સેન્ટિનલીઝ આદિવાસીઓ – એમને એમની રીતે જીવવા દો, વટલાવવાની જરૂર નથી

0
754
Photo Courtesy: digitaloceanspaces.com

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણા એમ પાંચ રાજ્યોની ચૂંટણીના પડઘમ વચ્ચે એક નાની પણ મહત્વની અને ચિંતાજનક ઘટના ઘટી  ગઈ છે જેનો સોશિયલ મીડિયા સિવાય ક્યાંય ખાસ ઉલ્લેખ જોવા નથી મળતો. વાત એમ થઇ કે 17 નવેમ્બરની આસપાસ આંદામાન નિકોબાર ટાપુઓમાં આવેલા એક અમેરિકન ધર્મપ્રચારકને ત્યાંના નોર્થ સેન્ટીનેલ ટાપુ ના રહેવાસીઓ જે સેન્ટિનલીઝ આદિવાસીઓ તરીકે ઓળખાય છે એ લોકોને વટલાવવાનો પ્રયાસ કર્યો. એ આદિવાસીઓએ એ પ્રચારકને મારી નાખ્યો અને 18 નવેમ્બર ના દિવસે અમુક માછીમારોએ એ પ્રચારક નામે જોન ચાઉનો મૃતદેહ એ ટાપુઓના કિનારે બાંધેલો મળ્યો.

આ હત્યા અને એની પાછળના સંજોગો વિવાદાસ્પદ અને ચિંતાજનક છે. કારણકે અહીંયા આપણે જે સેન્ટિનલીઝ આદિવાસીઓની વાત કરીએ છીએ એ અનકોન્ટેક્ટેડ ટ્રાઈબ્સ માં આવે છે. એ લોકો માનવજાતની શરૂઆતના સમયથી આંદામાન નિકોબાર ટાપુઓમાં રહે છે અને બહારની દુનિયા સાથે એ જાતિઓનો સહેજ પણ સંપર્ક નથી. એ લોકો આજે પણ હજારો વર્ષો પહેલાનું હન્ટર ગેધરર (એટલેકે શિકારીઓનું) જીવન જીવે છે. અને વિશ્વમાં આ રીતે જીવતી બહુ થોડી પ્રજાતિઓ બાકી રહી છે. જેમાંની મોટાભાગની એમેઝોન ના જંગલોમાં, પાપુઆ ન્યુ ગીની ના વણખેડાયેલા ટાપુઓમાં વસે છે અને એ સિવાય આંદામાન નિકોબારના નોર્થ સેન્ટિનલ ટાપુઓમાં વસે છે.

અને એટલેજ આ આદિવાસીઓ અને એની જીવનરીતિ ટકી રહે, આપણી સાથેના સંપર્કની એને કઈ નુકસાન ન થાય. અને એના આપણી માટેના ડર થી આપણને કઈ નુકસાન ન થાય એટલે જે-તે રાષ્ટ્રોની સરકારે જ્યાં આવી અનકોન્ટેક્ટેડ ટ્રાઈબ્સ વસતી હોય તે જગ્યાઓ અને તેની નજીક જવામાં પ્રતિબંધો મુક્યા છે અને એમાં આપણી સરકાર પણ બાકાત નથી. કાયદા પ્રમાણે નોર્થ સેન્ટિનલ ટાપુ અને એની આસપાસના 3 માઈલ(4.8 કિમિ) જેટલા વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે.

