અમદાવાદ કે કર્ણાવતી? – કન્ફયુઝન હી કન્ફયુઝન હૈ સોલ્યુશન કા કુછ પતા નહીં!!

0
438
Photo Courtesy: dnaindia.com

ભારતમાં કોઇપણ વ્યક્તિ પછી તે રોજગારી ધરાવતો હોય કે બેકાર હોય એ કદીય નવરો ન બેઠો રહે. આ પાછળ કારણ એ છે કે આપણે ત્યાં ચર્ચાસ્પદ મુદ્દાઓ ઘણા છે અને ન હોય તો ઉભા થઇ જાય છે અથવાતો ઉભા કરી દેવામાં આવતા હોય છે. અમદાવાદનું નામ કર્ણાવતી રાખવું કે નહીં એ મુદ્દો દર એક-બે વર્ષે કોર્પોરેશન, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નજીક આવે એટલે ઉભો થતો હોય છે.

Photo Courtesy: dnaindia.com

મારા નાનપણની વાત કરું તો અમદાવાદ કોઈક સમયમાં કર્ણાવતી હતું એવું અમને ભણવામાં પણ આવતું ન હતું. કદાચ એકતરફી અને સમાજવાદી ઈતિહાસકારોના કાવતરાના ભાગરૂપે એ શક્ય બન્યું હશે, પરંતુ અચાનક જ 1992 પછી જ્યારે હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટીનું જોર ગુજરાતમાં વધવાનું શરુ થયું ત્યારે કર્ણાવતી શબ્દ મારા જેવા અમદાવાદીઓના કર્ણપટલ પર વારંવાર અથડાવવાનો શરુ થઇ ગયો.

લેખની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દઉં કે અમદાવાદ કર્ણાવતી તરીકે ઓળખાય એ રાજકીય મુદ્દાથી વિશેષ મને ક્યારેય લાગ્યું નથી અને જો હવે ગમેતેમ કરીને પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરી પણ નાખવામાં આવશે તો પણ એ મારા અંગત મતે તો રાજકીય મુદ્દો જ રહેશે નહીં કે ભાવનાત્મક મુદ્દો. ભલે અમદાવાદને કર્ણાવતી બનાવવાની વાત બે દાયકા જેટલી જૂની હોય પરંતુ ગુજરાત સરકાર પર આજે નામ બદલવા માટે જેટલું દબાણ છે એટલું પહેલા ક્યારેય ન હતું એ પણ હકીકત છે.

આ દબાણ વધવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. યોગીજીએ જે ત્વરાથી પહેલા મુગલસરાય જંક્શનનું નામ બદલીને દીન દયાળ ઉપાધ્યાય જંક્શન કરી નાખ્યું એટલીજ ત્વરાથી થોડા જ દિવસો અગાઉ અલ્હાબાદનું નામ બદલીને મૂળ પ્રયાગરાજ કરાયું અને ફૈઝાબાદ જીલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી નાખવામાં આવ્યું તેનાથી ગુજરાતીઓમાં પણ અને ખાસકરીને કેટલાક અમદાવાદીઓમાં હવે વર્ષોથી લટકતા કર્ણાવતીના નામકરણની વિધિ ‘પતાઈ જ દઈએ’ એવો સૂર ઉંચો થવા લાગ્યો.

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પાછળ અમદાવાદીઓ, ખાનગીમાં ભાજપીઓ અને ઇવન ઈતિહાસકારોમાં પણ બે પ્રકારના મત છે. એક મત તો કહે જ છે કે રાજા કર્ણદેવ અને શહેરના મધ્યમાં આવેલા કર્ણમુક્તેશ્વર મહાદેવની હાજરીને ધ્યાનમાં લઈને શહેરનું નામ કર્ણાવતી હોવું જ જોઈએ. તો બીજો ધડો એમ કહે છે કે કર્ણાવતી જ કેમ અને આશાવલ કેમ નહીં કે પછી આશાપલ્લી કેમ નહીં કારણકે જો અમદાવાદનું નામકરણ તેના જૂના નામ પર જ ફરીથી કરવાનું હોય તો આશાવલ કે આશાપલ્લી તો એનાથી પણ જૂના નામો છે. આ અમને અમારા ઇતિહાસના પ્રોફેસર સ્વ. જે એન દવે પણ કહેતા જેમણે અમને કોલેજમાં પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ  ભણાવ્યો હતો.

