CWC 19 | M 5 | સાઉથ આફ્રિકા માટે કપરાં ચઢાણની શરૂઆત

1
287
Photo Courtesy: twitter.com/cricketworldcup

ઇંગ્લેન્ડ સામે અને બાંગ્લાદેશ સામે સળંગ બે મેચો હાર્યા બાદ સાઉથ આફ્રિકા માટે બાકીનો વર્લ્ડ કપ તકલીફભર્યો રહી શકે છે, પરંતુ આ મેચ જીતવા માટે બાંગ્લાદેશની સમગ્ર ટીમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

Photo Courtesy: twitter.com/cricketworldcup

છેલ્લા પાંચ વર્ષમાં અથવાતો એમ કહોને કે જ્યારથી બાંગ્લાદેશ પ્રિમિયર લીગની (BPL) શરૂઆત થઇ છે ત્યારથી બાંગ્લાદેશ ટીમના દેખાવમાં સતત સુધારો થયો છે તે આ મેચમાં સાબિત થયું હતું. છેલ્લી 15 વનડે મેચોમાંથી બાંગ્લાદેશ આ મેચ સહીત 10 મેચ જીત્યું છે ઉપરાંત સાઉથ આફ્રિકા સામે બાંગ્લાદેશના 4 વિજયોમાંથી 2 હવે વર્લ્ડ કપમાં મળ્યા છે અને આથી આ મેચના પરિણામને ‘અપસેટ’ કહીને બાંગ્લાદેશ ટીમનું અપમાન કરવા જેવું ગણાશે.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતવાની સાથે જ ભૂલોની હારમાળા શરુ કરી હતી તે તેની હાર સાથે જ પૂર્ણ થઇ હતી. ધી ઓવલની આ એજ પીચ  હતી જેના પર સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે રમ્યું હતું. આમ થોડા દિવસ અગાઉ ઉપયોગમાં લેવાયેલી પીચ પર ટોસ જીતીને પહેલી બોલિંગ લેવાની પહેલી અને કદાચ સહુથી મોટી ભૂલ સાઉથ આફ્રિકા કરી ગયું હતું. કારણ એટલું જ હતું કે ઓવલની સપાટ વિકેટ પર જ્યારે બીજી વખત કોઈ મેચ રમાતી હોય ત્યારે તે બીજી ઇનિંગમાં ટર્ન લેવાની હોય જ તે નિશ્ચિતપણે કહી શકાય.

વળી, સાઉથ આફ્રિકા પાસે ઇમરાન તાહિર સિવાય કોઈ એ સ્તરનો સ્પિનર ભલે ન હતો પરંતુ બીજી બેટિંગ લેવા કરતા પહેલી બેટિંગ લઈને મોટો સ્કોર બનાવી બાંગ્લાદેશ પર દબાણ જરૂર મૂકી શકાયું હોત અને પછી તેનો ફાયદો પણ લઇ શકાયો હોત. અધૂરામાં પૂરું ઇનિંગની વચ્ચે જ લુંગી ન્ગીડી ઈજાગ્રસ્ત થયો અને સાઉથ આફ્રિકાની બોલિંગ નબળી પડી ગઈ. આટલું ઓછું હોય તેમ, અસંખ્ય મિસ ફિલ્ડ, કેચ ડ્રોપ અને એકાદ બે ઓવર થ્રો પણ થયા.

આ બધું ભલે થયું પરંતુ તેને લીધે બાંગ્લાદેશના બેટ્સમેનોની બેટિંગને જરાય ઓછી આંકી ન શકાય. તમિમ ઇકબાલ ભલે ધીમો હતો પરંતુ સામે છેડે સૌમ્યા સરકાર આક્રમક બેટિંગ કરી રહ્યો હતો જેણે બાંગ્લાદેશને એક ઝડપી અને મજબૂત શરૂઆત આપી. ત્યારબાદ અનુભવી શાકિબ અલ હસન અને મુશ્ફિકુર રહીમે એક મોટી ભાગીદારી કરીને બાંગ્લાદેશ એક મોટું ટાર્ગેટ સાઉથ આફ્રિકાને આપે એ નિશ્ચિત કરી આપ્યું.

