Section 377 ની નાબુદી – જેટલું દેખાય છે એટલું સોનું નથી!

0
386
Photo Courtesy: indianexpress.com

સજાતીય સંબંધો, બીજા શબ્દોમાં કહીએ તો સમલૈંગિક સંબંધો વિશે હમણાં જ દેશની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. 1862 માં લાગુ કરવામાં આવેલા IPC ની ધારા 377 માં સુધારા કરવામાં આવ્યા. જૂના કાયદા હેઠળ, IPC (ઇન્ડિયન પેનલ કોડ)ની ધારા 377 માં આ પ્રમાણે જોગવાઈ કરવામાં આવી હતી કે “બે વયસ્ક વચ્ચે પ્રકૃતિની વ્યવસ્થા વિરુદ્ધનાં સંબંધ પાંગરે, એટલે તેને અપરાધ ગણવામાં આવે છે. આરોપ સાબિત થતાં, આરોપીને આજીવન કેદ અથવા તો 10 વર્ષ સુધીની સજાની સાથે આર્થિક દંડની પણ જોગવાઈ છે.” પણ, સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે “દરેકે દરેક વ્યક્તિને પોતાના સન્માન સાથે જીવવાનો અધિકાર છે અને ગે સેક્સ એ અપરાધ નથી ”

સમલૈંગિક સંબંધો વિશે 2013 માં વિપરીત ચુકાદો આપવામાં આવ્યો હતો પણ આ જ ચુકાદાને રદ કરવામાં આવ્યો અને 6th September, 2018 એ સુપ્રીમ કોર્ટે કહ્યું કે “સમલૈંગિક યૌન સંબંધ એ ગુનો નથી. LGBT (લેસ્બિયન, ગે, બાઈ સેક્યુઅલ, ટ્રાન્સજેન્ડર) વ્યક્તિઓને પણ સમાનતાના અધિકાર છે અને તેનું સન્માન થવું જોઈએ. એક ખાનગી જગ્યામાં વયસ્કો વચ્ચે સહમતિજન્ય સંબંધ હોય કે જે સ્ત્રીઓ અથવા બાળકો માટે હાનિકારક નથી, તેને સુપ્રીમ કોર્ટ નકારી શકાતી નથી કારણ કે તે વ્યક્તિગત પસંદગીની બાબત છે. કલમ 377 ના જૂના પરિણામો ભેદભાવ અને બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. ”

આ તો વાત થઈ, ધારા 377 ની. જેવો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એટલે તરત જ સોશિયલ મીડિયા પર વધામણાં ચાલુ થયાં. LGBT કમ્યૂનિટીનો ફ્લેગ સોશિયલ મીડિયામાં બધે ફરફરતો જોવા મળ્યો. ફ્રીડમ અને સંપૂર્ણ પ્રેમના અહેસાસનાં ટ્વીટ ફરતાં જોવા મળ્યાં. બોલીવુડ, પોલિટિક્સ, સ્પોર્ટ્સ, અને એવા તમામ પ્રકારના સ્થાનેથી અનેક સંદેશાઓ આપવામાં આવ્યા. દરેક નાગરિકે પોતાનો મત વ્યક્ત કર્યો. એટલે એના પર લખવામાં, એક રાઇટર તરીકે મારે પાછી પાની નથી કરવી.

સૌથી પહેલાં તો સજાતીય સંબંધ શું છે એ વિશે વાત કરીએ. આમ જોતાં, આ મુદ્દે આજથી ઘણાં વર્ષો પહેલાં વાત ન થતી. કાયદાઓમાં ભલે એ વિશે જોગવાઈ કરવામાં આવી હોય, પણ સજાતીય આકર્ષણ વિશે વાત કરવી એ એક અધરો વિષય હતો. કદાચ વિચાર કરવા માટે પણ હિંમત જોતી. એવામાં યૌન સંબંધ વિશે લખાવા માટે તો કેમ વિચારાય? પણ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, આજે આપણે ઓપનલી આ વિશે વાત કરતા અચકાતા નથી અને સજાતીય સંબંધો વિશે ઘણું બધું લખાઈ પણ રહ્યું છે. સમાજના નિયમોની “ઐસી કી તૈસી”. “રાજા ને ગમે તે રાણી” ને બદલે “રાજા ને ગમે તે રાજા” જેવી કહેવતો પ્રચારમાં આવશે. શારીરિક ફેરફાર અનુભવતાં મનુષ્યો માટે પ્રેમ એટલે એક સજાતીય કે વિજાતીય આકર્ષણ. વિજાતીય આકર્ષણ હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો પણ સજાતીય આકર્ષણ થાય તો તેને વિશે વાત કેમ કરવી, તેને સ્થાન આપવું કે નહીં કે પછી સમાજ સ્વીકારશે કે નહીં તે માટે અટકળો ચાલુ થાય છે. સ્ત્રી – સ્ત્રી સાથે, પુરુષ – પુરુષ સાથે સંબંધ બાંધે તો તે હવે નવાઈ નહીં લાગે. પહેલા પણ આવા કિસ્સાઓ ખાનગીમાં બન્યાં છે અને હશે જ , જેને હવે “સમ્માન” સાથે સ્વીકારવામાં આવશે.

