હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (3) – ‘ફ્રી પ્રેસ જર્નલ’થી ‘માર્મિક’ની સફર

0
253
Photo Courtesy: thehindu.com

બાલાસાહેબ ઠાકરેના પત્રકાર જીવનની એક ઝલક. તેમણે ફ્રી પ્રેસ જર્નલ એટલેકે FPJમાં આપેલા અસંખ્ય રાજીનામાં અને બાદમાં શરુ કરેલી માર્મિકની સફર વિષે જાણીએ.

Photo Courtesy: thehindu.com

1950ના દાયકાની શરૂઆતમાં, મહારાષ્ટ્રવાસીઓના ભાષાકીય આંદોલનને વેગ મળ્યો. લેખક-આંદોલનકાર ‘આચાર્ય’ પી.કે. અત્રેના નેતૃત્વ હેઠળ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળની શરૂઆત થયેલી. અત્રે અને તેમના સાથીદારોના કામકાજ અને સંઘર્ષને કારણે મહારાષ્ટ્રને અલગ રાજ્ય અને મુંબઈને (ભારતની આર્થિક) રાજધાનીની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા મળી. બાળાસાહેબ ઠાકરે, તેમની કૌટુંબિક પૃષ્ઠભૂમિ અને પ્રભાવ ને કારણે ભાગ્યે જ તેનાથી દૂર રહી શક્યા. તેમનું ઘર સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળના કોર ગ્રુપ માટે મીટિંગ કરવાનું  કેન્દ્ર હતું. પિતા પ્રબોધનકાર મહારાષ્ટ્ર રાજ્યના અગ્રણી વકીલોમાંના એક હતા. અન્યમાં લેખકો-પત્રકારો-કાર્યકર્તાઓ જેમ કે બી.આર. કોઠારી, માધવરાવ બાગલ અને અપ્પા પેંડસે હતા.

1947માં, જ્યારે બાળ ઠાકરે માત્ર 20 વર્ષના હતા ત્યારે એક કાર્ટૂનિસ્ટ તરીકે ‘ફ્રી પ્રેસ જર્નલ’ (FPJ)માં 75 રૂપિયાના માસિક વેતન પર જોડાયા હતા. ફ્રી પ્રેસ જર્નલમાંથી ઠાકરેએ એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ વાર રાજીનામા આપ્યા.

1952 માં પહેલી વાર રાજીનામું આપ્યું ત્યારે, FPJના સંપાદક અને ભારતીય પત્રકારત્વમાં એક સંસ્થા જેવા એસ. સદાનંદ ઠાકરેના ઘરે આવ્યા અને તેમને પાછા આવવા માટે સમજાવવા લાગ્યા. ઠાકરેએ સદાનંદ સમક્ષ પોતાની વ્યથા મૂકીઃ FPJની ઓફિસમાં એક મિત્રા નામના વ્યક્તિ હતા. તેમણે ઠાકરેને ટેલિફોન ઑપરેટરની બાજુમાં ખુરશી આપી હતી. ફોન સતત ચાલુ રહેતો અને આખા દિવસની વાતચીત ઠાકરેને ડિસ્ટર્બ કરતી. ઉપરાંત જ્યારે જ્યારે ઓપરેટર ફોન હોલ્ડ પર રાખતાં ત્યારે ઠાકરેને પણ કાર્ટૂન દોરવાની ના પાડતાં કારણ ઠાકરેના બ્રશને કારણે ડીસ્ટર્બન્સ થતું. આથી ઠાકરે ગુસ્સે થયા અને રાજીનામું મોકલી આપ્યું.

તરત જ, સદાનંદજીએ ઠાકરેને બોલાવીને પૂછ્યું – “આ શું છે? ઉંમરને કારણે મારી તબિયત આજકાલ સારી નથી રહેતી. ફ્રી પ્રેસ જર્નલમાં ફરીથી જોડાઈ જા, પ્લીઝ!” ઠાકરેએ કહ્યું મને વાંધો નથી, પરંતુ ત્યાં અમુક વસ્તુઓ છે… “તે વસ્તુઓ વિશે ચિંતા નહીં કર. તે બધું મારી પર છોડી દે.” અને એ પણ પૂછ્યું કે કેટલા વધુ રૂપિયા જોઈએ છે. ઠાકરેએ કહ્યું, “સાહેબ, આ સોદો નથી, મારે કોઈ નાણાંની ચર્ચા કરવી નથી. હું તમારો આદર કરું છે અને તમે મારા ઘરે આવીને વિનંતી કરી છે એટલે હું ફરીથી જોડાઇશ.”

