અમૃતસર ટ્રેન દુર્ઘટના – સરકાર માઈબાપ તો ઠીક છે આપણામાં અક્કલ નથી?

0
290
Photo Courtesy: indiatoday.in

અમદાવાદમાં હાલમાં ઠેકઠેકાણે મેટ્રોનું કામ ચાલે છે અને આવુંજ એક કામ પાલડીના પ્રસિદ્ધ જલારામ મંદિર પાસે જુના રેલ્વે ક્રોસિંગ પાસે પણ ચાલે છે. પહેલા અહીં બોટાદ માટે ટ્રેન દોડતી પરંતુ હવે પાટા સંપૂર્ણ ઉખાડીને મેટ્રોનું કાર્ય ચાલે છે એવી છ-આઠ મહિનાથી ખબર હોવા છતાં જ્યારે પણ આ જગ્યા આવે એટલે એ રસ્તો ક્રોસ કરતી વખતે આપોઆપ ડાબી-જમણી તરફ જોવાઈ જાય છે. શું આટલી સામાન્ય સમજ જીવંત રેલમાર્ગ પાસે બનેલી અમૃતસર રેલ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોમાં નહીં હોય?

Photo Courtesy: indiatoday.in

બેશક અમૃતસરના એ સ્થાનના રાવણ દહનના આયોજકો, ત્યાંનું સ્થાનિક શાસન અને રેલવે વિભાગ પણ આ ઘટના માટે જવાબદાર છે, પરંતુ જે લોકો ધસી આવેલી ટ્રેનનો ભોગ બન્યા કે પછી સદનસીબે ત્યાં નજીકમાં જ ઉભા રહેવા છતાં બચી ગયા એમને એક વખત પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે અહીં રેલવેના પાટા છે તો અહીં કોઈને કોઈ સમયે ટ્રેન પસાર થઇ શકે તેમ છે? આમાંથી મોટાભાગના તો આ અંગેનું બેઝીક જ્ઞાન ધરાવતા સ્થાનિક નિવાસીઓ જ હશે એ પણ એટલુંજ પાક્કું છે. શું આપણે આપણી બુદ્ધિનું આટલી હદે દેવાળું ફૂંકી દીધું છે?

ન્યૂઝ ચેનલો લોકચાહના પામવા અને આક્રોશિત જનતાએ કાયમની જેમ સરકાર માઈબાપને અમૃતસર દુર્ઘટના માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી દીધી પણ આટલી સામાન્ય સમજ કે રેલવેના પાટા જેના ઉપરથી કાયમ ટ્રેન પસાર થતી જ હોય છે તેનાથી બંને સાઈડ સંભાળીને સારુંએવું અંતર રાખીને રાવણ દહનને જોવામાં આવે એ એકસાથે આટલા બધા લોકોમાં ન હતી એવો સ્વીકાર કરવાની હિંમત કોઈએ કેમ ન દેખાડી?

નાનું ગ્રાઉન્ડ, વિશાળ હાજરી, પૂર્વ મંજૂરીનો અભાવ, સુરક્ષા વ્યસ્થાની કમી, રેલવે પાસે તાજી માહિતીનો અભાવ આ બધુંજ સાચું પણ જ્યારે ખુદના જીવ પર ભય હોવાની એક ટકો પણ શંકા હોય ત્યારે એ ભયની સામે ચાલીને જઈને ઉભું રહેવું એ ક્યાંનો ન્યાય?

માત્ર અમૃતસર દુર્ઘટના જ નહીં પરંતુ દાયકાઓથી આપણે ઘણીબધી બાબતોએ પડતી તકલીફ માટે કે એમાંથી ઉગારવા માટે કાયમ સરકાર માઈબાપનો કાં તો દોષ જોતા હોઈએ છીએ અથવા એની મદદ મળી જાય એની વર્ષો સુધી રાહ જોતા હોઈએ છીએ. આમાંથી કેટલીક સમસ્યાઓતો એવી હોય છે કે આપણે અને આપણા જેવા સક્ષમ વ્યક્તિઓની મદદથી આરામથી ઉકેલી શકતા હોઈએ છીએ.

લાગતું વળગતું: ભારતના વરિષ્ઠ નાગરિકોએ ભારતીય રેલવેનું 77 કરોડનું નુકશાન અટકાવ્યું

ફરીથી અંગત અનુભવ શેર કરું તો ગયા મહીને પિતાશ્રીનું અવસાન થયા બાદ કુટુંબ દ્વારા સંયુકતપણે અમદાવાદની એક જાણીતી સેવાભાવી સંસ્થામાં ભોજનનું દાન કરવું એવો નિર્ણય લેવામાં આવ્યો. આ અગાઉ પણ આ જ સંસ્થામાં જમવા આવતા અત્યંત ગરીબ લોકોને જોયા હતા અને એટલેજ આ સંસ્થાને અમે પસંદ કરી હતી કારણકે યોગ્ય વ્યક્તિઓ સુધી આપણું દાન સીધુંજ પહોંચવાનું હતું. પરંતુ આ વખતે લગભગ પચાસેક વ્યક્તિઓમાંથી પાંચ થી છ યુવાન કહી શકાય એવા છોકરડાઓ હતા અને એ લોકો પણ મફતમાં ભોજન કરવા માટે લાઈનમાં ઉભા હતા.

આ એવા વ્યક્તિઓ હતા જે મહેનત કરીને, કશું નહીં તો મજૂરી કરીને દિવસના અંતે એટલું તો કમાઈ જ શકતા હતા કે પોતાનું અને પોતાના કુટુંબનું ભોજન ખરીદી શકે.

મુદ્દો એ છે કે અન્યો પર અને અહીં જે વાત કરીએ છીએ તે સરકાર પરનું આપણું અવલંબન એટલું બધું વધી ગયું છે કે આપણે આપણી રીતે પણ કશું વિચારી શકવા માટે સક્ષમ રહ્યા નથી. સરકાર આપણને અન્યાય કરી રહી છે એવું લાગે તો બેશક આપણે એની સામે લડી લેવું જોઈએ. પરંતુ જ્યારે આપણો વ્યક્તિગત જીવ કે પછી આપણી વ્યક્તિગત તકલીફ આપણે આપણી અક્કલ વાપરીને કે પછી જાતમહેનતથી બચાવી કે ઉકેલી શકતા હોઈએ તો પણ સરકારી મદદની અપેક્ષા રાખવી કેટલી હદ સુધી  યોગ્ય ગણાય? અને એમ કર્યા પછી પણ કોઈ દુર્ઘટના ઘટે તો દોષનો સમગ્ર ટોપલો માત્ર સરકાર પર જ ઢોળી દેવાનો? આપણી અવગણનાનો એક ટકો પણ દોષ નહીં?

અમૃતસર દુર્ઘટનાએ માત્ર સરકારી મશીનરીની અણઘડ કાર્યવાહીને જ ઉઘાડી નથી પાડી પરંતુ આપણે ઉત્સાહમાં આવી જઈને આપણી વિચારશક્તિને પણ વિરામ આપી દઈએ છીએ એ કડવી સચ્ચાઈને પણ ઉજાગર કરી દીધી છે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.

eછાપું

તમને ગમશે: નેહા કક્કડ ખુદ ખુલાસો કરી રહી છે કે તેને વારંવાર રડવું કેમ આવે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here