ખુશવંત સિંઘ દ્વારા આપવામાં આવેલા ખુશ થવાના નવ નુસ્ખાઓ

    0
    539

    ભારતીય લેખક, વકીલ, રાજદૂત, પત્રકાર અને રાજકારણી ખુશવંત સિંઘ કોઇપણ પ્રકારના પરિચયના આભારી નથી. 2010માં તેઓ સાહિત્ય અકાદમીના ફેલો બન્યા હતા. સિંઘના લેખો ખૂબ જ પ્રામાણિક અને જલદ ગણાતા અને એટલે જ પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ખુશવંત સિંઘને સન 2000 માં સુલભ ઈન્ટરનેશનલ નામની એક સમાજસેવી સંસ્થાએ  Honest man of the year નો ખિતાબ પણ આપેલો.

    Photo Courtesy: oneindiaonepeople.com

    આજથી 2019નું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. નવા વર્ષની શરૂઆત એ જિંદગીના વ્યાકરણમાં આવતા એવા વિરામચિહ્નો છે, જ્યાં જરાક થોભીને વિચારવું પડે કે જે વર્ષો ગયા અને જે રહ્યા એમાં આપણે કેટલું અને કેવું રહ્યા અને કેવું વહ્યા! ગયા વર્ષે ‘સંજયદ્રષ્ટિ’ કોલમ શરૂ કરી ત્યારથી અલગ અલગ વિષયો પર લખતો આવ્યો છું. આજે આઈસ્ક્રીમની જેમ ચાટવા જેવા, ખીચડીમાં છાશ નાખી હોય એમ સબડકા ભરવા જેવા, કાજુ-બદામ નાખેલા સત્યનારાયણની કથાના શીરા જેવા લસલસતા અને સડસડાટ ગળેથી નીચે ઊતરી જાય એવા, કેડબરી સિલ્ક જેવા સુંવાળા પણ ખરેખર જીવનની માલીપાના ખાલીપાને ઓલીપા મોકલવા કામ આવે એવા નવ નુસ્ખાઓ વાચકો સમક્ષ મૂકું છું.

    આ નુસ્ખાઓ ખુશવંત સિંઘ દ્વારા લખવામાં આવેલા પુસ્તક એબ્સલ્યુટ ખુશવંત (Absolute Khushwant) માંથી લીધા છે. આશા છે વાચકમિત્રોને વાંચીને આનંદ અનુભવાશે. On Happiness નામના પ્રકરણની શરૂઆતમાં ખુશવંત સિંઘ લખે છે – હું ખૂબ જ સંતોષકારક, રસપ્રદ અને વ્યાજબી રીતે જિંદગી જીવ્યો છું અને હંમેશા વિચારતો રહ્યો છું કે એવું શું છે જે માણસને ખુશ રાખે છે અથવા તો ખુશ રહેવા માટે માણસે શું કરવાની જરૂર છે? (અહીં શબ્દોનો ભાવ ખુશવંત સિંઘ જે રીતે લખી ચૂક્યા છે તે મૂળ અંગ્રેજી પ્રકરણનો રાખવાનો પ્રયન્ત કર્યો છે)

    સૌ પહેલાં તો આરોગ્ય કે સ્વાસ્થ્ય જરૂરી છે. Health is wealth. પહેલું સુખ તે જાતે નર્યાં. જો તમારું આરોગ્ય સારું નહીં હશે તો તમે ખુશ ન રહી શકો. કોઈ પણ બિમારી (ભલે મામૂલી કે તુચ્છ) હોય, એ તમારી ખુશીમાંથી કંઈક તો બાદ કરશે જ.

    બીજું છે સ્વસ્થ બેંક બેલેન્સ. તમારું બેંક બેલેન્સ કરોડોમાં હોય એ જરૂરી નથી પણ એટલું તો હોવું જ જોઈએ જેનાથી તમે એક રાહત અનુભવી શકો. બહાર ખાવું, ફિલ્મ જોવી, વેકેશન માણવું – આવા મનોરંજન માટે વાપરી શકો એટલા નાણાં તો હોવા જોઈએ. નાણાંકીય ભીડ કે પૈસાની તંગી માણસને નારાજ કરી શકે છે. ક્રેડિટ પર કે ઉછીના-ઉધાર કરીને જીવવું એ પણ માણસ માટે નિરાશાજનક છે.

