સોનેરી શહેર જેસલમેર અને તેની એક યાદગાર મુલાકાત – ભાગ 1

1
550
Photo Courtesy: Sunil Anjaria

સાવ અચાનક જ જેસલમેર ની આ સુંદર મુસાફરીનું  આયોજન થઇ ગયું. યોગી ટ્રાવેલ્સ દ્વારા 10 વાગે રાત્રે અમદાવાદથી ઉપડી સવારે 8.30 કલાકે જેસલમેર પહોંચ્યાં. ગડીસર તળાવ બસ સ્ટોપ ખાતેથી હોટેલ નજીક જ હતી. મેં booking.com થ્રુ બુક કરાવી હતી તે હોટેલ જેસલમેર પેલેસ ગયાં. તે સરસ જગ્યાએ બજાર વચ્ચે,જોવા લાયક સ્થળોની નજીક છે. સૌથી સારુ, આવવા જવાની બસો ગડીસર  તળાવ પાસેથી જ શરૂ થાય છે. હોટેલ સાફસુથરી, કાફેટેરિયા અગાશી ઉપરથી શહેરનું વિહંગાવલોકન કરાવે છે. હોટેલ સારો ખોરાક, ચા વગેરેની સગવડ પણ ધરાવે છે અને WIFI સુવિધા ધરાવે છે. પાસવર્ડ મેળવવામાં તકલીફ ન પડી.

રૂફટોપ  રેસ્ટોરાં પરથી ઘણીબઘી  પીળા પથ્થરથી ચમકતી ઇમારતો જોવા મળી, જે પ્રકાશમાં સોના જેવી ચમકતી હતી. હળવેથી ફૂંકાતા પવનોમાં ઠંડી હવા સાથે છત ઉપર નાસ્તો કરી પછી બજાર માટે નીકળ્યાં. આ સ્થળ સ્થાનિક ખરીદી કરવામાં મુખ્યત્વે ઊંટનાં ચામડામાંથી બનતી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. પટ્ટો, ઊંટનાં ચિત્રોવાળા પર્સ વગેરે ખરીદીઓ કરી. માર્ગ પર સાલેખાન હવેલી આવી. માર્ગદર્શકે જણાવ્યુંકે હવેલીનો અર્થ સારી હવા અને પ્રકાશ આપતી એક ઇમારત છે. બધા પથ્થરનાં માળખાં સિમેન્ટ કે મોર્ટાર વગર બનાવવામાં આવ્યાં હતાં.

પથ્થરોનું જોડાણ આપણા પ્લગ પોઇન્ટ જેવી રચના દ્વારા, જેમાં વિસ્તૃત હાથા સાથે એક સ્લોટ હતો. અન્ય પથ્થરમાં અંદરથી બહાર અને રાઉન્ડમાંથી એક છિદ્ર ચોરસ હતું. પથ્થરને બીજા છેડે કડુ (લોહ રિંગ) હતું. છિદ્રમાં એક સ્લોટ દાખલ કરો અને અન્ય પથ્થરને ખસેડવા કે રીંગ દ્વારા ગોળ ફેરવી ઊંચકો. દરેક પત્થરો માટે જગ્યા નિશ્ચિત હોય છે, પરંતુ કોઈપણ સમયે એક બીજાથી દૂર કરી શકાય છે. વત્તા ઓછા અંશે આપણા tubelight ફિક્સિંગમાં હોય તેના જેવી રીતે એક બીજા સાથે જોડેલા હોય છે. જે સંભાળપૂર્વક એક થી બીજી જગાએ જુદા કરી, લઇ જઈ ફરીથી જોડી શકાતા હોય છે.

લાગતું વળગતું: રણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા

જેસલમેર ની ઘરની સ્ત્રીઓ સામાન્ય રીતે પડદામાં રહે છે અને પુરુષો માટેના ભાગો અને ઘરની મહિલાઓ માટે ઘરમાં અલગ વ્યવસ્થા હોય છે. તે સ્ત્રીઓ ચૂલા પર રસોઈ કરતી જોવા મળી. રાંધવામાં ચૂલા પર બેસાડેલા પથ્થરો સ્ટૂલ જેવી નીચે પાયાવાળી રચનાથી નીચેથી  કચરો, રાખ વગેરેની સફાઇ માટે ઉપયોગમાં લેવાયા હતા. બહારથી હાથી આકારની દીવીઓ કે જે તમે નીચેથી ઊંધુંચત્તુ ખોલી, તેલ ભરવામાં અને ઉપલી  બાજુ પ્રકાશ સાથે દીવા કરવામાં વપરાય. ટીપેટીપે તેલ હાથી સૂંઢ વડે પાણી પીવે તેમ ઉપર જાય છે અને દીવો પ્રગટેલો રહે છે.

