કમાઠીપુરાની કુળદેવી ગંગુબાઈ કાઠિયાવાડી

0
651
Photo Courtesy: twitter.com/aliaa08

ગયા અઠવાડિયે આલિયા ભટ્ટ અભિનીત ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ વિષે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ ખરેખર આ ફિલ્મ છે શું અને ગંગુબાઈ કાઠિયાવાડી કોણ હતી એ કોઈને ખબર નથી. ચાલો આપણે જાણીએ.

સમી સાંજ ઢળીને રાત ખીલવાની તૈયારી હતી. બોમ્બેના કમાઠીપુરાની એક બંધ ઓરડીમાં લાલ રંગના ઝીરો બલ્બનો ઝીણો ઝીણો પ્રકાશ ફેલાયેલો હતો. લગ્નની પહેલી રાત્રે શોભે તેવી લાલ ઘરચોળા જેવી સાડી પહેરાવીને તેને ગુલાબની પાંખડીઓથી સજાવેલા પલંગ પર બેસાડવામાં આવેલી. સૂનમૂન બેસેલી એ છોકરીના હોઠ રક્તને પાછળ મૂકી દે એવા ઘેરા લાલ રંગની લિપસ્ટીકથી રંગાયેલા હતા. નાકમાં એક મોટી નથણી પહેરાવેલી, જેનાથી તેણીનો ચહેરો વધુ સુંદર દેખાતો હતો. એ જ ઓરડીના એક ખૂણામાં જૂના ગ્રામોફોનમાં એક જ ગીત વારંવાર (લૂપમાં) વાગતું હતું.

છોકરીનું નામ મધુ. મધુને આ બધું જોઈને એક સુહાગરાત જેવું લાગતું હતું અને અચાનક…ઓરડીનો દરવાજો પટકાયો. આ રીતે એકાએક દરવાજો ખૂલવાથી મધુ હેબતાઈ ગઈ. માથુ ઊંચું કરીને જોતું તો જગ્ગન શેઠ હતો. જગ્ગનની આંખો ઘેરી લાલ હતી, દસ-બાર બાટલી દેશીદારૂ ઢીંચીને આવ્યો હતો એટલે તેને બે પગે ઊભા રહેવામાં પણ તકલીફ થતી હતી.

લથડાતા પગે મધુ પાસે આવ્યો અને મધુને ઉપરથી નીચે સુધી નીરખી. જગ્ગન શેઠને ખુશી એ વાતની હતી કે આખા કમાઠીપુરામાં આ કોમળ કાયાને માણનાર તે પોતે જ પહેલો પુરુષ હતો. 16 વર્ષની મધુની તે દિવસે ‘નથ ઉતારવા’ની વિધિ હતી એટલે કે ગણિકા બન્યા પછી તેનું કૌમાર્ય ભંગ કરવાનો આ પહેલો વહેલો પ્રસંગ (!) હતો. લગ્નની પહેલી રાત્રે કોઈ પતિ પોતાની પત્નીને પ્રેમ કરતાં કરતાં તેણીના ઘરેણાં ઉતારે ત્યારે નાકની નથણી ઉતારવાની ક્રિયા પરથી જ ‘નથ ઉતારવી’ એ રૂઢિપ્રયોગ આવ્યો હશે. ગણિકાઓમાં તેમની આ ધંધામાં શરૂઆત થાય તેનો સંકેત હતો.

આંખોથી તો તેણે મધુને નગ્ન કરી જ દીધેલી પણ હવે તેણીની લાલ સાડી ઉતારવા જગ્ગન આગળ વધ્યો. જેવો જગ્ગને મધુને હાથ લગાડ્યો એક લખલખું મધુના તનબદન માંથી પસાર થયું. અંદરથી તેણીનું રુદન હોઠે આવવાનું જ હતું પણ રશ્મિ મેડમે ના પાડેલી એટલે અંદર જ ઘૂંટાઈ રહી. ‘જો તું રડીશ તો તે માણસ તને મારી નાખશે. તે જેમ કહે તેમ જ કરજે’ – આવી ધમકી રશ્મિએ આપેલી. રશ્મિ મેડમને ત્રણ અઠવાડિયા પહેલાં જ શ્રવણ નામનો યુવાન મળેલો અને દાદર વિસ્તારના કોઈ લોજમાંથી મધુનું અપહરણ કરાવીને આ બધી મહાભારત ઊભી કરેલી. મધુને શ્રવણે પૂરાં એક હજાર રૂપિયામાં વેંચેલી.