છેલ્લી 4 ઓવરોમાં મહમદુલ્લા અને મોસદ્દેક હોસેને 54 રન ખડકી દઈને સાઉથ આફ્રિકાને લગભગ મેચની બહાર કરી દીધું. બાંગ્લાદેશનો 330નો સ્કોર તેનો વનડે ઇન્ટરનેશનલ ઇતિહાસમાં સર્વોચ્ચ ટોટલ હતો તે સાબિત કરે છે કે આ મેચ જીતવા માટે બાંગ્લાદેશની ટીમે પોતાનો જીવ નાખીને ઉત્તમોત્તમ પ્રયાસ કર્યો હતો.

સાઉથ આફ્રિકાને આટલો મોટો સ્કોર ચેઝ કરવા સારી અને ઝડપી શરૂઆતની જરૂર હતી પરંતુ બદનસીબે જેની પાસેથી તેની આશા હતી તે ક્વિન્ટન ડી કોક બેટિંગ કરવામાં જ તકલીફ અનુભવી રહ્યો હતો. એઈડન માર્કર્મે પ્રયાસો તો કર્યા પરંતુ તે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો. કપ્તાન ફાફ દુ પ્લેસીએ મહેનત કરી પરંતુ ખોટા સમયે આઉટ થઇ ગયો. તો બાકીના બેટ્સમેનોએ પણ પોતપોતાના પ્રયાસો કર્યા પરંતુ સતત જરૂરી રન રેટ કરતા પાછળ રહેવાને લીધે દબાણમાં વિકેટો ફેંકવા લાગ્યા હતા.

બાંગ્લાદેશના સ્પિનર્સ ઉપરાંત ફાસ્ટ બોલર્સ ખાસ કરીને મુસ્તફીઝુર રહેમાનની બોલિંગ અદભુત રહી હતી. આ ઉપરાંત કપ્તાન મશરફે મોર્તઝાની કપ્તાનીમાં છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત સુધાર આવ્યો છે. મોર્તઝા છેલ્લા પાંચ વર્ષમાં કપ્તાન તરીકે વધારે પાકટ થયો હોય એ તેની મેદાન પરની વર્તણુક પરથી દેખાઈ આવતું હતું. ગત વર્લ્ડ કપમાં તે મેદાન પર જ કેચ છોડવા કે સરખી બોલિંગ ન કરતા પોતાના ખેલાડીઓને વઢી નાખતો મોર્તઝા આ મેચમાં ઘટેલી દરેક હકારાત્મક કે નકારાત્મક ઘટનાને શાંતિથી સ્વીકારી લેતો જોવા મળ્યો હતો.

બાંગ્લાદેશની વર્લ્ડ કપ 2019ની સુંદર શરુઆત થઇ છે તો પહેલી બંને મેચો હારીને સાઉથ આફ્રિકા માટે કપરાં ચઢાણ શરુ થયા છે. આ મેચ તેને માત્ર જીતવી જ જરૂરી ન હતી પરંતુ મોટા માર્જીન સાથે જીતવી જરૂરી હતી જે શક્ય બન્યું નથી. ભારત સામે સાઉથ આફ્રિકા બુધવારે તળીયે બેસેલા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે એ નક્કી છે.

Preview: ઇંગ્લેન્ડ વિ. પાકિસ્તાન, ટ્રેન્ટબ્રિજ, નોટિંગહામ

મેચનું પરિણામ દીવાલ પર સ્પષ્ટ લખેલું છે અને આપણે તેને ફક્ત વાંચવાનું છે. આ બંને દેશો હાલમાં જ ત્રણ વનડેની સિરીઝ રમ્યા હતા અને સ્કોરિંગની દ્રષ્ટીએ આ સિરીઝમાં બંને પક્ષે ઢગલો રન થયા હતા. આ ઉપરાંત એ સિરીઝ તેનું પરિણામ દેખાય છે તેના કરતા વધુ ક્લોઝ રહી હતી. તેમ છતાં, આ વર્લ્ડ કપ છે અને ઇંગ્લેન્ડની ટીમ એક નિશ્ચિત મિશન હેઠળ રમી રહી છે જ્યારે પાકિસ્તાનની નબળાઈ પહેલી મેચમાં આ જ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝે દુનિયા આખી સમક્ષ ખુલ્લી પાડી દીધી છે. આમ પાકિસ્તાન કરતા ઇંગ્લેન્ડના આ મેચ જીતવાના ચાન્સીઝ ઘણા વધુ છે.

eછાપું

1 COMMENT

  1. Very nice article..
    One thing could have been added about sunil joshi new coach of bangladesh.
    After joining him, the team moral behavioural change, is quite noticeable.
    A team is a dark horse for this tournament for qualification not for winning.
    But a qualification can hamper /affect big big names

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here