શું ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાયું છે કે પછી (3) ઓટોમોબાઈલમાં કટોકટી?

0
375
Photo Courtesy: auto.ndtv.com

ભારતમાં ચાલી રહેલી કહેવાતી મંદી પાછળ ઓટોમોબાઇલ સેક્ટરમાં રહેલી કટોકટીને મહદઅંશે જવાબદાર ગણવામાં આવી રહી છે, પરંતુ શું ખરેખર એવું છે ખરું? કારણકે આંકડાઓ તો કોઈ બીજી જ વાર્તા કહે છે.

Photo Courtesy: auto.ndtv.com

છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન ઓટોમોબાઈલ (પેસેન્જર વેહિકલ, કોમર્શિયલ વેહિકલ, થ્રી-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ) ઉદ્યોગ બહુ જ નકારાત્મક ટ્રેન્ડ દર્શાવે છે એવા બુમ-બરાડા શરુ થયા છે. આ બુમ-બરાડા કરતી “ગેંગ” તેની પાછળ રહેલું સત્ય તથા તથ્ય ચકાસતી હશે કે કેમ તે એક સવાલ છે. કારણ કે જે રીતના બુમ-બરાડા થઇ રહ્યા છે તેની સાથે સત્ય અને તથ્યને કોઈ જ મેળ ખાતો નથી. તો ચાલો…આજે આપણે ઓટોમોબાઈલ ઉદ્યોગની સત્ય હકીકતો અને તથ્યો જાણીએ.

Photo Courtesy: Jayesh Shah

સૌથી પ્રથમ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં છેલ્લા છ વર્ષમાં વેચાણ કેવું રહ્યું તે જોઈએ. (આ પોસ્ટમાં Automobile Domestic Sales: No. of Units Soldનો ડેટા ટેબલ ઉપરના ફોટોમાં છે). ટુ-વ્હીલર્સનું વેચાણ 2013-14માં એટલે કે નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળી તેના અગાઉના વર્ષે 1,48,06,778 હતું તે 2018-19માં વધીને 2,11,81,390 થયું છે એટલે કે છેલ્લા છ વર્ષમાં ટુ-વ્હીલર્સનું વેચાણ 43% વધ્યું છે એટલે કે છેલ્લા છ વર્ષની વાર્ષિક સરેરાશ આશરે 7%ની રહી. છેલ્લા એક વર્ષમાં એટલે કે 2016-17થી 2018-19ની વચ્ચે તે 5% વધ્યું છે. એટલે એમ કહી શકાય કે છેલ્લા એક વર્ષમાં સરેરાશ વેચાણની સામે 2% વેચાણ ઘટ્યું.

પેસેન્જર વેહિકલનું વેચાણ 2013-17માં એટલે કે નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળી તેના અગાઉના વર્ષે 25,03,509 હતું તે 2018-19માં વધીને 33,77,436 થયું છે એટલે કે છેલ્લા છ વર્ષમાં ટુ-વ્હીલર્સનું વેચાણ 35% વધ્યું છે એટલે કે છેલ્લા છ વર્ષની વાર્ષિક સરેરાશ આશરે 6%ની રહી. છેલ્લા એક વર્ષમાં એટલે કે 2016-17થી 2018-19ની વચ્ચે તે 3% વધ્યું છે. એટલે એમ કહી શકાય કે છેલ્લા એક વર્ષમાં સરેરાશ વેચાણની સામે 3% વેચાણ ઘટ્યું.

કોમર્શિયલ વેહિકલનું વેચાણ 2013-14માં એટલે કે નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળી તેના અગાઉના વર્ષે 6,32,851 હતું તે 2018-19માં વધીને 10,07,319 થયું છે એટલે કે છેલ્લા છ વર્ષમાં ટુ-વ્હીલર્સનું વેચાણ 60% વધ્યું છે એટલે કે છેલ્લા છ વર્ષની વાર્ષિક સરેરાશ આશરે 10%ની રહી. છેલ્લા એક વર્ષમાં એટલે કે 2016-17થી 2018-19ની વચ્ચે તે 18% વધ્યું છે. એટલે એમ કહી શકાય કે છેલ્લા એક વર્ષમાં સરેરાશ વેચાણની સામે 8% વેચાણ વધ્યું છે.

