કાઠિયાવાડની ‘ગંગા’ જ્યારે કમાઠીપુરાની ‘ગંગુ’ બની…

1
324
Photo Courtesy: twitter.com/aliaa08

ગંગુબાઈ કાઠીયાવાડીના જીવન પર એક ફિલ્મ બની રહી છે, પરંતુ આ ગંગુબાઈ કાઠીયાવાડી ખરેખર કોણ હતી? જાણીએ આ ખાસ સિરીઝ દ્વારા.

Photo Courtesy: twitter.com/aliaa08

મધુની વાત સાંભળીને યાદોનું અને વિચારોનું ઘોડાપૂર ધસી આવ્યું. ગંગુબાઈ પહોંચી ગયા – 1945ના વર્ષમાં!

16 વર્ષની ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી. ગુજરાતના કાઠિયાવાડના એક નાનકડા ગામડામાં તેનું બાળપણ વીત્યું. ઘર પરિવારમાં વકીલો અને ભણેશ્રીઓ હતા. રોયલ કાઠિયાવાડી કુટુંબો સાથે રોજનો આવરો-જાવરો હતો. ગંગાના પિતા અને ભાઈઓ શિસ્તબદ્ધ અને ભણેલા પુરુષો હતા અને એટલે જ ગંગાના ભણતર પ્રત્યે 1945ના એ જમાનામાં પણ સજાગ હતા. ગંગાને ભણાવવામાં તેઓને ખૂબ રસ હતો.

પણ ગંગા તો ગંગા હતી. તેને તો લ્હેર કરવી હતી. ફરવું હતું, રમવું હતું, એક્ટિંગ શીખવી હતી, ફિલ્મોમાં કામ કરવું હતું, ‘બોમ્બે’ જવું હતું. નિશાળમાં બીજી શ્રીમંત બહેનપણીઓ પાસેથી બોમ્બે વિશે, ત્યાંની મોટી મોટી ઈમારતો વિશે, કાર વિશે, બોમ્બેના માણસો વિશે, ફિલ્મો વિશે સાંભળેલું. તેણીને તો બસ બોમ્બે જવાની તલપ લાગેલી. આ તલપ વધુ ઘેરી બની જ્યારે ગંગાના પિતાશ્રીએ એક અઠ્યાવીસ વર્ષનો નવો હિસાબનીસ (accontant) રાખ્યો – રમણીકલાલ.

રમણીક દેખાવડો હતો અને શહેરોમાં ફરેલો હતો. ગંગાની આંખો અંજાઈ ગઈ. અધૂરામાં પૂરું ગંગાને ખબર પડી કે રમણીક થોડા વર્ષ બોમ્બે રહેલો છે. નદીના પ્રવાહને ઢાળ મળ્યો. ગંગા બહાને બહાને રમણીક સાથે વાતો કરવા આવતી – ક્યારેક ચા આપવાના બહાને તો ક્યારેક ભોજનના બહાને. ગંગાના બંગલાના એક ખૂણાની નાની ઓરડીમાં ગંગા રમણીકને બોલાવતી. રમણીકને પણ રસ જાગ્યો.

શરૂ શરૂમાં બંને ફક્ત બોમ્બેની વાતો કર્તાં, પણ પછી ગંગાના હીરોઈન બનવાના સપનાને વેગ મળ્યો. દોસ્તી પ્રેમમાં પરિવર્તીત થઈ. હવે રમણીક અને ગંગા નિશાળની બહાર અને ખેતરોમાં મળવા લાગ્યા. ગંગાને ફિલ્મોમાં રોલ અપાવવાનો વાયદો કરીને રમણીકે પૂછ્યું, ‘મારી સાથે લગ્ન કરીશ?’ ગંગાને અજંપો અને રાજીપો બંને થયા. એક વાર તેણીને એવું લાગ્યું કે આ રીતે પરિવારની વિરુદ્ધ જઈ લગ્ન કરવા એ ખોટું છે, છતાં પ્રેમ આંધળો હોય છે એ વાતની સાબિતીરૂપે ગંગાએ રમણીક સાથે છૂપી રીતે લગ્ન કરી લીધાં.

લગ્નના દિવસે જ ઘરેથી થોડાં કપડાં, નગદ અને માતાના ઘરેણાં લઈને ગંગા રમણીક સાથે ભાગી ગઈ. કાઠિયાવાડથી બંને અમદાવાદ આવ્યા અને બોમ્બેની ટ્રેન પકડી. ગંગાએ કદી પોતાની બહેનપણીઓને રમણીક વિશે વાત નહોતી કરેલી અને ઘરેથી ભાગતી વખતે પણ કોઈ કાગળ-ચીઠ્ઠી લખી નહી. તેણીને ખબર જ હતી કે ગામમાંથી બહાર ગયા પછી ફરી આવવું શક્ય નહીં બને.

