કઈ રીતે ફેન થિયરીઝ અને એવેંજર્સ 4 એક બીજાની સાથે જોડાયેલા છે

0
408
Photo Courtesy: DailyMail

પાછલા અંકમાં આપણે માર્વેલ સિનેમેટિક યુનિવર્સનું વર્તમાન જોયું હતું. માર્વેલ નું યુનિવર્સ ફિલ્મો અને ફિલ્મો ની બહાર કઈ રીતે ઘડાઈ રહ્યું છે એ પણ જોયું હતું. અત્યારે જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ(MCU) છ મહિનાના બ્રેક પર છે. MCUની આગામી ફિલ્મ કેપ્ટન માર્વેલ માર્ચમાં રિલીઝ થવાની છે, અને એવેન્જર્સ ની આગલી કડી એપ્રિલ-મે આસપાસ રિલીઝ થવાની છે. અને આટલો ગાળો ફેન્સ અને ફેન થિયરીઝ માટે પૂરતો છે. અત્યારે સહુથી વધારે ફેન થિયરીઝ એવેન્જર્સ 4 માટે લખાઈ રહી છે. પાછળ જોયું એમ MCUનું ભવિષ્ય બદલાઈ રહ્યું છે અને એમાં એવેન્જર્સ 4 અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે. તો આવો જોઈએ ફેન થિયરીઝ અને એવેંજર્સ 4 નું કનેક્શન, જેમાં MCUના ભવિષ્યની આગાહીઓ પણ છે. આવો એમની અમુક આગાહીઓ પર નજર નાખીએ.

શું આ હીરોઝ ખરેખર મૃત્યુ પામ્યા છે? જો ના તો એ બધા ક્યાં છે? અને હવે એનું શું થશે?

થાનોસ અને બાળ ગમોરા સૉઉલ સ્ટોનમાં courtesy: MCU Wikia

ગયા અંકમાં આપણે જોયું કે અમુક સુપરહીરોઝને થાનોસની ચપટીએ ધૂળ બનાવી દીધા છે અને એ લોકો મૃત્યુ પામ્યા છે. અને એમાંના ઘણા પાત્રોની સિક્વલ નું શૂટિંગ થઇ રહ્યું છે. જો એ પાત્રો મરી ગયા હોય તો એની સિક્વલ કઈ રીતે બને? મતલબ એ પાત્રો મર્યા નથી, અને એવેંજર્સ 4 ની વાર્તાનો મોટો ભાગ આ પાત્રો ક્યાં છે અને એને કઈ રીતે બચાવવામાં આવશે એના પર જ કેન્દ્રિત રહેશે. જોકે આ બંને પ્રશ્નોના જવાબ માટેની હિન્ટ આપણી પાસે પહેલે થી છે. મૃત્યુ પામેલા (અથવા ઉડી ગયેલા) ઘણા પાત્રો સોલ ડાઈમેંશન(Soul Dimension)માં હશે. કઈ નહિ તો એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ના એક સીનમાં બતાવ્યા પ્રમાણે ગમોરા તો સોલ ડાઈમેંશનમાં જ છે. અને કદાચ બીજા બધા સુપરહિરોઝ પણ ત્યાં જ હશે.

આ તરફ એન્ટ મેન ની બંને ફિલ્મોમાં ક્વોન્ટમ ડાઈમેંશન એક મહત્વનો ભાગ ભજવે છે. ક્વોન્ટમ ડાઈમેંશનમાં પહોંચવાના ઘણા રસ્તાઓ પૈકી એક પોતાની જાતને એક અણુ કરતાંય નાના થવાનો છે. અને ક્વોન્ટમ ડાઈમેંશનમાંથી ટાઈમ ટ્રાવેલ પણ થઇ શકે છે. અને ડોક્ટર સ્ટ્રેન્જમાં બતાવ્યા પ્રમાણે જાદુથી પણ ક્વોન્ટમ ડાઈમેંશનમાં જઈ શકાય છે. અને ડોક્ટર સ્ટ્રેન્જ બીજા ગમે તે ડાઈમેંશનમાં જઈ શકે છે.