હવે આવનારા વર્ષોમાં થનારા ફેરફાર અંગે સમજીએ. હાલમાં ઓટોમોબાઈલ (પેસેન્જર વેહિકલ, કોમર્શિયલ વેહિકલ, થ્રી-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ) ઉદ્યોગ તમામ વેહિકલ BS-IV પ્રમાણે વેચાણ કરી રહ્યું છે પરંતુ 24 ઓક્ટોબર, 2018ના રોજ સુપ્રિમ કોર્ટે 1 એપ્રિલ, 2020થી તમામ વેહિકલ BS-VI પ્રમાણે જ વેચાણ કરવું એવો સ્પષ્ટ આદેશ આપી દીધો છે. આ ડેડલાઇનમાં કોઈપણ જાતનો વધારો સરકાર કરી શકશે નહીં તેવી સ્પષ્ટતા પણ સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં કરી છે. આ આદેશ અંતર્ગત ઓટોમોબાઈલ ઉદ્યોગે પોતાની ટેકનોલોજીમાં ખુબ મોટું રોકાણ કરવું પડશે. તથા પોતાની પાસે સ્ટોકમાં BS-IVના જે વેહિકલ હશે તેને પણ BS-VIમાં અપગ્રેડ કરવા પડશે અને તે માટે પણ મોટો ખર્ચ કરવો પડશે. હવે આ જે ખર્ચ આવશે તે અંતે તો ગ્રાહક ઉપર જ આવશે.

તદુપરાંત BS-VIના વેહિકલમાં જે પેટ્રોલ અને ડિઝલ વપરાશે તે પણ હાલમાં વપરાતા પેટ્રોલ અને ડિઝલ કરતા અલગ ગુણવત્તા ધરાવતું હશે અને એટલે ઓઈલ રીફાઈનરીઓએ પણ BS-VIના નોર્મ આધારિત પેટ્રોલ અને ડિઝલ પૂરું પાડવું પડશે અને તે માટે પણ ઓઈલ રીફાઈનરીઓએ પોતાના પ્રોડક્શન પ્લાન્ટને અપગ્રેડ કરવા પડશે આથી BS-VIમાં વાપરી શકાય તેવું પેટ્રોલ અને ડિઝલ પણ એપ્રિલ 2020થી ઊંચા ભાવે પ્રાપ્ત થશે.

Photo Courtesy: Jayesh Shah

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં દીર્ઘદ્રષ્ટિનો અભાવ છે એમ કહીએ તો ખોટું નહીં કહેવાય. કારણ કે BS-VI અંગે સુપ્રિમ કોર્ટના જજમેન્ટ પછી એટલે કે ઓક્ટોબર 2018 પછી તેઓએ તેમના ઉત્પાદનમાં કાપ મૂકી દેવો જોઈએ પરંતુ ઓટોમોબાઈલ ઉદ્યોગના ઉત્પાદનના આંકડા એવું સૂચવે છે કે તેઓએ તેમના ઉત્પાદનમાં કોઈ જ પ્રકારનો કાપ મુક્યો નથી. ઉત્પાદનના આંકડા આ પોસ્ટ સાથે ઉપરના ફોટોમાં મુક્યા છે. (આ પોસ્ટમાં Automobile Production Trends: No. of Units Soldનો ડેટા ટેબલ ફોટોમાં છે).

