું શિક્ષણક્ષેત્રે થશે? આ પ્રશ્નનો જવાબ મેળવવા થોડી રાહ જોવાની જરૂર છે.

રિલાયન્સ જીઓ તરફ પાછા વળીએ તો હાલના ટ્રાઈ (TRAI- ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા)એ જાહેર કરેલા ન્યુઝ પ્રમાણે ભારતમાં 2011થી 2016 દરમિયાન પ્રતિ મિનીટ કોલરેટ જે 48  પૈસા હતો તે 2017-18માં ત્રીજા ભાગનો એટલે કે માત્ર 16 પૈસા પ્રતિ મિનીટ થવા પામ્યો છે. જેમાં મોટો ફાળો મુકેશ અંબાણીના રિલાયન્સ જીઓ નેટવર્કનો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી.

પરંતુ જીઓ આટલેથી અટકે તો એ રિલાયન્સનું સંતાન થોડું કહેવાય?! હું વાત કરું છું હાલમાં ખુબ જ ચર્ચા જગાવનાર “જીઓ ઇન્સ્ટીટયુટ”ની. જી હા, ટેલીકોમ ક્ષેત્રમાં ક્રાંતિ કહી શકાય એવું સ્ટેપ ભર્યા પછી રિલાયન્સ હવે શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવશે. હજી આ પ્રોજક્ટ એક ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે, એટલે કે જીઓ ઇન્સ્ટીટયુટનું ફીઝીકલ અસ્તિત્વ હાલમાં ઉપલબ્ધ નથી, એ લગભગ નાગપુર મહારાષ્ટ્રમાં પ્રપોઝડ છે.

Photo Courtesy: thequint.com

હવે વાત એમ છે કે હજી તો જીઓ ઇન્સ્ટીટયુટ બની પણ નથી અને એ પહેલા જ ભારત સરકારે એને IIT જેવી કાર્યરત સંસ્થાઓ સહીત “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ” એટલે કે “ઉત્કૃષ્ટ સંસ્થા”નો દરજ્જો આપી દીધો છે.

આના પરનો વિવાદ સમજતા પહેલા આ “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”નો ખ્યાલ સમજવો જરૂરી છે. તો એન. ગોપાલસ્વામી સમિતિની ભલામણ મુજબ “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ” એ એવી સંસ્થાઓનું ગ્રુપ છે જેને સરકાર તરફથી સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવામાં આવી હોય. એટલે કે આ સંસ્થાઓ હવે જાતે જ પોતાના અભ્યાસક્રમ જાહેર કરી શકશે અને જાતે જ પોતાને યોગ્ય લાગે તેવા બધા જ સુધારા સરકારની દરમિયાનગીરી વગર કરી શકશે. કેન્દ્ર સરકાર યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશન (UGC)ની જગ્યાએ હાયર એજ્યુકેશન કમીશન ઓફ ઇન્ડિયા (HECI) લાવનાર છે. જેના અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લાગતું વળગતું: બની બેઠેલી યુનિવર્સીટીઓમાં એક પત્ર દ્વારા UGC લાવ્યું ભૂકંપ

આટલે સુધી વાત બરાબર હતી. પરંતુ વિવાદ શરુ ત્યાંથી થાય છે કે ભારતની લગભગ 20 આવી “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”(10 સરકારી અને 10 ખાનગી)માંથી સરકાર પ્રત્યેક સરકારી સંસ્થાને 1000 કરોડ આપશે અને ખાનગી સંસ્થાઓને ફંડના બદલે સંપૂર્ણ સ્વાયત્તતા આપશે.

સરકારે હાલમાં 6 આવી સંસ્થાઓ પસંદ કરી છે. જેમાં 3 સરકારી અને 3 ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. સરકારી સંસ્થાઓમાં IISc બેંગ્લોર, IIT બોમ્બે અને IIT દિલ્હી એમ ત્રણ તથા ખાનગી ક્ષેત્રે બીટ્સ પીલાની રાજસ્થાન, મનિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન કર્ણાટક, અને હજી માત્ર ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ રહેલી લગભગ પુણેમાં આવનારી જીઓ ઇન્સ્ટીટયુટ. જેના ચેરમેન હશે નીતા અંબાણી. જીઓ ઇન્સ્ટીટયુટ રિલાયન્સ ફાઉન્ડેશન હસ્તક બનશે.

“ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”નો દરજ્જો આપવા પાછળ ભારત સરકારનો મૂળ હેતુ ભારતની શૈક્ષણિક સંસ્થાઓને નજીકના સમયમાં વિશ્વની ટોપ 500 કે ટોપ 100 સંસ્થાઓની યાદીમાં લાવવાનો છે. જેથી ભારતમાં શિક્ષણનું સ્તર સુધરી શકે.

વિપક્ષ દ્વારા એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે જીઓ ઇન્સ્ટીટયુટ, જે હજી બની પણ નથી તેને “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”નો દરજ્જો અને સાથે 1000 કરોડ રૂપિયા આપીને ચાલુ સરકાર રિલાયન્સને બેફામ પૈસા આપી રહી છે. તો આ વાતમાં બિલકુલ તથ્ય નથી, કારણ કે “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”ના પ્રોવીઝન્સમાં ખાસ લખેલું છે કે નાણાકીય ફંડિંગ માત્ર “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”નો દરજ્જો પામનારી સરકારી સંસ્થાઓને જ મળશે. પ્રાઈવેટ એટલે કે ખાનગી સંસ્થાઓને નહીં મળે. ખાનગી સંસ્થાઓને માત્ર પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે.

