इन आँखों की मस्ती के मस्ताने (8): લગ્ન, છૂટાછેડા અને આત્મહત્યા…

0
357
Photo Courtesy: bridalbox.com

અમિતાભ સાથેના સંબંધોનો અંત આવતાની સાથેજ રેખાએ એક મોટો બ્રેક લીધો, પરંતુ આ જ સમયે તેને દિલ્હીમાં રહેતો એનો સહુથી મોટો ફેન મુકેશ અગરવાલ મળ્યો જે એક મોટો બિઝનેસમેન હતો. રેખાએ પરીકથાની માફક પોતાના ફેન સાથે લગ્ન પણ કર્યા પરંતુ…

Photo Courtesy: bridalbox.com

(ગયા અંકમાં પૂછેલા પ્રશ્નનો જવાબ) ‘ઉત્સવ’માં શશી કપૂરનો રોલ અમિતાભ બચ્ચન કરવાનો હતો પણ ‘કુલી’ ફિલ્મની શૂટીંગ દરમિયાન થયેલી ઈજાને કારણે તે કરી શક્યો નહીં. ‘ઉત્સવ’ જોયા પછી અમિતાભ અને શશી એકબીજાને મળ્યા ત્યારે અમિતાભે કહ્યુંઃ તે કરેલા રોલમાં હું બીજા કોઈને વિચારી પણ ન શકું. ત્યારે શશીએ જવાબ આપ્યોઃ પણ હું કલ્પી શકું છું.

***

ઓફબીટ ફિલ્મો કર્યા પછી રેખા ફરી પાછી મિડીયાની નજરમાંથી દૂર થઈ ગઈ, ત્યારે જ તેણીના જીવનમાં એક અનોખો બનાવ બન્યો.

દિલ્હીથી દક્ષિણ તરફ જઈએ ત્યાં છત્તરપુર નામનો એક વિસ્તાર આવે (જેમાં એ જ નામથી એક મંદિર પણ છે). 1980-90ના સમયમાં આ વિસ્તારમાંથી થઈ કુતુબમિનારથી ગદાઈપુર જિલ્લામાં પ્રવેશો એટલે એક નાનકડી કેડી ખેતરોમાં લઈ જાય અને ત્યાં એક આલીશાન બંગલો/ફાર્મ હાઉસ હતું – જેમાં ચારે બાજુ લીલોતરી, પથ્થર અને કાચનું બનેલું એક સુંદર રહેઠાણ, જેનું નામ હતું ‘બસેરા’. આ ઘર હતું મુકેશ અગ્રવાલનું!

વાણિયા પરિવારમાં જન્મેલા મુકેશે 13 વર્ષની ઉંમરમાં જ શાળા છોડી દીધેલી. 1970ના દાયકામાં ‘હોટલાઈન’ નામથી વાસણોની પોતાની એક બ્રાન્ડ ખોલીને ધંધો કરવાનું શરૂ કર્યું. તે સમયે ‘હોટલાઈન’ એક મોટી બ્રાન્ડ બની અને દિલ્હીમાં મુકેશનો સિક્કો જામી ગયો. પોતાની મહેનતથી આગળ આવેલા મુકેશે આ વાતને ફેલાવી દીધી. વારે-તહેવારે દિલ્હીના મોટા માથાઓ વચ્ચે પોતાની સામાજિક પ્રતિષ્ઠા સાબિત કરવા મુકેશ ભવ્ય પાર્ટીઓનું આયોજન કરતો અને મોટા ઉદ્યોગપતિઓ, ફિલ્મમેકરો અને હીરો-હીરોઈનોને આમંત્રિત કરતો. તેને દેખાડો કરવાનો બહુ જ શોખ હતો. કોઈ મહેમાન પોતાની ઘરે આવવાનું હોય, ત્યારે તે ઘરની બહાર ઘોડા પર બેસીને મહેમાનની વાટ જોતો. તેના ફિલ્મજગતમાં મિત્રો હતા પરંતુ મુકેશની લાંબા સમયથી ઈચ્છા હતી કે તે કોઈ પણ રીતે ફિલ્મજગતનો એક ભાગ બને.

