તનુશ્રી દત્તા નાના પાટેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ દાખલ નથી કરતી?

0
339
Photo Courtesy: dnaindia.com

લગભગ દસ પંદર દિવસ પહેલા ભૂલાઈ ગયેલી બોલિવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા અને તેના પર સશક્ત અભિનેતા નાના પાટેકર દ્વારા ‘કહેવાતા’ શારીરિક અડપલાઓની વાત સામે આવી હતી. આ ‘કહેવાતા’ શબ્દ પર એટલે ભાર મુકવો પડે છે કારણકે જાહેરમાં આમ કહેવાથી કે લખવાથી તમે તમારા વિરુદ્ધની કોઇપણ કાયદેસરની કાર્યવાહીથી બચી શકો છો અને બીજું કારણ એ છે કે સહુથી પહેલા Zoom TV પર આ આરોપ કરનાર તનુશ્રી દત્તાએ પણ હજીસુધી નાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી નથી એટલે પણ આ શબ્દનો યોગ્ય ઉપયોગ કરવો ઘટે છે.

એક કલ્પના કરો જો તમે સ્ત્રી છો તો તમને કોઇપણ વ્યક્તિ પછી તે નાના પાટેકર હોય કે અન્ય કોઇપણ જો શારીરિક છેડછાડ કરે તો તમારું પહેલું કદમ મિડિયા સમક્ષ આવવાનું હોય કે પછી પોલીસ સ્ટેશન ભણી હોય? શક્ય છે કે સેલિબ્રિટી હોવાને લીધે તનુશ્રી દત્તાને લાઇમલાઇટમાં પરત આવવા પોલીસ સ્ટેશન મદદ નહીં કરી શકતું હોય જેટલું કે મિડિયા કરી શકે અથવાતો કરી રહ્યું છે, પણ જ્યારે મામલો કોઈના ચરિત્રનો હોય ત્યારે TRP નું મોઢું ન જોવાનું હોય.

છેલ્લા પંદર દિવસથી બધા જ બોલિવુડી સેલિબ્રિટીઓ “હું તનુશ્રી દત્તાને ટેકો જાહેર કરું છું… હું તનુશ્રી દત્તાને ટેકો જાહેર કરું છું” બોલી રહ્યા છે. છેલ્લા પંદર દિવસથી બોલિવુડની કોઇપણ પ્રેસ કોન્ફરન્સ હોય અને જરૂર હોય કે ન હોય તો પણ પત્રકારો કલાકારોને “તનુશ્રી દત્તા વિષે તમારે શું કહેવું છે?” જેવા અસ્થાને ગણાઈ શકે તેવા સવાલો કરતા હોય છે અને સામે પક્ષે પેલા પણ જોશમાં આવીને “હા હું તનુશ્રી દત્તાને ટેકો જાહેર કરું છું” એમ બોલી નાખતા હોય છે. વળી, મિડિયા પણ આપણું એટલું બધું ઉત્સાહિત છે કે તનુશ્રી દત્તાને મારી મચડીને ભારતની #MeToo ઘટના ગણાવીને ગર્વ અનુભવી રહ્યું છે.

આ બધા જ હલ્લાબેલુમાં (Hullabaloo) મૂળભૂત વાત ભૂલાઈ જ ગઈ છે અને એ વાત એ છે કે દસ વર્ષ થયા નાના પાટેકરે તનુશ્રી દત્તા પર કહેવાતા શારીરિક હુમલાને, બેશક દસ વર્ષ પહેલા પણ તનુશ્રીએ મિડીયામાં આ ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ એ અમેરિકા જતી રહી હતી, પરંતુ અમેરિકા જઈ આવ્યા બાદ હવે જ્યારે તેણે મિડીયામાં ફરીથી આ ઘટના યાદ કરી છે તો પછી તે પોલીસ સ્ટેશને નાના પાટેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવા કેમ નથી જતી?

