इन आँखों की मस्ती के मस्ताने (5): ‘મુકદ્દર કા સિકંદર’ અને રિશી-નીતુના લગ્નનું રીસેપ્શન

0
530
Photo Courtesy: YouTube

રેખાની કારકિર્દી ધીરેધીરે પાટા પર આવી રહી હતી અને કેટલીક ફિલ્મોમાં તેની અદાકારીના ભરપૂર વખાણ પણ કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ અમિતાભ સાથેના તેના સંબંધો પર ચાલી રહેલી ચર્ચામાં ત્યારે વેગ આવ્યો જ્યારે તે રિષી અને નીતૂ કપૂરના લગ્નમાં હાજરી આપવા આવી હતી.

Photo Courtesy: YouTube

1974ની ફિલ્મ ‘દુનિયા કા મેલા’ માટે રેખા અને અમિતાભને સૌ પ્રથમ સાઈન કરવામાં આવેલા, પરંતુ નિર્માતા જી.એમ.રોશનને અમિતાભ પર ભરોસો નહોતો એટલે સંજય ખાનને ફિલ્મમાં લીધો. અમિતાભ અને રેખાએ આ ફિલ્મ માટે ‘તૌબા તૌબા’ ગીતનું શૂટીંગ પણ કરી લીધેલું, જે યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

એક તરફ રેખાનું શારીરિક પરિવર્તન શરૂ થયું અને બીજી તરફ રેખા થોકના ભાવે ફિલ્મો સાઈન કરતી ગઈ. 1 વર્ષમાં રેખા સરેરાશ 10 ફિલ્મો કરતી, પરંતુ લગભગ ફિલ્મો ભૂલાઈ જાય તેવી હતી. ‘આજ કા મહાત્મા’, ‘રામ ભરોસે’, ‘કચ્ચા ચોર’, ‘ફરિશ્તા યા કાતિલ’, ‘એક હી રાસ્તા’, ‘રાહુ કેતુ’, ‘રામ કસમ’, ‘પરમાત્મા’ – આ ફિલ્મોમાંથી કેટલી યાદ છે? આમાંથી ઘણી ફિલ્મોમાં તો રેખા મુખ્ય હીરોઈન હતી છતાં ‘દો અન્જાને’ જેવી અભિનયની તીવ્રતા દેખાઈ નહીં.

1978માં તો રેખાની ચૌદ ફિલ્મો રિલીઝ થઈ, જેમાંથી ફક્ત બે ફિલ્મોમાં રેખાનો ઉત્કૃષ્ટ અભિનય લોકો સમક્ષ આવ્યો – ‘ઘર’ અને ‘મુકદ્દર કા સિકંદર’!

***

‘ઘર’માં રેખા અને વિનોદ મહેરાએ બ્રેક-અપ પછી પહેલી વાર સાથે કામ કરેલું. બંનેએ એક નવદંપતીનો રોલ કરેલો જેમાં એક મોડી રાત્રે નાટક જોઈને ઘરે જતી વખતે આરતી (રેખા)નો બળાત્કાર થાય છે અને પછી પતિ વિકાસ (વિનોદ મહેરા) સાથે કઈ રીતે તે જખ્મોને લઈને તડપે છે તેનું તાદ્શ વર્ણન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પછી તમિળ અને મલયાલમ ભાષાઓમાં પણ બનેલી.

આ ફિલ્મના બે ગીત ‘आप की आंखोंमें कु्छ महेके हुए से ख्वाब है…’ અને ‘आज कल पांव जमीं पर नहीं पडते मेरे…’ ગુલઝારે લખેલા અને તેમના અત્યાર સુધીના બેસ્ટ ગીતોમાં ગણી શકાય. ફિલ્મના ક્રેડીટમાં ડાયરેક્ટર તરીકે માણેક ચેટર્જીનું નામ આવે છે પણ શૂટીંગ શરૂ થતાં જ માણેકનું અકસ્માત થયું અને નિર્માતા એન.એન. સિપ્પીએ આ ફિલ્મ ગુલઝાર પાસે નિર્દેશ કરાવી. દિનેશ ઠાકુરે લખેલી અસલી વાર્તામાં ગુલઝારે ઘણાં બધાં પરિવર્તન કર્યા. જેમ કે બળાત્કારના સીનના શૂટીંગ વખતે રેખાને ચાર ગુંડાઓ સામે લડવાનું હતું. આ સીનમાં રેખાએ જે હાવભાવ આપ્યા અને અભિનય કર્યો, એ જોઈને ગુલઝારે સીનને જેમ હતો તેમ જ ફિલ્મમાં નાખ્યો – કોઈ જ પ્રકારનું ડબિંગ કરવાની જરૂર લાગી નહીં.

