રાહુલ ગાંધીના વડાપ્રધાન બનતા જ દેશમાં મોબાઈલ ફોન્સનું ઘોડાપૂર આવશે

0
719
Photo Courtesy: ANI Digital

ગઈકાલે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનના ધૌલપુર ગયા હતા, ત્યાં તેમણે કહ્યું કે તેમની ઈચ્છા છે કે કોઈ ચાઇનીઝ વ્યક્તિ સેલ્ફી પાડે ત્યારે એ મોબાઈલ પાછળ મેઈડ ઇન ધૌલપુર લખેલું હોય. જો કે આવી જ ઈચ્છા રાહુલ ગાંધી આ અગાઉ ગયા અઠવાડિયે  મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં પણ વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ ત્યારે તેઓએ મેઈડ ઇન ચિત્રકૂટ ની છાપ ધરાવતા મોબાઈલ ફોન્સની વાત કરી હતી.

Photo Courtesy: ANI Digital

એમ તો રાહુલ ગાંધી આની આ જ ઈચ્છા મુંબઈમાં, કુલબર્ગીમાં, નાગાલેંડમાં, ભોપાલમાં, ગુજરાતમાં અને એ દરેક જગ્યાએ વ્યક્ત કરી ચૂક્યા છે જ્યાં જ્યાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યો છે. આ કહેવા પાછળ રાહુલ ગાંધીનો ભાવાર્થ એટલો જ છે કે જો કોંગ્રેસની સરકાર જે તે રાજ્યમાં આવશે અને કદાચ ભવિષ્યમાં જો કેન્દ્રમાં પણ આવશે અને તેઓ વડાપ્રધાન બનશે તો તેઓ આ તમામ સ્થળે મોબાઈલ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ પ્રસ્થાપિત કરશે જેથી અઢળક લોકોને રોજગારી મળશે.

રાહુલ ગાંધીની ઈચ્છા સો ટકા સારી છે પરંતુ જો એમની ઈચ્છા અનુસાર જો ધૌલપુર, ભોપાલ, ગાંધીધામ કે પછી કોહિમા અને હૈદરાબાદ કે મુંબઈ એમ તેઓ જ્યાં જ્યાં ગયા છે અથવાતો વડાપ્રધાન બન્યા અગાઉ જ્યાં જ્યાં જવાના છે ત્યાં ત્યાં બધે જ જો મોબાઈલ ફેક્ટરીઓ ખુલી જશે તો કદાચ ભારતમાં મોબાઈલ રાખવાની જગ્યા નહીં બચે. વિચાર તો કરો જો એક મોબાઈલ ફેક્ટરી દરરોજ માત્ર સો નવા મોબાઈલ ફોન્સનું ઉત્પાદન કરે તો ભારતના દરેક શહેર અને ગામડાઓમાંથી કેટલા બધા મોબાઈલ ઉત્પાદિત થશે?

ચાલો, ઉત્પાદન તો કદાચ થઇ જશે પરંતુ તેની હેરફેર કેવી રીતે થશે? અને થશે તો તેને ખરીદશે કોણ? ચાલો દેશમાં ખરીદનાર નહીં મળે તો વિદેશમાં એક્સપોર્ટ કરીશું તો એની વ્યવસ્થા કેવી રીતે ઉભી થશે, અને અમુક સમય બાદ જ્યારે આ મોબાઈલ ફોન્સ બગડી જશે ત્યારે એ કચરો ડમ્પ કરવાની જગ્યા ક્યાંથી મળશે એના વિષે રાહુલ ગાંધીએ કોઈ વિચાર કર્યો છે ખરો? મુદ્દાની વાત તો એ છે કે રાહુલ ગાંધી ક્યારેય કશું પણ બોલતા અગાઉ કોઈ વિચાર કરે છે ખરા?

