Thugs Of Hindostan કોની કોપી વધુ અને કોની કોપી બિલકુલ નહીં?

0
362
Photo Courtesy: hindustantimes.com

Thugs Of Hindostan, એક એક્શન – એડવેન્ચરના મસાલાથી ભરપૂર ફિલ્મ, કે જે વિજય કૃષ્ણ આચાર્યએ લખી પણ છે અને તેઓ પોતે જ આ ફિલ્મનાં ડાઇરેક્ટર પણ છે, તે 7 નવેમ્બર, 2018 એ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ખાસ એટલા માટે છે કારણ કે આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની રહી છે અને અમિતાભ બચ્ચન અને આમિર ખાન પહેલીવાર એકસાથે પડદા પર જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં જેકી શ્રોફ, કૈટરીના કૈફ, ફાતિમા સના શેખ,  જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે. યશરાજની ફિલ્મ હોય અને આટલા બધા દિગ્ગજ કલાકારો તેમાં સામેલ હોય એટલે તેના વિશે વધુ  જાણવામાં અને તેનો કોન્સેપ્ટ સમજવામાં બધાને રસ હોય જ રાઈટ?

Photo Courtesy: hindustantimes.com

Thugs Of Hindostan, એ Philip Meadows Taylor ની 1839 ની નોવેલ “Confessions of a Thug” પર આધારિત છે, જેમાં એક આમિર અલી નામના ઠગની વાત છે જેણે પોતાની ગેંગ સાથે મળીને બ્રિટિશ સરકારના નાકમાં દમ કર્યો હતો. ફિલ્મમાં પણ 1790 થી 1805 વચ્ચેનો સમયગાળો રજૂ કરીને, ઘટનાઓનું કાલ્પનિક વર્ણન બતાવવામાં આવ્યું છે પરંતુ Thugs Of Hindostan એ Confessions of a Thug અથવાતો આપણા હરકિસન મહેતાની અત્યંત લોકપ્રિય નવલકથા, અમીર અલીની પીળા રૂમાલની ગાંઠ પર આધારિત છે એવું માનવાની ભૂલ હરગીઝ ન કરાય.

આ કોઈ સીક્રેટ નથી કે આમિર ખાન પોતે બાળપણથી અમિતાભ બચ્ચનના ફૅન રહ્યા છે. અને કદાચ એટલે જ તેઓ શૂટિંગના પહેલા દિવસે પોતાના આદર્શ અમિતાભને જોઈને, સ્પીચલેસ થઈ ગયા હતા. કદાચ એને “ફૅનબોય મોમેન્ટ” કહી શકાય. આમિરની જ ભાષામાં કહીએ તો તેનાં વર્ણન પ્રમાણે તેમને પહેલા દિવસે એક પણ ડાયલૉગ યાદ નહોતા રહેતા, લાઇન્સ ઠીક રીતે બોલાતી નહોતી અને પછી આખા સેટ પર દરરોજ તેઓ એટલા માટે ખુશ હતા કેમકે તેઓ અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા હતા.

19 મી સદીના ઠગ કલ્ચર પર આધારિત આ ફિલ્મને પહેલાં તો હોલીવૂડની ચર્ચિત ફિલ્મ “Pirates Of The Carabbian” સિરીઝ સાથે સરખાવવામાં આવી હતી પણ આમિર ખાનએ બધી શંકાઓ દૂર કરવા માટે કહ્યું હતું કે આ ફિલ્મ બનાવવા માટે આવી કોઈ પણ સિરીઝથી પ્રેરણા લેવામાં આવી નથી. જોકે 26 સપ્ટેમ્બર, 2018 એ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું અને તેના ઘણા બધા દ્રશ્યો અને આમિરની બોડી લેંગ્વેજ જોતાં મને હોલીવૂડનાં પ્રખ્યાત કલાકાર Johnny Depp ની યાદ ચોક્કસપણે આવી.