1990ના સમયમાં ગ્લેમરસ રેખા અને ફેશન ડિઝાઈનર બિના રામાણી એકબીજાની સાથે ફરતાં અને રેખાએ લગ્ન કરવા બાબતે બિનાને વાત કરેલી. એક દિવસ રેખાના ફોનની ઘંટી વાગી. સામે છેડે બિના હતી. બિનાએ રેખાને કહ્યુંઃ ‘એક મુકેશ અગ્રવાલ નામનો તારો ગાંડો ફેન છે, જે દિલ્હીનો મોટો ઉદ્યોગપતિ છે અને એક સારો માણસ છે. તેને તારી સાથે વાત કરવી છે. તારો ફોન નંબર દઉં?’

રેખાએ જવાબ આપ્યો કે ‘મારો નંબર નહીં દે પણ મને તેનો નંબર આપી રાખ’.

બસ, આ એક ફોન રેખાનું જીવન બદલવાનો હતો. મુકેશ અને રેખા બેયનું જીવન લગભગ એકસરખું હતું. સાચો પ્રેમ મેળવવાની ઈચ્છા તેમની વર્ષોથી અધૂરી રહેલી હતી. થોડા દિવસો પછી રેખાએ મુકેશને ફોન કર્યો. ઔપચારિક વાતો થઈ, પણ મુકેશ રેખાનો અવાજ સાંભળીને ઘેલો થઈ ગયો. જે હીરોઈનની પાછળ લાખો-કરોડો ફૅન્સ હોય, તે હીરોઈને મુકેશને સામેથી ફોન કર્યો, એ વાત જ માનવામાં આવતી નહોતી.

હવે, એકમેકને ફોન કરવાનો નવો અધ્યાય શરૂ થયો. લગભગ એક મહિનામાં જ રેખા અને મુકેશ બોમ્બેમાં પહેલી વાર મળ્યા. બોલીવુડની આંખો અંજાઈ જાય તેવા ઝગમગાટથી રેખા કંટાળી ગયેલી, ત્યારે મુકેશ જેવો સાદો, સુશિલ અને પ્રામાણિક પુરુષ તેણીને ગોઠી ગયો. સામે પક્ષે મુકેશ પણ રેખાને રીઝવવાના દરેક નુસ્ખા કરતો. તેણે રેખાને પોતાના ઘરે બોલાવી અને રેખા છત્તરપુરમાં આવેલા મુકેશના મહેલ ‘બસેરા’માં પહોંચી.

મુકેશની બોમ્બેમાં એક મૈત્રીણ હતીઃ દિપ્તી નવલ. રેખા સાથેની મુલાકાતો પછી મુકેશ દિપ્તી સાથે ફક્ત રેખા વિશે જ વાતો કરતો. રેખા મુકેશના મનમાં ઘર કરી ગઈ. બંનેને પોતાના ભૂતકાળ અને ભવિષ્યની કોઈ ચિંતા નહોતી. બંને વર્તમાનને જીવવા માંગતા હતા.

