હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (11): મહારાષ્ટ્ર અને મૈસુર સરહદની માથાકૂટ

0
337
Photo Courtesy: freepressjournal.in

શિવસેનાની ગાડી પાટે ચડી ગયા બાદ બાળાસાહેબ ઠાકરે સમક્ષ પહેલો મુદ્દો આવ્યો તે હતો મૈસુર રાજ્ય સાથે જોડાયેલા કેટલાક સરહદી ગામડાઓનો જ્યાં મરાઠીઓની બહુમતિ હતી અને આ ગામડાઓની ભાષા પણ મરાઠી હતી તેમ છતાં તેઓ મૈસુરમાં જોડી દેવામાં આવ્યા હતા.

Photo Courtesy: freepressjournal.in

ગયા મંગળવારે બાળાસાહેબ ઠાકરેના પી.એસ.પી.ના ગઠબંધન અને ચૂંટણીમાં તેમની જીત વિશે વાત કરી. હવે શિવસેનાનું અસ્તિત્ત્વ મુંબઈમાં તો સ્થાપિત થઈ ગયું હતું પણ મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પોતાની પકડ જમાવવાની શરૂઆત થઈ ગઈ હતી. ખાસ કરીને એ સમયે બેલગામ, નિપાણી, કારવાર અને બીજા સરહદીય જિલ્લાઓનો મૈસુરમાં સમાવેશ થતો. (એ સમયે કર્ણાટક રાજ્ય મૈસુર તરીકે ઓળખાતું હતું). આ વિસ્તારોની મુખ્ય ભાષા મરાઠી હતી અને લોકો પણ મહારાષ્ટ્રના જ હતાં પણ ત્યાં તેમની સાથે ભેદભાવ થતાં. ત્યાંની જનતાને મહારાષ્ટ્રમાં ભળવું હતું પણ વર્ષોથી આ સરહદ વિષયક માથાકૂટ ચાલુ જ હતી.

જ્યારે 1960માં સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની સ્થાપના થઈ હતી ત્યારે તેઓએ આ મુદ્દો ઘણાં વર્ષો સુધી ઉપાડ્યો પણ છેવટે 1968માં બધું જ પડતું મૂકી દીધું. શિવસેનાએ આ મુદ્દે થોડો સમય છાશવારે વાતો કરેલી પણ જ્યાં સુધી તેઓ પોતાની પાર્ટીને સાબિત ન કરે ત્યાં સુધી આવા કોઈ કંટ્રોવર્શિયલ ટોપિક પર કામ કરવું જોખમભરેલું હતું. બાળાસાહેબે એક વખત માર્મિકની ‘રવિવાર ચી જત્રા’માં બે પાના ભરીને આ વિષય પર કાર્ટૂન દોરેલા અને નામ આપેલું – મૈસુર ‘બેલગામ-નિપાણી-કારવાર’ને ગળી ગયું!

ફાઈનલી 25 ફેબ્રુઆરી 1968ના માર્મિકના તંત્રીલેખમાં બાળાસાહેબે દિલ ખોલીને વાત કરી. લેખનું શીર્ષક હતું: राजकारण म्हणजे डोंबर्याचा खेळ (રાજકારણ એટલે નટોનો ખેલ). ઠાકરેએ લખ્યું:

ભારતમાં સાચા રાજકારણીઓની સખત તંગી છે. તેથી જ આવા સરહદ વિવાદ જેવા પ્રશ્નો, કેન્સરની જેમ પ્રસરી રહ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશને ત્રણ રાજ્યોમાં વિભાજીત કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું ત્યારે તત્કાલિન ગૃહ પ્રધાન, ગોવિંદ વલ્લભ પંતે જણાવ્યું હતું કે, “રામ અને કૃષ્ણનો જન્મ થયો હોય એવી આ ધરતીનું વિભાજન કરવાની તાકાત કોનામાં છે? આ જમીન હંમેશાં અખંડ જ રહેશે.” પરંતુ જ્યારે મહારાષ્ટ્ના ટુકડાઓ થાય છે, ત્યારે તેમની લાગણી સમાન નથી.

105 લોકોની હત્યા પછી જે મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યું હતું તે વિભાજિત થયું છે! જવાહરલાલ અને અન્ય રાજકારણીઓ સરહદો દોરવા માટે પેન્સિલ લઈને નીકળી પડ્યા, અને તેઓએ મહારાષ્ટ્ર સિવાયના અન્ય રાજ્યોમાં પોતાના મિત્રોનો સ્વાર્થ જોયો પણ મહારાષ્ટ્રનો વિચાર ન કર્યો. અમારા બેલગામ-નિપાણી-કારવારને અલગ કરીને એક રાક્ષસને આપી દીધા છે!