ઉપરાંત આ વર્ષની શરૂઆતમાં એવેંજર્સ 4 અમુક સેટ પિક્ચર્સ ઇન્ટરનેટ પર ફરતા થયા હતા જેમાં બધા મૂળ એવેંજર્સ અને એન્ટ મેન દેખાય છે. અને મૂળ એવેંજર્સ (કેપ્ટન અમેરિકા, આયર્નમેન, હલ્ક અને હોકઆઈ) 2012 ની એવેંજર્સ ના કોસ્ચ્યુમમાં ફરે છે. અને બધાના હાથમાં સિવિલ વોરની શરૂઆતમાં દેખાડેલું BARF ડિવાઈઝ છે. આ એજ ડિવાઈઝ છે જેની મદદથી ટોની સ્ટાર્કે એના માતાપિતા સાથે ની યાદો તાઝા કરે છે.

એવેન્જર્સ 4 નો એક સેટ ફોટો (જમણે થી)એન્ટ મેન, કેપ્ટન અમેરિકા, ટોની સ્ટાર્ક અને મોશન કેપ્ચર સૂટમાં હલ્ક. આ કપડાં 2012ની એવેન્જર્સ જેવાજ છે.Courtesy: DailyMail

એટલે આ ફોટા અને એન્ટ મેન એન્ડ ધ વાસ્પ બન્નેને જોડીએ તો એક (લગભગ સો ટકા સાચી લગતી) શક્યતા એ હોઈ શકે છે કે એન્ટ મેન ક્વોન્ટમ ડાઈમેંશન થી ટાઈમ ટ્રાવેલ કરીને 2012ના ન્યુયોર્કમાં પહોંચશે જ્યાં બે ઇન્ફિનિટી સ્ટોન્સ છે, અને એ એવેન્જર્સને આ બંને સ્ટોન ગમે તે ભોગે સાચવવા સમજાવશે. અને થાનોસ ની જેમ જ પોતે છએ સ્ટોન્સ ની મદદ થી ઇન્ફીનીટી વોર ની ઈવેન્ટ્સ કેન્સલ કરવાનો પ્રયાસ કરશે.

અને એમાં જયારે વોર્મીંરમાં જઈ સોલ સ્ટોન મેળવવાની વાત આવશે ત્યાં કોઈએ પોતાની નજીકના વ્યક્તિનું બલિદાન દેવાનું થશે અને એ લઈજાય છે આપણને આપણી આગલી થિયરી અને આગલા સવાલ પર.

જે કલાકારોના કોન્ટ્રાકટ પુરા થાય છે એને કઈ રીતે વિદાય આપવામાં આવશે?

કેપ્ટન અમેરિકા બનતા ક્રિસ ઇવાન્સ અને આયર્નમેન બનતા રોબર્ટ ડાઉની જુનિયર બંનેના કોન્ટ્રાકટ એવેન્જર્સ 4 થી પુરા થાય છે. અને એ બંને એક્ટર્સ MCUમાં પહેલા જેવા એક્ટિવ નહિ રહે. ક્રિસ ઇવાન્સે કેપ્ટન અમેરિકા તરીકે પાછા ન ફરી બીજા સારા રોલ્સ પર ધ્યાન આપવાનું વિચાર્યું છે. અને આ તરફ રોબર્ટ ડાઉની જુનિયર પોતાના પ્રોડકશન હાઉસ પર ધ્યાન આપવા માંગે છે. આ તરફ થોર બનતા ક્રિસ હેમ્સ્વર્થ અને લોકી બનતા ટોમ હીડલસ્ટન નાં કોન્ટ્રાકટ પણ પુરા થવા પર છે. જોકે ક્રિસ હેમ્સ્વર્થ ફરી એકવાર થોર બનવા માટે ઉત્સાહી હોય એવું લાગે છે પણ ટોમ હીડલસ્ટન અને હેઈમડાલ બનતા ઈદ્રીસ ઍલ્બા બંનેને MCUમાં પાછા ફરવાની કોઈજ ઈચ્છા નથી. જોકે હલ્ક બનતા માર્ક રાફાલો અને નતાશા રોમાનોફ બનતી સ્કારલેટ જોહન્સન બંનેના કોન્ટ્રાક્ટમાં એવેંજર્સ 4 પછી ઓછામાં ઓછી એક ફિલ્મ છે. આ બધી માહિતીનો એક મતલબ એ નીકળે કે કેપ્ટન અમેરિકા અને આયર્નમેન આ બે માંથી એક એવેન્જર્સ 4 માં કાયમ માટે મૃત્યુ પામશે અને બીજું પાત્ર જો જીવતું હશે તો એને રિટાયરમેન્ટ આપવામાં આવશે. અને ભવિષ્યમાં આ બીજા પાત્રને ફરી એક વાર કોઈ કેમીઓ માટે લાવી શકાય એના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે.