ગોખલાઓમાં  દીવા પ્રગટાવવામાં પ્રકાશ આપ્યા પછી જે કાળાશ કાર્બનની બનતી હતી તે મેશનો ઉપયોગ આંખો માટે કાજલ તરીકે થતો હતો.

કાચબા જેવા કેટલાક આકાર, બિચ્છુ વગેરે ઊંધેથી ખુલતી અત્તરદાનીઓ હતી, એક કપાસની વાટ  લઇ અત્તર (ફૂલ તેલ)માં બોળી અને બંધ અત્તરદાનીમાં રેડવાની. હવાની આવજાવ સાથે બહારથી તે  લાંબા સમય માટે સુગંધ આપશે. કેટલીક અત્તરદાનીઓ માટે ગાઈડે જણાવ્યું હતું કે તે 70 થી 100 વર્ષ જૂની હતી!!

વચ્ચે બે  સ્થાનો ઝરૂખામાં એવાં હતાં જ્યાં એક મહીલા હવેલીના એક ઝરૂખામાં ઉભી ઈશારા -ચહેરાના  હાવભાવ દ્વારા સામે દુર ઉભેલા પુરુષ સાથે વાત કરી શકે છે. ખાસ કરીને પોતાના પતિ સાથે.

હવેલીના ફૂલો અને પથ્થર જેવા ડેકોરેશન માટેના પથ્થરો બલ્બ જેવી  fastening Technology દ્વારા મૂળ ભીંતમાંથી દૂર કરી શકાય છે અને બલ્બ ફિક્સ કરીએ એમ જ નિયત જગ્યાએથી કોઈપણ જગાએ લઈજઈ જોડી પણ શકાય છે.  બે બાજુઓથી બળ લાગુ કરીને લોખંડ સ્ટ્રીપ દ્વારા જેમ એક stapler મારીએ તેમ ઘરની દિવાલો સાથે પત્થરોની સીડીઓ જોડી હતી.. આમ ગાઈડના કહેવા મુજબ જેસલમેર સ્થિત આ આખી પ્રચંડ હવેલીને એક એક દીવાલ, સીડી, ડેકોરેશન, ઝરૂખાઓ, બધા સાથે છૂટી કરી એક જગાએથી ઉપાડી બીજી જગાએ ફિટ કરી શકાય. કુટુંબમાં ભાગ પડે ત્યારે હવેલીને આ રીતે છૂટી પડાતી હતી એમ ગાઈડ એ કહ્યું.

નૃત્ય માટેના ખંડમાં રહેલો ફુવારો જે બહારથી આંગણામાંના handpump દ્વારા ઓપરેટ કરી શકાય છે તેવી અદભુત રચના હતી. સિલિંગ્સમાં લટકતાં કાચનાં અરીસાવાળાં હેંગરો સાથેના ફાનસો હતાં જેનાથી પ્રકાશ ગુણાકારમાં અનેક પ્રતિબિંબો રચે અને શો કરનારી નર્તકી તરફ ફોકસ કરી ફેંકે. નર્તકી કે સાજીંદાઓ પર અરીસાઓથી જ બનતું ફોકસ કરતુ પ્રતિબિંબ હતું જે ચોક્કસ lumination સાથે નર્તકો પર પડે  અને આસપાસ પણ. આમ વગર લાઈટે સાઉન્ડ લાઈટ શો રચાતા.

જેસલમેર ની એ હવેલી પાણી આજે પણ રિસાયકલ કરવામાં આવે છે. ધોવા માટે  વપરાયેલું પાણી નહાવામાં ઉપયોગ માં લેવાયેલું અને એ  જ પાણી ખાળ દ્વારા એકત્રિત કરી પછી પોતાં કરવા ઉપયોગમાં લેવાતું.