નોર્થ સેન્ટિનલ ટાપુનો એરિયલ ફોટોગ્રાફ Courtesy: WikiMedia

સેન્ટિનલીઝ આદિવાસીઓ આંદામાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરથી 50કિમિ દૂર આવેલા લગભગ 60 સ્કવેર કિલોમીટરના એવા નોર્થ સેન્ટીનેલ ટાપુ પર રહે છે. આ ટાપુ પર અત્યારે ઓછામાં ઓછા 40 અને વધુમાં વધુ 500 જેટલા સેન્ટિનલીઝ આદિવાસીઓ રહે છે જે એકબીજા સાથે એની આગવી કહેવાતી સેન્ટીનલીઝ ભાષામાં વાત કરે છે. જે આંદામાન નિકોબારમાં રહેતા બીજા આદિજાતિ ગ્રુપની કોઈ પણ ભાષા કરતા અલગ છે. વિશ્વમાં પપુઆ ન્યુ ગીની ની અનકોન્ટેક્ટેડ જાતિઓને બાદ કરતા બીજી જાતિઓના લોકો માણસોની વચ્ચે રહે છે અને ધીરે ધીરે લોકો સાથે ભળતા થઇ રહ્યા છે. જયારે સેન્ટિનલીઝ આદિવાસીઓએ સભ્ય માનવજાતનો અને બીજા ટાપુઓ પર રહેતા આદિજાતિના લોકોનો કોઈ સંપર્ક જ નથી કર્યો. એ લોકો જ્યારથી આ ટાપુ પર વસ્યા હશે ત્યારથી એવા ને એવાજ રહ્યા છે. અને સમયગાળો એટલો જૂનો હશે કે પથ્થરના મકાન, ધાતુના બનેલા હથિયાર અને ખેતી કામ પણ આ આદિજાતિના માનવીઓ માટે નવી અને અજાણી વાત છે.

અને સેન્ટિનલીઝ આદિવાસીઓ અનકોન્ટેક્ટેડ છે અને એ રીતે રહેવાની ચોઈસ આ આદિવાસીઓની જ છે. તેઓ પોતે સામેથી ક્યાંય જતા નથી (કે જઈ શકતા નથી) અને કોઈ બહારના એના ટાપુ પર આવે તો આ આદિવાસીઓ એના પર તીરકામઠાથી આક્રમણ કરી એને ભગાડી મૂકે છે. જ્યારથી આંદામાન નિકોબાર ટાપુઓ વિષે દુનિયાને (અને ફોર ધેટ મેટર અંગ્રેજોને) ખબર પડી છે ત્યારથી ત્યાંના આદિવાસીઓની સાથે સંપર્ક કરવાના અને એમને મુખ્ય પ્રવાહમાં લાવવાના સતત પ્રયાસો થતા રહ્યા છે. અને એમાં સેન્ટિનલીઝ આદિવાસીઓ પણ સામેલ છે. બીજા આદિવાસીઓ લોભ, લાલચ અને ડરના લીધે આપણા સંપર્કમાં આવ્યા પણ આ સેન્ટિનલીઝ આદિવાસીઓએ સતત સંપર્ક ટાળે રાખ્યો. અને જે કોઈ સંપર્ક કરવા આવતું એમના પર હુમલા કરી ભગાડી દેવામાં આવતા.

આ સંપર્ક ન કરવાની ચોઇસમાં બે અપવાદ છે એક અંગ્રેજ ઓફિસર મોરિસ વિડાલ પોર્ટમેન, જેણે 1880માં સેન્ટિનલીઝ આદિવાસીઓના ઘરમાં પરાણે ઘૂસીને તેમનો “સંપર્ક કર્યો”. અને બીજા આપણા ભારતીય માનવશાસ્ત્રી (Antrhopologist) ત્રિલોકનાથ પંડિત જેમણે 24 વર્ષના પ્રયત્નો પછી 1991માં આ આદિવાસીઓ સાથેના લિમિટેડ સંપર્કમાં સફળતા મળી. એ સિવાય આ આદિવાસીઓએ એ ટાપુના કિનારે જે કોઈ આવ્યા હોય એ લોકો પર તીરકામઠાંથી હુમલાઓ કરીને એમને કા તો ભગાડી મુક્યા અને કા તો મારી નાખ્યા. જેમાં એક મુખ્ય કિસ્સો 2006માં બન્યો જયારે સુંદર રાજ અને પંડિત તિવારી નામના બે લોકલ માછીમારો નોર્થ સેન્ટીનેલ ટાપુ પર મળતા કરચલાંઓને પકડવા માટે એ એરિયામાં ગેરકાયદેસર રીતે ઘુસ્યા. રાત્રે ભૂલથી એ લોકો જયારે આ ટાપુની નજીક અને આ આદિવાસીઓની રેન્જમાં આવ્યા ત્યારે આ આદિવાસીઓએ એમના પર હુમલો કરી એમને મારી નાખ્યા. કોસ્ટ ગાર્ડને આ બંને નો મૃતદેહ ત્રણ દિવસે દેખાયો.

