લોકસભા 2019: મોદી ત્સુનામી એ કોઈ અણધારી ઘટના નથી!

0
260
Photo Courtesy: twitter.com/BJP4India

દીવાલ પર પરિણામ સ્પષ્ટ લખેલું હતું, તમે ડાબલાં પહેર્યાં હોય તો એ તમારો વાંક! ચૂંટણીમાં પ્રજાએ સ્વયંભૂ મોદીનો મોરચો સંભાળ્યો હતો કહે છે જાણીતા લેખક-પત્રકાર, કિન્નર આચાર્ય.

Photo Courtesy: twitter.com/BJP4India

વાતની વિધિવત શરૂઆત કરીએ તે પહેલાં બે-ચાર નિવેદનો રિવાઇન્ડ કરીએ: એક્ઝિટ પોલ્સમાં ભાજપ અને NDAને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ ત્યારે પત્રકાર અભિસારે કહ્યું કે, “સરવે એજન્સીઓને વડા પ્રધાન કાર્યાલયમાંથી ફોન કરી ને સૂચનાઓ અપાય છે કે, એક્ઝિટ પોલના તારણો ભાજપ-NDAના પક્ષમાં જ દર્શાવવા! તેનું કારણ એ છે કે, તેઓ બૂકીઓને ખૂબ ફાયદો પહોંચાડવા માંગે છે! બીજું, તેઓ શેર બજારમાં ક્ષણિક તેજી લાવી ને સટ્ટા થકી રોકડી કરી લેવા માંગે છે. હું તો એ મતનો છું કે, EVMમાં ગરબડ ન જ થઈ શકે. પરંતુ જો ભાજપ-NDA ચૂંટણી જીતશે તો હું માનીશ કે, EVM સાથે ચેડાં થયા છે!”

કોંગ્રેસના નેતા રાશિદ અલવીએ કહ્યું કે, “EVMમાં ચોક્કસ ચેડાં થયા છે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વિધાનસભામાં કોંગ્રેસને એટલે જ જીતાડવામાં આવી કે, લોકસભાની ચૂંટણીઓના પરિણામો સામે કોઈ આંગળી ચીંધી ન શકે!” આવું નિવેદન સમાજવાદી પક્ષના આઝમ ખાને પણ આપ્યું. તેમણે કહ્યું કે તેઓ જો ત્રણ લાખ કરતા ઓછી લીડથી જીતશે તો EVMમાં ચેડા થયાનું સાબિત થશે! આવા અનેક નિવેદનો આવ્યા. વાસ્તવિકતા એ છે કે, મોદીની સુનામીને આવા બધા લોકોએ મોડી ઓળખી.

બને છે એવું કે, નેતાઓ, બૌદ્ધિકો, પત્રકારોની આસપાસના જે દરબારી ટાઈપના લોકો હોય છે, એ જ તેમને સતત ભ્રમમાં રાખતા હોય છે. બહારની દુનિયા, જમીન પરની સચ્ચાઈથી તેઓ લાખો પ્રકાશવર્ષ દૂર હોય છે.

આ ચૂંટણીમાં મોદી તરફી અન્ડર કરન્ટ હતો જ નહીં, હતો માત્ર અપર કરન્ટ. પરિણામોનો અંદાજ લગાવવા માટે કોઈ અતિ વિશિષ્ટ દિમાગની આવશ્યકતા ન હતી. તમે સેફોલોજિસ્ટ હોવ કે ઇલેક્શન એક્સપર્ટ હોવ એ પણ જરૂરી ન હતું. આવશ્યકતા માત્ર ખુલ્લા દિમાગની હતી. મન મોકળું રાખી ને, કોઈ ગ્રંથી વગર અને ચશ્માં વિના દ્રશ્યો જોવાનાં હતા. ગમા-અણગમા તો હોય, પણ દિમાગ પર એ સ્વાર થઈ જાય તો તમારું વિશ્લેષણ પણ સત્યથી વેગળુ હોવાનું.

એ જ કારણોસર તમારી વિશ્વસનિયતા (જો હોય તો) ખતમ થઈ જવાની. આ ચૂંટણીમાં દેશભરમાં મોદી ત્સુનામી ચાલી રહી હોવાના અનેક સંકેતો પ્રજાએ આપ્યા હતા. પણ, એ ઝીલી શકે એવી સંવેદના કે ઇન્દ્રિયોની સેન્સ કેટલા પંડિતો પાસે હશે?