રેતીના પત્થરો અન્ય  પથ્થર સાથે ઘસાઈને જ પોલિશ થાય છે અને જેમ વધુ હાલચાલ થાય તેમ ચળકે છે. તમારા હાથમાંના ડાઘા વગેરેથી સ્પર્શવામાં આવતાં વધારે ચમકે છે તેથી પત્થરોની ચમકતી અને પીળા આરસ જેવી સપાટી હતી.

જેસલમેર જેના માટે પ્રખ્યાત છે તે સામ કે શામ ડ્યુન્સ એટલેકે  રેતીના ડુંગરોપર 40 કિ.મી. દૂર જવા માટે  એક કાર બુક કરી. કુલ પેકેજ માટે હંમેશા ભાવતાલ કરવા પડે  છે. છેલ્લા દિવસે એક રીક્ષા આમતેમ તથા સેમ ડ્યુન્સ 450 રૂ માં આવવા તૈયાર હતી!! જીપો ભાડું વધુ વસૂલ કરે છે. મેં 40 કિ.મી. આવવા જવા એસી કાર બુક કરાવી. રણમાં ઊંટોની સવારી, ડ્યુન્સ અને સનસેટ પોઇન્ટ સુધી , નજીકના રિસોર્ટ પર ડાન્સ પ્રોગ્રામ, રાત્રી ભોજન, સનસેટ પોઇન્ટ ફરી પાછા- આટલું 3500 રૂપિયામાં હોટેલ દ્વારા બતાવવામાં આવેલ ગાઈડ દ્વારા રૂ 5000 થી શરૂ કરી એટલામાં ઠરાવી.

હોટેલથી સાંજે 4 વાગ્યે  શરૂઆત કરી. 17 કી.મી. દૂર સુધી પહોંચી એક ગામ જે  ભૂતિયા ગામ તરીકે ઓળખાતું તે કુલધરા પહોંચ્યા. કહેવાય છે કે 17મી સદીમાં એક દીવાનને સુંદર કન્યાઓ ઉઠાવી જવાની ખરાબ આદત હતી અને એટલી બધી ચારણ જ્ઞાતિની કન્યાઓનું અપહરણ થયેલું કે તેઓની વસ્તી સ્થળાંતર કરી ગઈ અને તેમનો શાપ સામ્રાજ્યના પતનને નોતરી ગયો. આખું ગામ માનવરહિત છે . બધા ઘરો ખાલી છે અને છતાં પણ હજુ અકબંધ. એક દેરાસર દૂર ચોરી જવાયેલા દેવતા સાથે ખંડેર હાલતમાં હતું  .

તેઓ કહે છે કે અહીં કોઈ સૂર્યાસ્ત પછી રહી  શકતું નથી અને જો રહેવા પ્રયત્ન કરે છે,તો  તેની કોઈ નિશાની પછીના દિવસે જોવા મળતી નથી. સરકારે  સાંજે 6 વાગ્યા પછી પ્રવેશ નિષેધ ફરમાવ્યો છે. કાર પાર્કિંગ રૂ. 50+ વ્યક્તિ દીઠ 20. જો  રસ ન પડે તો જવા દઈ શકો છો.

સેન્ડ ડ્યુન્સથી 5 કી.મી. દૂર કાર ઉભી રહી અને શરુ થઇ ઊંટ સવારી. તેઓ તમારી સાથે ઠંડું  પીણું વગેરે ઊંચા ભાવે અને રૂ40-50માં પાણી બોટલ વગેરે વેંચવા પાછળ પડે છે. ઊંટ સવારી  માટે બાર્ગેઇન શરૂ થાય છે. અમારો તે 3500 રૂ ના પેકેજ માં સમાવેશ કરવામાં આવ્યો હતો તેથી તેને શરૂ કર્યું. સનસેટ પોઇન્ટ યોગ્ય રીતે જોવા વધુ નજીક જવું જરૂરી લાગ્યું. હવે સોદાબાજી શરુ થઇ . હજુ વધારાના 1000 થી શરુ કરી 2 કિ.મી.ના 250 રૂ. લીધા. તેમણે જણાવ્યું કે તેઓ સીઝનમાં આનાથી બમણા લે છે. તેઓ ફિલ્મો અને  કૅલેન્ડર્સમાં બતાવવામાં આવતા વિશાળ રેતીના મેદાનોમાં, રેતીના ડુંગરો પર લઇ ગયા. ઊંટ દ્વારા સીધા ઢોળાવવાળી ટેકરીઓના ચઢાવ ઉતાર પાર કર્યા. જેસલમેર નજીક આવેલા આ રણની રેતી સાંજે સૂર્યપ્રકાશમાં સુવર્ણ જેવી ચમકતી હતી., ખૂબ સુંવાળી અને કરકરી. સમુદ્ર કિનારા પરની  રેતીથી વિપરીત, જે એકદમ ઝીણી, શરીર સાથે ચોંટી જાય એવી હોય છે. સોના જેવી ચમકતી, હાથની મુઠ્ઠી ભરી નીચે ઢોળી શકાય એવી.. અહીં તમે ગોળ આળોટી પણ શકો છો અને એ પણ તમારા જીન્સના પેન્ટપર રેતી ચોંટ્યા વિના.