તનુશ્રી દત્તા દ્વારા માત્ર નાના પાટેકર જ નહીં પરંતુ ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર પણ આ જ પ્રકારના આરોપ મુકવામાં આવ્યા છે. વિવેક અગ્નિહોત્રીને તનુશ્રીએ ફિલ્મ ચોકલેટના સેટ પર છૂટછાટ લેવાનો આરોપ મુક્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ બંનેમાંથી એક પણ કિસ્સા માટે અત્યારે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાંસુધી તનુશ્રી દત્તાએ પોલીસ ફરિયાદ કરી નથી.

તો શું તનુશ્રી દત્તા માત્ર મિડિયા ટ્રાયલ દ્વારા જ લાઇમલાઇટમાં રહેવા માંગે છે? જો તેના આરોપમાં એક ટકો પણ સત્ય હોય તો શું તેણે આ બંને સેલિબ્રિટીઝ પર કાયદેસરની કાર્યવાહી થાય એ ન જોવું જોઈએ? જો તેને પોતાના અને હજારો અન્ય નામી અને ગુમનામી બોલિવુડ અદાકારાઓના સ્વમાનની ફિકર હોય, જેઓ આ પ્રકારે શારીરિક છેડતી કે પછી કાસ્ટિંગ કાઉચ સહન કરી ચૂક્યા છે તો આ બંનેને કડક સજા મળે એવી કોશિશ ન કરવી જોઈએ? બિલકુલ કરવી જ જોઈએ. પરંતુ, કોઇપણ વ્યક્તિ જો ગુનેગાર હશે તો તેની સજા નક્કી કરવાનો હક્ક ન્યાયતંત્ર પાસે છે નહીં કે મિડિયા પાસે.

તનુશ્રી દત્તાના જાહેર સમર્થનમાં પણ એક પત્રકાર અને કદાચ એક કોરિયોગ્રાફર આવ્યા છે અને તેમણે પણ મિડીયામાં જણાવ્યું છે કે તેઓ એ કથિત ઘટનાના સાક્ષી હતા. તો પછી હવે તનુશ્રી દત્તા કેમ રોકાઈ રહી છે? તેને કોની રાહ છે કે તે એક સારા વકીલની મદદ લઈને નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે?

લાગતું વળગતું: ફેસબુક DP કાળી કરવાની મુહિમ એટલે “જવા દેને બધ્ધા પુરુષો એવા જ હોય છે!”

સીધીસાદી સમજ એમ જ કહે છે કે જે કોઇપણ વ્યક્તિ આરોપ મુકે અથવાતો જેના પર આરોપ મુકાયો હોય તેને જો એમ લાગતું હોય કે તેની સાથે કાયદાની હદમાં અન્યાય થયો છે તો તેણે કાયદા સમક્ષ દાદ માંગવી જોઈએ. નોંધપાત્ર હકીકત તો એ છે કે આરોપ લગાડનાર તનુશ્રી દત્તા તો કાયદાકીય કાર્યવાહી કરવાના મામલે ચૂપ છે પરંતુ જેમના પર આ ગંભીર આરોપો લાગ્યા છે તે નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રી ચૂપ નથી રહ્યા. આ બંનેએ તનુશ્રી દત્તાને કાયદેસરની નોટીસ મોકલાવીને પોતાના આરોપ પાછા ખેંચવા અને માફી માંગવાની માંગ કરી છે. જો આ માંગણી પૂરી નહીં થાય તો આ બન્ને તનુશ્રી દત્તા વિરુદ્ધ કોર્ટમાં જશે, જે આ બંનેનો યોગ્ય નિર્ણય કહી શકાય.

