હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (8): શિવસેનાનો વ્યાપ કેવી રીતે વધ્યો?

0
337
Photo Courtesy: indiatoday.in

શિવસેના સ્થાપવાનો વિચાર આવ્યા બાદ તેની સ્થાપના તો કરી લેવામાં આવી પરંતુ બાલાસાહેબ ઠાકરે સાથે શિવસેનામાં સહુથી પ્રથમ જોડાનાર વ્યક્તિઓ કોણ? શિવસેનાનો પ્રસાર કેવી રીતે શરુ થયો?

Photo Courtesy: indiatoday.in

ગયા મંગળવારે આપણે વાંચ્યું કે શિવસેનાની પ્રથમ રેલીમાં અપેક્ષાથી પણ વધુ જનમેદની એકઠી થઈ. હવે આ જનમેદનીનો સપોર્ટ વધુ ને વધુ મળે એ માટે બાળાસાહેબે એક સિસ્ટમ તૈયાર કરી.

પ્રથમ રેલીમાં ઠાકરેના ‘ટાઇગરડમ’માં ત્વરિત વધારો થયો જેથી ઉત્સાહ વધતો જ ગયો. બસ પછી શું? વહેવું હતું ને ઢાળ મળી ગયો. બાળાસાહેબે નાની ગલીઓમાં, મેદાનોમાં બેઠકો યોજવાની શરૂઆત કરી. એ જ્યાં પણ જાય ત્યાં ભીડને આકર્ષિત કરે અને કંટ્રોવર્સીમાં ફસાય. શિવસેનાની બેઠકો સમયસર થતી અને કેટલાક શિવસૈનિકોને શ્રોતાઓમાં અલગ અલગ જગ્યાએ બેસાડવામાં આવતાં જેથી લોકો બેઠકની વચ્ચે ઊભા ન થાય. શ્રોતાઓમાં બેઠેલા શિવસૈનિકો ક્યારેક ‘આવાઝ કુણા ચા….શિવસેને ચા’ અને ‘છત્રપતિ શિવાજી મહારાજ કી જય’ જેવા સૂત્રો ઉચ્ચારીને લોકોમાં જોશ રેડતાં.

આવું તો રોજનું થયું. શિવસેનાનો વ્યાપ વધવાનું હવે શરૂ થયું. એ વખતે તેમની સાથે થોડાં જ લોકો હતાં જેમાં વામનરાવ મહાડિક, દત્તાજી સાળવી, વિજય પર્વતકર, શામરાવ દેશમુખ અને માધવ દેશપાંડેનો સમાવેશ થતો. આ લોકો ઠાકરેના ‘ઈનર સર્કલ’ ગણાતા.

આ ટીમની કહાની પણ રસપ્રદ હતી. સાળવી સૌથી પહેલાં આ ટીમમાં જોડાયેલા. એક વાર ઠાકરે ‘અમર હિંદ મંડળ’ના એક નાટક માટે કોર્ટનો સીન ભજવતા હતા અને પોતે આરોપી બન્યા હતા. સમાજવાદી નેતા (જે પછી ભારતના સંરક્ષણ પ્રધાન બન્યા) અને ઠાકરેના સારા મિત્ર જ્યોર્જ ફર્નાન્ડીઝ વકીલ બનીને ઠાકરેને પ્રશ્ન પૂછતાં હતાં અને દત્તાજી સાળવી ન્યાયાધીશની ખુરશી પર હતા. નાટક પત્યા પછી બીજે દિવસે દત્તાજી બાળાસાહેબના ઘરે ગયા અને કહ્યું, “મેં ગઈકાલે તમને સાંભળ્યા છે. હું તમારી સાથે કામ કરવા માંગું છું.” તેમણે એક મિલની નોકરી પણ છોડી દીધી. ઠાકરેએ તેમને કહ્યું કે તરત કોઈ નિર્ણય નહીં લો. આપણી સંસ્થાએ હજુ પણ આકાર લેવો બાકી છે. અત્યારે બહુ જલ્દી છે. ત્યારે સાળવી બોલ્યાઃ મેં તો ઓલરેડી મિલની નોકરી છોડી દીધી છે.

સાળવી પછી વામનરાવ જોશી (જે પછી શિવસેનાના શાસન દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા) જોડાયા. ઠાકરેની એક વાર પુણેમાં શનિવારવાડામાં એક રેલી હતી, અને ત્યાંથી તે તેમની બહેનના ઘરે ગયા. તેમનો ભાઈ શ્રીકાંત અને જોશી ત્યાં પહોંચ્યા. શ્રીકાંતે જોશી અને ઠાકરેની ઓળખાણ કરાવી. એ વખતે વામનરાવ ‘કોહિનૂર ટેકનિકલ ઈન્સ્ટીટ્યુટ’ ચલાવતાં. તેઓ ખાસ ઠાકરેની રેલી માટે આવ્યા હતા. પુણેથી મુંબઈ વળતાં ઠાકરે વામનરાવ જોશીની કારમાં આવ્યા અને તેમની માટે શિવસેનાના દરવાજા ખુલી ગયા. તેમના પછી મનોહર જોશી અને તેના ભત્રીજા સુધિર જોશી (જે પછી મુંબઈ મેયર બન્યા અને સેનાના શાસન દરમિયાન રેવેન્યુ અને શિક્ષણ પ્રધાન પણ બન્યાં) પણ જોડાયા.

