મમતાની દીદીગીરી ક્યાંક તેમની રાજકીય આત્મહત્યા સાબિત ન થાય

    0
    306

    પશ્ચિમ બંગાળમાં મમતાની દીદીગીરી ચાલે છે એ આપણે જાણીએ છીએ પરંતુ એક બંધારણીય સંસ્થાને પોતાનું કાર્ય કરતા અટકાવીને મમતા બેનરજી ક્યાંક પોતાના પગ પર જ કુહાડી તો નથી મારી રહ્યા?

    Photo Courtesy: scroll.in

    ગઈકાલે સાંજથી કોલકાતામાં એક પછી એક જે ઘટનાઓ બનવા લાગી એ દેશની લોકશાહી માટે ચિંતાજનક છે. જો કે આ ઘટનાઓનું સંચાલન કરનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાને લોકશાહીના રક્ષણ માટે આવું કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે એ અલગ વાત છે. મમતાની આ દીદીગીરી અત્યારેતો એમના કહેવાતા મહાગઠબંધનના સાથી નેતાઓના મન લુભાવી રહી છે પરંતુ ક્યાંક આ દીદીગીરી મમતાની રાજકીય આત્મહત્યા પણ સાબિત થઇ શકે તેમ છે.

    જૂની હિન્દી ફિલ્મ ‘રોટી’ નું એક અતિશય લોકપ્રિય ગીત છે, “યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ!” ગઈકાલે સાંજ સુધી જે કેસ અંગે CBIના અધિકારીઓ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે પહોંચ્યા હતા તે શારદા ચીટ ફંડ કેસ વિષે દેશની પ્રજાનો મોટાભાગનો હિસ્સો જાણકારી ધરાવતો ન હતો, પરંતુ ગઈકાલે મમતાની દીદીગીરી બાદ એટલેકે તપાસ માટે આવેલા CBI અધિકારીઓને પકડીને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા બાદ લગભગ આખા દેશને એ કેસમાં રસ પડ્યો છે અને શારદા ચીટ ફંડ અંગેની તમામ માહિતી દેશવાસીઓ મેળવી રહ્યા છે.

    આમ મમતા બેનરજી ભ્રષ્ટાચારનો મુદ્દો પોતાના રાજ્ય સુધી કદાચ સીમિત રાખવા માંગતા હતા એ જ મુદ્દો હવે સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઈ ગયો છે. આમ મમતા બેનરજી પોતાના રાજ્યમાં રાજકીય અંકગણિત બેસાડવા જતા રાષ્ટ્ર કક્ષાએ પોતાની ઈમેજ ખરાબ કરી ચૂક્યા છે. મમતા બેનરજીને મોટાભાગનું ભારત પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓ સામે ખુલ્લમખુલ્લા લડનાર અને તેમને ત્રણ દાયકાના શાસન બાદ લાત મારીને કાઢી મુકનાર લડવૈયા તરીકે ઓળખતું હતું પરંતુ હવે મમતાની દીદીગીરી બાદ ભારતીયો તેમને ભ્રષ્ટાચારના સંરક્ષક તરીકે ઓળખે તો નવાઈ નહીં લાગે.

    મમતા બેનરજી અને તેમના પક્ષના પ્રવક્તાઓ ગઈકાલથી મોદી-શાહની જોડી રાજ્યમાં લોકશાહીનું ગળું ટૂંપી રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ જ્યારે પહેલા ભાજપ પ્રમુખ અમિત શાહ અને બાદમાં દેશના એક રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથની સભા પોતાના રાજ્યમાં ન કરવા દેવાથી અને યોગીનું તો હેલિકોપ્ટર પણ સભાસ્થળે ન ઉતારવા દેવાથી લોકશાહીનું ગળું કોણ દબાવી રહ્યું છે એ આપણે બધા જોઈ જ રહ્યા છીએ.

    મમતાની દીદીગીરીનો બીજો મુદ્દો એ હતો કે મોદી અને શાહ CBIનો દુરુપયોગ કરીને બંધારણનું અપમાન કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર નહીં પણ સુપ્રિમ કોર્ટના નિર્દેશ હેઠળ CBI તેમના રાજ્યમાં આવીને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગતી હોય ત્યારે પહેલાતો તેમની રાજ્યમાં એન્ટ્રી બંધ કરાવીને અને બાદમાં તેના અધિકારીઓને પકડીને પૂરી દેવાથી બંધારણનું સન્માન મમતા દીદી કરી રહ્યા છે કે કેમ એ સ્પષ્ટ થઇ જાય છે.

    લાગતું વળગતું: ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ? આખરે મમતા દીદીએ ગૃહયુદ્ધની ધમકી આપી છે!

    મમતા બેનરજી એમ પણ કહી રહ્યા છે કે દેશમાં કટોકટી જેવા કે તેનાથી પણ બદતર હાલત છે, પરંતુ પોતાના રાજ્યમાં એક કેન્દ્રીય એજન્સીને સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર કાર્ય ન કરવા દઈને, તેમના રાજ્યમાં આગમન પર પ્રતિબંધ મૂકીને અને પછી તેમને પોતાની જ પોલીસ દ્વારા પકડી લઈને મમતા ખુદ પોતાના રાજ્યમાં કટોકટી જેવા દ્રશ્યો ઉભા કરી રહ્યા છે એ ભારતની પબ્લિક બરોબર જોઈ રહી છે.