10 જુલાઈએ સાંજે છેક 7.40 વાગે સૂર્યાસ્ત જોયો! આ છેક પશ્ચિમે આવેલું સ્થળ હોઈ સૂર્યાસ્ત મોડો થાય છે.

પરંતુ મને આશ્ચર્ય થયું. શા માટે આશરે ફક્ત ¾ કી.મી. વિસ્તારમાં જ આ રેતીના ટેકરાઓ નક્કર  જમીન દ્વારા ઘેરાયેલા કવચિત દેખાતાં ઘાસ સાથેની જમીન વચાળે હતા? આસપાસ બીજે ક્યાંય નહીં? આશા રાખું તે પ્રવાસીઓના  પૈસા કમાવા માટે યુક્તિ નથી અને ખરેખર રેતીના કુદરતી ડુંગરો છે. કારણ કે ટ્રાવેલ પુસ્તકો દ્વારા કહેવામાં આવેલાં 100 વર્ષ જૂના પવન દ્વારા બનાવવામાં ટેકરાઓ છે. પરંતુ  એના આકાર એક સરખા કેમ હોઈ શકે અને એ પણ એટલાજ વિસ્તાર માં? પરંતુ આવ્યા એટલે બધું વિચારવાનું છોડી આનંદ માણ્યો.

ચોકી ધાણી રિસોર્ટ આવ્યાં. કંકુ તિલક દ્વારા કન્યાએ સ્વાગત કર્યું. ગાઈડે કહેલાં “વેલકમ ડ્રિન્ક” તરીકે ½ કપ પ્લાસ્ટિક કપમાં ચા, નાસ્તા તરીકે બે ચમચા બટાકા પૌંઆ ખાધા.  શો શરુ થતાં મેં 66 લોકો જ ગણેલા. લોકો હોટેલના પૈસા પણ ભરે અને નાઈટ શો પણ જુએ, ત્યાં રહી ડબલ પૈસા ભોગવે અથવા  પૈસા ભરી શો અને ડિનર જતું કરે. મેં ડીનર અને શો જેના પૈસા ખર્ચ્યા છે એ બન્ને કરીને જ જવું નક્કી રાખ્યું.

પૂર્ણિમાના સંપૂર્ણ ચંદ્ર પ્રકાશ સાથે ઉત્તમ નૃત્ય શો માણ્યો. નૃત્યાંગનાએ આંખની ભમરો દ્વારા  વીંટી લીઘી. તેના ઝડપી ઘુમતા ચણીયાથી સંપૂર્ણ વર્તુળાકાર કર્યો. મોરની કળાઓ કરી. ઍરોબિક જેવી ટ્રિક્સ કરી અને ઢોલના ધબકારા પર ખૂબ ધીમી થી ખૂબ જ ઝડપી ગતિએ નાચી. ત્યારબાદ ઢોલ અને કરતાલના અદભુત તાલમેલનો શો થયો. યુવાન લોકોએ અચાનક ઝડપી અને અચાનક બંધ થતા ઢોલના ધબકારાના સૂરસાથે નૃત્યમાં સાથ પુરાવ્યો. મારે  40 કિ.મી. પાછા જવા હતું અને ડ્રાઈવર આવી ગયો, જે ઉતાવળમાં હતો. જેથી શો અધૂરો મૂકી નીકળી ગયાં ડીનર લેવા. રાત્રિભોજનમાં દાળબાટી, શુદ્ધ ઘી સાકરનું ચૂરમું, લાક્ષણિક રાજસ્થાની રોટી, પંચદાળ સાથે એમની સબ્જી. જેસલમેર જવા ડ્રાયવર  પૂર ઝડપે રવાના થયો. રસ્તો વળતાં આખો સુમસામ- માત્ર બે લશ્કરી ટ્રકો જ મળેલી.