આ ઉપરાંત સાંભળેલી અફવાઓ પ્રમાણે એવેંજર્સ 4 ના શૂટિંગમાં ક્રિસ ઇવાન્સ અને પેગી કાર્ટર બનતી હૈલી એટવેલ નો પણ એક સીન ફિલ્માવવામાં આવ્યો છે જેમાં 1930ના દશકના એક સીનમાં બંને ડાન્સ કરતા હોય અને એ સીનમાં કેસરી રંગનું બેકગ્રાઉન્ડ હશે. ઉપર રાખેલા એક પિક્ચરમાં પણ કેસરી બેકગ્રાઉન્ડ છે. જ્યાં સોલ સ્ટોનમા રહેલા આત્માઓ દર્શાવ્યા છે. અને સોલ સ્ટોન મેળવવા માટે કોઈએ પોતાની નજીકની વ્યક્તિનું બલિદાન આપવું પડે છે. મતલબ કોઈ નજીકના વ્યક્તિને સોલ સ્ટોન મળે એટલે કેપ્ટન અમેરિકાએ પોતાનું બલિદાન આપ્યું હશે. અને એ નજીકનો વ્યક્તિ બીજું કોઈ નહિ પણ ટોની સ્ટાર્ક હશે. ટોની સ્ટાર્ક એવેન્જર્સ 4 પછી રિટાયરમેન્ટ લઈને પોતાના કુટુંબ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશે, અને જરૂર પડ્યે નવા એવેન્જર્સને માર્ગદર્શન આપશે. આ નવા એવેન્જર્સમાં સ્પાઇડરમેન, ડોક્ટર સ્ટ્રેન્જ, બ્લેક પેન્થર અને કેપ્ટન માર્વેલ જેવા સુપરહિરોઝ પણ હશે.

ક્યાં છે કેપ્ટન માર્વેલ?

કેપ્ટન માર્વેલ નું પોસ્ટર Courtesy: Marvel.com

કેપ્ટન માર્વેલ અત્યારના MCU ની સહુથી પાવરફુલ હીરોઝ માંથી એક છે. અને થાનોસને હરાવવામાં એવેંજર્સ સેનાનો હિસ્સો કેપ્ટન માર્વેલનો સુપર-ફાળો હશે. કેપ્ટન માર્વેલની ફિલ્મ 1990માં આકાર લે છે જેમાં બ્રહ્માંડની બે સહુથી પાવરફુલ જાતિઓ ક્રિ અને સ્ક્રલ વચ્ચેના યુદ્ધમાં તે ફસાય છે અને અંતે ક્રિ લોકોની સાથે ભળી સ્ક્રલ ને હરાવવામાં મદદ કરે છે. આ દરમ્યાન તેને ક્રિ ના સુપરપાવર મળે છે. જેનાથી તે પૃથ્વી પર ની સહુથી બળવાન યોદ્ધા બને છે.

જો કેપ્ટન માર્વેલ 1990માં પૃથ્વીની સહુથી બળવાન સુપરહીરો હોય તો એ 1990થી અત્યાર સુધી ક્યાં હતી? અને શા માટે છેલ્લા દસ વર્ષમાં એકાદા બે ઉલ્લેખ સિવાય કેપ્ટન માર્વેલ નો કોઈ ઉલ્લેખ કેમ નથી? અને નિક ફ્યુરીનાં એ પેજર મેસેજનો અર્થ શું હતો?