ત્રિલોકનાથ પંડિત, સેન્ટીનાલિઝ આદિવાસીઓ સાથે યોગ્ય સંપર્ક કરનાર એકમાત્ર એન્થ્રોપોલોજીસ્ટ. આડવાત, તેઓ 83 વર્ષની વયે દિલ્હીમાં જીવે છે. Courtesy: Newyork Times

પણ ભારત સરકારે આ આદિવાસીઓ પર કોઈ જ એક્શન ન લીધી. વર્ષોથી આપણી સરકારે આ આદિવાસીઓની એકલા રહેવાની ઈચ્છાને માન આપ્યું છે, અને જો કોઈ સેન્ટિનલીઝ આદિવાસી કોઈ બહારના વ્યક્તિ પર હુમલો કરે તો આ આદિવાસીઓને ગુન્હેગાર ન ગણવા એવું વલણ રાખ્યું છે. અને એટલેજ એ આદિવાસીઓ અને આપણી સલામતી માટે સરકારે આ ટાપુ અને એની આસપાસના એરિયામાં સામાન્ય લોકોના જવા પર પ્રતિબંધ મુક્યો છે અને એ કરવું એકદમ જરૂરી છે. આપણી કહેવાતી સુધરેલી પ્રજા, ખાસ તો અંગ્રેજોએ માત્ર એક ધાબળાથી અમેરિકન રેડ ઇન્ડિયન આદિવાસીઓ પર કાળો કેર વર્તાવેલો એ જગજાહેર છે. આપણે ઉત્ક્રાંતિ દરમ્યાન ઉભા કરેલા એવા ઘણા રોગો અને ઘણા વાયરસ સામે ઓબવિયસ કહેવાય એવું મારણ આ આદિમાનવો પાસે નથી હોતું. આ વાતનો ફાયદો લઈને આપણી સુધરેલી પ્રજાએ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા કે આંદામાન નિકોબાર બધે જ આ લોકલ પ્રજાતિઓનો સોથ વાળ્યો છે. 

એના એક ઉદાહરણ તરીકે આંદામાન નિકોબારની જરાવા જાતિ પણ ગણી શકાય, જે સેન્ટીનાલિઝ કરતા પણ વધારે એગ્રેસીવ હતા એ લોકો જ્યારથી આપણા સંપર્કમાં આવ્યા છે ત્યારથી એ લોકો દારૂ અને ડ્રગ્સના સંપર્કમાં પણ આવ્યા છે જેને જરાવા લોકો સહન કરી શક્યા નથી. અને સેન્ટિનલીઝ આદિવાસીઓને પણ આવા કોઈ “સંપર્ક” અને એની “આડ અસરો” થી નુકસાન ન જાય એવું સરકારે ધ્યાન રાખીને અમુક કાયદાઓ બનાવેલા છે.

લાગતું વળગતું: Sapiens: (એગ્રી) કલ્ચર, વ્યાપાર, ધર્મ અને આપણો વર્તમાન

પણ આવા કાયદાનો પોતાના ફાયદા માટે ભંગ કરવો એ અમુક લોકોનો જન્મસિદ્ધ અધિકાર બની રહ્યો હોય એવું લાગે છે. ખાસ કરીને પોતાની જાતને આખી દુનિયાના રાજા સમજતા અમેરિકનો અને આખી દુનિયાને જીસસનો જ સંદેશ માનવો જોઈએ એવું સમજતા ખ્રિસ્તી ધર્મપ્રચારકો. અને એમાંય આ બંનેનું કોમ્બિનેશન ભળે એટલે એ માણસને એકજ વસ્તુ દેખાય, પોતાનો ફાયદો અને ધર્મનો પ્રચાર. બાકી કાયદો, સામેના માણસની પરિસ્થિતિ અને જે-તે જગ્યાનું સોશિયલ ફેબ્રિક એ બધું જાય ભાડમાં. જોન ચાઉ એ પણ આ જ કર્યું.