અંગ્રેજીમાં એક સુંદર શબ્દ છે Vision એટલેકે દ્રષ્ટિ. જો તમારી દ્રષ્ટિ વિશાળ હોય અને પછી તેને પામવા તમે પ્રયાસો આદરો અને એમાં તમારી મહેનતની સુગંધ ભળે તો સફળતા મળવાના ચાન્સ ઘણા વધી જતા હોય છે. Vision નું ઉદાહરણ જોવું હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને તેને મળેલી સફળતા પર એક નજર નાખો.

ચાલો એક ઉદાહરણ લઈએ જન ધન યોજનાનું, એમની દ્રષ્ટિ હતી કે દેશના દરેક નાગરિક પાસે એટલીસ્ટ એક બેન્ક ખાતું તો હોવું જ જોઈએ, કારણકે જો એમ થશે તો ગરીબોને મળતા લાભ તેમાં સીધેસીધા પહોંચાડીને ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકાશે. ખરેખર તો આ મુદ્દા પર વર્ષો પહેલા જ કોઈ નિર્ણય લઇ લેવાયો હોત તો સારું થાત, પણ ચલો દેર આયે દુરસ્ત આયે! હવે બેન્ક ખાતું ખોલવી બહુ મોટી વાત નથી હોતી પણ આપણા દેશમાં તો હતી જ.

ગરીબો કે નીચલા મધ્યમવર્ગના લોકોની તકલીફ એ હતી કે લગભગ દરેક બેન્ક ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની શરતે બેન્ક ખાતું ખોલી આપતી હતી. આપણા દેશમાં એવા લાખો લોકો છે જે આ પ્રકારે પાંચસો કે હજાર રૂપિયાનું મિનીમમ બેલેન્સ જાળવી શકે એવી ક્ષમતા તેમનામાં નથી અને તેને લીધે જ એ લોકોના બેન્ક ખાતા ન હતા. નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ કામ એ કર્યું કે જન ધન ખાતું કોણ ખોલાવી શકે એની શરતો પહેલાં તો સ્પષ્ટ થઇ અને પછી નક્કી કરવામાં આવ્યું કે આ શરત જે કોઇપણ વ્યક્તિ પાલન કરે તેને ઝીરો બેલેન્સથી ખાતું ખોલી આપવામાં આવે.

આ ઉપરાંત બેન્કોને પણ અમુક સમયમાં કેટલા જન ધન ખાતા ખોલવા તેનો ટાર્ગેટ આપવામાં આવ્યો. બસ પછી તો શું થયું? બેન્ક ગરીબોના ઘર સુધી પહોંચી ગઈ અને કાયમ જ્યારે વધુને વધુ જન ધન એકાઉન્ટ્સ ખુલ્યાના આંકડાઓ આવે છે ત્યારે મહિલાઓના એકાઉન્ટ્સ વધુ ખુલ્યા હોવાની વાત પણ સામે આવે છે. હા શરૂઆતમાં દિગ્વિજય સિંહ જેવી વ્યક્તિઓએ અમુક લાખ એકાઉન્ટ્સમાં એક પૈસો પણ ન હોવાની અફવા ઉડાડી હતી પરંતુ જન ધન ખાતામાં બેલેન્સ હોય એ તો એની પૂર્વશરત ક્યારેય ન હતી.

લાગતું વળગતું: સેમસંગ ની વિશ્વની સહુથી મોટી મોબાઈલ ફેક્ટરી અંગે કેટલીક રોચક હકીકતો

પરંતુ, ગરીબોએ એક-એક બબ્બે રૂપિયા મુકવાના શરુ કર્યા અને આજે એ એકાઉન્ટ્સમાં કરોડો રૂપિયા અને એ પણ ગરીબોના જમા છે. ઉપરાંત દરેક પ્રકારની સબસિડી હવે તેમાં સીધી જમા થાય છે એટલે વચેટીયાઓ દૂર થયા અને ભ્રષ્ટાચાર ઓછો થયો આમ માત્ર એક દ્રષ્ટિવંત નેતાને લીધે ત્રિવિધ ફાયદા થયા. ચાલો બેન્કની લીક્વીડીટી એટલી બધી નહીં વધી હોય પરંતુ જે પૈસા ઘરમાં પડી રહેતા હતા એમાંથી થોડા તો સિસ્ટમમાં આવ્યાને? અને હવે તો અમુક જન ધન ધારકોને રૂ. 10,000 સુધીનો ઓવરડ્રાફ્ટ પણ મળી શકે છે એવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