4 માર્ચ 1990, રવિવારના રોજ રેખાના ઘરે જઈને મુકેશે પ્રપોઝ કર્યું. રેખાએ તરત જ હા પાડી. મુકેશની ખુશીઓનો પાર ન રહ્યો અને રેખા સામે તરત જ પરણવાનો પ્રસ્તાવ મૂક્યો. તે જ દિવસે રાત્રે રેખા અને મુકેશ પરણી ગયા. બંને પહેલાં તો જૂહુના ઈસ્કોન મંદિરે ગયા, પણ ત્યાં લોકોની ગીરદી હતી. તેની સામે એક મુક્તેશ્વર દેવાલય હતું. મંદિરના પૂજારી મંદિર બંધ કરીને સૂતાં હતાં ત્યારે રેખા અને મુકેશે તેમને જગાડ્યા. કોઈ પ્રકારની પૂર્વસૂચના વગર આ રીતે રેખાને જોઈ પૂજારી ડઘાઈ ગયા. લગભગ રાત્રે સાડા દસ વાગ્યે લગ્નના મંત્રોચ્ચાર કરાવ્યા. એકમેકને હાર પહેરાવીને 31-વર્ષીય મુકેશ અને 35-વર્ષીય રેખા પરણી ગયા. બંનેના પરિવારો તેમની સાથે ન હતા છતાં ‘રેખા ગણેશન’ મટીને ‘રેખા અગ્રવાલ’ બનવામાં સફળ રહી.

લગ્ન પછી રેખા અને મુકેશ બોમ્બેમાં જ કેટલાક ફિલ્મસિતારાઓને મળ્યા. હેમા માલિની છેલ્લાં 10 વર્ષથી રેખાની મૈત્રીણ હતી. મુકેશ અને રેખા હેમાના ઘરે ગયા જ્યાં ધર્મેન્દ્ર પણ હાજર હતો. પછી દિપ્તી નવલને ફોન કરીને રેખાએ સમાચાર આપ્યાં. લગભગ 24 કલાકમાં જ રેખા અને મુકેશ લંડનમાં પોતાનું હનીમૂન મનાવવા નીકળી પડ્યા.

લંડનમાં એક અઠવાડિયું ખૂબ જ સુંદર રહ્યું પણ પછી રેખાને ભાન થયું કે મુકેશ અને રેખા બંનેનો સ્વભાવ, પસંદ અને પ્રકૃતિ અલગ છે. આ પહેલાં બંનેએ ક્યારેય આટલો બધો સમય સાથે ગાળ્યો જ નહોતો એટલે એકમેકને જાણવાથી વંચિત હતા. રેખાએ તે પણ જોયું કે મુકેશ દિવસની 4-5 ગોળીઓ પણ ખાતો, પણ શેની એ ખબર નહીં. બેએક અઠવાડિયામાં જ રેખાને લાગ્યું કે મુકેશને કોઈ વિચાર કે વસ્તુ અંદરથી ડંખી રહી છે પણ કહી નથી શકતો. છેવટે એક દિવસ મુકેશે રેખાની આંખોમાં આંખો મેળવીને કહ્યુંઃ મારા જીવનમાં પણ એક એબી (AB) છે.

રેખા માથે તો જાણે આભ ફાટ્યું. રેખાના જીવનનો AB તો દરેકને ખબર હતી પણ મુકેશના જીવનમાં પણ AB? મુકેશના ABનું આખું નામ – શ્રીમતી આકાશ બજાજ! મુકેશની મનોચિકિત્સક (સાયકોથેરેપિસ્ટ)! આકાશ છેલ્લાં દસ વર્ષથી મુકેશની સારવાર કરી રહી હતી અને મુકેશ સાથે તેના અંગત અને ઘનિષ્ટ સંબંધો પણ હતા. મુકેશ ડીપ્રેશનનો દીર્ઘકાલીન દર્દી હતો. ખરેખર ડીપ્રેશન તેના પરિવાર અને પૂર્વજોથી ચાલુ હતું. મુકેશની બહેન અને કાકા પણ ડીપ્રેશનના રોગી હતા, પણ મુકેશનો કેસ વધુ વણસેલો હતો. ડીપ્રેશનમાંથી મુકેશને બહાર કાઢવામાં આકાશનો મોટો ફાળો હતો.