બીજી વાર રાજીનામુ આપવાનો કિસ્સો પણ રસપ્રદ છેઃ

તે સમયગાળાના મુંબઇના કેટલાક પત્રકારો એવો દાવો કરતાં કે FPJના તત્કાલીન મેનેજિંગ એડિટર એ. બી. નાયરે બાળ ઠાકરેને આક્રમક શિવસેનાના વડા બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પત્રકારો મુજબ વાત આવી હતી: જ્યારે ઠાકરે FPJમાં આર.કે. લક્ષ્મણ સાથે સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરતા હતા, ત્યારે ‘વિન્સ્ટન ચર્ચિલ’ પર રજૂ થનારી કાર્ટૂનની એક વિશ્વકથામાં પ્રકાશિત થવા માટે તેમના ત્રણ કાર્ટૂન પસંદ કરવામાં આવ્યા હતા.

પરંતુ નાયરે ઠાકરે માટે પ્રકાશકો દ્વારા મોકલાયેલી 70 પાઉન્ડની રકમનો ચેક રોકી રાખ્યો અને ઠાકરેને નિરાશ કર્યા. જો કે ઠાકરેએ આ વાતને સમર્થન આપ્યું જ નહીં. “મેં પૈસા માટે કાર્ટૂન કર્યાં જ નથી. ઉપરાંત, જો ચેક આવ્યો પણ હોય તો મને તે વાતની ખબર ન હતી, તો ફરિયાદનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે?” તેમના કહેવા મુજબ, વાત કંઈક આમ હતીઃ (માર્મિક મહેફિલ 1997માં ઠાકરેએ દર્શાવ્યા પ્રમાણે)

જ્યારે કલકત્તાના કત્નાનીએ FPJને ટેક-ઓવર કર્યું, એ. બી. નાયર દૈનિકના મેનેજીંગ એડિટર બન્યા. એસ. સદાનંદ મને FPJનો આધારસ્તંભ માનતા હતા. તેથી, પેપરમાં મારો બીજો કાર્યકાળ 1952 માં શરૂ થયો હતો, જે પહેલા કાર્યકાળના બે વર્ષ પછી હતો.

એક દિવસ મારો એક (એમ.આર. મસાણીનો) પેન્સિલ-સ્કેચ, એ.બી. નાયર પાસે અપ્રૂવલ માટે ગયો. તેમણે તે જોઈને મને તેમના કેબિનમાં બોલાવ્યો અને કહ્યું, “તમે એમ. આર. મસાણીને જાણો છો?” જ્યારે મેં તેમને કહ્યું કે હું નથી જાણતો ત્યારે તેમણે કહ્યું: “તે એક સારો માણસ છે” અને પછી સલાહ આપી: “મસાણી પર કાર્ટુન દોરવાનું ટાળો.” હું અસ્વસ્થ અવસ્થામાં કેબિનમાંથી બહાર આવી ગયો. થોડા સમય પછી, જ્યારે મેં (એ વખતે કોંગ્રેસના મોટું માથુ એવા) એસ. કે. પાટીલનું સ્કેચ બનાવ્યું, ત્યારે મને ફરીથી બોલાવવામાં આવ્યો. અને તે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો: “શું તમે એસ. કે. પાટીલને જાણો છો?” મેં જવાબ આપ્યો, “હું આ લોકોને જાણતો નથી. તેઓ મારા મોડેલ્સ છે, અને જ્યારે હું યોગ્ય લાગે ત્યારે તેમનો ઉપયોગ કરું છું.” મને ફરીથી એ જ સૂચન મળ્યું કે મારે શક્ય તેટલું શ્રી એસ. કે. પાટીલને ટાળવું જોઈએ.