વિરોધનો બીજો મુદ્દો એ પણ બન્યો છે કે જો “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”નો દરજ્જો આપવો જ હોય તો એવી સંસ્થાઓને આપો જે બનેલી છે એ કાર્યરત છે જેમકે જવાહરલાલ નેહરુ યુનીવર્સીટી, દિલ્હી યુનીવર્સીટી વગેરે. જીઓ ઇન્સ્ટીટયુટ જે હજી બની નથી તેને આ દરજ્જો આપવાની શું જરૂર હતી? તો આનો જવાબ એવો છે કે “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”ના લાયકાતના ધોરણોમાં સ્પષ્ટ એવું મેન્શન કરવામાં આવ્યું છે કે ‘આ 20 “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”ની યાદીમાં કાર્યરત અને સંભવિત એટલે કે વર્કિંગ, બ્રાઉન ફિલ્ડ(જે કાર્યરત છે અને ઈમ્પ્રુવમેન્ટની જરૂર છે) અને ગ્રીન ફિલ્ડ પર હોય અને એની પાસે પ્રોપર વિઝન હોય તેવી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે.’ વધુમાં હજી 20માંથી માત્ર છ જ સંસ્થાઓની યાદી જાહેર થઇ છે, બાકીની 14માં અન્ય પ્રખ્યાત સરકારી તેમજ ખાનગી બંને પ્રકારની સંસ્થાઓનો સમાવેશ ભવિષ્યમાં થવાનો જ છે.

જીઓ ઇન્સ્ટીટયુટ દ્વારા “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”ના તમામ ક્રાઈટેરીયા ફૂલફિલ કર્યા છે, માટે તેનો આ યાદીમાં ગ્રીન ફિલ્ડ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હજી વધારે પ્રશ્ન ઉઠાવવો હોય તો એ ઉઠી શકે કે “આવી ત્રણ કેટેગરી રાખવાની જરૂર જ શું હતી? શું જે કાર્યરત સંસ્થાઓ છે એમને જ ધ્યાનમાં ન લઇ શકાય?”. તો આ સવાલ બિલકુલ યોગ્ય ગણી શકાય. વિરોધ કરવા માટે આ સવાલ બિલકુલ સાચો છે.

આ પ્રશ્ન અંગે ચર્ચા કરતા પહેલા એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ. આપણે ત્યાં કહેવત છે, “નાનો છોડ અને નાનું સંતાન, વાળીએ તેમ વળે”. આ સવાલનો જવાબ આમાં જ ક્યાંક છુપાયેલો છે. જે સંસ્થાઓ કાર્યરત છે અથવા/અને બ્રાઉન ફિલ્ડ કેટેગરીમાં આવે છે એ સંસ્થાઓને વિશ્વસ્તરીય બનાવવા માટે એના પર ઘણું કામ કરવું પડશે. એના ઇન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને ફેકલ્ટીઝ સુધીના તમામ મુદ્દાઓમાં બદલાવો લાવવા પડવાના છે. જે વધુ ખર્ચાળ છે. ટૂંકમાં પાકા ઘડે કાંઠા ચઢાવવાવાળી વાત થાય. એની જગ્યાએ જે યુનિવર્સીટીઝ હજી બની નથી અને ભવિષ્યમાં બનવાની છે તેમાં વિશ્વસ્તરીય સુવિધાઓનો ખ્યાલ રાખીને એનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એવી જ રીતે પ્રી-પ્લાનિંગથી ડેવલપ કરવામાં આવી શકે. જેના લીધે સુધારાવધારા કરવા પાછળ થતો વ્યર્થ ખર્ચ બચાવી શકાય.

માનવ સંશાધન મંત્રાલય દ્વારા પણ આ જ વાતનું ધ્યાન રાખીને “ઇન્સ્ટીટયુટ ઓફ એમીનેન્સ”ના લાયકાતની કેટેગરીમાં ‘ગ્રીનફિલ્ડ’નો સમાવેશ કર્યો છે. હવે વાત રહી સરકાર દ્વારા રિલાયન્સને ફેવર કરવાની, તો સાદી સમજ છે કે મુકેશ અંબાણી દુરંદેશી ધરાવતા  બિઝનેસમેન છે. આવતી તક ઝડપી લેવામાં એ માહેર છે. આથી જ એમણે જીઓ ઇન્સ્ટીટયુટ ઉભી કરવાની આ તક ઝડપી લીધી. આમાં સરકારનું કુણું વલણ નહિ પણ મુકેશ અંબાણીની બિઝનેસ સ્કીલ્સને કારણભૂત ગણી શકાય. બાકી તો વિરોધના મુદ્દે ચાલુ વિપક્ષ કોઈને ગાંઠે તેમ નથી.

આચમન:- “કદાચ જો જીઓ ઇન્સ્ટીટયુટ ટેલિકોમ ક્ષેત્રમાં જેમ ક્રાંતિ લાવ્યું તેમ ભવિષ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે પણ ક્રાંતિ લઇ આવે તો આ જ વિરોધીઓ આગામી પેઢીને જીઓ ઇન્સ્ટીટયુટમાં ભણવા મુકે તો નવાઈ નહિ”

eછાપું 

તમને ગમશે: ફેસબુક અને ફેક ન્યુઝ: ઝકરબર્ગે જાતેજ પેટ ચોળીને ઉભું કરેલું શૂળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here