મુકેશની સ્થિતિ ત્યારે બગડી જ્યારે 1981-82માં મુકેશ અને કિટ્ટી મલકાન નામની એક સ્ત્રીનું અફેર હતું. મુકેશ કિટ્ટીના પ્રેમમાં પાગલ હતો પણ છેલ્લી ઘડીએ કિટ્ટીએ મુકેશને છોડી ફિલ્મોની વાટ પકડી. મુકેશે તે વખતે આત્મહત્યા કરવાની કોશિશ કરી. આકાશ તે સમયે એક નર્સિંગ હોમમાં કામ કરતી હતી જ્યાં મુકેશ પોતાના ઈલાજ માટે આવતો. આકાશે છૂટાછેડા લીધેલા અને બે દીકરીઓ હતી. મુકેશ અને આકાશ એકમેકની નજીક આવ્યા. બંનેનો સંબંધ આગળ વધ્યો અને એક હેપ્પી ફેમિલીની જેમ ચારેય રહેવા લાગ્યા.

નવેક વર્ષ સાથે રહેતા છતાં રેખાને પ્રપોઝ કરતાં પહેલાં મુકેશે આકાશ વિશે જરા પણ ન વિચાર્યું. આકાશ પણ મુકેશ-રેખાના લગ્નના સમાચારથી આશ્ચર્યચકિત થઈ ગઈ. બોમ્બે આવ્યા પછી રેખા અને મુકેશે એક નાની પાર્ટીનું અયોજન કર્યું. રેખાએ મુકેશ અને તેના વિશેના વિચારોને નેવે મૂકીને આગળ વધવાનું વિચાર્યું. ફિલ્મ મેગેઝીનોના ઈન્ટરવ્યુમાં રેખા મુકેશના વખાણ કરતાં થાકતી નહીં. લોકોને એમ કે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.

15 એપ્રિલ 1990ના રોજ મુકેશ અને રેખાએ તિરુપતિ મંદિરમાં ફરીથી ધૂમધામથી લગ્ન કર્યાં. ત્યાં પુષ્પાવલ્લી અને જેમિની ગણેશન પણ હાજર હતાં. રેખાને આ એક સુખદ સફરની શરૂઆત લાગી. મુકેશ અને રેખા તે સમયે સૌથી વધુ ચર્ચાયેલું કપલ હતા. રેખાને અંદરથી એક શાંતિ અનુભવાતી કારણ કે રેખા હવે ‘મિસીસ અગ્રવાલ’ના નામથી ઓળખાતી. રેખા દર અઠવાડિયે શનિવાર-રવિવારે બોમ્બેની ફિલ્મી ગીરદીથી દૂર ‘બસેરા’માં જતી, મુકેશ અને તેના પરિવાર સાથે રહેતી, She enjoyed her life to the fullest!

***

થોડા મહિનાઓ બાદ આ કાળક્રમમાં ફેરફાર થતો ગયો. રેખા દિલ્હી આવતી ત્યારે મુકેશ મોટી પાર્ટીઓનું આયોજન કરતો. રેખાને તે પાર્ટીમાં નછૂટકે જવું પડતું. જે ગ્લેમર અને ઘોંઘાટની દુનિયાથી રેખા દૂર જવા દિલ્હી આવતી તે જ દુનિયા અહીં પણ ઊભી થઈ. મુકેશ આવી પાર્ટીઓમાં રેખાને એક ‘ટ્રોફી’ તરીકે વાપરતો. આટલી સુંદર બોલીવુડ ડિવા મારી પત્ની છે, એવું તે હંમેશા લોકોને દેખાડતો.