2017-18માં ઓટોમોબાઈલ ઉદ્યોગનું કુલ ઉત્પાદન 2,90,94,447 યુનિટ હતું તે ઓક્ટોબર 2018માં સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ આવ્યાના નાણાંકીય વર્ષ 2018-19માં કુલ ઉત્પાદન 3,09,15,420 હતું એટલે કે ઉત્પાદનમાં 6.5%નો વધારો થયો હતો. આ વધારો છેલ્લા પાંચ વર્ષની સરેરાશ જેટલો જ છે. અહીં પ્રશ્ન એ છે કે કેમ તેઓએ તેમનું ઉત્પાદન ઘટાડવાની શરૂઆત કેમ ન કરી? મારો બીજો પ્રશ્ન એ છે કે જયારે વેચાણમાં નવેમ્બર 2018થી ઘટવાની શરુઆત થઇ અને તે સતત આઠ મહિના સુધી ઘટતું રહેવા છતાં ગ્રાહકો માટે કેમ વેચાણ અંગેની પ્રોત્સાહન યોજનાઓ લઈને કેમ ન આવ્યા? ભાવમાં કેમ ઘટાડો ન કર્યો? આપવામાં આવતી સેવાઓ અંગે કેમ કોઈ પ્રોત્સાહનની યોજના લઈને ન આવ્યા?

મારુતિ સુઝુકી, હીરો મોટર્સ અને હોન્ડા મોટરસાયકલ જેવી કંપનીઓને BS-VI અંગે વ્યાપક પ્રમાણમાં નવું રોકાણ કરવું પડશે. કારણ કે આ ત્રણ કંપનીઓનો ઓટોમોબાઈલ ઉદ્યોગમાં માર્કેટ શેર સૌથી વધુ છે. હવે છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન ઓટોમોબાઈલ (પેસેન્જર વેહિકલ, કોમર્શિયલ વેહિકલ, થ્રી-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ) ઉદ્યોગ બહુ જ નકારાત્મક ટ્રેન્ડ દર્શાવે છે એવા બુમ-બરાડા શરુ થયા છે તેની પાછળનું સાચું કારણ સૌને ખબર પડી હશે. આ તો “દુ:ખે છે પેટ અને કૂટે છે માથું…..” એવો ઘાટ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં થયો છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા આ બુમ-બરાડામાં ટેકો કરે જ તેમાં કોઈ જ આશ્ચર્ય ન થવું જોઈએ કારણ કે તેઓને જાહેરાતના સ્વરૂપે આ ઉદ્યોગમાંથી સૌથી વધુ રકમ પ્રાપ્ત થાય છે.

Photo Courtesy: Jayesh Shah

હવે આપણે ટુ-વ્હીલર્સમાં કોનું કેટલું વેચાણ છે અને તેઓનું વેચાણ છેલ્લા એક વર્ષમાં કેટલું ઘટ્યું કે વધ્યું તે જોઈએ એટલે તમને સૌને આ “બુમ-બરાડા” કેટલા સાચા અને કેટલા ખોટા તેનો ખ્યાલ આવી જશે. (આ પોસ્ટમાં Two Wheeler Domestic Sales: No. of Units Soldનો ડેટા ટેબલ ઉપરના ફોટોમાં છે). નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19ની વચ્ચે આ તુલના છે. હીરો મોટર્સના ટુ-વ્હીલર્સનું વેચાણ 3.12% વધ્યું છે જયારે હોન્ડા મોટરસાયકલનું વેચાણ 4.41% ઘટ્યું છે. TVSનું વેચાણ 9.1% વધ્યું છે તો બજાજ ઓટોનું વેચાણ 28.9% વધ્યું છે.

બજાજ ઓટોના રાહુલ બજાજ જ દેશના અર્થતંત્રમાં મંદી આવી રહી છે એવી સૌથી પહેલી બુમ પાડી હતી. હવે તેમની જ કંપનીના ટુ-વ્હીલર્સનું વેચાણ 28.9% જેટલું વધ્યું છે. તેમની “બુમ” જે મોટા પ્રમાણમાં રોકાણ કરવું પડશે અને સ્ટોકમાં જે ટુ-વ્હીલર્સ છે તેને અપગ્રેડ કરવા પડશે તેના માટેની છે. એટલે જ મેં એવું કહ્યું કે ઓટોમોબાઈલ ઉદ્યોગને “દુ:ખે છે પેટ અને કૂટે છે માથું…..” તેવો ઘાટ છે. સુઝુકી મોટરસાયકલનું વેચાણ પણ 33.44% વધ્યું છે. મહિન્દ્રા ટુ-વ્હીલર્સનું વેચાણ 72.86% જેટલું ઘટી ગયું છે તેની પાછળનું કારણ તેના ટુ-વ્હીલર્સની ગુણવત્તા છે એવું બજારનું માનવું છે. ઓવરઓલ ટુ-વ્હીલર્સમાં નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19ની વચ્ચે 4.86%નું વેચાણ વધ્યું છે.