લાગતું વળગતું: હવે આપણને બહુ જલ્દીથી મળવા આવશે Marvel Studio ની Captain Marvel

કેપ્ટન માર્વેલ નું પાત્ર ભજવતી બ્રી લાર્સન ના કહેવા પ્રમાણે તેનું પાત્ર આક્રમક હશે અને તે ઝડપથી ગુસ્સે થઇ શકે એવું છે. એટલે તે ફિલ્મની ઈવેન્ટ્સ પછી તરતજ પૃથ્વીથી દૂર જતી રહેશે. અને પોતાના પ્રોબ્લેમ્સને દૂર કરી રહી હશે. અને એ દરમ્યાન એ સ્ક્રલ્સ ને પૃથ્વી પર આક્રમણ કરતા રોકવા માટે બનતા પ્રયત્નો કરતી હશે. અને એટલેજ તે પૃથ્વી થી અને પૃથ્વીના પ્રોબ્લેમ્સ થી દૂર હશે. અને કેપ્ટન માર્વેલ ફિલ્મમાં એવી ઘટનાઓ બની હશે જેને દબાવવા માટે શિલ્ડ અને નિક ફ્યુરી એ પ્રયત્નો કર્યા હશે એટલે કેપ્ટન માર્વેલ વિષે નિક ફ્યુરી સિવાય કોઈને કઈ ખબર નહિ હોય.

માર્વેલમાં X-Men અને ફેન્ટાસ્ટિક 4 કઈ રીતે ભળશે? અથવા માર્વેલ યુનિવર્સનું ભવિષ્ય શું હશે?

ડિઝની અને 21સ્ટ સેન્ચુરી ફોક્સ ની જાહેરાત નું પોસ્ટર Courtesy: marvelstudiosnews.com

મેં અહીંયા એક થી વધારે વાર કહ્યું છે કે ડિઝની અને ફોક્સનાં મર્જરના લીધે માર્વેલ સ્ટુડિઓઝ ની વાર્તાઓ પર બહુ મોટો ફરક આવશે. અને જયારે આ મર્જર માત્ર એક ફોર્માલિટી બની રહ્યું છે ત્યારે એવેન્જર્સ 4 પછી ડિઝની માટે ડેડપૂલ, એક્સ-મેન અને ફેન્ટાસ્ટિક ફોર સહીત ઘણા પાત્રોને માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં સમાવવા ના દરવાજા ખુલ્લા થઇ જશે. પણ અહીં ખાટલે મોટી ખોડ એ છે, કે જયારે એક્સ-મેન અને ફેન્ટાસ્ટિક ફોર ના પાત્રો માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં એન્ટ્રી મારશે ત્યારે કોમિક્સમાં એની સાથે કામ કરી રહેલા ટોની સ્ટાર્ક અને બ્રુસ બેનર જેવા પાત્રો ઓલરેડી વિદાય લઇ રહ્યા હશે કે વિદાય લઇ ચુક્યા હશે. ઉપરાંત માર્વેલ કોમિક્સમાં એક્સ-મેન અને એવેન્જર્સ વચ્ચેની ખેંચતાણ બહુ કોમન થીમ છે. પણ આ ખેંચતાણ કરવા માટે માર્વેલ પાસે એ જુના એવેન્જર્સ નહિ હોય. તો અત્યાર સુધી કોમિક્સની થીમને વફાદાર રહેલી MCU આ ફેરફારને કઈ રીતે હેન્ડલ કરી શકશે?

વેલ અહીંયા માર્વેલ પાસે એનો પણ જવાબ છે. MCU માં અત્યારે ચાલી રહેલા ફેઝ ત્રણમાં આ થીમ બહુ કોમન છે, જે છે જોડીદાર. માર્વેલ ના આ ફેઝ માં બ્લેક પેન્થર અને ડોક્ટર સ્ટ્રેન્જ સિવાય કોઈ ફિલ્મ સોલો હીરો ની ફિલ્મ નથી. થોર રેગ્નારોક માં થોર ની સાથે હલ્ક છે, અને સ્પાઇડરમેનમાં એની સાથે આયર્નમેન છે. ઉપરાંત સિવિલ વોરમાં બ્લેક પેન્થર નો સારી રીતે પરિચય કરાવ્યા બાદ બ્લેક પેન્થરની સોલો ફિલ્મ આવી છે. એટલે માર્વેલ માટે એક ફિલ્મમાં એક બીજા હીરોને સાઈડ પાત્ર તરીકે દેખાડવું કોઈ નવી વાત નથી. અને અહીંયા પણ એ જ થઇ શકે છે.