જે વર્ષે રેખા અને મુકેશના લગ્ન થયેલા તે વર્ષે જગતભરમાં એક મંદીનું મોજું ફરી વળેલું. મંદીના કારણે મુકેશને પણ પોતાના ધંધામાં મોટી ખોટ ગઈ. મુકેશે રેખાને આ બાબતે કંઈ કીધું નહીં. રેખાને જ્યારે ખબર પડી, બંને વચ્ચેના સંબંધોમાં તિરાડો પડવા લાગી. મુકેશ માટે ધંધામાં ઉથલપાથલ સાધારણ ગણાતી પણ રેખાને આ વાત ખટકી. મુકેશને મદદ કરવાના ઈરાદાથી રેખાએ વધુ જાણવાની કોશિશ કરી પણ મુકેશ આ બાબતે મગનું નામ મરી પાડે નહીં. દરમિયાન મુકેશનું ડીપ્રેશન ચાલુ જ હતું. તે ઘણી વાર પોતાના મિત્રોને ફોન કરીને આત્મહત્યા કરવાની વાત કરતો. બિલ્ડીંગ પરથી કૂદી જઈશ કે ટ્રેનના પાટા પર સૂઈ જઈશ કે ઝેર પી લઈશ – આવી બાબતો તેને એકદમ સાધારણ લાગતી.

ધીમે ધીમે રેખાનું દિલ્હી અને ‘બસેરા’માં આવવાનું ઓછું થવા લાગ્યું. મુકેશે રેખાને ફિલ્મો છોડવાનું કહ્યું પણ રેખાએ જવાબ આપ્યોઃ ‘હું જ્યારે ગર્ભવતી થઈશ, ત્યારે જ ફિલ્મોની દુનિયા છોડીશ.’ મુકેશને રેખાનું બોમ્બેમાં રહેવું ખટકવા લાગ્યું. પોતે રેખા સાથે વધુ સમય ફાળવવા, હવે મુકેશ બોમ્બેમાં રહેવા લાગ્યો. એક પરિપક્વ ઉદ્યોગપતિ બોમ્બેમાં રેખાની શૂટીંગના સેટ પર એક લવરમૂછિયા ફેનની જેમ સમય પસાર કરવા લાગ્યો. તેને પોતાના ધંધાની પડી નહોતી. લોકો રેખાને પૂછતાંઃ ‘શું આની સાથે તે લગ્ન કર્યા છે?’ મુકેશનો વ્યવહાર રેખા માટે શરમ અને મૂંઝવણ બનવા લાગ્યો, પણ મુકેશને આ વાતનું ધ્યાન ન રહ્યું.

પોતાના ધંધાને વધારવા રેખાનું સ્ટારડમ મુકેશને હાથવગુ લાગ્યું. મુકેશ પોતાના ધંધા માટે રેખાને વાપરવા લાગ્યો. ઘણી વાર રાજીવ ગાંધીના ઘરે લઈ જવા રેખાને આજીજી કરતો. મુકેશને ગ્વાલિયરમાં એક ફેક્ટરી સ્થાપિત કરવી હતી. એક વાર ગ્વાલિયરમાં માધવરાવ સિંધિયાએ આયોજીત કરેલી એક ક્રિકેટમેચમાં પણ તે રેખાને લઈ જવા માંગતો હતો, પણ રેખાએ ના પાડી. રેખાને મુકેશનો આ વ્યવહાર હવે એક બાધારૂપ લાગવા લાગ્યો. બંનેના અહમ અને વિસંગત સ્વભાવ એકમેકને ખટકવા લાગ્યો.

રેખાને થયું કે શું આ જ લગ્નજીવન કહેવાય? જે લગ્નજીવનની કલ્પના તેણીએ કરેલી તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં તે જીવી રહી હતી. દિલ્હી આવવાનું તો બંધ કરેલું પણ હવે તે મુકેશ અને તેના પરિવારના ફોન સુધ્દા ઉપાડતી નહોતી. મુકેશને રેખાનો આવો વ્યવ્હાર અચંબિત કરી ગયો. રેખા સાથે બધી તરફથી સંપર્કવિહોણા થયા બાદ મુકેશે મિડીયા સાથે વાતો કરવાનું શરૂ કર્યું. મેગેઝીનોમાં લેખો છપાયા, જેના શીર્ષકો હતાઃ Rekha exposed અને The shocking past of Rekha’s husband.