આ સહાયકો સાથે, ઠાકરેએ પાર્ટીના માળખા બનાવવાની અને મુંબઈમાં શિવસેનાની શાખાઓ સ્થાપવાની કામગીરી શરૂ કરી. આશ્ચર્યજનક રીતે ફક્ત આ લોકોએ જ કામ કરવાનું ન હતું. મુંબઈ-મહારાષ્ટ્રના યુવાનો સામેથી આવીને ઠાકરેને કહેતાં કે તેઓ શિવસેનાની શાખાઓ તેમના વિસ્તારોમાં રચવા માંગે છે. અને તેમાંથી મોટા ભાગના લોકોએ ભંડોળ પણ ન માંગ્યું. તેઓએ પોતાની શાખાઓ પોતાના પૈસે સ્થાપિત કરી. શિવસેનાના બેનરો પણ પોતાના પૈસે લાવેલા કાપડમાંથી બનાવ્યાં.

શાખા બનાવવી એટલે કોઈ ખાસ બાંધકામ કરવાની જરૂર નહોતી. લોકો કોઈ પણ નજીકના સ્થળે, ઘરના વરંડામાં, ચાલની સીડીઓ પર, દુકાનોના ઓટલે, આવી કોઈ પણ ખાલી જગ્યાએ શાખા ખોલી શકતાં. પરેલની શાખાનું બાંધકામ પૂરું થયું ત્યાં સુધી વામનરાવ મહાડિકે શાખા ફર્નિચર તરીકે પોતાના ઘરની ખુરશી અને ટેબલ ઘરની સામે જ શેરીમાં ગોઠવી બેઠકો યોજી. સુધિર જોશીએ દાદરની એક બિલ્ડીંગની ટેરેસ પર કેટલાક સમય માટે શાખા ચલાવી. સેનાથી આકર્ષિત યુવાનોએ ઠાકરેના સૂત્રો અને કાર્ટૂનોથી મુંબઈની દિવાલોને રંગી નાખ્યાં. શિવસૈનિકોએ શિવસેનાને સામાન્ય લોકો સુધી પહોંચાડી.

એક વાત જાણવી જરૂરી છે કે આવી કેટકેટલી સંસ્થાઓ આવી અને ગઈ પણ શિવસેનાનું મૂળ હતું: યુવાહવા! ઠાકરે પોતે શિવસેનાની શરૂઆત કરી ત્યારે 40ના હતા, અને શિવસેનાના શાખાપ્રમુખ, ઉપશાખાપ્રમુખ અને બીજા શિવસૈનિકોની એવરેજ ઉંમર 26 વર્ષની હતી. એમાંના ઘણાં ખરાં શિવસૈનિકો ભણેલા હતા. કોઈ મેટ્રિક તો કોઈ ડિપ્લોમા તો કોઈ ડીગ્રી વાળા!

હિંદુ હ્રદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરે: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 

શિક્ષિત વર્ગો, ઘણાં પ્રોફેસરો અને બૌદ્ધિકોએ શિવસેનાને ટેકો આપ્યો. જરૂર પડ્યે એ લોકો વફાદારીપૂર્વક શિવસેનાની સમકક્ષ ઊભા રહેલા. એ સમયે મોટા માથા રહી ચૂકેલા હાજી મસ્તાન, યુસુફ પટેલ અને અરુણ ગવળી જેવા લોકો ઝૂંડ ભેગા કરતાં એમ નહીં, શિવસેના એક વાસ્તવિક ચળવળ હતી. વકીલો, ડોકટરો, અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ શિવસેનામાં જોડાયા હતા અને તેને સમર્થન આપ્યું. ભારતના સિનેમાના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ એવું સમગ્ર કપૂર પરિવાર શિવસેનામાં જોડાયેલું હતું.

સંસ્થાનું નામ છત્રપતિ શિવાજીના નામ પરથી રાખ્યું ત્યારે જ બાળાસાહેબે અડધી બાજી મારી લીધી હતી. શિવાજીનું નામ સાંભળીને કોને ગૌરવ ન થાય? હૃદયને જે સ્પર્શે તે આકર્ષક હોય છે, તેથી શિવાજીના નામ સાથે જોડાયેલી લાગણી પર શિવસેનાએ ભાર મૂક્યો. ભાજપના નેતા એલ. કે. અડવાણીએ એવું પણ કહેલું કે “ઘણા અન્ય લોકોની જેમ, અમે છત્રપતિ શિવાજી મહારાજ વિશેના અને હિન્દુત્વના પાઠ આર.એસ.એસ.માં શીખ્યા. શિવાજી તો સમગ્ર દેશના નેતા હતા, પરંતુ જે રાજ્યએ તેમને જન્મ આપ્યો હતો, એ જ રાજ્યની પાર્ટીનું નામ શિવાજીના નામ પરથી આપીને ઠાકરેએ દિલ જીતી લીધું.”