    ત્રીજું, ઘરનું ઘર. ભાડાનું ઘર તમને કોઈ દિવસ એવો આરામ કે સલામતી આપી શકે નહીં જેવું તમારું પોતાની માલિકીનું ઘર આપે. એમાં પણ જો નાનું ગાર્ડન બનાવવાની જગ્યા હોય તો અતિ ઉત્તમ. તમારા પોતાના છોડ-ફૂલ-ફળ વાવો. એમને વધતાં-ઉછરતાં જુઓ અને તેમની સાથે એક સંબંધની ભાવના કેળવો. એક અલગ જ ખુશી મળશે.

    ચોથું, એક સમજદાર સાથી – ભલે જીવનસાથી (પતિ કે પત્ની) હોય કે નજીકનો મિત્ર. જો તમારે સાથી સાથે ઘણી બધી ગેરસમજ હોય તો એ તમારા મનની શાંતિ લૂંટી લેશે. હંમેશાં ઝઘડવું એ કરતાં છૂટાછેડા લઈ લેવા સારા.

    પાંચમું, જીવનમાં તમારા કરતાં વધુ સારું કરનાર લોકોની ઇર્ષ્યા કરવાનું બંધ કરો. ઊંચો હોદ્દો, વધુ પ્રમોશન, વધુ પગાર અથવા વધુ ખ્યાતિ – આ દરેક પ્રકારની ઈર્ષ્યા ધીમે ધીમે મનને અને મગજને કાટ લગાડે છે. તમારી જાતની બીજાઓ સાથે સરખામણી કરવાનું ટાળો.

    છઠ્ઠું, લોકો તમારી પાસે ગપશપ કે પંચાત કરવા આવે નહીં એવો માહોલ રાખો. એવા લોકોની ગપશપ સાંભળીને તમે પોતાના કાર્યો તરફ વળશો, ત્યાં સુધી તમારા મગજમાં એ ગપશપનું ઝેર ફેલાઈ ગયું હશે અને તમે પૂરી રીતે થાકી કે exhaust થઈ ગયા હશો.

    સાતમું, એક કે બે એવા શોખ કેળવો જે તમને સંતોષ આપે અને પરિપૂર્ણ કરે – બાગકામ, વાંચન, લેખન, ચિત્રકલા, વાદ્ય વગાડવું કે સંગીત સાંભળવું વગેરે. મફતનાં પીણા (સોફ્ટ કે હાર્ડ) મેળવવા માટે ક્લબ અથવા પાર્ટીઓમાં જવું અથવા સેલિબ્રિટીઝને મળવું એ સમયનો મોટો દુરુપયોગ છે. એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમને કાર્યરત કે વ્યસ્ત રાખે. મારી પાસે એવા કુટુંબના સભ્યો અને મિત્રો છે જે તેમના સમગ્ર દિવસમાં ભટકતા કુતરાઓની સંભાળ રાખે છે, તેમને ખોરાક અને દવાઓ આપે છે. એવા કેટલાક લોકો છે જે મોબાઇલ ક્લિનિક્સ ચલાવે છે, બીમાર લોકો અને પ્રાણીઓની સારવાર મફતમાં કરે છે.

    આઠમું, દરરોજ સવારે અને સાંજે આત્મનિરીક્ષણ માટે પંદર મિનિટ સમર્પિત કરો. સવારના દસ મિનિટ મનને એકદમ સ્થિર રાખવામાં ખર્ચો, અને પાંચ મિનિટ તે દિવસે જે વસ્તુઓ કરવાની હોય છે તે સૂચિબદ્ધ કરવામાં. સાંજે એથી ઊલટું, તમે જે કાર્યો કરવા માંગતા હતા તેના પર દસ મિનિટ ફાળવો. અને મનને સ્થિર રાખવા માટે પાંચ મિનિટ.

    નવમું, તમારો ગુસ્સો કાબુમાં રાખો. ટૂંક સમયમાં ગુસ્સે થવાનું અથવા વેર વાળવાનો પ્રયત્ન કરવાનું ટાળો. જ્યારે કોઈ મિત્ર (કે શત્રુ) બરછટ કે અનાડી વર્તન કરે, જસ્ટ મૂવ ઓન. સમાજમાં વ્યાજબી રીતે, શાંતિથી રહેવા અને જીવવા માટે તમારે ધનવાન કે સમૃદ્ધ કે સમાજના પ્રમુખપદે હોવું જરૂરી નથી.

