કોંગ્રેસમાં માત્ર ગાંધી પરિવાર જ સર્વસ્વ એ ફરી એકવાર સાબિત થયું

    0
    297

    કોંગ્રેસ પક્ષ અને ગાંધી પરિવાર એ બંને એક સિક્કાની જ બે બાજુ છે એ ગઈકાલે ફરી એકવાર સાબિત થઇ ગયું જ્યારે પ્રિયંકા વાડ્રા…સોરી ‘પ્રિયંકા ગાંધી વાડ્રાને’ કોંગ્રેસના મહાસચિવ પદે નિયુક્ત કરવામાં આવ્યા. હજી તો આ નિમણુંકને અમુક મીનીટો જ વીતી હતી કે અમેઠીનો પ્રવાસ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નિવદેન કરી દીધું કે, મેં મહાસચિવ પદે પ્રિયંકાની નિમણુંક કરી એટલે હવે અહીં (ઉત્તર પ્રદેશમાં) કોંગ્રેસ પોતાનો મુખ્યમંત્રી બેસાડવાનું કાર્ય કરશે!”

    Photo Courtesy: deccanchronicle.com

    ઠીક છે, રાજકારણમાં ચડતીપડતી આવતી હોય છે. એક સમયે ભારતીય જનતા પાર્ટી પણ સંસદમાં માત્ર બે જ સંસદસભ્યો ધરાવતી હતી અને અત્યારે એકલેહાથે સત્તા સંભાળી રહી છે પરંતુ એ બધું રાતોરાત નહોતું થઇ ગયું એ પણ એટલુંજ સત્ય છે. કોંગ્રેસની હાલત ઉત્તર પ્રદેશમાં એટલી તો પાતળી છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધને પણ કોંગ્રેસને પોતાની સાથે રાખવા લાયક ગણી નથી. આટલું જ નહીં જાણેકે ભિક્ષા આપતા હોય એ રીતે આ બંનેએ આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ માટે રાય બરેલી અને અમેઠીની બેઠકો છોડી દીધી છે.

    તેમ છતાં રાહુલ ગાંધી અત્યારથી જ એવું કહી રહ્યા છે કે બહુ જલ્દીથી કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાનો મુખ્યમંત્રી બેસાડશે! કદાચ કોંગ્રેસી માનસિકતા જ એવી છે કે તે પક્ષ સાથે દેશને પણ ગાંધી પ્રાઈવેટ લિમિટેડ ગણી બેસે છે. જેમ વાત કરી એ મુજબ ભાજપનો કાયાકલ્પ પણ એક દિવસ કે એક રાતમાં જાદુઈ લાકડી ઘુમાવવાથી નહોતો થયો, તેમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને છેલ્લે નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહની મહેનતનો પરસેવો ભળ્યો હતો ત્યારે આ શક્ય બન્યું હતું.

    પરંતુ ગાંધી પરિવાર કોંગ્રેસને તો પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટી ગણે જ છે એ ગઈકાલે ફરીથી સાબિત થયું છે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી ટેલિવિઝન ડિબેટ જોઈએ છીએ એમાં ઘણાબધા કોંગ્રેસી પ્રવક્તાઓ પોતાના નેતાઓના અને પોતાના પ્રમુખના ખોટા નિવેદનોનો બચાવ કરતા હોય છે. સંજય ઝા કે પછી પવન ખેડા અથવાતો રણદીપ સુરજેવાલા કે પછી પ્રિયંકા ચતુર્વેદી જેવા પ્રવક્તાઓ દિવસ રાત જોયા વગર કોંગ્રેસની છબી સુધારવા માટે ધમપછાડા કરતા હોય છે, આ અનુભવીઓ કે પછી મહેનતુ કાર્યકર્તાઓ માંથીથી એક પણ વ્યક્તિ રાહુલ ગાંધીને ન મળ્યો જેના અનુભવ અને ઉત્સાહનો લાભ તેઓ પક્ષના  મહાસચિવ તરીકે લઇ શકે?

    લાગતું વળગતું: આદરણીય રાહુલ ગાંધી તમને આવા આઈડીયાઝ કોણ આપે છે?

    બન્યું શું કે સીધું ગાંધી પરિવારનું હેલિકોપ્ટર આવ્યું અને એમાંથી પ્રિયંકા ગાંધી ઉતર્યા અને સીધા જ પક્ષના મહાસચિવ પદે બેસી ગયા. કોંગ્રેસમાં પક્ષ વિરુદ્ધ સાચું બોલવાની કોઈનીય હિંમત નથી એટલે આ નિમણુંકનો વિરોધ ઉપર જણાવેલા તમામ મહેનતકશ મહાનુભાવોમાંથી એક પણ નહીં કરે પરંતુ તેઓ મનમાં તો જરૂર દુઃખી થયા હશે કારણકે તેમના કૌશલ્યને તેમને આવનારા ઘણા બધા વર્ષોમાં પોતાની નજર સમક્ષ સડી જતા જોવું પડશે.

    ચાલો આ તો પક્ષ પ્રવક્તાઓ છે પરંતુ સચિન પાયલોટ કે પછી જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવાન નેતાઓનું શું? હજી એક મહિના પહેલા જ અનુક્રમે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મળેલી ભવ્ય જીત બાદ કોંગ્રેસનું ભવિષ્ય ગણાતા આ બંને નેતાઓને કિનારે મુકીને રાહુલ ગાંધીને વૃદ્ધ આગેવાનોને આ બંને રાજ્યોની કમાન સોંપી દીધી હતી. હા જો આ બંને નેતાઓના નામ જો સચિન ગાંધી કે પછી જ્યોતિરાદિત્ય ગાંધી હોત તો વાત અલગ હોત!

    એટલે ગાંધી પરિવાર જ કોંગ્રેસમાં ઉચ્ચ પદ મેળવવા યોગ્ય ક્રાઈટએરિયા છે, તમારો અનુભવ, તમારી મહેનત કે પછી તમારી લોકપ્રિયતા કોઈજ કામ નથી આવતી, તમારે ફક્ત એટલુંજ કરવાનું છે કે તમારે ગાંધી પરિવારમાં જન્મ લેવાનો છે. બસ જો આટલું કરી બતાવો તો પછી ગંગા નહાયા!

    કોંગ્રેસની હાલત રાષ્ટ્રકક્ષાએ બિલકુલ સારી નથી એ બધા જાણે છે અને તેની પાછળ ગાંધી પરિવારની સમયાંતરે ઘટી ગયેલી લોકપ્રિયતા જવાબદાર છે અને આવનારા સમયમાં ગાંધી પરિવારને લીધે કોંગ્રેસ હજી પણ કારમી હાર જોવે તો આશ્ચર્ય નહીં થાય. જો કોંગ્રેસને ફરીથી બેઠી કરવી હશે તો તેના હાલના વરિષ્ઠ અને યુવા નેતાઓએ હિંમત ભેગી કરીને આ ગાંધી પરિવાર ની પકડમાંથી પક્ષને છોડાવવો પડશે અને જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ એટલીસ્ટ એકલેહાથે તો દિલ્હીની ગાદીએ નહીં જ બેસી શકે એ સ્પષ્ટ છે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: વધતી જતી ઠંડી અને તમારા વાળ… સંભાળ કેવી રીતે કરશો?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here