મોટાભાગના શિવસેના કાર્યકર્તાઓની શક્તિને મુંબઈના સૌથી વધુ લોકપ્રિય તહેવારો ‘શિવાજી જયંતી’ અને ‘ગણેશ ચતુર્થી’ના આયોજન માટે દિશામાન કરવામાં આવી. આ તહેવારો મહારાષ્ટ્રમાં સૌથી મોટી સાંસ્કૃતિક ઘટનાઓ છે, અને કોઈપણ મહારાષ્ટ્રીયન વ્યક્તિ આપમેળે જ તેમના પ્રદર્શનનું આયોજન કરવામાં ભૂમિકા ભજવે છે.

મરાઠી સાંસ્કૃતિક ચેતનાના મહત્ત્વના કેન્દ્રો ખોલવા ઉપરાંત, શિવસેનાની શાખાઓ દ્વારા શારીરિક તાલીમ અભ્યાસક્રમો પણ ચલાવાતા. પાણીની તંગી, નબળી ડ્રેનેજ અને જૂની ઇમારતો જેવી સમસ્યાઓનો સામનો કરવા તેઓ સક્ષમ હતાં. શાખાઓએ શિવસેના પરિવારના વિસ્તરણ તરીકે કાર્ય કર્યું હતું: સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, શૈક્ષણિક સંસ્થાઓ, સહાયતા માટે એમ્બ્યુલન્સ સેવા, વસવાટની સ્થિતિમાં સુધારા, બેરોજગાર માટે રોજગાર ચેનલો ખોલવા અને બીજા કેટલાક અન્ય સામાજિક કાર્યો તેમણે કર્યાં.

ઘણી શાખાઓ લોકોના રોજગારી માટેના રજીસ્ટરો રાખતી જેમાં નોકરી શોધનારાઓએ તેમના નામ, લાયકાત અને ઇચ્છિત પોસ્ટ્સ લખવી રહેતી. ઘણા લોકોને નોકરીઓની અરજીઓમાં કેવી રીતે લખવું અને ઇન્ટરવ્યૂમાં પોતાને કેવી રીતે રજૂ કરવા તે અંગે સૂચનો આપવામાં આવતા. કેટલીક શાખાઓમાં ટાઇપિંગ, સ્ટેનોગ્રાફી અને અંગ્રેજી ભાષાના વર્ગો પણ યોજવામાં આવતાં અને મેટ્રિક અને ઉચ્ચ-સ્તરની પરીક્ષામાં સારા ટકાવારી મેળવનારા વિદ્યાર્થીઓને મફત નોટબુક્સ અને પ્રોત્સાહન તરીકે અન્ય વસ્તુઓ પણ આપવામાં આવતી. ભણવા માંગતાં વિદ્યાર્થીઓ માટે સ્ટડી રૂમની ગોઠવણ પણ શાખાઓમાં થતી. કેટલાક ગરીબ અને લાયક વિદ્યાર્થીઓની સ્કૂલની ફી ચૂકવવાની જવાબદારી પણ કેટલીક શાખાઓએ લીધી.

જાન્યુઆરી 1967 સુધીમાં, સમગ્ર મુંબઈ અને થાણેમાં 60 જેટલી શાખાઓ બનાવવામાં આવી. બધા શાખાપ્રમુખોને ઠાકરે અને તેમના ઈનર સર્કલ ટીમ દ્વારા ચૂંટવામાં આવતાં. પ્રમુખોમાં ઘણાને શૂન્ય રાજકીય અનુભવ હતો, કોઈ સંગઠનાત્મક બેકગ્રાઉન્ડ નહોય એવા લોકોની પસંદગી કરતી વખતે, વ્યક્તિની નિષ્ઠા અને ક્ષમતાઓ પર જ ધ્યાન અપાતું.

સમય જતાં શિવસેના પાસે ભંડોળ ભેગું થયું અને તેઓ મરાઠી લોકોને નવા સાહસો અને વ્યવસાયો માટે પ્રોત્સાહિત કરતાં. ઘણાં નવા યુવાનોને વડાપાવ સ્ટોલ શરૂ કરવાનું પણ સૂચન કર્યું અને પછી એ શિવસેનાની ઓળખ તરીકે ઊભરી આવ્યા.

બાળાસાહેબે ખૂબ જ સાવચેતીપૂર્વક શિવસેનાના વ્યાપ કરતી વખતે ધ્યાન આપ્યું અને તેમની યોજનામાં ત્રણ બાબતોને મહત્વ આપવામાં આવ્યું: પક્ષના નિયમો, સત્તાની એકાગ્રતા અને સુઘડ અભિગમ!

પડઘોઃ

मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर

लोग साथ आते गए और कारवाँ बनता गया

मजरूह सुल्तानपुरी
eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here