બે દિવસ પછી ગંગા અને રમણીક બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર ઊતર્યા. સ્ટેશન મોટું હતું અને ગંગાના સપનાને વેગ મળ્યો. નિશાળમાં સાંભળેલા વર્ણનો આંખ સામે દેખાતા થયા, પણ પોતે પોતાની બહેનપણીઓને આવા વર્ણનો નહીં કહી શકે એ વાતનો અફસોસ થયો. રમણીકે કહ્યું, ‘ચિંતા ન કર. તું અહીં નવા મિત્રો બનાવજે. જ્યારે તું મોટી સુપર સ્ટાર બનીશ ત્યારે તારી કાઠિયાવાડી બહેનપણીઓ અહીં આવીને તને મળશે.’

બંને જણ એક લોજમાં રહ્યાં અને પહેલી વાર કોઈના ડર વગર એકમેકને સંતોષપૂર્વક પ્રેમ કર્યો. થોડાં દિવસો બોમ્બે જોયું. ટ્રામમાં, લોકલ ટ્રેનમાં, ટેક્સીમાં ગંગાએ ગામડેથી લાવેલા રૂપિયાથી મોજ કરી. ગંગાને બોમ્બે ગમી ગયું અને ઘર છોડ્યાનો જરા પણ સંતાપ ન રહ્યો. એકાદ-બે અઠવાડિયા પછી રમણીકે ગંગાને કહ્યું, ‘આ રોજેરોજ લોજમાં રહેવું મોંઘું પડે છે. હું એક નાની રૂમ ભાડેથી રહેવા માટે શોધું છું. ત્યાં સુધી તું મારા માસીના ઘરે રહેજે.’

ગંગાને અચરજ થઈ. આજ દિવસ સુધી રમણીકે આ ‘માસી’ વિશે વાત નહોતી કરી. છતાં કોઈ આનાકાની કર્યા વગર ગંગા માસીજીને ત્યાં જવા તૈયાર થઈ ગઈ. બીજે જ દિવસે માસી ગંગાને લેવા આવ્યા. તે બાઈએ ‘શીલા’ નામથી પોતાની ઓળખ આપી. ઝગમગતી સાડી, માથે ગજરો અને મોઢામાં પાનનો ડૂચો હતો. ગંગાને કંઈક અજુગતું લાગ્યું છતાં રમણીકે બંનેને એક ટેક્સીમાં બેસાડ્યા.

શીલા માસીના ઘર પાસે ઊતરતાં જ ગંગાએ જોયું કે અર્ધનગ્ન હાલતમાં, ઝગમગ કપડા પગેરેલે છોકરીઓ આમતેમ રખડતી હતી. ઈમારતોની બાલકનીમાંથી રસ્તે ચાલતા યુવાનોને ઈશારા થઈ રહ્યાં હતાં. ગંગાને જોઈ શીલામાસી બોલ્યા, ‘અહીં બોમ્બેમાં દરેક વિસ્તારમાં જુદા જુદા કપડાં પહેરાય છે.’

ગંગાએ પૂછ્યું, ‘આ કયો વિસ્તાર છે?’

‘કમાઠીપુરા. તે સાંભળ્યું છે આના વિશે?’

‘ના’

‘સારું…હું અહીં જ રહું છું અને તું પણ હવે અહીં જ રહીશ’.

‘હું અહીં ફક્ત એક જ દિવસ માટે આવી છું. કાલે સવારે રમણીક આવીને મને લઈ જશે’.

શીલામાસીએ કોઈ જવાબ આપ્યો નહીં. તે વિસ્તારના લગભગ બધાં જ લોકો શીલાને ઓળખતાં હતાં. રમણીકની ગેરહાજરી શીલાને ખટકતી હતી છતાં તેણી શાંત રહી. શીલા ગંગાને એક નાની ઓરડીમાં લઈ ગઈ અને થેલાં ખાલી કરીને તૈયાર થવાનો આદેશ આપ્યો. ગંગા ભડકીને બોલી, ‘હું કંઈ થેલાં ખાલી કરવાની નથી. મારે અહીં એક જ દિવસ રહેવાનું છે અને તૈયાર તો છું, હજી કેટલી તૈયાર થાઉં?’

શીલામાસીએ ગંગા તરફ પ્રેમાળ નજરે જોયું અને કહ્યું, ‘જો દીકરી, હું હવે તારાથી કંઈ છૂપાવી નહીં શકું. હું કોઈ રમણીકની માસી નથી. હું તો અહીં રંડીખાનું ચલાવું છું.’