જોન ચાઉ ના મતે આ નોર્થ સેન્ટીનેલ આઇલેન્ડ “શેતાનનું ઘર” છે જ્યાં કોઈએ પણ “ઉદ્ધારક” જીસસનું નામ નથી સાંભળ્યું. એટલે આ આદિવાસીઓના  “પોતાની ભાષામાં જીસસના ગુણગાન ગાઈ શકે”, એ લોકોનું “કલ્યાણ થાય” એટલે જોન ચાઉ ગમે એમ નોર્થ સેન્ટીનેલ ટાપુ પર જવા માંગતો હતો. અને પહેલી વાર લોકલ માછીમારોને 25000 રૂપિયા જેવી રકમ લાંચમાં આપીને તે 14 નવેમ્બરે મોડી રાત્રે નોર્થ સેન્ટીનેલ ટાપુ પર જવા નીકળ્યો. આ ટાપુ પર ના પ્રતિબંધો વિષે જાણતો હોવા છતાં એણે મોડી રાતનો સમય પસંદ કર્યો જેથી કોસ્ટ ગાર્ડની નજરોથી બચી શકાય. 15 નવેમ્બરે સવારે જયારે જોન ચાઉનો સેન્ટિનલીઝ આદિવાસીઓ સાથે સંપર્ક થયો એ રાબેતા મુજબ બહુ હોસ્ટાઇલ સંપર્ક હતો. આદિવાસીઓના હુમલા થી બચીને જોન ચાઉ માંડ માંડ પાછો ફર્યો અને 16 નવેમ્બરે ફરી એક વાર તેણે પ્રયાસ કર્યો અને ફરી એક વાર માંડ માંડ જીવ બચાવીને તે પાછો ફર્યો.

આટઆટલા નિષ્ફળ પ્રયાસો અને આટલી બધી જાહેર માહિતી હોવા છતાં જોન ચાઉ 17 નવેમ્બરે છેલ્લી વાર નોર્થ સેન્ટીનાલિઝ ટાપુ પર ગયો અને પછી કદી પાછો ન ફર્યો. સેન્ટીનલીઝ આદિવાસીઓએ એને ફાઈનલી મારી નાખ્યો. ભગવાન જોન ચાઉના આત્માને શાંતિ આપે, અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, પણ કદાચ એક રાષ્ટ્રના, અને એનાથીય ઉપર કુદરતના કાયદાનો ભંગ કરવાનો કદાચ આ જ ન્યાય કુદરતે નક્કી કર્યો હશે.

આ બધી વાર્તામાં એક પ્રજા તરીકે આપણે અને આપણી સરકારે એક વાત ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. આ પહેલા ઘણા ગરીબ અને આદિવાસીઓને વટલાવવાનો પ્રયાસ થયો છે. જો કોઈ પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કરતા હોય તો ભલે, પણ ઘણા કેસમાં લોભ, લાલચ અને ડર નો પ્રયોગ કરી લોકોને વટલાવવામાં આવે છે. આપણે આ મુદ્દે ઘણું ધ્યાન રાખ્યું છે, પણ આ કિસ્સો એ સાબિત કરે છે કે આપણે હજુ વધારે ધ્યાન આપવાનું છે. ધર્મ પરિવર્તન કરનાર કોઈ પણ હોય, એને ક્યાંય આવી પ્રવૃત્તિ કરવાનો ફ્રી પાસ નથી મળતો. ખાસ કરીને કોઈ વિદેશી નાગરિક કોઈ અન્ય દેશના લોકોનું ધર્મપરિવર્તન આ રીતે છુપાઈને કરવાના પ્રયાસ કરે એ ખાસ ચિંતાજનક છે. 

આશા રાખીએ કે આ કિસ્સામાંથી ખ્રિસ્તી ધર્મપ્રચારક કઈ શીખે કે ન શીખે, આપણે કૈક શીખીએ, અને જીવો અને જીવવા દો નો મંત્ર આપણે અમલ માં મૂકીએ….

અપડેટ: આંદામાન નિકોબાર ટાપુઓના આદિવાસીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ 1974માં નેશનલ જ્યોગ્રાફિક ની ટીમે પણ કરેલો અને એ પ્રયાસની ડોક્યુમેન્ટરી મેન ઈન સર્ચ ઓફ મેન યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે. આ ડોક્યુમેન્ટરીના અંતમાં નોર્થ સેન્ટિનલીઝ ટ્રાઈબ પણ દર્શાવી છે. અને કદાચ નેશનલ જ્યોગ્રાફિકની ટિમ સાથે ત્રિલોકનાથ પંડિત પણ હતા…..

ત્યાં સુધી,

મે ધ ફોર્સ બી વિથ યુ…

eછાપું 

તમને ગમશે: જન્માષ્ટમી, જુગાર અને ધમાલ … હું તો ગ્યો’તો મેળે એની મેળે!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here