હજી આ તો સરકારની એક યોજના વિષે વાત કરી છે, એમાં સ્વચ્છ ભારત મિશન, મુદ્રા યોજના કે પછી ઉજ્જવલા યોજના જેવી બીજી અન્ય સફળ યોજનાઓની વિગતોમાં તો હજી આપણે ગયા જ નથી. તો મુદ્દો એ છે કે કોઇપણ દ્રષ્ટિવંત આગેવાન હોય તો તેની યોજના વિવિધ પ્રયાસો વડે દેશના સામુહિક કલ્યાણની હોય છે જે મોદી સરકારની વિવિધ યોજનાઓમાં દેખાઈ આવે છે જ્યારે રાહુલ ગાંધીની પીન માત્ર મોબાઈલ ફોન્સ પર જ અટકી ગઈ છે.

પરંતુ ઘેરઘેર મોબાઈલ ફેક્ટરીઓ બનાવવા માંગતા રાહુલ ગાંધીને કદાચ એ હકીકતની પણ ખબર નથી કે ભારત ઓલરેડી મોબાઈલ ઉત્પાદનમાં અગ્રેસર બનવા લાગ્યું છે અને હાલમાં ભારત વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક રાષ્ટ્ર બની ગયું છે. 2014માં વિશ્વના મોબાઈલ ઉત્પાદનમાં ભારતનો ફાળો 3% હતો જે 2017 સુધીમાં વધીને 11% થયો છે. હજી જુલાઈ મહિનામાં જ ભારત અને કોરિયાના રાષ્ટ્રાધ્યક્ષોએ સંયુક્તપણે ઉત્તર પ્રદેશના નોઇડામાં વિશ્વની સહુથી વિશાળ સેમસંગ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું.

Apple ના સૌથી મોટા સપ્લાયર Wistron કર્ણાટકમાં રૂ. 3,000 કરોડના રોકાણ સાથે ફેક્ટરી સ્થાપી રહ્યું છે જે દર વર્ષે 100 મિલિયન યુનિટ્સ ઉત્પાદિત કરશે. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં 37 મોબાઈલ કંપનીઓએ ભારતમાં રોકાણ કરીને ફેક્ટરીઝ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. જે ઉત્પાદન અત્યારે શરુ થઇ ચૂક્યું છે અને ભવિષ્યમાં જ્યારે ઉપરોક્ત ઉત્પાદકો પોતાનું ઉત્પાદન શરુ કરશે ત્યારે લાખો મોબાઈલ ફોન્સ પર ‘Made In India’ લખેલું જોઇને શું ધૌલપુર, ગાંધીધામ, ભોપાલ કે પછી મૈસુરમાં રહેતા ભારતીયને ગર્વ નહીં થાય?

પણ રાહુલ ગાંધીના મતે મોબાઈલ ફોન જે ગામ અથવા શહેરમાં બન્યો હોય તેનું નામ મોબાઈલ પાછળ એમ્બોસ કરેલું વધુ યોગ્ય છે અને આ જ છે રાહુલ ગાંધીની ટૂંકી દ્રષ્ટિ. કે પછી રાહુલ ગાંધીનો પ્લાન એવો છે કે અત્યારે જે રીતે  ભારતના મોબાઈલ ઉત્પાદનમાં ક્રાંતિ આવી છે એનો લાભ તેઓ એ રીતે ઉઠાવી શકે કે મારા સતત દબાણને લીધે સરકારે દેશભરમાં મોબાઈલ પ્લાન્ટ્સ સ્થાપવા પડ્યા એવો પ્રચાર કરી શકે?

આચારસંહિતા.

eછાપું

તમને ગમશે: સંજય દત્ત ડ્રગનું સેવન કેમ કરવા લાગ્યો તેનો ખુલાસો તેના જ શબ્દોમાં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here