મુકેશને એમ કે મિડીયાથી ડરીને રેખા તેની પાસે પાછી આવી જશે પણ રેખા મિડીયાની જૂની ખેલાડી હતી. તેણી મુકેશથી વધુ ને વધુ દૂર રહેવા લાગી. મુકેશ પરનો વિશ્વાસ હવે ટોટલી ભૂંસાઈ ગયો. મુકેશ રેખાને કરગરવા લાગ્યો. ફોન કરીને તેણી માટે મુકેશ રડતો પણ રેખા ફોન પર ન જ આવતી. રેખાને જોવા હોટેલોમાં અને તેની બિલ્ડીંગના ચક્કર કાપવા લાગ્યો પણ રેખા ટસથી મસ ન થઈ.

એક વાર મુકેશ રેખાના ઘરે જઈને તેની સેક્રેટરી ફરઝાનાને મળ્યો. રેખા પોતાના જીવનના દરેક કામ ફરઝાનાને પૂછીને કરે છે એ વાતની મુકેશને જાણ હતી. માટે તે ફરઝાનાને પણ આજીજી કરવા લાગ્યો. રેખા તે વખતે ઘરે નહોતી પણ ફરઝાનાને કરગરીને રેખાને મળવાની કોશિશ કરી. ત્યારે અચાનક રેખા ઘરે આવી અને ઘરના ગેટ પાસે જ મુકેશને જોઈ પોતાની કારને પાછી વાળી લીધી. મુકેશ ધોધમાર વરસાદમાં રેખાની કારની પાછળ દોડ્યો પણ રેખાની કાર ઊભી રહી નહીં. મુકેશ રડતો, બરાડા પાડતો રસ્તા પર ઘૂંટણભેર બેસી ગયો – પણ રેખા કે ફરઝાના તરફથી કોઈ જ પ્રકારનો પ્રતિભાવ જોવા ન મળ્યો.

ઓગસ્ટ 1990માં મુકેશે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી. મિડીયામાં આ સમાચાર ફેલાયા અને Startdust મેગેઝીને લખ્યુંઃ How Rekha drove Mukesh to Attempt Suicide. મુકેશનું ડીપ્રેશન દિવસે ને દિવસે વધતું જતું હતું. Enough is enough! આવા વર્તનથી બોમ્બેમાં રેખાએ છૂટાછેડા માટે અરજી શરૂ કરી. કંટાળીને રેખાએ મુકેશને ફોન કરીને કહ્યુંઃ આપણા લગ્ન ટકી નથી રહ્યાં તો હું શું કરું? તારા ખોટા ડોળ અને બહાના નીચે હું રહી શકું તેમ નથી. જે સંબંધનું કોઈ ભવિષ્ય નથી તેને લંબાવીને શું ફાયદો? છેવટે, 10 સપ્ટેમ્બર 1990 ના રોજ રેખા અને મુકેશે ફોન પર પરસ્પર રીતે નક્કી કર્યું કે બંનેએ છૂટાછેડા લઈ લેવા જોઈએ.

***

રેખાએ આ દરમિયાન ફક્ત એક જ ફિલ્મ રિલીઝ કરેલી (‘આઝાદ દેશ કે ગુલામ’) અને બીજી બે ફિલ્મોનું શૂટીંગ ચાલુ હતું (‘યે આગ કબ બુઝેગી?’ અને ‘શેષનાગ’). એ જ સમયે તેણીએ હજી એક ફિલ્મ કરી જેનું નામ હતું – ‘મેરા પતિ સિર્ફ મેરા હૈ!’

