ભારતની વિદેશનીતિ – બિનજોડાણવાદથી બહુજોડાણવાદ તરફ!

    0
    461

    જયારે આપણે એક સોસાયટી કે ફળિયામાં નવાસવા રહેવા જઈએ છીએ અને શરૂઆતમાં કોઈની પણ સાથે સંબંધ વિકસિત કરતા નથી એ એક સર્વસામાન્ય મનોવૃત્તિ છે. પરંતુ જેમ જેમ એ સોસાયટી કે ફળિયામાં રહેતા પરિવારોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણને એમની સાથે સંબંધો વિકસાવવાના વિવિધ કારણો મળતા જાય છે. ધીમે ધીમે આપણે મોટાભાગના ઘરપરિવારો સાથે હળતા-મળતા થઇ જઈએ છીએ અને આ જ વાતમાં આપણો લાભ છે તેમ માનીએ છીએ. શું આ વાત એક કુટુંબ કે ઘર માટે જ લાગુ પડે છે? કે પછી એનો સંબંધ વિસ્તૃત અર્થમાં કોઈ રાષ્ટ્રને તેની વિદેશનીતિ બાબતે પણ લાગુ પડી શકે?

    Photo Courtesy: dnaindia.com

    જવાબ છે ‘હા’! આ વાત એક રાષ્ટ્રને પણ લાગુ પડી જ શકે અને તેનું એકદમ વ્યાજબી ઉદાહરણ જોઈએ તો તે છે આપણા સૌનો પ્યારો ‘ભારત દેશ’. ભારત જયારે સ્વતંત્ર થયું ત્યારે વિશ્વમાં માત્ર બે જ મહાસત્તાઓ પ્રવર્તતી હતી. એક હતું યુ.એસ.એ. અને બીજું હતું યુ.એસ.એસ.આર. (સોવિયેત યુનિયન). ભારતના પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નેહરુ એ વાત સ્પષ્ટપણે સમજતા હતા કે જો એ તબક્કે ભારત પોતાની વિદેશનીતિ હેઠળ કોઈ એક મહાસત્તાને સાથ આપી દેત તો શરૂઆતથી જ ભારત દેશ એ જેતે મહાસત્તાના દબાણ હેઠળ આવી જાત! વળી, જે મહાસત્તાની વિરુદ્ધ જાત એ મહાસત્તા યેનકેન પ્રકારે વૈશ્વિક ફલક પર ભારત માટે માથાનો દુખાવો બની જાત. તો આમાંથી બચવા માટે તેમણે કયું પગલું લીધું?

    એ પગલું હતું. ‘નોન-અલાઈનમેન્ટ મુવમેન્ટ’(NAM). જેનો શાબ્દિક અર્થ એવો થાય છે કે ભારત દેશ બંનેમાંથી કોઇપણ મહાસત્તા તરફી નહિ બને અને તટસ્થ બનીને બંને મહાસત્તાઓ સાથે દરેક બાબતે સમાન વ્યવહાર કરશે. આ પગલાનો ફાયદો શું થયો? તો ફાયદો એવો થયો કે સ્વતંત્ર થવાની સાથે જ ભારતે પોતાનું સાર્વભૌમત્વ વિશ્વ સમક્ષ સાબિત કર્યું. એટલું જ નહિ આ પગલાને વિશ્વના ઘણા દેશોએ આવકાર્યું પણ ખરું અને ભારતના નેતૃત્વ નીચે આ સંગઠનમાં જોડાયા.

    તો આપણને સવાલ એવો જરૂરથી થાય જ કે NAMની તે વખતની સંકલ્પના અને હાલની સંકલ્પનામાં શું ફરક છે? અને જો ફરક છે તો પછી એના કારણો કે સંજોગો કયા છે? તો એક વાત તો ચોક્કસ છે કે NAMની સંકલ્પનામાં ધરખમ ફેરફાર જોવા મળે છે. પહેલાં NAMનો અર્થ એવો હતો કે ભારત દેશ કોઈ પણ મહાસત્તા સાથે જોડાશે નહિ. પરંતુ હાલમાં તેનો અર્થ બહુપરિમાણીય બન્યો છે. હાલમાં NAMનું અર્થઘટન કરવું હોય તો, ‘દરેક મહાસત્તા સાથે સમાન રીતે જોડાવું’ એવો કરી શકાય.

    નોન અલાઈનમેન્ટમાંથી મલ્ટી અલાઈનમેન્ટમાં જવાના કારણોને આપણે બે ભાગમાં સમજવા પડશે. 1) 1947 થી 1991 અને 2) 1991 થી 2018. આ બંને વિભાગોનું દ્વીભાજક વર્ષ છે 1991. કેમ? કારણ કે આ સાલમાં ભારતે પોતાની અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો. ભારતે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો ખ્યાલ અપનાવ્યો. જેને અર્થવ્યવસ્થામાં હુલામણા નામથી ‘LPG સુધારા’ કહેવામાં આવે છે.

    આ સુધારા પહેલાં ભારત દેશ એક બંધ અર્થવ્યવસ્થા હતી. કોઈ બહારના દેશની કંપનીને ભારતમાં પોતાનો વ્યાપાર શરુ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. અંગ્રેજો પણ એક વ્યાપારી સત્તા તરીકે આવીને ભારત પર લગભગ 200 જેટલા વર્ષો સુધી રાજ્ય કરીને ગઈ એટલે ‘દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે’ એ ન્યાયે ભારત દેશના ઘડવૈયાઓએ બહારની કંપનીઓ પર કડકાઈ કરીને તેમનું ભારતમાં આગમન લગભગ અઘરું બનાવી દીધું હતું.