લોકોને મોદી સિવાય કોઈનામાં રસ નથી. સતત મોદી વિરોધી ઝેર ઓકતી ડાબેરી ન્યૂઝ ચેનલ NDTVની વ્યુઅરશિપ તળિયે છે, બીજી તરફ રાષ્ટ્રવાદી ગણાય તેવી ઝી ન્યૂઝ, ઇન્ડિયા ટીવી તેનાંથી ક્યાંય આગળ છે. અર્નબ ગોસ્વામીએ તો રિપબ્લિક ભારતના લોન્ચિંગ સાથે જ હાર્ડકોર રાષ્ટ્રવાદી વલણ અપનાવ્યું અને ચાર અઠવાડિયામાં એ નંબર-વન બની ગઈ! સોશિયલ મીડિયા પર પણ જાગૃત નાગરિકો સ્વયંભૂ મોદીનો પ્રચાર કરવા માંડ્યા. એટલું જ નહીં, ચોક્કસ બદઇરાદાઓ સાથે મોદી વિરુદ્ધ ગંદી ઝૂંબેશ ચલાવતા માધ્યમોનો સ્વયં લોકોએ જ ઉઘાડાં કર્યાં. દેશના ટીનેજર્સથી લઈ ને નેવું વર્ષના દાદા-દાદીને પણ મોદીમાં મહાનાયકના દર્શન થાય છે. શું આ બધું એટલું ગૂઢ છે કે કળી ન શકાય? ના. પણ, દિમાગ ખુલ્લું હોવું જોઈએ.

કોંગ્રેસની હારનાં અને મોદીની જીતનાં અનેક કારણો છે. વિગતવાર વિશ્લેષણનો અત્યારે અર્થ પણ નથી અને મૂડ પણ નથી. ટૂંકમાં કહીએ તો, મોદીની યોજનાઓએ અને એ યોજનાના સુચારુ અમલીકરણએ લોકોને ખાસ્સા આકર્ષિત કર્યાં. બીજું, રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવી ત્યારે મોદીએ સખ્ત અભિગમ અપનાવ્યો, વિપક્ષો ત્યારે પણ મોદીને ટાર્ગેટ કરવાનું ચૂક્યા નહીં. મોદીવિરોધ કરતા કરતા તેઓ ભારતવિરોધી બની ગયા. બસ, અહીંથી જ લોકોએ જાતે જ મોદી તરફી મોરચો સંભાળી લીધો. ચૂંટણીમાં વિરોધ પક્ષો સામે સ્વયં જનતા જ મેદાનમાં ઉતરી. પ્રજાનો દરેક વર્ગ મોદી માટે લડ્યો.

મજાની વાત એ જ છે. દરેક વર્ગને એવું લાગે છે કે, મોદી તેમનાં નાયક છે. રોજનાં 100 રૂપિયા કમાતા શ્રમિકથી લઈ ને મિનિટના 25 હજાર રળતા કુબેરપતિને મોદી પોતીકા લાગે છે. કારમી ગરમીમાં ખેતી કરતા ખેડૂત માટે અને માઇનસ 25 ડિગ્રી તાપમાન વચ્ચે સિયાચીનમાં પહેરો ભરતા જવાન માટે પણ મોદી હીરો છે.

પંદરેક દિવસ પહેલા મારો મિત્ર સંદીપ ડાંગર તેનાં વડીલોનું શ્રાદ્ધ કરવા બિહારના ગયા ગામે ગયો હતો. ત્યાં કોઈ જગ્યાએ જવા માટે એ એક પેડલ રિક્ષામાં બેઠો. ભાડું 50 રૂપિયા ઠેરવાયું. રસ્તામાં વાતચીત કરતા પેલા રિક્ષાવાળાને ખ્યાલ આવ્યો કે, સંદીપ તો મોદીજીના ગુજરાતથી આવ્યો છે. સંદીપ ઉતર્યો ત્યારે ગરીબ રિક્ષાવાળાએ 50ને બદલે 40 રૂપિયા જ લીધા અને કહ્યું: “આપ તો મોદીજી કે ઘર સે આયે હૈ, પૂરે પૈસે કૈસે લે સકતા હું!” લૂટિયન્સ મીડિયાનો પત્રકાર અને કોંગ્રેસનો દરબારી જ્યારે એ રિક્ષાવાળાની રિક્ષામાં બેસી ને તેની મનની વાત જાણશે ત્યારે અને તો જ તેમને આવા સહજ પરિણામોથી આઘાત નહીં લાગે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here