ડંકન ફ્લેચર જ્યારે કોચ છે ત્યારે રવિ શાસ્ત્રીને ટીમ ડિરેક્ટર તરીકે ટીમ પર ઠોકી બેસાડવાનો અને ટીમમાં સત્તાનું વધારાનું કેન્દ્ર ઉભું કરવાનો શો મતલબ?
આ પ્રકારનું વિધાન મેં જ્યારે રવિ શાસ્ત્રીને ઇંગ્લેન્ડ સામેની જલ્દીથી ભૂલી જવા જેવી સીરીઝ પત્યા બાદ BCCIએ રવિ શાસ્ત્રીને ટીમ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા ત્યારે વિવિધ સોશિયલ મીડિયા પર ઉચ્ચાર્યું હતું. પરંતુ ક્રિકેટ અથવાતો કોઇપણ રમત તમને બે સેકન્ડમાં શરમજનક પરિસ્થિતિમાં મૂકી દેતી હોય છે ખાસકરીને જ્યારે તમે એને રમી ન હોય અને માત્ર બહારથી જ એનું વિશ્લેષણ કરતા હોવ. શાસ્ત્રીના આવ્યા બાદ શું જાદુ થયો કે એ ટેસ્ટ સિરીઝ પત્યા બાદ ભારતે વનડે સિરીઝમાં શાનદાર દેખાવ કર્યો.
ત્યારબાદ રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ ભારત ખરાબ રીતે હારી ગયું પરંતુ યાદ રહે એ સિરીઝ અત્યંત ક્લોઝ રહી હતી. પછી આવ્યો વર્લ્ડ કપ અને કોઈને પણ આશા ન હતી અને ભારત છેક સેમીફાઈનલ સુધી પહોંચ્યું. કોઈ સવાલ નથી કે તેમાં ધોનીની કપ્તાનીનો ફાળો ઓછો નહતો પણ જે રીતે ભારત બે-બે વખત ફર્શ પર પછડાયું અને તેને ફરીથી ટોચ પર પહોંચવામાં જેણે પડદા પાછળ રહીને ટેકો આપ્યો એ રવિ શાસ્ત્રી જ હતા.
રવિ શાસ્ત્રીને જ્યારે ટીમ ડિરેક્ટર બનાવવામાં આવ્યા ત્યારે તેઓ ઈંગ્લેન્ડમાં સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. એ વખતે શાસ્ત્રીને ટીમ સાથે ઇન્વોલ્વ થવાની જરાય ઈચ્છા ન હતી કારણકે એમ કરીને તેઓ કોમેન્ટેટર તરીકેની તગડી કમાણી ગુમાવી રહ્યા હતા. પરંતુ, હવે જ્યારે તેઓ લગભગ છ થી આઠ મહિના ટીમનો હિસ્સો બની ગયા હતા અને ટીમના પ્લસ માઈનસને બરોબર ઓળખી ગયા હતા એટલે એમણે ગયા વર્ષે અને આ વર્ષે કુંબલેની વિદાય બાદ એમ બે વખત ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે અરજી કરી.
જેમ મેં મારા બ્લોગ ‘સમરથ કો ક્યૂં દોષ ગુંસાઈ’ માં જે લોજીકથી વિરાટ કોહલી વિષે સામાન્ય ક્રિકેટ ફેન્સના વિચારોનું આકલન કર્યું હતું એ જ લોજીકથી આપણે આજે શાસ્ત્રી વિષે સોશિયલ મીડિયામાં કહેવાઈ રહ્યું છે એનું સરળતાથી આકલન કરી શકીએ છીએ. સોશિયલ મીડિયામાં શાસ્ત્રી વિષે જે વાતો થઇ રહી છે અથવાતો ફેલાવાઈ રહી છે તે હાફ બેક્ડ અથવાતો ક્રિકેટિંગ રીઝનના અભાવને કારણે ફેલાવાઈ રહી છે. કેટલાક લોકો શાસ્ત્રીની કમેન્ટ્રી જે પ્રીડીક્ટેબલ હોય છે તેને ધ્યાનમાં લઈને તેના ક્રિકેટ કૌશલ્ય અથવાતો રમતને વાંચવાની એની શક્તિનું અત્યંત નબળું અનુમાન લગાવી રહ્યા છે.
રવિ શાસ્ત્રીને હું કાયમ ‘ભારતને કદીયે ન મળેલો શ્રેષ્ઠ કપ્તાન’ કહું છું અને ‘રવિ શાસ્ત્રી – ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન્સ’ ના મારા બ્લોગમાં એ વિષે હું સવિસ્તર ચર્ચા પણ કરી ચૂક્યો છું. ગુજરાત અને ભારતના શ્રેષ્ઠ સ્પોર્ટ્સ વિવેચકોમાંથી એક અને જાણીતા સ્પોર્ટ્સ કોલમિસ્ટ શ્રી તુષાર ત્રિવેદીએ હમણાં જ્યારે સોશિયલ મીડિયામાં શાસ્ત્રી વિષે એલફેલ બોલાઈ રહ્યું હતું ત્યારે માહિતી આપી હતી કે એક સમયમાં જ્યારે ગાવસ્કર, વેંગસરકર જેવા દિગ્ગજ મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમતા એ સમયમાં શાસ્ત્રીએ એમનું નેતૃત્વ કર્યું હતું!