રેખા અને ગુલઝાર એકમેકને પહેલેથી ઓળખતા હતા. તે સમયે ગુલઝારની ફિલ્મ ‘આંધી’ રિલીઝ થયેલી એટલે રેખાને ગુલઝારની નિયમિતતા અને સમયપાલનની જાણ હતી. ‘ઘર’ની શૂટીંગના પહેલાં જ દિવસે રેખા મોડી આવી ત્યારે ગુલઝારે કારણ પૂછ્યું. રેખાએ કહ્યું કે તેણી ‘આંધી’ ફિલ્મ જોઈ રહી હતી જેથી તેણી પોતાના રોલને બરાબર સમજી શકે.

આ ફિલ્મમાં રેખાનું કામ લોકોને ખૂબ જ પસંદ આવ્યું અને રેખા વિશે તેમના પ્રતિભાવો બદલાયા. શું આ એ જ રેખા છે જેને લોકો Sex Kitten કહેતાં? આ ફિલ્મ માટે રેખાને ‘બેસ્ટ હીરોઈન’ ના ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મળેલું. ફિલ્મમાં રેખા અને વિનોદ મહેરાની જે સંબંધોની તીવ્રતા દર્શાવવામાં આવી છે તે કદાચ તેમના જૂના સંબંધને કારણે હોઈ શકે. ‘ઘર’ વિશે ગુલઝારે એક ઈન્ટરવ્યુમાં કહેલું: यही एक असली आर्टीस्ट की निशानी है । रेखा किसी भी किरदार को लिबास की तरह पहन लेती है…

આ સમયગાળામાં રેખા ભલે વિનોદ મહેરા સાથે શૂટીંગ કરતી, પણ મિડીયામાં અમિતાભ સાથેના રેખાના સંબંધો વધુ ગાઢ બનવાના કિસ્સાઓ છપાતા રહ્યા. રેખા હંમેશા ખુલ્લમ ખુલ્લા આ વિશે બોલતી પણ અમિતાભે ક્યારેય તેમના સંબંધ વિશે મગનું નામ મરી નથી પાડ્યું.

***

‘ઘર’માં રેખાની અભિનય પ્રતિભા લોકો સમક્ષ આવી તો ‘મુકદ્દર કા સિકંદર’ ફિલ્મમાં રેખાના સૌંદર્ય અને રોમાંચકતાએ લોકોને મોહી લીધા. ‘મુકદ્દર કા સિકંદર’ ફિલ્મની હીરોઈન રાખી હતી અને રેખાએ એક ગણિકાનો રોલ કરેલો છતાં રેખા અને અમિતાભની કેમિસ્ટ્રી જામી ગઈ. રેખાનો રોલ આજે પણ લોકોને યાદ છે, જેનું નામ હતું – ઝોહરાબાઈ!

‘મુકદ્દર કા સિકંદર’ એક બ્લોકબસ્ટર ફિલ્મ બની અને રેખાનું ગીત ‘सलाम-ए-ईश्क मेरी जान, जरा कूबुल कर लो…’ સુપરડુપર હીટ થયું. રેખાની અદા અને લખનવી તહેઝીબ મોહક હતી. ફિલ્મમાં છેલ્લે રેખા અને અમિતાભ બંનેનું મૃત્યુ થાય છે એ વિશે નિર્દેશક પ્રકાશ મહેરાએ કહેલું – ‘લોકોએ મને આ ફિલ્મ માટે મૂર્ખ કહેલો કારણ કે ફિલ્મના સૌથી બહેતરીન રોલ (રેખા અને અમિતાભ) સિવાયના નીરસ લોકોને મેં છેલ્લે જીવતા રાખ્યા (વિનોદ ખન્ના અને રાખી). રેખામાં એક સ્પાર્ક હતો, જે દેખાડવા તેને તેવો રોલ મળવો આવશ્યક હતો. રેખા ઝોહરાબાઈનો કિરદાર જીવી ગઈ.’