ગુજરાતી ટીવી ચેનલો પર થતી ચર્ચામાં એક ઇતિહાસકારે એવો દાવો કર્યો કે ખરેખર તો કર્ણાવતી જે કર્ણદેવે સ્થાપ્યું હોવાનું કહેવાય છે એ લોકવાયકાથી વિશેષ કશું જ નથી કારણકે તેમના અભ્યાસમાં આ નામ ક્યારેય આવ્યું નથી આથી જો અમદાવાદનું નામ બદલવું જ હોય તો માત્ર આશાવલ કે આશાપલ્લી જ યોગ્ય રહેશે. તો એક અન્ય ઇતિહાસકાર કમ રાજકીય વિશ્લેષક જે પોતાની ડાબેરી વિચારધારા માટે જાણીતા છે એમણે તો આશાવલની જગ્યાએ કર્ણાવતી કરવા પાછળ આદિવાસીઓનું અપમાન કરવાનો  સરકાર પર હલકી માનસિકતા ધરાવતો આરોપ મુક્યો કારણકે આશાવલ એ આશાવલ ભીલ દ્વારા સ્થાપવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

આ તો થઇ ઇતિહાસની વાત, પણ જો કોઈ કોમન અમદાવાદીને પૂછવામાં આવે કે તેને કયું નામ ગમશે તો એનો જવાબ કદાચ અમદાવાદ જ રહેશે. એટલા માટે નહીં કે જે રીતે ડાબેરીઓ અને ભારતીય સંસ્કૃતિને વખોડવાના નામે તટસ્થ ગણતા પત્રકારોના મત મુજબ નામ બદલવાથી શહેરની સમસ્યામાં કોઈ ફરક નથી પડવાનો એ તર્ક સાથે સહમત છે. પરંતુ એટલા માટે કે અમદાવાદીને અમદાવાદી કહીને બોલાવવાથી આ શહેરનો એક મિજાજ સામે આવે છે, બિલકુલ એવી જ રીતે જે રીતે મિડીયામાં અમુક ખાસ ઘટનાઓ બાદ ધ સ્પિરિટ ઓફ મુંબઈને ઘણીવાર વખાણવામાં આવતો હોય છે.

કોઇપણ અમદાવાદી કર્ણાવતી નામ સાથે ભાવનાત્મક રીતે સંકળાયેલો નથી જેટલો તે અમદાવાદ સાથે સંકળાયેલો છે એ હકીકત છે. અહીં મુદ્દો એ પણ છે કે અમદાવાદ નામ એ મુસ્લિમ બાદશાહ અહમદશાહ દ્વારા સ્થાપિત અહમદાબાદના અપભ્રંશ થવાથી બન્યું છે અને મુસ્લિમ બાદશાહએ કર્ણદેવ કે આશાભીલ બાદ આવેલો એક વિદેશી આક્રાંતાનો વંશજ હતો અને આપણે આથી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા નામથી ઓળખાવું જરૂરી છે અને માટે જ કર્ણાવતી યથાયોગ્ય નામ છે.

હવે ઉપરોક્ત દલીલને જરા ડીટેઈલમાં અને હાલમાં અને ભૂતકાળમાં બદલવામાં આવેલા અન્ય શહેરોના નામ સાથે સરખાવી જોઈએ. પહેલું ઉદાહરણ લઈએ મુંબઈનું. તો મુંબઈને બોલવામાં તકલીફ પડતા અંગ્રેજોએ બોમ્બે કર્યું પરંતુ મારા નાનપણથી ગુજરાતીઓ જે ગુજરાતમાં રહેતા હોય એ તો “આજે રાતની ટ્રેનથી મુંબઈ જઈએ છીએ” એમ જ કહેતા. હા છાકો પાડવા અમુક બોમ્બે બોલતા કે પછી મુંબઈના ગુજરાતીઓ પોતાને ગુજરાતના ગુજરાતીઓથી અલગ દેખાડવા “બોમ્બેથી આવ્યા છીએ” એમ કહેતા પરંતુ ગુજરાતીઓ અને ત્યાંના મરાઠીઓતો બોમ્બેને મુંબઈ જ કહેતા.