    પરંતુ, આ પ્રકારની અર્થનીતિ અને વિદેશનીતિ અપનાવવાથી લાંબા ગાળાનું નુકસાન એ થયું કે ભારતની સ્થિતિ કુવાના દેડકા જેવી થઇ ગઈ. ઉપરાંત 1991માં ખાડીના આરબ દેશોમાં યુદ્ધ સર્જાવાના લીધે ક્રુડ ઓઈલના ભાવો આસમાને પહોચ્યા. આવામાં ભારત જેવો દેશ જે પોતાની વાર્ષિક જરૂરીયાતનું આશરે 80 ટકા ઓઈલ આયાત કરતો હોય તેની આર્થિક ભીંસ વધી અને હાલત એટલી કફોડી થઇ કે ભારત પાસે માત્ર 7 જ દિવસ ચાલે તેટલું વિદેશી હૂંડિયામણ બચ્યું હતું. આવામાં IMF (ઇન્ટ. મોનેટરી ફંડ) પાસેથી તેની શરતો સ્વીકારીને મદદ લેવા સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ નહતો. જેના પરિણામે LPG સુધારા અપનાવવા પડ્યા!

    લાગતું વળગતું: અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ બન્યો એ નહેરુને નહોતું ગમ્યું

    હવે આ સુધારાઓના લીધે ભારતમાં વિદેશી કંપનીઓનો વ્યાપાર વધ્યો અને તેમની નવી નવી શાખાઓ પણ બની. ભારતના નેતાઓને પણ સમજાયું કે ટેકનોલોજીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ દેશના આર્થિક વિકાસ માટે મદદરૂપ નીવડશે જ! એટલા માટે હવે વિવિધ દેશો પાસેથી નવી નવી ટેકનોલોજીસ, રીસર્ચ અને વિકાસ માટેની પદ્ધતિઓ, કૃષિ વિષયક વિજ્ઞાન તેમજ ઔદ્યોગિક સ્તર પર આવેલા અદ્યતન બદલાવોની શીખ મેળવીને ભારત દેશ પણ તેમની સાથે કદમ મિલાવવા સક્ષમ બને તેવા પ્રયત્નો જરૂરી બન્યા.

    1991 બાદ આવેલી તમામ સરકારોએ ઉપરની વાતને બખૂબી સમજી. વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા સાથે ભારતના સંબંધોમાં નવો જ આયામ વિકાસ પામ્યો. વળી, પાકિસ્તાનને બાદ કરતાં બીજા તમામ પાડોશી દેશો સાથે ભારત હંમેશા મોટા ભાઈ તરીકે ઉભું રહ્યું છે.

    અર્થવ્યવસ્થા ટકાવી રાખવા માટે અને સમૃદ્ધ બનાવવા માટે માત્ર ઉત્પાદન થવું અને જરૂરીયાત સંતોષાય એટલેથી સંતોષ જ માની લેવો જોઈએ? જી ના. ભારતે આ વાત બખૂબી સમજી છે અને એટલા જ માટે વિવિધ દેશો સાથે પોતાના ઘરેલું ઉત્પાદનોની નિકાસ કરવા માટેના કરારો કર્યા છે.

    વિશ્વ આખું એક ‘ગ્લોબલ વિલેજ’ છે. જેમાં પરસ્પર સહકારથી જ સમૃદ્ધિ આવે છે આ વાત ભારત હંમેશા વૈશ્વિક સંગઠનોના સંમેલનોમાં કહેતું આવ્યું છે. યુનાઇટેડ નેશન્સ, G20, આસિયાન, બીમ્સ્ટેક, તેમજ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના સભ્ય તરીકે વિશ્વ જ્યારે ભારતને એક સશક્ત રાષ્ટ્ર તરીકે જુએ છે ત્યારે ભારત બિનજોડાણવાદની વિદેશનીતિ અપનાવીને બેસી રહે તે વાત ભારતને પાલવે તેમ નહતી.

    ઉપરાંત, ભારત વસ્તીના મામલે વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. એનો છૂપો મતલબ એમ થાય છે કે વિશ્વના દેશો ભારતમાં એક મોટું પોટેન્શિયલ ધરાવતું બજાર જુએ છે. ભારત પણ આ વાત સાચા સમયે સમજે તે જરૂરી છે. જેથી વિદેશી રોકાણકારોનું ભારતમાં આગમન થવાથી રીઝર્વ બેંક પાસે વિદેશી હુંડીયામણ વધ્યું છે અને સાવ તળિયે બેઠેલી ભારતીય મુદ્રાના સ્તરમાં સુધારો આવ્યો છે.

    ભારતની વિદેશનીતિમાં આવેલા આ આમૂલ પરિવર્તનો ભારતને આજે વિશ્વની એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે સાબિત કરવામાં સક્ષમ બન્યા છે. જોકે, હજીયે ભારત દેશે લાંબી મજલ કાપવાની છે. પરંતુ એ સાધ્ય માટે આ બદલાયેલી વિદેશનીતિ જ સાધન સાબિત થશે એવી ચોક્કસ ખાતરી આપતાં હું ખચકાતો નથી.       

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: સેન્ટિનલીઝ આદિવાસીઓ – એમને એમની રીતે જીવવા દો, વટલાવવાની જરૂર નથી

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here