CWC 19 | M 19 | વ્યવસ્થિત રણનીતિ બનાવ્યા વગર રમતું વેસ્ટ ઇન્ડિઝ

0
286
Photo Courtesy: twitter.com/cricketworldcup

એક જ પ્રકારની બોલિંગ અને બેટિંગ કરીને આજ સુધી એક પણ ટીમ વર્લ્ડ કપ જીતી નથી ખુદ ભૂતકાળની વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ. આ મેચમાં કઈ ટીમ વધુ સારી રણનીતિ સાથે મેદાનમાં  ઉતરી હતી તે દેખાઈ ગયું હતું.

Photo Courtesy: twitter.com/cricketworldcup

વન વે ટ્રાફિક વિષે આપણે બધા જ જાણીએ છીએ. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વર્લ્ડ કપમાં વન વે ટ્રાફિક જેવી એક લાઈનની રણનીતિ બનાવીને ઉતરી હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. બોલિંગ હોય ત્યારે સતત શોર્ટ પીચ બોલ નાખવા અને જ્યારે બેટિંગ હોય ત્યારે માત્ર અને માત્ર આક્રમક શોટ્સ રમવા. આ પ્રકારની રણનીતિ એક કે બે મેચમાં સફળ જાય પરંતુ જો તમારું લક્ષ્ય છેક વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચવાનું હોય તો આ પ્રકારની એકધારી રણનીતિ તમને વહેલા મોડી ડુબાડી જ દેતી હોય છે.

સામે પક્ષે ઇંગ્લેન્ડ જે આ વખતે વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદારી ધરાવે છે તેણે દરેક મેચમાં પોતાની રણનીતિ સામેની ટીમના પ્લસ અને માઈનસ જોઇને નક્કી કરી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરી ત્યારે શરૂઆતના બેટ્સમેનોને ગૂડ લેન્થ બોલ નાખ્યા અને પૂંછડીયા બેટ્સમેનોને શોર્ટ પીચ બોલ નાખીને પરેશાન કર્યા. એમાં પણ જ્યારે શરૂઆતની ઓવર્સમાં જોફ્રા આર્ચર મોંઘો સાબિત થયો ત્યારે તેને ઓવરો આપવાનું બંધ કરીને કેપ્ટન ઓઇન મોર્ગને થોડી રાહ જોવાનું પસંદ કર્યું.

જેવા વેસ્ટ ઇન્ડિઝના નીચલા ક્રમના બેટ્સમેનો બેટિંગ કરવા આવ્યા કે તરત જ આર્ચરને બોલિંગનો હવાલો આપી દીધો અને તેણે  પોતાની જ ભૂતપૂર્વ ટીમના બોલર્સને શોર્ટ પીચ બોલ નાખીને પરેશાન તો કર્યા જ પરંતુ તેમને આઉટ પણ કર્યા. શરૂઆતની મોંઘી બોલિંગ છતાં છેવટે જોફ્રા આર્ચર ત્રણ વિકેટ લઇ ગયો! આવું લચીલાપણું દરેક ટીમની રણનીતિમાં હોય તેના જ જીતના ચાન્સીઝ વધુ હોય છે જે બદનસીબે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં જોવા મળતું નથી.

બેટિંગમાં પણ જ્હોની બેરસ્ટો જે આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો છે તેણે વેસ્ટ ઇન્ડિઝે આપેલા નાના ટાર્ગેટથી લલચાઈને આક્રમક બેટિંગ ન કરી અને વિકેટ ફેંકી ન દેતા સંભાળીને બેટિંગ કરી અને સામે જો રૂટ તો છે જ ઠંડા દિમાગનો બેટ્સમેન, તેણે પણ પોતાનો પૂરતો સમય લઈને બેટિંગ કરી અને સેન્ચુરી બનાવીને નોટ આઉટ રહ્યો. જરૂર પડી તો ક્રિસ વોક્સને પ્રમોશન આપીને ઇંગ્લેન્ડે રન ગતિ વધારવાની કોશિશ કરી. આમ સંભાળીને રમવા છતાં ઇંગ્લેન્ડ છેવટે 16.5 ઓવર્સ બાકી રહેતા જ જીતી ગયું હતું. ઇંગ્લેન્ડના આ પ્રદર્શનને પ્રોફેશનલ ક્રિકેટનું શ્રેષ્ઠ ઉદાહરણ જરૂરથી કહી શકાય.

વેસ્ટ ઇન્ડિઝના ટીમ મેનેજમેન્ટે એ સમજવાની જરૂર છે કે માત્ર આક્રમક બોલિંગ અને બેટિંગ દ્વારા જ વિરોધી ટીમને ડરાવી શકાતી નથી અને ફ્લેક્સિબલ  રહેવું આજના જમાનામાં અત્યંત આવશ્યક છે. ક્રિસ ગેલ અને આન્દ્રે રસલ શ્રેષ્ઠ ટ્વેન્ટી20 બેટ્સમેન હોઈ શકે છે પરંતુ તેઓ પચાસ ઓવરની મેચ માટે ગેરલાયક છે કારણકે તેઓ પૂરી પચાસ ઓવર બેટિંગ કરે એવું વિચારી પણ ન શકે. એમાં પણ આન્દ્રે રસલને જો માત્ર બેટિંગ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોય તો તેની પાસે, તેનો ઘૂંટણ ઈજાગ્રસ્ત હોવા છતાં, બોલિંગ કેમ કરાવવામાં આવે છે તે પ્રશ્નનો જવાબ મળવો અત્યંત મુશ્કેલ છે.

Preview: ઓસ્ટ્રેલિયા વિ. શ્રીલંકા, ધી ઓવલ અને સાઉથ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન, સોફિયા ગાર્ડન, કાર્ડિફ

આજની બંને મેચોમાં કોનું પલ્લું ભારે છે તે સ્પષ્ટ દેખાય છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે મહત્ત્વનો વિજય મેળવ્યો છે તો શ્રીલંકા હજી પણ ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહ્યું છે. તે અફઘાનિસ્તાન સામે માંડ માંડ જીત્યું હતું અને બાકી તેને વરસાદની મદદથી પોઈન્ટ્સ મળ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલની ટોચ પર જવા માટે શ્રેષ્ઠ ચાન્સ છે.

સાઉથ આફ્રિકા ભલે સતત ત્રણ મેચો હાર્યું હોય પરંતુ અફઘાનિસ્તાન સામે તે ચોક્કસ મજબૂત ટીમ છે અને આ મેચ તે જ જીતશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ તેણે આ મેચ એક મોટા માર્જીનથી જીતવી વધારે જરૂરી છે કારણકે તો જ તેના ખેલાડીઓનો આત્મવિશ્વાસ ઉપર આવી શકશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here