છેલ્લા 10-12 વર્ષોમાં, મૈસુરના મરાઠી ભાઈઓએ સ્થાનિક ચૂંટણીઓ સહેલાઈથી જીતી છે અને ઘણા સમયથી તેઓ મહારાષ્ટ્રનો ભાગ બનવા માંગે છે. તો આ રાજકારણીઓ કઈ ‘રાષ્ટ્રીય સર્વસંમતિ’ની વાત કરે છે? વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું છે કે અંતિમ નિર્ણય લેવા પહેલા બંને રાજ્યોના મુખ્યમંત્રીઓના મંતવ્યો ધ્યાનમાં લેવાશે, કારણ કે તેમને ખરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એકદમ સાચી વાત છે. પરંતુ કેન્દ્રીય નેતાઓની વાત આમાં ક્યાં આવી? Rome is burning અને તેઓને રમત સૂઝે છે.

મૈસુરના કૉંગ્રેસના વડા, નિજાલિંગપ્પા જીવંત વાયર જેવા છે. ગમે ત્યાં બટન દબાવો, કોઈપણ રીતે, તેમનો સ્પાર્ક તરત જ ચાલુ થઈ જાય છે. તેમણે જણાવ્યું હતું કે કોર્ટે આપેલો ઉકેલ અમને સ્વીકાર્ય નથી, અને હેગડેએ પણ તેમને ટેકો આપ્યો હતો. જજનો અંતિમ નિર્ણય તો અમલમાં મૂકવો જોઈએ ને? આવા સંજોગોમાં, દિલ્હીના નેતાઓ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓના મંતવ્યો પર કેવી રીતે વિચાર કરશે? “રાષ્ટ્રીય સ્તર”, “લોકપ્રિય સર્વસંમતિ” અને “અભિપ્રાય” આવા શબ્દો અમે બહુ સાંભળ્યા છે. મહારાષ્ટ્ર સરકારની સ્થિતિ પણ દયાજનક છે. રાજ્યની અંદર, ત્રણ ધારાસભ્યો છે જે આનો વિરોધ કરે છે પણ દેખાડો કરવા.

અમે વાંચ્યું છે કે મુખ્ય પ્રધાન વસંતરાવ નાઈકે થોડા દિવસ પહેલા રાજ્ય સાંસદોની બેઠક બોલાવી હતી અને તેમને મહારાષ્ટ્રના દુઃખ વિશે જણાવ્યું હતું. પરંતુ, જે લોકોએ સાંસદોના હિતનો ફાયદો ઉઠાવ્યા સિવાય કશું કર્યું નથી તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય? સત્ય એ છે કે, મરાઠી લોકો પાસે તારણહાર નથી!

પરંતુ આ શિવાજી રાજે ભોસલેનું મહારાષ્ટ્ર છે. ભૂતકાળમાં તેને ઘણાં આસમાની અને સુલ્તાનીઓનો સામનો કરવો પડ્યો છે, અને આજે તે લોકશાહી અને કોંગ્રેસના શોષણને કાળજીપૂર્વક જોઈ રહ્યું છે. મતદાનપેટીની શક્તિથી હવે અમે પરિચિત છીએ. હવે, અમે જોઈ લેશું.

***

નવેમ્બર 1968માં ઠાકરે બેલગામ જઈને પરિસ્થિતિ પારખી ગયા. બીજે જ દિવસે શિવાજી પાર્ક (દાદર, મુંબઈ)માં એક મિટીંગ બોલાવી અને કહ્યું કે જો આ સરહદનો ઈશ્યુ એક વિશિષ્ટ સમયમાં સોલ્વ નહીં થાય તો અમે વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, મૈસુરના પ્રધાનમંત્રી અને કોંગ્રેસના અધ્યક્ષને મુંબઈમાં પગ મૂકવા નહીં દઈએ. 29 ડિસેમ્બર 1968ની કામગાર મેદાન (પરેલ, મુંબઈ)ની રેલીમાં ઠાકરેએ જાહેર કર્યું કે 26 જાન્યુઆરી 1969થી આપણે ‘બંધ’ પાળીશું. આપણે આપણી આ ધમકીઓ ચાલુ જ રાખશું, ભલે તેનું પરિણામ કંઈ પણ હોય.

મુંબઈમાં શિવસૈનિકોએ તૈયારીઓ શરૂ કરી. 27 જાન્યુઆરી 1969 ના દિવસે યુનિયન મિનિસ્ટર યશવંતરાવ ચવ્હાણ મુંબઈની મુલાકાતે આવવાના હતાં. ઠાકરેએ તો પહેલાં જ એલાન કરી દીધેલું કે જ્યાં સુધી એક સમયપત્રક તૈયાર કરીને સરહદના મુદ્દાનો ઉકેલ લાવવાની વાત નહીં થાય ત્યાં સુધી કોઈ મિનિસ્ટરને મુંબઈમાં દાખલ નહીં થવા દેવાય. શિવસૈનિકો આવનારા નેતાઓની કાર સામે રસ્તા પર સૂઈ જશે અને આંદોલન કરશે.

