હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (5) – શિવસેનાની સ્થાપના પહેલા…

1
361
Photo Courtesy: Scroll.in

કહેવાય છે કે શિવસેનાની સ્થાપના મરાઠીઓને મહારાષ્ટ્ર અને મુંબઈમાં જ થતા  પરપ્રાંતીયો દ્વારા થતા અન્યાયને કારણે થઇ હતી. તો શું ખરેખર આ વાત સાચી છે કે પછી આંકડા કોઈ બીજી જ વાત કરે છે?

Photo Courtesy: Scroll.in

એક વાત તો નક્કી થઈ ગઈ કે માર્મિક દ્વારા બાળાસાહેબ ઠાકરે મરાઠી માણૂસના મનમાં ઊંડે ઊંડે રહેલી મૂળ ચિંતા બહાર લાવવામાં અને લોકો સમક્ષ વ્યક્ત કરવામાં સફળ રહ્યા હતા. પણ શું આ ચિંતા 1950 અને 1960ના દાયકા દરમિયાન મુંબઇમાં બિન-મરાઠી જનતાના ભારે સ્થળાંતરને કારણે શરૂ થઈ હતી? શું આ દશકમાં મુંબઈ શહેરના વસ્તી વિષયક રૂપરેખામાં અચાનક ફેરફાર થયો હતો? (જેણે કારણે મરાઠી બોલતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા) કે પછી આંતર-વંશીય જૂથ સંબંધો અને આર્થિક અસમાનતા જેવા બીજા પરિબળો કારણભૂત હતા, જે શિવસેનાના ઉદભવ માટે જવાબદાર હતા?

1941 અને 1951 ની વચ્ચે, મુંબઈમાં નવ લાખ પચાસ હજાર લોકોએ સ્થળાંતર કર્યું. પરંતુ આ પછીના દાયકામાં આ આંકડો ઘટીને છ લાખનો થઈ ગયો (K.C. Zachariahના પુસ્તક Migrants in Greater Bombay ના આધારે). એટલે કે શિવસેનાની સ્થાપના પહેલા 1951-61નો સમયગાળો અગાઉના દાયકાઓ કરતાં ઓછો ઝડપી હતો. 1951માં, સ્થળાંતર કરનારાઓ મુંબઈની વસ્તીના 72.1 ટકા ભાગ હતા જે 1961માં 64.5 ટકા થઈ ગયો. (ભારતની વસતી, મહારાષ્ટ્ર, 1961). મુંબઈમાં સ્થળાંતરકારોની ટકાવારી ઊંચી અને ભારતના અન્ય શહેરો કરતાં વધુ મહત્ત્વપૂર્ણ હોવા છતાં, મુંબઈ જેવા શહેરમાં કોઈ આકસ્મિક પ્રવાહ નોંધાયો ન હતો.

મુંબઈની બહાર જન્મેલા લોકોની સંખ્યા જ અહીં એકમાત્ર મહત્ત્વનો આંકડો ગણી ન શકાય એટલે તે સમયે લોકોની ભાષા (કે બોલી)ની રચના પર પણ થોડો પ્રકાશ પાડવો જરૂરી છે. શું શિવસેનાની સ્થાપના પહેલાના સમયગાળા દરમિયાન મરાઠી ભાષા બોલનારાઓની ટકાવારી અચાનક ઓછી થઈ ગઈ હતી? લેટ્સ ચેક!

ભારતની વસતી ગણતરી, મહારાષ્ટ્ર, 1961, અને ભારતની વસતી ગણતરી, મહારાષ્ટ્ર, 1951ના રિપોર્ટ પ્રમાણે 1951માં મુંબઈની વસ્તીના 43.6 ટકા લોકો મરાઠી ભાષા બોલતા હતા. 1961 માં, મહારાષ્ટ્રની બહાર જન્મેલા લોકોની ટકાવારી 33.8 હતી અને મરાઠી બોલનારા લોકોની સંખ્યા ઘટીને 42.8 થઈ ગઈ. 1951 -61 દરમિયાન દક્ષિણ ભારતીયોની ટકાવારી (જે શિવસેનાનો પહેલો ટાર્ગેટ બન્યા) પણ કોઈ અસાધારણ રીતે વધી નહોતી. 1951માં દક્ષિણ ભારતીયો મુંબઈની વસ્તીના 7.8 ટકા હતા જે 1961 માં 8.4 ટકા સુધી જ પહોંચ્યા.

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4

ત્રીજી વાત.