‘મુકદ્દર કા સિકંદર’ પછી રેખા અને અમિતાભના પ્રેમસંબંધની અફવાઓ મેગેઝીનોના અંદરના પૃષ્ઠોથી કવર સુધી પહોંચી. રેખાએ એક ઈન્ટરવ્યુમાં કહેલુંઃ ‘મુકદ્દર કા સિકંદર’ ફિલ્મના પ્રિમિયર વખતે જયા અને અમિતાભ સાથે બેઠા હતા અને રેખા તે બંનેથી દૂર. પણ ફિલ્મમાં રેખા-અમિતાભના પ્રેમના સીન આવતાં ત્યારે જયાના આંખમાંથી આંસુની ધાર વહેતી હતી. આ એ જ ફિલ્મ હતી જેના પછી જયાએ અમિતાભને કહેલું કે રેખા સાથે એક પણ નવી ફિલ્મ કરવી નહીં. પણ જે ફિલ્મો હાથમાં લીધેલી તે પૂરી કરવી આવશ્યક હતી.

1979માં અમિતાભ સાથે રેખાએ બે ફિલ્મો કરીઃ ‘મિસ્ટર નટવરલાલ’ અને ‘સુહાગ’. બંને ફિલ્મો સુપરહીટ અને અમિતાભ અને રેખા બંનેના પ્રેમસંબંધ વિશે વધુ ગણગણાટ શરૂ. જે રીતે ‘મુકદ્દર કા સિકંદર’માં ‘सलाम-ए-ईश्क मेरी जान…’  ગીત બંનેના પ્રેમસંબંધનું સમાનાર્થી બનેલું તે જ રીતે ‘મિસ્ટર નટવરલાલ’માં ‘परदेसीया….ये सच है पिया…सब कहेते है तुने, मेरा दिल ले लिया…’ ગીત પ્રસિદ્ધ થયું. આ ગીત તો જેમ કે રેખા અને અમિતાભ બંને પોતાના પ્રેમનો સ્વીકાર કરતા હોય.

***

ધર્મેન્દ્ર સાથે 1973માં રેખાએ ‘કીમત’ ફિલ્મમાં એક બોલ્ડ રોમેન્ટિક ગીત કરેલું. એ પછી રેખાએ 1979માં ધર્મેન્દ્ર સાથે ત્રણ ફિલ્મો કરીઃ ‘અહિંસા’, ‘જાની દુશ્મન’ અને ‘કર્તવ્ય’. કર્તવ્યમાં ફરી પાછું ‘दूरी ना रहे कोई…’ નામનું હોટ અને બોલ્ડ ગીત કર્યું. આથી ફિલ્મજગત અને મેગેઝીન રેખા અને ધર્મેન્દ્ર વિશે અફવાઓ ફેલાવા લાગ્યું. ફિલ્મ જગતનો દંભ ત્યારે છતો થયો જ્યારે કોઈ પણ પ્રકારના અફેર માટે ફક્ત રેખાને જવાબદાર ગણવામાં આવતી, સામેવાળા પુરુષને નહીં. જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, સુનિલ દત્ત અને અમિતાભ – દરેક કેસમાં રેખા પર એવો આરોપ હતો કે તેણી પરિણીત પુરુષોનો ભોગ લેવા હંમેશા તત્પર રહેતી. 1976માં નરગીસ દત્તે કહેલુંઃ ‘દરેક પુરુષને એક એવી આઝાદી રેખામાં દેખાય છે જેમાં રેખા બધાં માટે ‘ઉપલબ્ધ’ હોય તેવું જણાઈ આવે. રેખા એક કામણગારી સ્ત્રી છે પણ સાથે જ તે માનસિક રીતે પરિપક્વ નથી. રેખાને એક સ્ટ્રોંગ પુરુષની જરૂર છે.’ એક વાર એવા પણ સમાચાર હતા કે ડિમ્પલ કાપડિયાએ રેખાને કહેલું કે મારા પતિથી તો તું દૂર જ રહેજે!