પોતે કંઈ સમજે તે પહેલાં જ જગ્ગન શેઠે મધુને કપડાવિહીન કરવાની શરૂઆત કરી. પોતે પોતાના મેલા કપડાં કાઢીને જગ્ગન પલંગ પર મધુની બાજુમાં બેઠેલો. એક અતિશય તીવ્ર વાસ જગ્ગનના શરીરમાંથી આવતી હતી – કદાચ પાન, બીડી, તમાકુ અને દેશી દારુનું ‘સંગમ’ હશે! મધુને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી એટલે તરત જ તેણીએ મોઢું ફેરવી લીધું. બીજી જ ક્ષણે જગ્ગને મધુનો હાથ પકડ્યો અને બોલ્યો – મારી સામે જો જાનેમન…

મધુએ કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. ગુસ્સાયેલ જગ્ગને મધુની બોચી પકડીને તેણીનું મોઢું પોતાની તરફ કર્યું. મધુને જગ્ગનની નગ્ન કાયા જોવા માટે બળજબરી કરવામાં આવી. જગ્ગન એક કદરૂપો, મોટી ફાંદ વાળો શેઠ હતો. તેને જોઈને મધુ માથુ નીચે કરી ગઈ. જગ્ગને તરત જ મધુને ધક્કો મારીને પલંગ પર સૂવડાવી દીધી અને તેણીની માથે ચડી ગયો. મધુ પાસેથી કોઈ પ્રત્યુત્તર માંગતો હોય તેમ જગ્ગને પોતાની બે આંગળી મધુની જાંઘો વચ્ચે નાખી.

મધુને જોરદાર આઘાત લાગ્યો, આવું તેણીએ કદી પણ અનુભવ્યું નહોતું. મનમાં ને મનમાં આ જંગલી વર્તન બંધ થાય તેની રાહ જોતી મધુ પ્રાર્થનાઓ કરતી હતી. પણ મધુને ખબર નહોતી કે આ તો હજી જગ્ગનના હૈવાનિયતની શરૂઆત હતી. થોડી જ મિનિટોમાં મધુના બધાં જ કપડાં ઊતારી દેવાયા.

16 વર્ષની કોમળ કન્યાએ ઘણું બળ લગાડ્યું પણ તે હિંસક અને બળવાન શેઠ સામે તેણીની તાકાત ઓછી પડી. આંખોમાંથી આંસુઓની ધારા વહેતી હતી. જેટલું જોર લગાડીને મધુ જગ્ગન શેઠને ધક્કો મારવાનો પ્રયત્ન કરતી, તેટલા જ બળથી જગ્ગન વધુ ઉપર ચડતો. જાનવરની જેમ ચૂંથતો.

સાતેક વાર બળાત્કાર થયો પછી મધુએ પોતાની બધી જ તાકાત લગાડીને જગ્ગનનું લિંગ હાથમાં લઈને જોરથી દબાવ્યું. જગ્ગન હાંફળો ફાંફળો થઈ ગયો અને મધુ ડરથી ફફડવા લાગી. ઓરડીમાં હાહાકાર મચી ગયો. આજે મધુને પહેલી વાર લાગ્યું કે આવું સહન કરવા કરતાં મોત સારી. રશ્મિ અને તેના પતિને જ્યારે ખબર પડી કે મધુએ જગ્ગન શેઠને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે બંનેએ મળીને મધુને ઢોરમાર માર્યો. મધુના વિરોધથી હેરાન રશ્મિએ મધુને કહી દીધું કે તારા પતિ શ્રવણે જ તને અહીં મૂકી છે. આ સાંભળી મધુને બેવડો આઘાત લાગ્યો અને તેનું લોહી જામી ગયું.

આ પછી મધુએ ખાવા પીવાનું છોડી દીધું. આસપાસ કોઈ ઊભું હોય તો પણ મધુને ખબર ન પડે, સાવ ખોવાયેલી રહે, સમજો કે પથ્થર! રશ્મિ મેડમે બીજા એક પુરુષને મધુ પાસે મોકલેલો પણ તે ફક્ત પાંચ જ મિનિટમાં ધૂંઆપૂંઆ થઈને બહાર આવીને મધુ માટે આપેલા રૂપિયા માંગવા લાગ્યો ત્યાર પછી રશ્મિ મેડમ કોઈને મધુ પાસે મોકલતી જ નહીં. થોડા અઠવાડિયા આમ ને આમ ચાલ્યા કર્યું પણ રશ્મિને તો આવક બંધ થઈ એટલે તેણી ગુસ્સે થઈ. બે પર્યાય હતાઃ (1) મધુને મનાવે કે તેણી ‘ગ્રાહકો’ને ખુશ રાખે (2) મધુને કમાઠીપુરામાંથી કાઢી મૂકે.

બીજો પર્યાય સહેલો હતો પણ તેમાં પોલિસનો ડર હતો. ન કરે નારાયણ ને મધુ જો ત્યાંથી છૂટીને પોલિસ સ્ટેશનમાં જાય તો રશ્મિનું આવી બને. આવા સંજોગોમાં એક જ વ્યક્તિ કામ આવી શકેઃ ગંગુબાઈ કાઠિયાવાડી!