પણ મારી જેમ કદાચ મારા આ લેખના વાચકવર્ગને એવું લાગે છે કે આજકાલ કોઈ પણ ઘટના, પરિસ્થિતિ, સમય, સંજોગ, કે પછી કાયદાઓ પર બહુ હોબાળો મચાવવામાં આવે છે? એમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારની ઘટનાને એક અલગ જ વેગ આપવા બધાં તૈયાર થઈ જાય છે. Section 377 માં ફેરફાર સાથેનો ચુકાદો, એ જ એક મોટો દાખલો છે. પ્રેમને બંધન નથી કે એને બાંધી શકાય નહીં. પ્રેમ કરવા માટે કોઈની પરમિશનની જરૂર નથી. અને હવે તો એમ કહી શકાય કે પ્રેમને જાતીય બંધનો પણ નડતાં નથી.

અહીં, “સમ્માન” કેટલું અને કેવું અપાશે તે તો વખત જ કહેશે પણ જે – તે વ્યક્તિઓ સિવાય તેમનાં કુટુંબ માટે આવા નિર્ણયો એક પડકાર લઈને ચોક્કસ આવશે. હજી આપણા દેશમાં “સમાજ” નામક સંસ્થા છે જે દરેક સંબંધને તેણે શોધેલા નિયમથી બાંધી રાખે છે. સમાજ માટે મારા વિચારો હંમેશા અલગ રહ્યાં છે અને રહેશે.

સમલૈંગિક સંબંધોને પ્રોત્સાહન આપવામાં બોલીવુડ પણ પાછળ નથી. ચુકાદો આવ્યાના થોડાક જ સમયમાં અભિષેક બચ્ચનથી લઈને કરણ જોહર અને દીપિકા પદુકોણથી લઈને રણવીર સિંહ સુધીનાં કલાકારોએ આ “ઐતિહાસિક ઘટના” ને બિરદાવી અને સપોર્ટ આપ્યો. સોશિયલ મીડિયાના સથવારે આ સમાચારને સમર્થન આપતા લોકોમાં વધારો થયો. ઉજવણી પણ કરવામાં આવી. અને એક જોતાં સારું લાગે કે લાગણીઓ વ્યક્ત કરવા માટે જે – તે વ્યક્તિ સામે કોઈ ઊંચી દિવાલ નથી. રોકટોક વગર કોઈ પણ વ્યક્તિ તેની લાગણીઓ, તેમાં રહેલા આવેશને વ્યક્ત કરી શકશે. અરે.. મિયાં.. મિયાં..રાઝી.. અથવા તો બીવી.. બીવી.. રાઝી તો ક્યા કરેગા કાઝી.. જેવું થશે.

આપણે એક એવા સમયમાં રહીએ છીએ જ્યાં લગ્ન વગર સાથે સંકળાયેલા રહેવું, લગ્ન પહેલાં બાળકની માતા બનવું, લગ્ન પછી સામાન્ય મતભેદો હોય તો પણ જલ્દી જ છૂટા પડવું, બીજા લગ્ન કરવા, આ બધી જ ઘટનાઓનો હવે સામાન્ય જીવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પણ, હવે તો જો LGBT કમ્યૂનિટીમાં વધારો જોવા મળે તો પણ નવાઈ નહીં લાગે. સેક્સ લાઈફ માણવા માટે હવે સમલૈંગિક સંબંધોનો ઉપયોગ કરવામાં આવે તો નવાઈ નહીં રહે.

Section 377 ના ચુકાદા બાદ, ખરા અર્થમાં એક નવી વિચારધારા સાથેના સમાજનું ઘડતર થશે એવી આશાઓ સેવાઈ રહી છે. અને હોપફુલી થશે તેવી આશા તો હું પણ રાખું છું. એટલી જ પ્રાર્થના કરીએ કે લોકોને આ પરિવર્તિત નિયમોને અપનાવવા માટે પણ એક વિશાળ મન અને હિંમત મળતી રહે. નવા સમાજનાં પાયામાં પ્રેમની લાગણીઓ સાથે એક નવો ઇતિહાસ રચાય તેમ લાગે છે. સમાજનો “જવાબદારીઓ” થી ભાગવાવાળો વર્ગ પણ આનાથી આકર્ષાય તો નવાઈ નહીં લાગે. ફ્રીડમને નામે આપણી યુવાપેઢી ગેરમાર્ગે ન દોરાય તેવી અભ્યર્થના.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: શું રાહુલ ગાંધી ખરેખર યૂથ આઇકોન છે ખરા? – એક ચર્ચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here