1980 અને 1981માં રેખાએ ફિલ્મોમાં પોતાની જાન લગાવી દીધી. ‘ખૂબસૂરત’ ફિલ્મમાં રેખાએ પોતાની કોમેડીથી લોકોને અલગ રૂપના દર્શન કરાવ્યા. અને પછી જીતેન્દ્ર સાથે ત્રણ ફિલ્મો લગાતાર સુપરહીટ થઈ – ‘જુદાઈ’, ‘માંગ ભરો સજના’ અને ‘એક હી ભૂલ’. 1981માં ‘સાજન કી સહેલી’ અને ‘બસેરા’માં રેખાના અભિનયને લોકોએ પસંદ કર્યો. બસ આ જ સમય હતો રેખા બોલીવુડની ક્વીન ગણાવા લાગી. Her best time ever!

‘ખૂબસૂરત’માં રેખાએ મંજૂનો રોલ કરેલો જે પોતાની બહેન અંજૂને ત્યાં રોકાવા જાય છે પણ અંજૂની કડકમિજાજી સાસુનું ઘરમાં રાજ ચાલતું હોવાથી ત્યાં પોતાની એક બટાલિયન ઊભી કરીને બગાવત કરે છે. ફિલ્મના ત્રણ ગીત – ‘सुन सुन सुन दीदी तेरे लिये एक रिश्ता आया है…’, ‘कायदा कायदा’ અને ‘सारे नियम तोड दो, नियम पे चलना छोड दो…’ આજે પણ લોકજીભે ચઢેલા છે. આ ફિલ્મ માટે રેખાને પહેલી વાર ‘બેસ્ટ હીરોઈન’નો ફિલ્મફેર એવોર્ડ મળેલો. આ પહેલી ફિલ્મ હતી જેમાં રેખા એક જ સુપરસ્ટાર હતી, બાકી બધા કલાકાર રેખા સામે વામણા હતા.

વ્યક્તિગત જીવનમાં જેવી હૂંસાતૂંસી હોય તેવી પણ રેખાની કારકિર્દી 1970-80ના દાયકામાં ગગન ચૂમવાની તૈયારી કરતી હતી. શબાના આઝમી, સ્મિતા પાટીલ, હેમા માલીની, ઝિન્નત અમાન, પરવીન બાબી જેવી એક સે બઢકર એક હીરોઈનો પણ આ જ સમયે પોતાપોતાની ફિલ્મો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવતી રહી. રેખા પોતાની આદત મુજબ ઢગલાબંધ ફિલ્મો સાઈન કરતી હતી પણ આ દાયકામાં તેણીએ શ્રેષ્ઠ ફિલ્મો કરેલીઃ હ્રિશીકેશ મુખર્જીની ‘ખૂબસૂરત’ (1980), વિજય આનંદની ‘રામ બલરામ’ (1980), શ્યામ બેનેગલની ‘કલયુગ’ (1981), ગોવિંદ નિહલાનીની ‘વિજેતા’ (1982) અને મુઝફ્ફર અલીની ‘ઉમરાવ જાન’ (1982). એક હીરોઈન તરીકે આ રેખાનો સુવર્ણ યુગ હતો.

***

કર્મો કહો કે ઉપરવાળાની ઈચ્છા, સંજોગોએ હંમેશા રેખાને વિવાદો અને ચર્ચામાં જ ગૂંથેલી રાખી. રેખા કંટ્રોવર્સી કરતી નહીં પણ થઈ જતી. આવી જ એક કંટ્રોવર્સી થઈ રિશી કપૂર-નીતુ સિંઘના લગ્નમાં!

22 જાન્યુઆરી 1980. રેખા નીતુ સિંઘની નજીકની મિત્ર હતી અને રિશી-નીતુના લગ્નનો માહોલ હતો. રાજ કપૂરના દીકરાના લગ્ન, એટલે આખો આર.કે.સ્ટુડિયો શણગારવામાં આવેલો. ફિલ્મજગતના દરેક મોટા માથા ત્યાં હાજર હતા. તેમાં બચ્ચન પરિવાર પણ સામેલ હતું. પાર્ટી જોરશોરમાં ચાલુ હતી અને અમિતાભ મનમોહન દેસાઈ સાથે વાત કરી રહ્યો હતો અને જયા પોતાની સાસુ તેજી બચ્ચન સાથે એક ખૂણામાં બેઠી હતી.