26 સપ્ટેમ્બરે રેખા પોતાના એક શો માટે અમેરિકા ગઈ, ત્યાં તેનો બેએક અઠવાડિયાનો પ્રોગ્રામ હતો. 2 ઓક્ટોબર 1990 ના દિવસે મુકેશ સવારે વહેલો ઊઠ્યો, નાસ્તો પતાવીને આકાશ બજાજને મળવા ગયો, પોતાના ફાર્મહાઉસ ‘બસેરા’ ગયો અને ઘરે આવીને પોતાના રસોઈયાને પોતાની મનપસંદ વાનગીઓ બનાવવાનું કહ્યું. નોકરોને એ પણ કહ્યું કે હું મારી રૂમમાં સૂતો છું. જમવાનું તૈયાર ન થાય ત્યાં સુધી મને ઊઠાડતા નહીં. રૂમમાં ગયો અને રેખાનો એક દુપટ્ટો લઈને પંખાને બાંધી દીધો. દુપટ્ટાનો બીજો છેડો પોતાના ગળે બાંધ્યો અને મુકેશે આત્મહત્યા કરી લીધી.

રેખાને ન્યુયોર્કમાં સમાચાર મળ્યા અને તેણીએ મુકેશના ભાભીને ફોન કરીને સાંત્વના આપી. પરંતુ રેખા મુકેશના અંતિમ સંસ્કાર કે એવી કોઈ વિધિમાં હાજર રહી નહીં. દિલ્હીની હાઈ-સોસાયટી અને બોમ્બેનું ફિલ્મ જગત પણ એવું માનવા લાગ્યું કે રેખાએ જ મુકેશ અગ્રવાલનું મર્ડર કર્યું છે. Showtime અને Cine Blitz બંનેએ પોતાના નવેમ્બર 1990ના અંકમાં રેખા-મુકેશની સ્ટોરી છાપી. ‘The Black Widow’, ‘The Macabre Truth Behind Mukesh’s Suicide’ જેવા શીર્ષક મેગેઝીનોમાં છપાવા લાગ્યા.

આ કિસ્સો બન્યો ત્યારે રેખાની ફિલ્મ ‘શેષનાગ’ રિલીઝ થયેલી. તે વખતે શ્રીદેવીની ‘નગીના’ ફિલ્મ સુપરડુપર હીટ રહેલી એટલે રેખાએ પોતાની ફિલ્મ ‘શેષનાગ’ માટે જાન લગાવી દીધી. ફિલ્મનું બજેટ પણ મોટું હતું – રિશી કપૂર, અનુપમ ખેર, માધવી અને જીતેન્દ્ર જેવા મોટા કલાકારો અને રેખા જેવી ડિવા આ ફિલ્મમાં હતી. મુકેશની આત્મહત્યાને કારણે રેખાને આ ફિલ્મ પછી લોકો તેણીને ઈચ્છાધારી નાગણ તરીકે જોવા લાગ્યા. રેખા રાષ્ટ્રીય ચૂડેલ બની ગઈ. મુકેશનો ભાઈ, ભાભી, માતા બધાં જ રેખાની વિરુદ્ધ ગયા અને રેખાને દરેક જગ્યાએથી ધિક્કારવામાં આવી. એ સમયે રેખા પાસે કોઈ મોટી ફિલ્મ પણ ન હતી. વ્યક્તિગત રીતે અને વ્યાવસાયિક રીતે રેખાને ભારતીય સમાજ માટે એક અસ્વીકાર્ય સ્ત્રી તરીકે ચીતરવામાં આવી.

1989માં ‘ખૂન ભરી માંગ’ની સફળતા પછી રેખાએ ધર્મેન્દ્ર સાથે ‘કસમ સુહાગ કી’ ફિલ્મ કરી. પછી મનોજ કુમાર સાથે ‘ક્લર્ક’ અને સાવન કુમાર સાથે ‘સૌતન કી બેટી’, શોલેના નિર્દેશક રમેશ સિપ્પીની ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’, પરંતુ એક પણ ફિલ્મ રેખાને ફળી નહીં. એ વખતે રેખાની લગોલગ નવી હીરોઈનોની બટાલિયન પણ બની રહી હતી – શ્રીદેવી, મિનાક્ષી શેશાદ્રી, જૂહી ચાવલા જેવી યુવા હીરોઈનો ફિલ્મોમાં આવી ગઈ હતી.

