કેરળના પૂરગ્રસ્તોની સહાયતા રાશી માટે પણ શરમજનક રાજકારણ રમાયું

0
292
Photo Courtesy: indiatoday.in

ભારતમાં રાજકારણની સીમાઓ હવે એટલી બધી વિસ્તરી ચૂકી છે કે હવે કઈ ઘટના અંગે રાજકારણ નહીં રમાય એ નક્કી નથી કરી શકાતું. કેરળમાં હાલમાં આવેલા પૂરગ્રસ્તોની સહાયતા રાશી માટે પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં ખુબજ ગંદુ રાજકારણ રમાઈ ગયું જેના વિષે વિચાર કરતા પણ સામાન્ય માણસને શરમ આવે.

Photo Courtesy: indiatoday.in

વાત એવી બની કે કેરળમાં અભૂતપૂર્વ પૂર આવ્યું એ સમાચાર જેમ જેમ ફેલાતા ગયા તેમ તેમ દાન અને સહાયતા માટે પણ લોકો, સંસ્થાઓ અને રાજ્ય સરકારો આગળ આવવા લાગી. શરૂશરૂમાં દક્ષિણના બે-ત્રણ રાજ્યોએ ત્વરિત મદદ કરી અને બસ દેશના બાકીના રાજ્ય સરકારોએ હજી કેરળની પરિસ્થિતિનો તેમજ પોતાની તિજોરીમાં આ પ્રકારે મદદ કરવાની હોય તો કેવી વ્યવસ્થા છે તેનો તાગ મેળવવા માટે જે સમય લીધો એ સમયમાં ભાજપ વિરોધીઓએ ભાજપ, મોદી અને તેમના સમર્થકોને લાગણીવિહોણા કહી દીધા.

એક સામાન્ય સમજ કહે છે કે આપણે વ્યક્તિગતરીતે પણ કોઈ દુખિયારાને મદદ કરવાની હોય તો જે-તે વ્યક્તિને મદદની કેટલી અને કેવી જરૂરિયાત છે એ જોઇને અને પછી આપણા બેન્ક ખાતામાં કેટલા નાણા પડ્યા છે એને ધ્યાનમાં લઈને મદદ કરતા હોઈએ છીએ. કોઇપણ વ્યક્તિ, સંસ્થા કે સરકાર ઘર બાળીને તીરથ ન જ કરે. આ બધું સરકારી સ્તરે કરવામાં જેટલી વાર લાગે એટલીજ વાર આ વખતે પણ લાગી, પરંતુ ભાજપ અને તેની સરકારોને કેવી રીતે ખરાબ પ્રકાશમાં દેખાડવી એ જેમનો જીવનમંત્ર થઇ ગયો છે એમના માટે આ સમયગાળો જાણેકે ઈશ્વરના આશિર્વાદ બનીને આવ્યો.

શરૂઆતમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે 100 કરોડની તાત્કાલિક સહાયની જાહેરાત કરી! પેલા દ્વેષીઓને નવો મુદ્દો મળી ગયો. આ મદદની જાહેરાત થતાંજ તેમણે જૂના રેકોર્ડ્સ ખાસકરીને ગુજરાતમાં, એટલેકે વડાપ્રધાનના ગૃહરાજ્યમાં ગયા વર્ષે આવેલા ભયંકર પૂરના રેકોર્ડ્સ તપાસવાનું ચાલુ કરી દીધું અને તે સમયે કરેલી નાણાંકીય સહાયતા ગૃહ મંત્રાલયના 100 કરોડથી તો ઘણી વધારે હતી એમ કહીને કેરળને અન્યાય અને ખાસ કરીને ઉત્તર ભારતીયો દ્વારા દક્ષિણ ભારતીયોને થતા અન્યાયની વામણી વાતો ફેલાવવી શરુ કરી દીધી.

લાગતું વળગતું: …અને ભાજપ સમર્થકોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ખબર લઇ નાખી

પૂર્વ વડાપ્રધાન અને પિતાતુલ્ય વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીનું અવસાન આ જ દિવસોમાં થયું અને તેમના અવસાનના બીજા દિવસે, તેમના અંતિમ સંસ્કાર તેમજ રોજીંદા મહત્ત્વના કાર્યો પતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સાંજે અસરગ્રસ્ત કેરળની મુલાકાતે ગયા અને એક ઉચ્ચ સ્તરીય બેઠકની ત્યાંજ અધ્યક્ષતા કરી અને ગૃહ મંત્રાલયની અગાઉની જાહેરાત ઉપરાંત 500 કરોડની વધારાની સહાયતાની ઘોષણા કરી. આમ કેરળને કુલ 600 કરોડની સહાયતા માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવી.

કેન્દ્રની સહાયતાની જાહેરાત બાદ વિવિધ રાજ્ય સરકારો જેમાં ભાજપની સરકારોની સંખ્યા સ્વાભાવિકપણે વધારે છે તેમણે એક પછી એક સહાયતા રાશીની ઘોષણા કરવાની શરૂઆત કરી જેમાં ગુજરાત,રાજસ્થાન અને હરિયાણા દ્વારા 10-10 કરોડ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 20 કરોડ મુખ્ય હતી. નાગાલેન્ડ જેવા રાજ્યો જે ખુદ દર વર્ષે પૂરથી પીડાય છે તેણે પણ 1 કરોડની સહાયતા ઘોષિત કરી. તો છત્તીસગઢની સરકારે કરેલી 10 કરોડની સહાયતામાં લગભગ અડધા ચોખાના સ્વરૂપે અને બાકીના કેશ સ્વરૂપે આપવાની ઘોષણા પણ કરી.