    આ તો વાત થઇ મમતાની પરંતુ તેમના કહેવાતા મહાગઠબંધનના અન્ય નેતાઓ જેવા કે અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ અને ઇવન રાહુલ ગાંધી પણ મમતા બેનરજીની ખોટા રૂટ પર ચાલી રહેલી ગાડીમાં બેસી ગયા છે એ સહુથી વધુ ખતરનાક ઘટના છે કારણકે અહીં જમ ઘર ભાળી જાય એવું ભવિષ્ય આકાર લઇ રહ્યું છે. મમતા બેનરજી પોતાના એ પોલીસ અધિકારીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે જેમના પર ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવાની CBIને શંકા છે, જનતા આ બધું જ જાણે છે અને કોણ કોણ મમતાની સાથે આવી રહ્યા છે એ પણ જોઈ રહી છે.

    મમતા બેનરજીએ આ બધું અચાનક જ નથી કર્યું. પહેલા તો તેમણે CBIની પોતાના રાજ્યમાં એન્ટ્રી બંધ કરાવી દીધી એટલુંજ નહીં નરેન્દ્ર મોદીને ફાયદો ન થાય એના માટે ગરીબો માટે બનેલી આયુષ્યમાન ભારત યોજનાને પોતાના રાજ્યમાં લાગુ ન કરવાનો દ્વેષપૂર્ણ નિર્ણય લીધો. ત્યારબાદ તેમણે મહાગઠબંધનની એક રેલી કોલકાતામાં કરી જેમાં પચાસ લાખ લોકો આવશે એવી વાતો થઇ અને આવ્યા પાંચથી છ લાખ લોકો અને એમાંથી અડધા તો મમતાની સ્પિચ શરુ થાય એ પહેલા સ્ટેજ પરથી સાંજ પહેલા એક પણ બસ નહીં જાય એવી જાહેરાતો થઇ હોવા છતાં ઉભા થઈને ઘરભેગા થઇ ગયા.

    ત્યારબાદ કેન્દ્ર સરકારે પહેલા સવર્ણોમાં આર્થિકરીતે નબળાઓ માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% અનામત આપવાની જાહેરાત કરી અને તરતજ લોકપ્રિય બજેટ આપ્યું જેમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમવર્ગને મનલુભાવન જાહેરાતો કરી. કદાચ આ બધું મમતા બેનરજી માટે પશ્ચિમ બંગાળમાં આવનારી લોકસભાની ચૂંટણીઓમાં મહત્તમ બેઠકો જીતવામાં આડે આવતું લાગ્યું હોય એવું બની શકે, કારણકે જો કેન્દ્રમાં NDAને બહુમત ન મળે તો મમતા મહત્તમ બેઠકોને આધારે પોતાની વડાપ્રધાનપદની ઈચ્છા પૂરી કરી શકે તેમ હતા. પરિણામે આવનારી ચૂંટણીમાં ધાર્યો દેખાવ ન કરી શકવાની હતાશા અને મોદી-શાહ તેમજ ભાજપ પ્રત્યેનો વ્યક્તિગત ગુસ્સાએ મમતાને ગઈકાલનું પગલું લેવા મજબૂર કરી દીધા હોય એવું લાગી રહ્યું છે.

    આમ, બંધારણને કે પછી લોકશાહી બચાવવાનું તો બહાનું છે મમતાની પરિસ્થિતિ અત્યારે એવી છે કે જો કોલકાતા પોલીસ કમિશનરની ધરપકડ થાય તો શારદા ચીટ ફંડનો રેલો તેમના ઘર સુધી પહોંચી શકે તેમ છે જો એવું ન હોત તો જે અધિકારીને તેઓ મુખ્યમંત્રી તરીકે પોતાને ઘેર બોલાવી શકતા હતા તેમને મળવા એ ખુદ કેમ ગયા અને એ પણ એ સમયે જ્યારે CBI અધિકારીઓ એમની પુછપરછ કરવા માટે નીકળી ગયા હતા?

    સવાલો ઘણા છે પરંતુ તે તમામ મોદી-શાહ તરફ નહીં પરંતુ મમતા બેનરજી અને તેમના મહાગઠબંધનના ઉત્સાહી નેતાઓ તરફ તંકાયેલા છે. જો સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર જો CBI કામ કરી રહી હોય તો તેને એમ કરતા રોકવી એ મોદી-શાહની દાદાગીરી નથી પરંતુ મમતાની દીદીગીરી છે એ હકીકત યે પબ્લિક સબ જાનતી હૈ અને આવનારા ભવિષ્યમાં ખુદ પશ્ચિમ બંગાળની જનતા જ મમતાની રાજકીય કારકિર્દી હાંસિયા પર ધકેલી દે એવું બની શકે જે રીતે તેણે સામ્યવાદીઓને હતા ન હતા કરી દીધા છે!

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: WhatsApp પર આવી ચડેલો એક Bug જેની માહિતી તમને હોવી જ જોઈએ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here