દિગ્વિજય સિહ: ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે!

0
329
Photo Courtesy: indianexpress.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ભોપાલના નાગરિકોને મતદાન કરવાના પ્રોત્સાહનમાં એટલા તો બીઝી રહ્યા કે તેઓ ખુદ મતદાન કરવા માટે સમય ફાળવી ન શક્યા!

Photo Courtesy: indianexpress.com

ભોપાલ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભોપાલ સંસદીય બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સામે ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહે લોકશાહીને શરમમાં મૂકતું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિગ્વિજય સિંહ ભલે ભોપાલથી ચૂંટણી લડી રહ્યા હોય પરંતુ તેમનું મતદારયાદીમાં નામ અહીંથી 130 કિલોમીટર દૂર આવેલા રાજગઢમાં છે. માર્ગથી ભોપાલ અને રાજગઢનું અંતર ત્રણ કલાકની અંદર કાપી શકાય છે પરંતુ તેમ છતાં દિગ્વિજય સિંહે ગઈકાલે થયેલા મતદાનમાં હિસ્સો લીધો ન હતો.

દિગ્વિજય સિંહ ગઈકાલે સમગ્ર દિવસ ભોપાલમાં જ રહ્યા હતા. જ્યારે સવારે તેમને પોતે ક્યારે મતદાન કરવા જવાના છે તેમ પૂછવામાં આવ્યું ત્યારે દિગ્વિજયે કહ્યું હતું કે અત્યારેતો તેઓ દરેક બૂથની યાત્રા કરી રહ્યા છે, બાદમાં જશે.

ત્યારબાદ સાંજ સુધી દિગ્વિજય સિંહ ભોપાલમાં જ રહ્યા ત્યારે પત્રકારોએ તેમને મતદાન ન કરવાનું કારણ પૂછ્યું તો દિગ્વિજયસિંહનો જવાબ ઘણો રસપ્રદ રહ્યો હતો. દિગ્વિજય સિંહનું કહેવું હતું કે તેઓ દરેક બૂથમાં જઈને લોકોને કોઇપણ પ્રકારના ડર વગર મતદાન કરવાની અપીલ કરી રહ્યા હતા અને આથી જ તેઓ રાજગઢ ન જઈ શક્યા.

એક તરફ દિગ્વિજય સિંહ ભોપાલના નાગરિકોને તો ડર વગર મતદાન કરવાની અપીલ કરી રહ્યા હતા પરંતુ બીજી તરફ પોતે મતદાન કરવાની કોઈજ કોશિશ કરી ન હતી. ભારતનું ચૂંટણી પંચ અને ભારતના વડાપ્રધાને પણ ચૂંટણી શરુ થઇ તે અગાઉ અસંખ્ય હસ્તીઓને લોકોને મતદાન કરવા આગળ આવવા પ્રોત્સાહન આપવાની વાત કરી હતી જ્યારે દિગ્વિજય સિંહ જેવા વરિષ્ઠ રાજકારણીઓ પોતે મતદાન ન કરીને દેશને શું સંદેશ આપવા માંગતા હશે એ તો તેઓ જ જાણે!

દિગ્વિજય સિંહના મતદાન ન કરી શકવાના ઈરાદા પાછળ કે બીજું કારણ પણ જણાઈ રહ્યું છે અને એ એવું છે કે કદાચ તેમને ખુદને આ બેઠક જીતી શકવાની કોઈજ શક્યતા નહીં લાગતી હોય. આથી તેઓ પોતે મતદાન કરવાને બદલે ભોપાલના નાગરિકોને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા હતા આથી જેટલા વધુ મત તેમને મળે એટલું સારું એવી ઈચ્છા તેઓ ધરાવતા હોઈ શકે છે.

એક આંકડા અનુસાર ભોપાલની બેઠક કોંગ્રેસ 1984 બાદ ક્યારેય જીતી શકી નથી. રાજગઢ વિધાનસભા વિસ્તાર એ ભોપાલ લોકસભા અંતર્ગત જ આવે છે. આમ દિગ્વિજયે જો આગલે દિવસે જ રાજગઢ જઈને વહેલી સવારે મતદાન કર્યું હોત તો બાકીનો આખો દિવસ તેઓ ભોપાલમાં રહીને તેમણે કરેલું કાર્ય આસાનીથી કરી શક્યા હોત.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here