સ્પાઈડરમેન ની આગામી ફિલ્મો માંથી કોઈ એકમાં ફેન્ટાસ્ટિક ફોરના એકાદ પાત્રને પીટર પાર્કરના પ્રોફેસર કે ક્લાસમેટ તરીકે દેખાડી શકાય. એવેન્જર્સ 4 ની જે ઘટનાઓ થશે એની આડ અસર તરીકે એક્સ-મેન માં દર્શાવેલું મ્યુટેશન થાય છે એવું દેખાડી શકાય. કોમિક્સમાં દર્શાવ્યું છે એમ અમુક એક્સ-મેન ના પાત્રો ના અત્યારના એવેન્જર્સ સાથેના સંબંધો નો ઉપયોગ કરી શકાય. જેમકે કોમિક્સમાં બ્લેક પેન્થર અને મ્યુટન્ટ સ્ટોર્મ એકબીજાના પ્રેમમાં હોય છે. અને એવી રીતે એક્સ-મેન ને ધીરે ધીરે ઈન્ટ્રોડ્યુસ કરીને ફેઝ 4 ના અંતમાં એક્સ-મેન અને ફેન્ટાસ્ટિક ફોર ને સંપૂર્ણ પણે માર્વેલના ભાગ બનાવી શકાય.

આ ઉપરાંત કેપ્ટન માર્વેલની વિલન પ્રજાતિ સ્ક્રલ્સ પોતાનો આકાર બદલી કોઈ પણ વ્યક્તિ નો આકાર લેવાની ક્ષમતા ધરાવે છે. અને કોમિક્સમાં આ વાત નો ઉપયોગ કરી સિક્રેટ વોર્સ ની વાર્તા બનાવવામાં આવી છે, જેમાં અમુક સ્ક્રલ્સ કેટલાક સુપરહિરોઝ અને સરકારમાં રહેલા ખાસ વ્યક્તિઓને બદલે એના રૂપમાં ગોઠવાય છે અને ધીરે ધીરે પૃથ્વીને ખતમ કરી દેવાની યોજનાઓ કરે છે. માર્વેલ આ સ્ટોરી લાઈન ની મદદથી બે-ત્રણ ફિલ્મો આરામથી બનાવી શકે છે. જેમાંની એક એવેન્જર્સ પણ હોઈ શકે.

અપડેટ: આ લખાય છે ત્યારે માર્વેલ તરફથી એક નવી ફિલ્મની જાહેરાત થઇ છે જેનું નામ છે ધ ઈટર્નલ્સ. આ લાંબું જીવતી એક પ્રજાતિનું નામ છે. કોમિક્સ અને સિનેમેટિક યુનિવર્સમાં થાનોસ ત્રીજી પેઢીનો ઈટર્નલ છે અને આ ફિલ્મનું મુખ્ય પાત્ર એક ચોથી પેઢીની ઈટર્નલ સેરસી છે જે ઘણી વાર એવેન્જર્સ સાથે સાહસ કરતી હોય છે.

આવી બહુ બધી સાચી ખોટી ફેન થિયરીઝ અત્યારે ઇન્ટરનેટ પર ફરી રહી છે. જેમની અમુક માર્વેલ યુનિવર્સની ફિલ્મોની અંદર અને બહારની માહિતીઓના  ઝીણવટ ભર્યા અવલોકન પછી આવી છે. અને અમુક એમજ ઈચ્છાઓ ને ફેન થિયરીઝ તરીકે ફેરવે છે. આ થિયરીઝ કેટલી સાચી છે અને આમાંની થિયરીઓને કઈ રીતે ખોટી પાડવા માટે આ ફિલ્મોના ડિરેક્ટર્સ દ્વારા ખોટી માહિતી લીક કરવામાં આવી છે એ તો માર્ચ મહિના પછી જ ખબર પડશે. ત્યાં સુધી…

 

મે ધ ફોર્સ બી વિથ યુ,

eછાપું

તમને ગમશે: વાત કોચમેન અલીડોસાની – કાળજા કે’રો કટકો જ્યારે બાપ થી દૂર જાય…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here