ગંગુબાઈ કાઠિયાવાડી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી. તે તો કમાઠીપુરાની કુળદેવી સમાન સ્ત્રી હતી. કમાઠીપુરાના લગભગ બધાં જ વેશ્યાગૃહ તેણીની દેખરેખ હેઠળ હતાં અને છતાં ત્યાં ‘કામ’ કરતી સ્ત્રીઓને ગંગુબાઈ કાઠિયાવાડી માટે ખૂબ જ માન હતું. મધુની કથા સાંભળીને તરત જ ગંગુબાઈએ રશ્મિના આંગણે આવવાનું નક્કી કર્યું. આમ તો આવા કિસ્સા તેણે વર્ષોથી સાંભળેલા, પણ છતાં તેણી દરેક ‘ભોગ’ બનેલી છોકરીઓની વ્યથા સાંભળવા હંમેશા તૈયાર રહેતી.

સફેદ સાડી પહેરેલી પાંચ ફૂટ ઊંચાઈવાળી ગંગુબાઈ કાઠિયાવાડી પોતાની કાર માંથી નીચે ઊતરી અને મધુ જે ઓરડામાં હતી તે તરફ પ્રયાણ કર્યું. ગંગુબાઈને જોતાં જ ઉપર બાલ્કનીમાંથી બહાર ડોકિયા કરતી અને રસ્તા પર પોતાના ‘ગ્રાહકો’ શોધતી બધી જ ગણિકાઓ ગંગુબાઈના માનમાં સલામ કરવા લાગી. બહાર બધાને કહી રાખેલું કે મધુ અને ગંગુબાઈને કોઈ ડીસ્ટર્બ ન કરે. 100 સ્ક્વેર ફૂટની ઓરડીમાં ગંગુબાઈ માટે એક સ્પેશિયલ ખુરશી રાખવામાં આવેલી. ગંગુબાઈ મધુના ઓરડામાં ઘૂસી અને દરવાજો બંધ કર્યો. ઓરડાના એક ખૂણામાં મધુ બેસેલી હતી. ગંગુબાઈ ખુરશીને અવગણીને મધુ પાસે નીચે બેસી ગઈ.

‘શું નામ છે તારું?’, ગંગુબાઈએ પૂછ્યું.

કોઈ પ્રતિભાવ ન મળ્યો. મધુએ પોતાનું મોઢું બંને હાથ નીચે ઢાંકી રાખેલું. ગંગુબાઈએ મધુને પોતાની તરફ જોવા કહ્યું. અવિરત રડવાને કારણે મધુની આંખો લાલ થઈ ગઈ હતી. ગંગુબાઈ સ્થિતિને પારખી ગઈ. બાજુમાં એક નાના ટેબલ પર પાણીનો લોટો ભરેલો હતો. ગંગુબાઈએ લોટામાંથી પાણી લીધું અને પોતાની સાડીના પાલવનો એક ખૂણો ભીનો કર્યો. મધુના ગાલ અને આંખો લૂછ્યાં અને તરત જ મધુ ગંગુબાઈને બાથ ભીડી ગઈ, રડવા લાગી અને બોલવાનું શરૂ કર્યુંઃ

‘મહેરબાની કરીને મને ઘરે જવા દો…હું તમને વિનંતી કરુ છું…નહીં તો હું મરી જઈશ.’

ગંગુબાઈએ જવાબ દીધો – રડતા લોકો મને જરાય પસંદ નથી. તારી હાલત જો. સૌ પહેલાં રડવાનું બંધ કર અને પછી મારી સાથે વાત કર. હું અહીં તને મદદ કરવા આવી છું.

મધુએ બળજબરીથી પોતાનું રડવાનું બંધ કર્યું.

‘શું નામ છે તારું?’

‘મધુ’

‘મધુ દીકરી, તું કેમ આવું વર્તન કરે છે? કેટલા દિવસથી તે કંઈ ખાધું નથી. તારે મરી જવું છે?’

‘અહીં આ રીતે જીવવા કરતા હું મરી જાઉં તો સારું’

‘દીકરી, જો તને અહીં આવવું નહોતું તો તું અહીં પહોંચી કઈ રીતે?’ (ગંગુબાઈને રશ્મિ મેડમે મધુનો કોઈ ઈતિહાસ કહ્યો નહોતો.)

‘શ્રવણ’ – આટલું કહીને મધુ ફરી ભાંગી પડી અને રડવા લાગી. થોડી વાર પછી પાણી પીને મધુ બોલી, ‘અમે રત્નાગીરીથી અહીં બોમ્બેમાં આવેલા અને શ્રવણે મને લગ્ન કરવાનો વાયદો કરેલો. મારા માતાપિતા અમારા આ સંબંધની વિરુદ્ધ હતાં, છતાં હું અહીં આવી…..અને અહીં આવીને મને ખબર પડી કે શ્રવણે મને વેંચી મારી?’

મધુની વાત પૂરી થઈ ત્યાં તો ગંગુબાઈ કાઠિયાવાડી પોતે 16 વર્ષની હતી તે જૂના દિવસોના વિચારોમાં ખોવાઈ ગઈ…(ક્રમશઃ)

સંદર્ભઃ હુસૈન ઝૈદીનું પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here