નાયરના આવા નમૂનાઓની સૂચી બહુ લાંબી હતી અને મહારાષ્ટ્રના કેટલાક શક્તિશાળી રાજકીય નેતાઓની મજાક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. “જો તમે આવા નિયંત્રણો લાદીને મારા મોડેલ્સને દૂર કરશો તો હું મારું કામ કેવી રીતે ચાલુ રાખી શકું?” ગુસ્સે થયેલા ઠાકરેએ પોતાના મેનેજિંગ એડિટરને કહ્યું અને રાજીનામું આપ્યું.

ઠાકરેના બીજા એક એડિટર હરિહરણે પછી તેમને બોલાવ્યા અને પૂછ્યું કે ‘તું પાગલ થઈ ગયો છું કે શું?’ ત્યારે ઠાકરેએ કહ્યું કે, મારા માટે એવી વ્યક્તિ સાથે કામ કરવું અશક્ય છે, જેને કાર્ટૂન તો શું, નામમાં એ.બી. છે (એ.બી. નાયર) પણ પત્રકારત્વના ‘એ’અને ‘બી’ની ખબર નથી.

પછી ત્રીજી વાર ઠાકરેએ પત્રકારોના આખા જૂથ સાથે FPJ છોડી દીધું. એ બધાં પત્રકારોએ નક્કી કરેલું કે સાથે મળીને ‘ન્યુઝ ડે’ નામનું નવું અખબાર શરૂ કરવું. પણ એ પણ ઠાકરેએ થોડા જ મહિનામાં છોડી દીધું. ઠાકરે સમજાવે છે શા માટે:

એ સ્થળ દક્ષિણ ભારતીય લોકોથી ભરેલું હતું, અને હું વાતાવરણથી કંટાળી ગયો હતો. શરૂઆતમાં ‘ન્યૂઝ ડે’ સારી રીતે ચાલ્યું, પરંતુ ટૂંક સમયમાં તેમાં કામ કરનારા લોકો તેનો દુરુપયોગ કરવા માંડ્યા – જેમ કે અખબારના નામ પર ભોજન મંગાવવું, ફ્લાઈટમાં મુસાફરી કરવી વગેરે. થોડા દિવસ પછી અમે સાંભળ્યું કે કોઈ ‘શાહ’ નામનો માણસ એ છાપું અને એની ઓફિસ ખરીદવાનો છે. મેં કહ્યું, આપણે સદાનંદને છોડીને શા માટે આવ્યા હતા? સ્વતંત્ર બનવા માટે ને? અને મેં છોડી દીધું.

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે: ભાગ 1 | ભાગ 2

ત્યારબાદ ઠાકરેએ મરાઠી સામાયિકો ‘મરાઠા’, ‘કેસરી’ અને ‘ધનુર્ધારી’માં સ્કેચિંગ અને કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. ફેમસ પિક્ચર્સ નામની એક ફિલ્મ કંપની માટે પોસ્ટર પણ દોર્યા. આ ઉપરાંત, પ્રબોધનકાર ઠાકરેએ લખેલા સંત ગાડગે બાબાના જીવનચરિત્ર માટેનું કવર પણ દોર્યું. છેક 1960માં એક હળવી કાર્ટૂન સાપ્તાહિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ ઠાકરેને એ લોન્ચ કરવા ભંડોળની જરૂર હતી. એક ઈન્ટરવ્યુમાં બાળાસાહેબ કહે છેઃ

મુખ્ય ચિંતા ન્યૂઝપ્રિન્ટ ખર્ચની હતી, જે પ્રકાશનના ખર્ચનો એક મોટો હિસ્સો છે. એક અખબાર એજન્ટે અમને રૂ. 5000 આપવાનું વચન આપ્યું, પરંતુ ક્યારેય આપ્યા નહીં. પછી એક બીજા ભાઈને મળ્યા. તેમણે અમને લાંબું-લચક ભાષણ આપ્યું કે શા માટે અમારે આ ધંધામાં પ્રવેશ કરવો જોઈએ નહીં. પછી બુઆ ડાંગેટ નામના એક સાચા સજ્જને અમને સપોર્ટ કર્યો અને રૂ. 5000 આપ્યા. છેવટે અમે માર્મિક શરૂ કર્યું.