લાગતું વળગતું: કેવું હતું અડધી સદી પહેલાનું અમદાવાદ? – આવો કેટલીક યાદો વાગોળીએ

મુંબાદેવીના નામથી જે શહેરનું નામ પડ્યું હતું એને મુંબઈ જ કહેવાય એવી ત્યાંના સ્થાનિકોની મજબૂત લાગણી હતી અને તેને શિવસેનાએ ટેકો આપ્યો અને છેવટે બોમ્બેનું મુંબઈ થઈને જ રહ્યું. કદાચ આવુંજ કલકત્તાનું કોલકાતામાં અને મદ્રાસનું ચેન્નાઈ માટે પણ થયું કારણકે સ્થાનિક ભાષામાં આ શહેરો એ નામે જ બોલાતા. શું આવું ખરેખર અમદાવાદ એટલેકે કર્ણાવતી માટે છે ખરું?

ભાજપના આગળ પડતા કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, વિધાનસભ્યો કે પછી સંસદસભ્યોએ પોતાના પક્ષે શહેરનું નામ કર્ણાવતી કરવાની જીદ કરી છે એટલે બાવા બન્યા એટલે હિન્દી બોલના પડતા હૈ ની તર્જ પર પોતાના વિઝીટીંગ કાર્ડ્સ કે પછી લેટર હેડ્સ પર અમદાવાદની જગ્યાએ કર્ણાવતી છપાવ્યું એ સમજી શકાય છે પણ રસ્તે ચાલતા અમદાવાદીને તો અમદાવાદ જ ગમે છે, પોતીકું લાગે છે એ સત્યની ચકાસણી કોઇપણ વ્યક્તિ જાતે કરી શકે છે પછી તે અહમદશાહ બાદશાહે વસાવ્યું હોય કે અમદાભાઈ પટેલે એનો સામાન્ય અમદાવાદીને કોઈજ ફરક નથી પડતો.

હવે કર્ણાવતીની સરખામણી કરીએ પ્રયાગરાજ અને અયોધ્યા સાથે. આ બંને નામ પ્રયાગરાજ કે પછી સંગમ અને અયોધ્યાના નામ આપણા પુરાણોમાં વારંવાર આવે છે અને એમાં તેની મજબૂત નોંધ પણ છે અને આથી તે લોકજીભે ચડ્યા છે. ફરીથી ભીડે માસ્તરની જેમ કહું તો “હમારે જમાને મેં…” હિન્દીઓ ખાસકરીને ઉત્તર પ્રદેશના માઈનસ અલ્હાબાદવાસીઓના મોઢે પ્રયાગરાજ ઘણીવાર સાંભળ્યું હતું. જ્યારે અમિતાભ બચ્ચન સહીત એ શહેર સાથે કોઈને કોઈ મૂળિયાં ધરાવતા વ્યક્તિને અલ્હાબાદને ઇલાહાબાદ કહીને લાડ લડાવતા ઘણીવાર સાંભળ્યા છે. જો કે ઇલાહાબાદ વિષે પણ એક મોં માથા વગરની હકીકત વોટ્સ અપ પર ફરતી થઇ હતી એ અલગ વાત છે.