અચાનક રેખાએ જાજરમાન સફેદ રંગની સાડી પહેરીને પાર્ટીમાં પ્રવેશ કર્યો. દરેકની નજર રેખા તરફ વળી. સૌનું ધ્યાન આકર્ષિત થયું રેખાએ કપાળ પર લગાડેલા લાલ ચાંદલા પર, સેંથામાં લગાડેલા સિંદૂર પર અને ગળામાં પહેરેલા મંગળસૂત્ર પર! રિશી-નીતુના ફોટા લેતાં ફોટોગ્રાફરો પણ રેખા તરફ ફરીને તેને આ વિવાદ ઊભો કરનારી ક્ષણના સાક્ષી બનવા તૈયાર થઈ ગયા. લોકોમાં ગણગણાટ અને બડબડાટ શરૂ થઈ ગયો. શું રેખાએ લગ્ન કરી લીધા?

અમિતાભ તે વખતે એક ફિલ્મની શૂટીંગ દરમિયાન ઘાયલ થયેલા એટલે હાથમાં પટ્ટી બાંધેલી. રેખા પોતાની મિત્ર સ્નેહલતા પાંડેને લઈને અમિતાભ પાસે પહોંચી અને ઔપચારિક વાતો કરીને બંને છૂટ્ટા પડ્યા. રેખાનું આ રૂપ જોઈને જયાની આંખમાંથી આંસૂ વહેવા લાગ્યા અને થોડી જ વારમાં રેખા પાર્ટી છોડીને જતી રહી.

વર્ષો પછી એક ઈન્ટરવ્યુમાં રેખાએ કહ્યું કે ‘હું તે દિવસે એક ફિલ્મની શૂટીંગમાંથી ડાયરેક્ટ રિશી-નીતુના લગ્નમાં આવેલી એટલે શૂટીંગનો મેક-અપ ઊતારવાનું ભૂલી ગયેલી. મંગળસૂત્ર અને સિંદૂર એ શૂટીંગનું જ હતું.’

1980 માં જ ધર્મેન્દ્ર પોતાની ગર્લફ્રેન્ડ હેમા માલિનીને પરણ્યો. ધર્મેન્દ્ર પહેલાં પ્રકાશ કૌર નામની સ્ત્રીને પરણેલો હતો અને તેને ચાર સંતાનો પણ હતા. પ્રકાશને તલાક આપ્યા વગર તો પરણવું મુશ્કેલ હતું માટે ધર્મેન્દ્ર અને હેમાએ ઈસ્લામ ધર્મ અપનાવીને નિકાહ કર્યા. રેખાને આ વાતની જાણ થઈ ત્યારે તેને થયુંઃ ‘અબ મેરા ભી રાસ્તા નીકલેગા’.

રેખા અને અમિતાભના સંબંધ વિશે છેવટે એક ઈન્ટરવ્યુમાં જયા બચ્ચને મૌન તોડ્યું: ‘આખા જગતને જે કહેવું હોય તે કહે. તેણે મને વચન આપ્યું છે, માટે તેનામાં હિંમત હોવી જોઈએ કે તે બીજા કોઈ સાથે પ્રેમમાં હોય. જો તે મારી પીઠ પાછળ કંઈક કરે, તો તે તેનો પ્રોબ્લેમ છે.’ જયા સાથે છૂટાછેડા બાબતે અમિતાભે એક ઈન્ટરવ્યુમાં કહ્યું: ‘અમારી વચ્ચે ક્યારેય છૂટાછેડા નહીં થાય. હું ભારતીય છું અને છૂટાછેડામાં માનતો જ નથી. જયાને પત્ની તરીકે પસંદ કરી ત્યારે મેં ફર્સ્ટ ક્લાસ પસંદ કરેલી.’

સંજોગો એવા થઈ રહ્યા હતા અને એક નવા ‘સિલસિલા’ની શરૂઆત થવાની તૈયારી હતી.

ક્યા જવાબ હૈ આપકા?

‘મુકદ્દર કા સિકંદર’ પછી બીજી એક ફિલ્મમાં પણ રેખાએ ગણિકાનો રોલ કરેલો જેનો હીરો અમિતાભ અને હીરોઈન રાખી હતી. આ ફિલ્મમાં રેખાનું ફક્ત એક ગીત જ હતું, પણ ફિલ્મના પોસ્ટરમાં તેણીનો ફોટો હતો (publicity stunt). તે ફિલ્મ કઈ?

જવાબ આવતાં અંકે…

इन आँखों की मस्ती के मस्ताने: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 

eછાપું 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here