તો તાર્કિક રીતે અત્યારે તો તનુશ્રી દત્તા કરતા નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રી જ આ મામલે સાચા હોય એવું લાગે છે કારણકે તેઓ બંને પોતાના પર લાગેલું આળ ધોવા કોર્ટમાં ગયા છે નહીં કે મિડીયામાં. હવે જો મામલો કોર્ટમાં જશે તો તનુશ્રી દત્તાએ સાબિત કરવાનું રહેશે કે તે સાચી છે, જો તેણે પોલીસ ફરિયાદ કરી હોત તો આ જવાબદારી નાના પાટેકર કે પછી વિવેક અગ્નિહોત્રીની થઇ પડી હોત.

મામલો અત્યારે તો લોજીકલી વિચારનારાઓ માટે એવું ચિત્ર ઉભું કરી રહ્યો છે કે કદાચ આ આખોય મામલો ભારતીય પુરુષોની જે સામાન્ય છાપ છે તેને વધુ ખરાબ બનાવવાની અથવાતો તેને એનકેશ કરવાની છે. સરેરાશ પુરુષ હંમેશા સ્ત્રીઓ પર ખરાબ નજર રાખનારો જ હોઈ શકે અને સ્ત્રીઓ તો બિચારી કાયમ સહનશીલતાની મૂર્તિ જ હોય એવું ફરીથી સાબિત કરવાની કોશિશ થઇ રહી છે. એક સમય હતો જ્યારે પુરુષ નિર્દોષ હોવા છતાં પોતાની અને પોતાના કુટુંબની લાજ બચાવવા ચૂપ રહેતો.

પરંતુ હવે સમય બદલાયો છે. સ્ત્રીઓ પણ સમજે છે કે દેશમાં એવી ઘણી સ્ત્રીઓ છે જે પોતાના ફાયદા માટે પુરુષો પર ગમેતે પ્રકારનું લાંછન લગાડતા અચકાતી નથી. દેશમાં સ્ત્રીની તરફેણમાં ઘણા કાયદાઓ છે પરંતુ તેનો મહત્તમ દુરુપયોગ પણ સ્ત્રીઓએ જ કર્યો હોવાના હજારો દાખલા આપણી સમક્ષ છે જ. દહેજ વિરોધી કાયદો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

બટ, ધ બોટમ લાઈન ઈઝ કે તનુશ્રી દત્તા જો સાચી હોય તો તેણે હવે વધુ સમય બગાડ્યા વગર કાયદાના દ્વાર ખખડાવવા જોઈએ નહીં કે મિડિયા ટ્રાયલનો હિસ્સો બની ધીમેધીમે તેમાંથી અદ્રશ્ય થઇ જવાનું કામ કરવું જોઈએ. અત્યારે તો નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રીએ તનુશ્રી દત્તા વિરુદ્ધ લિગલ નોટીસ મોકલીને પોતે તો આ મામલાનો ન્યાયિક ઉકેલ લાવવા ગંભીર છે એવો દાખલો બેસાડી ચૂક્યા છે.

જો નાના કે વિવેક ગુનેગાર હોય તો કાયદાની હદમાં તેમને થઇ શકતી સજા થવી જ જોઈએ, પણ મિડીયામાં એમને રોજ કોઇપણ પાક્કા પુરાવા વગર ગુનેગાર ન જ ઠેરવી શકાય એ  હકીકતને પણ સન્માન આપવું જોઈએ. ઈશ્વરને પ્રાર્થના છે કે તે તનુશ્રી દત્તાને થોડી અક્કલ વધુ આપે અને જે  યોગ્ય છે એ જ કરવાની શક્તિ અર્પણ કરે.

આચારસંહિતા

યે બચ્ચી (તનુશ્રી દત્તા) ઐસા ક્યૂં કેહ રહી હૈ મુજે નહીં પતા

– નાના પાટેકર જ્યારે 2008માં તનુશ્રી દત્તાએ પહેલીવાર ઉપરોક્ત આરોપ મુક્યો હતો ત્યારે.

eછાપું

તમને ગમશે: ટેકાના ભાવો વધારીને સરકાર ખેડૂતો ની આવક બમણી કરી શકશે ખરી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here