1965-66નો દુકાળ મહારાષ્ટ્ર માટે કારમો રહ્યો. તે દુકાળમાં કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનને ઠેંસ પહોંચી જેથી મરાઠી શ્રમિકવર્ગને નુકસાન પહોંચ્યું. આ કારણે મરાઠી માણૂસ બળવો કરવા માટે તૈયાર થયો. મહારાષ્ટ્રમાં, તે વર્ષે અનાજનું ઉત્પાદન 67.5 લાખ ટનથી ઘટીને 47 લાખ ટન થયું હતું. આમ, મુંબઇના લેબર ઉદ્યોગોના રોજગારમાં ઘટાડો થયો હતો, અને ફેક્ટરી કામદારોનો પગાર પણ ઓછો થવા લાગ્યો હતો. પહેલેથી જ જે કટોકટીમાં કામ કરતું એવા કાપડ ઉદ્યોગોમાં પણ ખૂબ તીવ્ર મંદી હતી અને આ ઉદ્યોગોમાં મરાઠી મજૂરો વધુ હતાં.

આ બધા આંકડા ધ્યાનમાં લઈએ તો એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આ પહેલાં શિવસેના જેવા કોઈ સંગઠન અને ચળવળની જરૂર કેમ ઊભી થઈ નહીં?

વીસમી સદીના પ્રથમ બે-ચાર દાયકાઓમાં મહારાષ્ટ્રવાસીઓની રાજકીય શક્તિને ધ્યાનમાં રાખતા એવું ન કહી શકાય કે તેમનામાં કોઈ સંસ્થા કે ચળવળનો અભાવ હતો. આપણે ગયા મંગળવારે વાંચ્યું કે ‘બહારના લોકો’ની સંખ્યા વિશે કઈ રીતે માર્મિકમાં લેખો છપાતા અને સ્થાનિક લોકોને ઉશ્કેરવામાં આવતા. એક ધારણા એવી હોઈ શકે કે તેઓ સામાજિક ધમકીઓથી મૂળ વસ્તીની રાજકીય અને આર્થિક સ્થિતિ પર મોટા પાયે અસર કરતા હોય. માર્મિકે મૂળ ‘સ્થળાંતર’ના આ મુદ્દાને એક સંગઠિત વિરોધમાં પરિવર્તિત કર્યું.

1950 ના દાયકાની શરૂઆતમાં ડી.કે. લાકડાવાલા દ્વારા કરવામાં આવેલ એક સર્વેક્ષણ અનુસાર (તેમના પુસ્તક Work, Wages and Well-Being in a Indian Metropolis માંથી) ‘વ્યવસાયિક દરજ્જો’ અને ‘શિક્ષણ’ના સંદર્ભમાં મુંબઇમાં રહેતા અન્ય સમુદાયો વિરુદ્ધ મરાઠી લોકોનો મતભેદ હતો. તેમના અભ્યાસ અનુસાર, મહારાષ્ટ્રના મધ્યમથી ઉચ્ચ મધ્યમવર્ગ (દર મહિને 500-1000 રૂપિયા કમાણીવાળા) લોકોની ટકાવારી (4 ટકા), દક્ષિણ ભારતીય (7.9 ટકા) અને ગુજરાતી (10.2 ટકા) સમુદાયોના લોકો કરતા ઘણી ઓછી હતી.

મૅરી એફ. કેટજેન્સ્ટાઇન (Mary F. Katzenstein) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના લોકોનું ઉચ્ચ સ્તરની નોકરીઓ (વહીવટી, વ્યવસાયી અને કારકુન) માં પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું અને નબળું હતું. મૅરી તેમના પુસ્તક Ethnicity and Equality માં લખે છેઃ

મુંબઇમાં બિન-મહારાષ્ટ્રના લોકો પર બીજા લોકોનું આર્થિક પ્રભુત્વ ઓગણીસમી સદીમાં શોધી શકાય છે, જ્યારે મરાઠી બોલતા પઠારે પ્રભુને ઉચ્ચ વર્ગના વધુ સાહસિક ‘ભાટિયા’ અને ‘બનિયા’ લોકોએ વિસ્થાપિત કર્યા હતાં. મોટાભાગે, મુંબઈ મહાનગરમાં મરાઠી લોકો ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્ર સિવાયના વ્યવસાયોમાં જ સામેલ હતા.

આ જ કારણે 19મી સદીમાં મરાઠી લોકોએ મુંબઈના રાજકારણમાં પણ ક્યારેય અગ્રણી ભૂમિકા ભજવી ન હતી. બ્રિટિશરાજ દરમિયાન, મતાધિકાર પણ કરદાતાઓ અને સંપત્તિ માલિકો સુધી જ મર્યાદિત હતો. મુંબઈમાં મરાઠી લોકોનો સમુદાય મોટો હતો છતાં લોકલ મ્યુનિસિપલ રાજકારણમાં તેમની ભૂમિકા તદ્દન ઓછી હતી. 1875ની મ્યુનિસિપલ કાઉન્સિલમાં મરાઠી લોકોનું પ્રતિનિધિત્વ ફક્ત 12 ટકા હતું, જોકે તે શહેરની વસ્તીના 50 ટકા જેટલા લોકોનો સમુદાય હતો.