કેન્દ્ર સરકારે ઉપરોક્ત 600 કરોડ ઉપરાંત મૃત્યુ પામેલાઓના સગાઓને બે લાખ અને ગંભીરરૂપે ઈજાગ્રસ્તોને પચાસ હજારની અલગથી સહાયતા કરવાની પણ જાહેરાત કરી. વડાપ્રધાને આ ઉપરાંત વિમા કંપનીઓને કેરળમાં ખાસ કેમ્પ લગાવીને જે-તે દાવાઓની પતાવટ તુરંત કરવાની તાકીદ પણ કરી.

જ્યારે પણ કોઈ કુદરતી હોનારત થાય ત્યારે સહાયતા રાશી કરતા એનો કેટલો અને ક્યાં વપરાશ થાય છે એ વધારે  મહત્ત્વનું હોય છે. ભ્રષ્ટાચાર આપણી માનસિકતામાં એટલો વ્યાપ્ત છે કે મરેલા લોકોને મળનારી સહાયતામાં પણ કારકૂનથી મંત્રી સુધી બધાનો હિસ્સો હોય જ છે જેની આપણને પણ ખબર હોય છે.

જો આપણે ધારી લઈએ કે કેન્દ્ર, રાજ્ય તેમજ વિદેશી સરકારો, સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ફાળો જે વડાપ્રધાન અને કેરળના મુખ્યમંત્રીના રાહત કોષમાં આપવામાં આવ્યો છે તે બધુંજ ભેગું થઈને અત્યારસુધીમાં લગભગ 1000 કરોડ રૂપિયા જમા થયા છે તો શું તેની પાઈ પાઈ એક એક અસરગ્રસ્તોની મદદ માટે વપરાશે ખરી? જ્યારે આપણું મન આ સવાલનો જવાબ નકારાત્મક આપે ત્યારે ઉપર જણાવેલું રાજકારણ અત્યંત નીચલા સ્તરનું છે એ સમજાઈ આવે છે.

કોણે કેટલી મદદ કરી એ મુદ્દા ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળની ઘટનાને ‘રાષ્ટ્રીય આપદા’ જાહેર કરવાની માંગણી કરી. ઘણા જાણકારોનું કહેવું છે કે પૂર જેવી ઘટનાઓને રાષ્ટ્રીય આપદા જાહેર કરી શકાય તેવી કોઈજ વ્યવસ્થા આપણે ત્યાં નથી. બીજું, રાષ્ટ્રીય આપદા જાહેર થાય કે ન થાય તેનાથી કેરળના લોકોની પીડા કે તેમને મળવી જોઈએ એ સહાયતા ની તીવ્રતામાં કોઈ ફરક પડશે ખરો? પડવો જોઈએ ખરો? જ્યારે દેશના વડાપ્રધાન ખુદ કેરળના મુખ્યમંત્રીને કહેતા હોય કે કેન્દ્ર તરફથી “બનતી તમામ મદદ” તેઓ કરવા તૈયાર છે, ઉપરાંત બે દિવસમાં બે વખત તેઓ કેરળની મુલાકાત લઇ ચૂક્યા હોય પછી એ રાષ્ટ્રીય આપદા હોય કે ન હોય શું ફરક પડે છે?

મહત્ત્વની વાત અત્યારે એ છે કે કેરળમાં પૂર આવ્યે આટલા બધા દિવસ થયા, ઉપરાંત કર્ણાટકના કોડાગુ જીલ્લામાં પણ કેરળ જેવીજ હાલત છે, પરંતુ કોંગ્રેસી પ્રમુખે તે અંગે ચિંતા વ્યક્ત કરતી tweet કર્યા સિવાય અને કેરળના મુખ્યમંત્રીના રાહત કોષમાં ભરપૂર દાન આપવાની અપીલ કરવા સિવાય બીજું કશુંજ કર્યું નથી.

કેરળના પૂરની ખાનાખરાબી સામે આવ્યાને આજે લગભગ પાંચ દિવસ થઇ ગયા પરંતુ બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં રાહુલ ગાંધી હજી પણ કેરળ કે કર્ણાટકના કોડાગુની મુલાકાતે નથી ગયા. કદાચ તેઓ ભાજપ, ભાજપની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સહાયતા રાશી અંગે પોતાના સેનાનીઓ તેમજ સેનાપતિઓને ટ્રોલ કેમ કરવા એ અંગેના ખાસ વોરરૂમમાં બિઝી હશે, એટલે એમાંથી પોતાનો અમુલ્ય સમય કાઢી નહીં શક્યા હોય એવું માની લઈએ.

eછાપું

તમને ગમશે: આપણે ગુજરાતીઓ દર ઉનાળે છુંદો, મુરબ્બો અને અથાણાં કેમ બનાવીએ છીએ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here