ન્યુયોર્કમાં રેખાને મુકેશના મૃત્યુના સમાચાર મળ્યા પછી રેખા લોકોની નજરમાંથી લગભગ દૂર જ થઈ ગઈ. સમજો કે અન્ડરગ્રાઉન્ડ! કોઈ સમાચાર નહીં. છેવટે ડિસેમ્બર 1990માં Filmfare મેગેઝીનમાં રેખાએ પોતાની આપવીતી ઠાલવી – I didn’t kill Mukesh! જેમાં લખેલું કે રેખા અને મુકેશને લંડનમાં જ સમજાઈ ગયેલું કે બંને એકબીજાથી એકદમ વિપરીત છે. ‘ડિવોર્સ પેપર પર મુકેશની સહી હતી, એનો અર્થ થાય કે મુકેશને પણ આ લગ્નમાં ફાવતું નહોતું. બંનેએ પરસ્પર વાત કરીને પછી જ છૂટાછેડાનો નિર્ણય લીધેલો. એવું કહેવાય છે કે મુકેશે રેખાના દુપટ્ટાને પોતાના ગળે બાંધીને આત્મહત્યા કરેલી? મિડીયાને કેવી રીતે ખબર કે તે મારો જ દુપટ્ટો હતો? દુપટ્ટા પર રેખાનું નામ લખેલું?’

બે મહિના અન્ડરગ્રાઉન્ડ થયાં પછી રેખાએ નિર્માતા નિર્દેશક સુલતાન અહેમદની પાર્ટીમાં પહેલી વાર લોકોની સામે આવી. રેખાએ દરેકની સામે હસીને જોયું અને લોકોએ પણ રેખાને સ્વીકારી લીધી.

મુકેશની આત્મહત્યાના થોડાં દિવસો પહેલાં રેખાએ કે.સી. બોકાડીયાની ફિલ્મ ‘ભારત કી નારી’ સાઈન કરેલી, પણ આ કલંકને કારણે તેમને થયું કે રેખા માટે કદાચ આ શીર્ષક કામ નહીં કરે. રેખાએ આ ફિલ્મ છોડવાનું નક્કી કર્યું પણ બોકાડીયાએ રેખાને ફિલ્મ કરવાની સલાહ આપી. રેખા પહેલા દિવસે જ્યારે શૂટીંગ પર ગઈ ત્યારે લોકોના ટોળેટોળા તેને જોવા આવેલા. રેખાએ પોતાની કારની બારીનો કાચ નીચે કર્યો ત્યાં તો ‘રેખા….રેખા…’ના નારાઓથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું. આ બનાવને ખૂબ જ હકારાત્મક રીતે જોવામાં આવ્યો. ફિલ્મમાં રેખાએ ઘણી મહેનત કરી. ફિલ્મના વિલન પ્રેમ ચોપડાએ એવું નિવેદન પણ આપ્યું કે આ ફિલ્મ ફક્ત અને ફક્ત રેખાના ખભે ઊભેલી છે. તેણીએ આ ફિલ્મ માટે જાન લગાવી દીધી છે.

ક્યા જવાબ હૈ આપકા?

‘ભારત કી નારી’ ફિલ્મનું નામ બોકાડીયાએ બદલીને પછી ફિલ્મ રિલીઝ કરી. આ ફિલ્મ રેખા માટે સુપરડુપર હીટ ફિલ્મ પૂરવાર થઈ. તે ફિલ્મનું નવું નામ શું?

જવાબ આવતાં અંકે…

eછાપું 

इन आँखों की मस्ती के मस्ताने: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here