ડ્રાઈવરના આગ્રહ પર ગુલ્ફીની એક દુકાન પર ગયાં. માવા કુલ્ફી પાંદડા પર સર્વ કરી હતી. ફોર્ટ ઉપરથી જૈસલમેર નાં ઘરો, તારાઓની જેમ ટમટમતાં દેખાતાં હતાં. હોટેલની ટેરેસ પરથી ચાંદનીમાં ન્હાતું શહેર અને કિલ્લો જોયાં.

ગાઈડએ કહ્યું કે રાત્રીના 10 વાગે એ રસ્તેથી પસાર થતા એને ડર લાગતો હતો કેમ કે કુલધારા નજીક ઘણાને ભુતાવળના અનુભવો થયેલા. એની દસ વર્ષની ટુરિસ્ટ ગાઈડ તરીકેની કારકિર્દીમાં એ પહેલી વખત આ સમયે એ રસ્તે પાછો ફરેલો. હવે મને એનાં  ટેન્શનનું કારણ સમજાયું.

ક્રમશઃ

ભાગ 2 વાંચવા અહીં ક્લિક કરો.

eછાપું

તમને ગમશે: દરેક ગુજરાતીના ઘરમાં બેજીજક થાણાં જમાવતા આપણા અથાણાં

1 COMMENT

  1. સામાન્ય રીતે પોસ્ટ બરોબર છે પણ જે કુલધરા ની વાત છે તેમાં ચારણ નહીં પણ પાલીવાલ બ્રાહ્મણ ની સ્ટોરી છે.. ને એમાંય પણ કિવદંતી છે જેમ કે જેસલમેર દીવાન સાલીમસિંહ પણ હકીકત માં જેસલમેર માં દીવાન પદે બ્રાહ્મણ જ હતા ને એ રાજ્ય માં સાલીમ સિંહ કરી ને કોઈ દીવાન કે સેનાપતિ કે મંત્રી પણ નથી રહ્યું ( જેસલમેર અભિલેખાગર ભવન કે ભાટી રાજવંશ માં ક્યાં વરસ માં કોણ હતું ને શું નામ ને શું હોદ્દો હતો ઈ સંપૂર્ણ માહિતી મળી જશે ) કુલધરા 12 મી સદી માં તૂર્કી થી આવેલા પાલીવાલ બ્રાહ્મણ સમુદાય ના 84 ગામ હતા જેમાં તેઓ ખેતી ને પશુપાલન ને ઔષધ વિજ્ઞાન પર નિર્ભર હતા.. ઔષધ વિજ્ઞાન ના અનેક પ્રાચીન ગ્રંથો ફક્ત તેઓ જ વાંચી શકનાર પ્રજાતિ હતા પાલી ભાષા જે ને પ્રાકૃત સંસ્કૃત કહે છે તેમની જાણકારી હોવા ના લીધે જ તેઓ પાલીવાલ થી ઓળખાતા હતા.. તેમજ તે ઘણી મોટી રાજ્યસતાઓ સાથે પણ ઉત્તમ ઘરોબો રાખનાર હતા જેથી કોઈ દીવાન જેવી સામાન્ય વ્યક્તિ થી ડરી ને પલાયન કરે ને તે પણ 84 ગામ ના બાળકો પશુઓ સાથે ને પણ સોના ચંદી ના દાગીના ને જીવન જરૂરી ભોજન પકાવનાર સામાન છોડી જાય ઈ થોડું અચરજ ને નવાઈ ભર્યું લાગે છે.. બીજું 1 ગામ ની વસ્તી ફક્ત 1 હજાર ગણી તો પણ 84 હજાર કે 500 ગણી તો 42 હજાર લોકો એક સાથે ક્યાંક પણ સ્થળાંન્ટર કરે ને બીજે કોઈ જગ્યા એની નોંધ પણ નો મળે ઈ શક્ય જ નથી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here