બોલો……હવે કોણ કહેશે કે ઓટોમોબાઈલ ઉદ્યોગ મંદીના વમળમાં ફસાયો છે?

હા….હજી કહેનારા કહેશે કે એપ્રિલ 2019થી જુલાઈ 2019ના ચાર મહિનામાં વેચાણ ખુબ જ ઘટ્યું છે તેમને દર્શાવી દઉં કે ઓટોમોબાઈલ (પેસેન્જર વેહિકલ, કોમર્શિયલ વેહિકલ, થ્રી-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ) ઉદ્યોગમાં એપ્રિલ 2019માં 12.1%, મે 2019માં 16.6% અને જુન 2019માં 14.9% વેચાણ ઘટ્યું છે એ હકીકત છે અને તે તરફ “આંખ આડા કાન” ન કરી શકાય. (આ પોસ્ટમાં Motor Vehicles Sales: No. of Units Soldનો ડેટા ટેબલ ઉપરના ફોટોમાં છે).

આ વેચાણ ઘટ્યું છે તેની પાછળનું એક કારણ IL&FS નબળી પડી તે હોઈ શકે છે કારણ કે તેને કારણે નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ કે જે ઓટો-લોનમાં સૌથી મોટું સેક્ટર છે કારણ કે મોટા ભાગના ગ્રાહકો બેંક પાસે જતા નથી અને તેઓ આવી નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પાસેથી જ ઓટો-લોન લેતા હોય છે. હવે IL&FS નબળી પડવાના કારણે નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પાસે “કેશ-ક્રન્ચ” ઉભો થવાથી તેઓ દ્વારા ગ્રાહકોને ઓટો-લોન આપવાનું ઓછુ કરી દેવામાં આવ્યું છે.
.
અન્ય એક કારણ એ છે કે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઉબર અને ઓલા જેવી સર્વિસ શરુ થવાના કારણે અને તે બહુ મોંઘી ન હોવાથી ગ્રાહકોએ ઓટોમોબાઈલ વેહિકલ ખરીદવાનું ઘટાડી દીધું હોય તેવું બની શકે છે. આ અંગે કોઈ વિસ્તૃત સર્વે થયો નથી અને તેના અંગે કોઈ આંકડાકીય માહિતી પ્રાપ્ય નથી પરંતુ આ પણ એક કારણ હોઈ શકે છે. ઉબર અને ઓલા જેવી સર્વિસીસ વાપરવાના કારણે પાર્કિંગનો કોઈ જ પ્રશ્ન ઉભો થતો નથી કારણ કે શહેરોમાં તે જ સૌથી મોટો પ્રશ્ન છે

Photo Courtesy: Jayesh Shah

પરંતુ આ વેચાણ ઘટ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહકોમાં એવો ભય છે કે જે હવે આપણે BS-IVનું કોઈપણ વેહિકલ લઈએ અને એપ્રિલ 2020માં જો સરકાર કે સુપ્રિમ કોર્ટ તેને માન્ય ન રાખે તો શું? આ ભયનું નિરાકરણ થાય તો ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વેચાણ આપોઆપ વધવા માંડશે. ગ્રાહકોએ તેમની ખરીદી “રદ” નથી કરી પરંતુ તેને “મોકૂફ” રાખી છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વેચાણ ઘટ્યું છે તેને સમગ્ર અર્થતંત્રમાં વ્યાપક મંદી આવી રહી છે તેની સાથે સરખાવી ન શકાય. કારણ કે ઉપરના ફોટામાં જણાવ્યા અનુસાર GDP Per Capita Purchasing Power Parity ઉત્તરોત્તર વધતી રહી છે અને તે વર્ષ 2018માં તેની ટોચ ઉપર છે.

શું ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાયું છે કે પછી? ભાગ 1 | ભાગ 2 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here