ટૂંકમાં, શાસ્ત્રીને ક્રિકેટ વિષે કેટલું જ્ઞાન છે એ સુરજને દીવો દેખાડવા જેવી વાત છે. હવે વાત કરીએ વિરાટ કોહલીની શાસ્ત્રીને જ કોચ બનાવવાની જીદની અને એની અસરોની.
શાસ્ત્રીના ટીમ ડિરેક્ટર બન્યા બાદ ટીમમાં અંદરખાને શું થયું હશે એની તો આપણે કલ્પના જ કરવાની રહે પરંતુ શાસ્ત્રીને એની યુવાનીમાં જેણે ફોલો કર્યા હશે એને શાસ્ત્રી અને વિરાટના ક્રિકેટ ફિલ્ડ પરના વર્તનમાં કોઈ ખાસ ફેર નહીં દેખાતો હોય. હા, વિરાટ થોડો ઓવર ધ ટોપ આક્રમક જરૂર છે, પણ શાસ્ત્રી એના સમયમાં જેટલી આક્રમકતાની જરૂર હતી એટલો આક્રમક ફિલ્ડ પર તો જરૂર હતો.
શાસ્ત્રી ત્યારે પણ દિલફેંક હતો અને કદાચ આજે પણ દિલફેંક છે અને કદાચ એટલેજ એ યુવા કેપ્ટન અને એની યુવા ટીમ સાથે બહુ સહેલાઈથી ભળી શકે તેવો છે. એ અનિલ કુંબલેની જેમ રીંગ માસ્ટર નહીં બને પણ ટીમના પ્લેયરોની તકલીફ એમની બાજુમાં બેસીને હલ કરે અને એ પણ એની માનસિકતાને અનુરૂપ રહીને એ પ્રકારના મેન્ટર બનીને રહેશે. એ ફ્રી સમયમાં પ્લેયર્સને પાર્ટી કરતા રોકશે નહીં પણ એમની સાથે જીન્સ ટીશર્ટ ચડાવીને ખુદ પાર્ટી કરશે.
હવે, જ્યાંસુધી એમના કોચ તરીકે રોલની વાત છે તો પાછલા બ્લોગમાં આપણે ચર્ચા કરી હતી કે કોચનું કામ મેચ અગાઉ કેપ્ટન અને અન્ય કોચિંગ ટીમ સાથે મળીને રણનીતિ બનાવવા પર પૂરું થઇ જાય છે અને ખરી લડાઈ તો ક્રિકેટ ફિલ્ડ પર કપ્તાને રમવાની હોય છે. ગણ્યાં ગણાય નહીં એટલા વર્ષોથી, એમ કહોને કે છેલ્લા ચોવીસ વર્ષથી શાસ્ત્રીએ ભારતે રમેલી મોટાભાગની મેચો સૌથી નજીકથી એટલેકે કમેન્ટ્રી બોક્સમાં જોઈ છે. એમની કમેન્ટ્રી ભલે પ્રીડીક્ટેબલ હોય પરંતુ એમનું પ્રીડીક્શન ભાગ્યેજ ખોટું હોય છે.
રમતને આટલી નજીકથી જોવાનો બહોળો અનુભવ ઉપરાંત લગભગ એક વર્ષ સુધી ટીમના માળખામાં રહીને કાર્ય કરવાનો અનુભવ પણ શાસ્ત્રીને જરૂર કામમાં આવશે અને શાસ્ત્રીએ ગયા વર્ષે જ્યારે ટીમ છોડી હતી ત્યારબાદ ટીમમાં ભાગ્યેજ કોઈ મોટો ફરક આવ્યો છે એટલે ટીમ અને શાસ્ત્રી એકબીજામાં સરળતાથી ભળી જશે એમાં શંકાને સ્થાન નથી. શાસ્ત્રીના કોચ બનવાથી ભારતીય ક્રિકેટ ટીમને મનમોહનસિંહ મળ્યા એ પ્રકારની સોશિયલ મીડિયામાં ફરતી મજાક ખરેખર મજાક જ છે.
શાસ્ત્રીને ટીમના કોચ બનાવવામાં વિરાટ કોહલીનો સૌથી મોટો ફાળો છે એમાં કોઈનેય શંકા ન હોઈ શકે, પરંતુ તેનાથી એ સાબિત નથી થતું કે શાસ્ત્રી કોહલી કહેશે એટલુંજ પાણી પીશે. ઉલટું, શાસ્ત્રીનો ઉપર કહેલો સ્વભાવ વિરાટને એની ભૂલો સમજાવવામાં વધુ કામ આવશે. બીજું વિરાટ કોહલી નાનો કીકલો તો નથી જ અને એની પાસે પણ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો બહોળો અનુભવ છે એટલે શાસ્ત્રીની યોગ્ય સલાહ એ જરૂર સમજી શકશે અને જ્યાં મતભેદ હશે ત્યાં જેમ વણલખ્યો નિયમ છે કે કેપ્ટનનો નિર્ણય ફાયનલ એને ફોલો કરવામાં આવશે.
ટૂંકમાં ટીમ ઇન્ડિયા, એના કપ્તાન અને શાસ્ત્રી માટે ભાવતા ભોજનોનો થાળ સામે છે અને હવે એમણે સાથે મળીને એ નિર્ણય લેવાનો છે કે તેમણે એ થાળમાંથી શું ખાવું અને કેટલું ખાવું જેથી પેટ ખરાબ ન થાય.
૨૯.૦૭.૨૦૧૭, શનિવાર
અમદાવાદ
[…] […]