પરંતુ માર્મિકની શરૂઆત શા માટે કરવામાં આવી? એ પ્રશ્નનો જવાબ આપતાં ઠાકરે કહે છેઃ તે દિવસોમાં અખબારોની રવિવારની પૂર્તિઓમાં “પોલિઓના કારણો” અને “ડાયાબિટીસની આડ-અસર” જેવી વાતો છપાતી. ડાયાબિટીસના દર્દીને તેની જ આડઅસરો શા માટે કહેવી જોઈએ? તે પણ, રવિવાર જેવા દિવસે, જ્યારે લોકો કંઈક હટકે વાંચવા માંગતા હોય. પરંપરાગત મુખ્ય વાંચનમાં કંઈક નવીનતા તો હોવી જોઈએ ને? મને લાગ્યું કે વાચકોને વીકએન્ડમાં વાંચવા કંઈક અલગ, નવું, ક્રીસ્પ, પ્રેરણાદાયક એવું કંઈક જોઈએ છે. આ જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે માર્મિક લોન્ચ કરાઈ હતી.

જ્યારે ઠાકરે ફ્રી પ્રેસ જર્નલ સાથે હતા, ત્યારે તેઓ ભારતમાં સૌથી પ્રતિભાશાળી કાર્ટૂનિસ્ટોમાંના એક તરીકે ઓળખાયા હતા. માર્મિક (શાબ્દિક રીતે વ્યંગાત્મક અથવા સેટાયરીકલ) નામના કાર્ટૂન સાપ્તાહિકમાં, વાચકો સંપાદક-કાર્ટૂનિસ્ટ બાળાસાહેબ ઠાકરેના ઉત્કૃષ્ટ, સામાન્ય જનજીવનને સ્પર્શે એવા રમૂજી કાર્ટૂનોનો અનુભવ કરવા લાગ્યા. એક ગર્જતા અને તોફાની ‘પેપર ટાઇગર’ની તેમની પ્રતિષ્ઠા તેમના ફેવરમાં કામ કરવા લાગી. તેમના પિતા પ્રબોધનકર ઠાકરેની એક સમાજવાદી સુધારક તરીકેની પ્રતિષ્ઠા હતી, જે ઠાકરે માટે પૂંજી હતી. અને એ જ વખતે ‘કાર્ટૂન સાપ્તાહિક’ એ  મરાઠી મિડીયામાં નવી વસ્તુ હતી. સાપ્તાહિક બહાર પાડવાના આ પ્રયાસમાં, બાળાસાહેબને તેમના પિતા પ્રબોધનકાર ઠાકરેનો ઘણો ટેકો મળ્યો. તેઓએ પોતે તેમની કલમ દ્વારા લખાયેલી રમૂજી સામગ્રી સહિત મોટા પ્રમાણમાં ફાળો આપ્યો હતો. તેમના ભાઈ, શ્રીકાંત, સંગીતની દુનિયામાં અને કલાક્ષેત્રે જેમને સારું એવું નોલેજ હતું, તેઓ પણ ફીચર-લેખન કરતાં.

તે સમયે ઘણા મરાઠી પ્રકાશનો ઝડપથી બંધ થવાને કારણે, એ જોવાનું બાકી હતું કે આ નવું સાપ્તાહિક કેટલાક કાંદા કાઢશે?

પડઘોઃ

માર્મિક એ ‘મર્મ’ ધાતુ પરથી બનેલો શબ્દ છે. ભગવદ્ગોમંડળમાં અપાયેલા ‘મર્મ’ શબ્દના કેટલાક અર્થોઃ અભિપ્રાય, ઊંડી સમજ, કર્તવ્યાદિકનું અંતઃકરણમાં રહેલું રહસ્ય, કટાક્ષનું વેણ, મહેણું, ગૂઢાર્થ, ગુપ્તાર્થ, હ્રદયની છૂપી વાર; ગૂઢ વાત, પેચ, છળભેદ, યુક્તિ, કપટ, હાસ્ય, મશ્કરી, વિનોદ, હ્યુમર

eછાપું 

તમને ગમશે: કિમ જોંગ ઉનની પત્ની રી સોલ-જુ અંગે તમારી પાસે કોઈ માહિતી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here