ગંગા સ્તબ્ધ થઈ ગઈ. તેણીએ ગુસ્સાયેલ અવાજમાં પૂછ્યું, ‘પણ હું અહીં શા માટે છું?’

‘તને રમણીકે પાંચસો રૂપિયામાં વેંચી મારી છે. તે કંઈ પાછો આવવાનો નથી. તે તો ગયો ફરી કાઠિયાવાડ – નવા શિકારની શોધમાં!’

ગંગાને આ વાત ગળે નહોતી ઊતરતી. રમણીકે આવું કર્યું તે વાત પર વિશ્વાસ જ નહોતો બેસતો. તેણીએ રાડ પાડી, ‘તમે ખોટું બોલો છો.’

‘મને ખોટું બોલીને શું મળવાનું છે? મને ખબર છે કે તું એક સારા ઘરની છોકરી છે પણ તારા પતિએ જ તને અહીં વેંચી છે. અને હવે તું અમારી મિલકત છે. અમે જેમ કહીશું તેમ જ તારે કરવું પડશે.’

‘હું નહીં કરું’ કહીને ગંગા ઓરડીની બહાર જવા લાગી. પણ શીલાએ પૂરી તાકાત લગાવીને ગંગાને પાછી ખેંચી.

‘એ છોકરી…મારી સારપનો ફાયદો નહીં લે. હવે તું વેશ્યાગૃહમાં છે, તારા ઘરમાં નથી. હવે તારે અમારા ગ્રાહકોને સંતુષ્ટ કરવા જ પડશે. અને ખબરદાર જો અહીંથી ભાગી જવાનો પ્રયત્ન પણ કર્યો છે તો! હાડકા ખોખરાં કરી નાખીશ…’, આવું કહીને શીલાએ દરવાજો બંધ કરીને બહારથી તાળું લગાવી દીધું.

દિવસો પસાર થયા. એક તરફ ગંગાને મારવામાં આવતી, ભૂખી રખાતી પણ તે ટસથી મસ ન થઈ. બીજી તરફ રમણીકનો કોઈ અત્તોપત્તો નહોતો. ગંગાને પોતાના નસીબ પર વિશ્વાસ નહોતો. પોતાના મા-બાપને છોડી દીધેલા એટલે ફરી ગામડે જવું પણ શક્ય નહોતું. તેના ઘરના લોકો પણ હવે તેને સ્વીકારશે નહીં, એ વાતની ખાતરી હતી. શીલા પણ તેણીને કહેતી કે એકવાર ગામના લોકોને ખબર પડશે કે તું કમાઠીપુરામાં રહેતી હતી, તને અને તારા પરિવારને કોઈ સહાનુભૂતી નહીં મળે. હવે ગંગાને મોત સિવાય કોઈ રસ્તો દેખાતો નહોતો. પણ કમાઠીપુરાના ઘણાં લોકોની નજર તેણી પર હતી એટલે મરવું પણ સહેલું નહોતું.

બે અઠવાડિયા પછી જીવનની જંગ લડવા ગંગા તૈયાર થઈ. શીલા પાસે જઈને કહ્યું કે તે કંઈ પણ કરવા તૈયાર છે. શીલા ખુશ થઈને ગંગાને ભેટી પડી. ગંગાને શીલાએ ખાત્રી આપી કે વેશ્યાગૃહમાં તેની સારસંભાળ રાખવામાં આવશે.

તે જ રાત્રે ગંગાની ‘નથ ઉતારવાની’ વિધિ એક મોટા મારવાડી શેઠને હાથે થઈ. અંદરથી દુઃખી હતી પણ તે શેઠને ગંગાએ સારો સહકાર આપ્યો. હવે ગંગાને ખબર હતી કે આ જ મારો ધંધો છે. શેઠ ખુશ થયાં અને ગંગાને સારી ટીપ અને એક સોનાની વીંટી ભેટમાં આપી. ઓરડીમાંથી કપડાં પહેરીને બહાર નીકળતાં, શેઠે હળવેકથી પૂછ્યું:

‘શું નામ છે તારું?’

સામેથી જવાબ આવ્યો, ‘ગંગુ’.

બસ આ જ એ દિવસ હતો જ્યારથી એ છોકરી ‘ગંગા’માંથી ‘ગંગુ’ બની ગઈ. પોતાના ભૂતકાળને ભુલાવવા જ તેણીએ પવિત્ર ગંગાને પોતાના જીવનમાંથી કાઢી નાખી….(ક્રમશઃ)

સંદર્ભઃ હુસૈન ઝૈદીનું પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’

ગંગુબાઈ કાઠીયાવાડી સિરીઝ: ભાગ 1

eછાપું

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here