    લાગતું વળગતું: બાવર્ચી – મોટા સુખની પાછળ ભાગવા કરતા નાની ખુશીઓ ભેગી કરો

    આ નવ નુસ્ખા તો ખુશવંત સિંઘ દાદાના છે. એમાં ચાર-પાંચ મારા અનુભવો પ્રમાણે સૂચનો જોડવા હોય તો આ રહ્યાઃ

    (1) ‘લેટ ગો’ કરતા શીખો – દરેક વસ્તુ પકડી રાખશો તો ક્યારેય આગળ નહીં વધો. જીવનમાં કોઇ ભૂલ થઇ હોય તો એને ઢોરની જેમ વાગોળ્યા ન કરો. બાંધછોડ જરૂરી છે. આમ જનસમૂહની સ્મૃતિ બહુ જ કાચી હોય છે. આજે તમે સામાન્ય હો તો તમારી ભૂલો અંગે સૌ આંગળી ચીંધે, પણ એ ભૂલને વળોટીને જીવનમાં આગળ વધો એટલે તમારી એ ભૂલ ભૂલી જવા માટે સૌ ઉતાવળા થાય. પાણીની જેમ વહેતાં રહો. વહેશો એટલે તાજા રહેશો.

    (2) જરૂરત વિનાની વસ્તુઓ ભેગી કરવાનું ટાળો. ‘થોડા ઔર ચલેગા’ એવું કહીને લાવ, લાવ ને લાવ એ આપણો સ્વભાવ બની ગયો છે. ભૌતિક વસ્તુઓ ખાસ કરીને પૈસો પ્રાપ્ત કરવાની તૃષ્ણા વધી ગઇ છે. કોઇને ખબર નથી કે કેટલું હશે તો પૂરતું થશે. જેટલી વધુ લાલચ રાખશો એટલા વધુ દુઃખી થશો. તમારી જાત સાથે ‘જેવા છો તેવા સરસ છો’ એવો ભાવ રાખો.

    (3) સમાજમાં વ્યવહાર સાચવો – જૂના જમાનાની કહેવત છે કે સંબંધો પર દુનિયા ટકેલી છે, પછી એ સંબંધો સામાજિક હોય કે વ્યાવસાયિક. યાદ રાખો કવિ ભરત ભટ્ટની કવિતાની પહેલી બે કડીમાં લખ્યું છે કે ‘જીવનમાં ભારે દબદબો જોઈએ છે, મરણ બાદ સૌને ખભો જોઈએ છે’.

    (4) સાંભળો – આપણે સહુ બહુ બોલકણા સામાજિક પ્રાણી છીએ. હાથપગ ભલે ના ચાલતા હોય પણ લલૂડી સખણી બેસતી નથી. પણ બોલતા પહેલાં સાંભળો. ભગવાને આપણને એક મોં અને બે કાન આપ્યા છે એનો અર્થ એ થાય કે બોલવા કરતા સાંભળો વધારે.

    (5) જેને આપણે બદલી નથી શકતાં એનો સ્વીકાર કરો – વરસાદ આવશે કે નહીં એ આપણા હાથમાં નથી, પણ છત્રી પાસે રાખવી કે નહીં એ આપણા હાથમાં છે. જે વસ્તુ પર તમારો કોઇ કંટ્રોલ નથી એ વસ્તુ વિશે વધારે વિચારો નહીં, અને એ વસ્તુનો સ્વીકાર કરતાં શીખો. સ્વીકાર કરતી વખતે તમારા અહમને ટાળો.

    ચાલો ત્યારે, આજે આપણે ખુશવંત સિંઘ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારો સાથે અવગત થયા તો આવતાં અઠવાડિયેથી ફરી નવા વિષયો સાથેસંજયદ્રષ્ટિને આગળ વધારશું. HAPPY NEW YEAR!

    પડઘોઃ

    જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.

    જીવવું છે ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન! થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

    જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે, આંખને આકાશના જેવી ભૂરી રાખવી.

    ભાન ભૂલી વેદનાઓને વલૂરી નાખવી, જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

    જામમાં રેડાય, તેને પી જવાનું હોય છે, ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

    કેફીઓના કાફલા વચ્ચે જીવી જાણવું, થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.

    ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન, જાગરણની સજાને ખુદને પુરી રાખવી.

    એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ, ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.

    બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર, ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.

    –  વેણીભાઈ પુરોહિત

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: ડોનાલ્ડ ટ્રમ્પ ભારત કેમ નહીં આવે? : COMCASA, CAATSA, S-400 અને બીજું ઘણું બધું..

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here