1948 માં સાર્વત્રિક મતાધિકારની રજૂઆત થયા પછી, ખાસ કરીને 1960 માં મહારાષ્ટ્રની રચના પછી, મરાઠી બોલતા લોકોની રાજકીય સ્થિતિમાં મોટો ફેરફાર થયો. રાજકીય તાકાત મેળવવાથી મરાઠી સમુદાયમાં, તેમની સતત આર્થિક પરિસ્થિતિ, પછાતપણાં અને નાણાકીય દ્રષ્ટિએ સુધારાની ઇચ્છા જાગી. લોકો વ્યાપકપણે પ્રશ્ન પૂછવા લાગ્યાં પણ મુંબઈની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અને નવા ઉદ્યોગોના વિકાસ છતાં પણ મરાઠી સમુદાયના આર્થિક સુધારાની તેમની અપેક્ષાઓ પૂરી થઈ ન હતી.

અચરજ એ વાતની છે કે શિવસેનાની રચનાના થોડા દિવસો પહેલાં જ આર્થિક વિકાસનો એક તબક્કો આવેલો. શાંતિ પટેલના પુસ્તક ‘ટ્વીન સિટી બોમ્બે’ મુજબ, 1962 અને 1967ની વચ્ચે, ઓફિસની નોકરીઓની સંખ્યામાં બ્લુ-કૉલર રોજગારમાં 8 ટકાની વૃદ્ધિ થઈ પણ સામે પક્ષે લેબર રોજગારમાં 28 ટકાનો વધારો થયો. સંગઠિત ક્ષેત્રમાં (જ્યાં મોટા ભાગના મધ્યમ વર્ગની નોકરીઓ હતી), 1965 સુધી રોજગારમાં સતત વધારો થયો હતો. પરંતુ મરાઠી લોકો પ્રત્યે સેવવામાં આવેલો દુરાગ્રહ તેવો ને તેવો જ રહ્યો. (સંદર્ભ: Mary Fainsod Katzenstein, Ethnicity and Equality: The Shiv Sena Party and Preferential Policies in Bombay, Cornhill University Press, 1978)

તે જ સમયે, મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં શિક્ષિત/લાયક નોકરી શોધનારાઓ પણ વધ્યાં. 1950 ની શરૂઆતમાં બોમ્બે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની નોંધણી 24000 થી વધીને આશરે 90000 ની થઈ હતી, જે 300 ટકા જેટલો વધારો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં પ્રાથમિક શૈક્ષણિક ભરતી 1960 માં લાખની હતી; જે 1966 માં 40 લાખની થઈ ગઈ. સેકન્ડરી સ્કૂલમાં પણ 20 લાખથી 65 લાખ વિદ્યાર્થીઓની ભરતી થઈ. (સંદર્ભઃ Govenrment of Maharashtra Education Department, Educational Development in Maharashtra state, 1950-51 to 1965-66, Mumbai, Government Central Press, 1968).

આ રીતે દિવસ-રાત સ્પર્ધામાં તીવ્ર વધારો થયો જ રહ્યો પણ વસ્તીમાં તેમની ટકાવારીની તુલનામાં મરાઠી માણૂસને ટોચની નોકરી કે વ્હાઈટ-કૉલર સ્લોટ મળ્યા જ નહીં. મહારાષ્ટ્રના લોકો અને બિન-મહારાષ્ટ્રીયન વચ્ચેની આ જ અસમાનતામાં શિવસેનાનું મૂળ છૂપાયેલું છે.

પડઘોઃ

ભારતની 1961 ની વસતી ગણતરી ભારતમાં યોજાતી ‘સેન્સસની શ્રેણી’માં 10મી હતી. એ વખતે ભારતની વસ્તી 438,936,918 લોકોની હતી. 1961ની વસ્તી ગણતરીમાં 1,652 માતૃભાષાને માન્યતા મળી હતી, જ્યારે વસ્તીગણતરી હાથ ધરવામાં આવી ત્યારે જે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી તમામ ઘોષણાઓની ગણતરી કરવામાં આવી હતી. જો કે, ઘોષણા કરનાર વ્યક્તિઓએ ઘણી વખત બોલી, જાતિઓ, વ્યવસાયો, ધર્મો, સ્થાનો, પ્રદેશો, દેશો અને રાષ્ટ્રો સાથે ભાષાઓનું નામ મિશ્રિત કર્યું હતું.

eછાપું 

તમને ગમશે: દુનિયાની એક માત્ર અહિંસક બેંક લૂંટ – બાંગ્લાદેશ સેન્ટ્રલ બેંકની લૂંટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here