Thugs Of Hindostan ને બોલીવુડની અત્યાર સુધીની સૌથી મોટી અને મોંઘી ફિલ્મ ગણવામાં આવે છે. 200 કરોડના બજેટ સાથે બની રહેલી આ ફિલ્મનાં સેટ ભારતની ઓડિયન્સએ ક્યારેય કલ્પના નહીં કરી હોય, તેવાં છે. આ ફિલ્મ IMAX ફોર્મેટમાં રજૂ થવાની છે. Dhoom – 3 પછીની આ બીજી ફિલ્મ છે જેને “Larger than Life” એક્સપિરિયન્સ માટે આ ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવશે. ભારતનાં લગભગ એક 21 IMAX સ્ક્રીન્સમાં રજૂ થનારી આ ફિલ્મ  આશરે 1.50 કરોડથી 2 કરોડની રોજની કમાણી (નેટ બોક્સ ઓફિસ કલેક્શન) કરાવી આપશે તેવી શક્યતાઓ છે.

લાગતું વળગતું: Veere Di Wedding – ઓપન કલ્ચરને નામે સંસ્કારોનું વસ્ત્રાહરણ

Thugs Of Hindostan ની રિલીઝ ડેટ પાછળ પણ એક રસપ્રદ વાત છે. અમિતાભ બચ્ચન અને આમિર ખાનની આ ફિલ્મ દિવાળીને દિવસે રિલીઝ થવાની છે. આમિર ખાનની પત્ની કિરણ રાવનો જન્મદિવસ પણ એ જ દિવસે આવતો હોવાથી, આમિરની ઈચ્છા ફિલ્મને તે દિવસે, એટલે કે 7 મી નવેમ્બર, 2018 એ રિલીઝ કરવાની છે. આમિર ખાનની સ્ક્રિપ્ટ સિલેક્શન સેન્સ પણ ગજબની હોવાથી, તેમનો આ નિર્ણય ભવિષ્યમાં સફળ સાબિત થશે તેવી આશા છે.

બીજી તરફ, આ ફિલ્મની એક્ટ્રેસીસ પણ તેમનો બહોળો ચાહક વર્ગ ધરાવે છે. કહેવાય છે કે ફાતિમા સના શેખ (દંગલ ફેમ) ની આ ફિલ્મમાં નિર્ણાયક ભૂમિકા છે. ફિલ્મની વાર્તા તેના કેરેક્ટરની પણ આસપાસ રહેશે. કૈટરીના કૈફ, કે જે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, તે પણ એક મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે તેને ખાસ ડાન્સ ફોર્મ પણ શીખવવામાં આવ્યા છે.

સૌથી વધુ ઇંતેજારી જગાવનાર જો કોઈ બાબત છે તો તે છે આમિર અને અમિતાભ બચ્ચનની કેમિસ્ટ્રી. બંનેનો જબલપુર ફૅનબૅઝ છે. બંને એક્ટિંગનાં ધુંરંધરો છે. અને બંને પહેલી વાર એકસાથે કામ કરી રહ્યા છે ત્યારે દર્શકો માટે પણ આ એક લહાવો સાબિત થશે. Thugs Of Hindostan માટે આ બંને એક્ટર્સને પણ યોગ્ય તાલીમ આપવામાં આવી છે જેથી કરીને તેમના કેરેક્ટરને સંપૂર્ણ ન્યાય આપી શકાય.

આકરી તાલિમ, શિસ્તબદ્ધ કલાકારો, સચોટ એક્ટિંગ, ટેક્નોલોજીથી ભરપૂર મનોરંજક દૃશ્યો, ડાન્સ અને યશરાજ ફિલ્મનું બેનર. એક સફળ ફિલ્મ માટે આનાથી વધુ કાંઈ જોઈએ તો એ છે દર્શકોની સંમતિ. હવે એ સમયની રાહ જોઈએ કે દર્શકો આ ફિલ્મને વધાવે છે કે નહીં!!

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: ખરેખર તો આપણને કોઈને એ ખ્યાલ જ નથી કે ટ્રોલ કોને કહેવાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here