રાજકીય મિલકતને નુકસાન નહીં પહોંચે એવી ખાત્રીથી બાળાસાહેબે શિવસૈનિકોને ત્રણ જગ્યાએ એકઠા થવા કહ્યું: માહિમ ચર્ચ પાસે, સિદ્ધિવિનાયક મંદિર પાસે અને વરલી નાકા પર! આ એ જ સ્થળો હતાં જ્યાંથી ચવ્હાણની કાર પસાર થવાની હતી. પોલિસને ખાત્રી હતી કે તેઓ ચવ્હાણની કારને શાંતિપૂર્વક પસાર કરી આપશે અને શિવસૈનિકોને ખાત્રી હતી કે તેઓ પસાર થવા નહીં દે. ખરાખરીનો રંગ જામ્યો હતો!

27 જાન્યુઆરીના દિવસે સવારે 9 વાગ્યે, 500 શિવસૈનિક માહિમ ચર્ચ પાસે એકઠા થયાં. તેમને રોકવા 100 જેટલા પોલીસકર્મીઓ પર હાજર રહ્યાં. લગભગ 10 વાગીને 5 મિનિટે, ચવ્હાણની ગાડી પસાર થવાની હતી ત્યારે રસ્તાની બંને બાજુ પોલીસકર્મીઓએ હાથ પકડીને સાંકળ બનાવી શિવસૈનિકોને રોકવાનો પ્રયત્ન કર્યો પણ 150 જેટલા શિવસૈનિકો એ સાંકળમાંથી છટકીને ચવ્હાણની ગાડી સામે આવીને રસ્તા પર સૂઈ ગયા.

ચવ્હાણની કાર પહેલા એક અનુરક્ષક (એસ્કોર્ટ) કાર હતી. શિવસેનાના ઠાણેના અગ્રણી વસંત મરાઠે ચવ્હાણની કાર અને એસ્કોર્ટ કારની વચ્ચે આવી ગયા અને ૧૦૦ જેટલાં શિવસૈનિકોએ ચવ્હાણની કારને ઘેરી લીધી. કાળા વાવટાઓ ફરકાવીને શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યોઃ મુંબઈ માટે ૧૦૫ હુતાત્માની બલિ લીધી, બેલગામ માટે કેટલાની બલી લેશો? લગભગ પાંચેક મિનિટની રસાકસી બાદ શિવસૈનિકોએ ચવ્હાણની કાર પર પથ્થરમારો શરૂ કર્યો અને ન છૂટકે પોલીસકર્મીઓએ લાઠીચાર્જ કરવો પડ્યો. જેમ તેમ હાલતમાં માહિમ ચર્ચ પાસેથી નીકળીને ચવ્હાણની કાર આગળ વધી.

હવે, ચવ્હાણનો કાફલો પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે પહોંચવાનો હતો જ્યાં ઓલરેડી શિવસૈનિક રાહ જોઈને ઊભા હતા. પરિસ્થિતિને ઓળખીને સરકારે પોતાનો માર્ગ બદલવાનો વિચાર કર્યો. શિવાજી પાર્કવાળા રોડે જવાની બદલે સેનાપતિ બાપટ માર્ગ અને તુલસી પાઈપ રોડ પર કિસ્મત સિનેમા પાસેથી ચવ્હાણને મોકલવામાં આવ્યાં.

લગભગ સાડા અગિયાર વાગે ત્રણેય જગ્યાએથી શિવસૈનિકોએ દાદર (રાનડે રોડ)માં શિવસેનાની મેઈન ઓફિસ તરફ પ્રયાણ કર્યું અને ત્યાં ઠાકરેએ તેમને સંબોધિત કરતાં કહ્યું: ચવ્હાણે પોતાનો રસ્તો બદલ્યો એ જ આપણો નૈતિક વિજય (moral victory) છે.

શિવસેનાની આવી હરકતો વધવાની જ હતી એટલે પ્રધાનમંત્રી નાઈકે સ્પેશિયલ રીઝર્વ પોલિસ (SRP)ને મુંબઈ પોલિસની મદદ માટે મોકલ્યા.

હવે, 7 ફેબ્રુઆરી 1969ના રોજ નાયબ વડાપ્રધાન મોરારજી દેસાઈ મુંબઈની મુલાકાતે આવવાના હતા.

પડઘો

મૈસુરનું સામ્રાજ્ય દક્ષિણ ભારતમાંનું એક સામ્રાજ્ય હતું. પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે 1399 માં વોડ્યાર પરિવાર દ્વારા શાસન કરાયેલું એ સામ્રાજ્ય હતું. શરૂઆતમાં વિજયનગર સામ્રાજ્યમાં વસાહત તરીકે સેવા આપતું હતું પણ પછી વિજયનગર સામ્રાજ્ય (1565) ના પતન સાથે, મૈસુરનું સામ્રાજ્ય સ્વતંત્ર બન્યું.

eછાપું 

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9| ભાગ 10

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here