શું કર્ણાવતી નામ આ રીતે અમદાવાદીઓની લોકજીભે ચડ્યું છે ખરું? સિવાય કે એ વહેલી સવારે અમદાવાદથી મુંબઈ જવા માંગતો હોય કે પછી બપોરે મુંબઈથી અમદાવાદ પરત આવવા માંગતો હોય ત્યારે? કદાચ નહીં. જેમ આગળ ચર્ચા કરી તેમ અમદાવાદ એ  લોકજીભે ચડી ગયેલું નામ છે. બહેતર એ રહેશે કે આપણા ગુજરાતના રાજકર્તાઓ અહમદાબાદનું નામ બદલીને કર્ણાવતી કરવાને બદલે અમદાવાદ કરીને આ મુદ્દા પર પૂર્ણવિરામ મૂકે કારણકે બિનગુજરાતીઓ સિવાય અમદાવાદને અહમદાબાદ કહેનારા બહુ ઓછા અમદાવાદીઓ છે. જેમ બરોડાનું વડોદરા થયું એમ અહમદાબાદનું નામ અમદાવાદ કરીને અતિશય લાંબા ખેચાયેલા મુદ્દાને હવે બંધ કરવામાં આવે એવું વિચારનારા ઘણા અમદાવાદીઓ છે.

ભાજપે રાજકીય લાભ મેળવવા માટે જ બે દાયકાથી આ મુદ્દાને લટકતો રાખ્યો છે એનો સ્વીકાર કરવામાં ભાજપને સમર્થન કરનારા મતદારને લગીરે તકલીફ પડવી ન જોઈએ. જો એવું ન હોત તો વાજપેયીના સાત વર્ષ અને હવે મોદીના ચાર વર્ષ એ ઘણો લાંબો સમય કહેવાય જ્યારે કેન્દ્ર અને ગુજરાત બંનેમાં ભાજપની સરકાર હોય અને ચપટી વગાડતા જ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી દેવામાં આવે.

બાકી એ લોકોની દલીલ પણ ખોટી છે કે કોઇપણ શહેરનું હાલનું નામ બદલીને તેનું મૂળ નામ રાખવાથી સામાન્ય વ્યક્તિના જીવનમાં કોઈજ ફરક નથી પડવાનો. કદાચ અમદાવાદ માટે આ દલીલ સત્ય હોય પરંતુ પ્રયાગ કે પછી અયોધ્યા માટે આ દલીલ જરાય સાચી નથી, કારણકે ભારતવર્ષ હજારો વર્ષ જૂનો દેશ છે, ભલે આજે એના ભાગ પડી ગયા હોય પરંતુ તેનો  મોટો ભાગ હજી પણ એ જ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને ફૈઝાબાદ અને અલ્હાબાદ જેવા નામ તેના પર આક્રમણ કરનારા બાદશાહો જેમનો ઈતિહાસ અમુક સો વર્ષજેટલો જ જૂનો છે તેમની યાદ અપાવે છે અને આથી જ જો પોતાની સંસ્કૃતિ સાથે વ્યક્તિની ઓળખ પણ જોડાય તો એક હકારાત્મક ભાવનાનો તેનામાં આપોઆપ સંચાર થાય છે.

અમદાવાદનું કર્ણાવતી કરવામાં તો જરાય વાંધો નહીં હોય જો તે ખરેખર કર્ણાવતી કહેવાતું એવા નક્કર પુરાવાઓ આપવામાં આવે પરંતુ મોટાભાગના ઈતિહાસકારો જ્યારે મનાઈ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દાનો અંત લાવવો ખૂબ જરૂરી છે. ચાલો, એકવાર માની લઈએ કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી પણ નાખ્યું પણ તેને મુંબઈ, ચેન્નાઈ કે પછી કોલકાતાની જેમ શહેરના સામાન્ય નાગરિકના જીભે ચડતા કદાચ એક કે બે પેઢી નીકળી જાય એવી શક્યતાઓ વધુ છે.

એટલે કે આવનારા પચાસ વર્ષ સુધી તો “તમે ક્યાં રહો છો?” ના જવાબમાં નામ ઓફિશિયલી બદલાઈ ગયું હશે તો પણ “અમદાવાદ” જ સંભળાશે નહીં કે “કર્ણાવતી” તો પછી આ બધી કસરત કરવા પાછળ શું કામ સરકારે પોતાની શક્તિ વેડફવી જોઈએ?

eછાપું

તમને ગમશે: રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનાં બંધનને વધારે મજબૂત બનાવતો પર્વ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here