ટેલિકોમ ડેટા વોર – રિલાયન્સ જીયોની રેટ ત્સુનામીનો વોડાફોન, એરટેલ અને આઈડિયા પાસે શું છે જવાબ?

0
459

અમદાવાદ, 30 જુલાઈ 2017 

આપણે હજી રિલાયન્સ જીયોની ‘જીયોફોન’ની રેટ ત્સુનામીની તો વાત જ નથી કરતા. એ તો જ્યારે ઓગસ્ટ મહિનામાં જીયોફોન ઓફિશિયલી લોંચ થશે ત્યારે તેના વિષે અને તેની ટેલિકોમ સેક્ટર પર પડેલી અસર વિષે ડીટેઇલમાં વાત કરીશું. અત્યારેતો આપણે રિલાયન્સના હાલના રેટ સામે ભારતની બીજી ત્રણ ટેલિકોમ જાયન્ટ્સ વોડાફોન, એરટેલ અને આઈડિયા કેવીરીતે પરસેવો પાડી રહી છે તેના વિષે વાત કરવાના છીએ.

કોઈ સામાન્ય વ્યક્તિને પણ જીયો જે ‘ડર્ટ ચીપ’ દરથી ભારતના મોટાભાગના ટેલિકોમ યુઝર્સને પોતાના તરફ ખેંચી રહી છે તે જ દરમાં સર્વિસ આપવાથી બાકીની ત્રણ ટેલિકોમ કંપનીઓને થઇ રહેલા ભારે નુકસાન અંગે ખ્યાલ છે જ, પણ એમની પાસે બીજો કોઈ રસ્તો છે ખરો? કદાચ નથી. રિલાયન્સ જીયોએ આ પ્રકારના સસ્તા રેટ બજારમાં ‘ફેંકી’ દીધા એ પહેલાં કેટલી કસરતો કરી હશે તે તેની સફળતાથી જણાઈ આવે છે, પરંતુ સાથેસાથે અન્ય ટેલિકોમ કંપનીઓ હજીપણ તેને સમજી શકી નથી અને જીયો જે દર આપી રહ્યું છે તેને મેચ કરવામાં પોતાનો સમય વ્યસ્ત કરી રહી છે.

જે હોય તે પણ જૂની અંગ્રેજી ઉક્તિ ‘કસ્ટમર ઈઝ ધ કિંગ’ હાલમાં સસ્તા દરના મામલે તો સાચી પડી રહી છે, પછી સર્વિસમાં પણ એ સાચી છે કે ખોટી એ તો આવનારો સમય જ કહેશે. અત્યારે તો આપણે જીયો અને તેની સામે પોતાના ‘ગ્રાહક બચાવો અભિયાન’ માં વ્યસ્ત એવી અન્ય ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને કેવા દર આપી રહ્યા છે તેની વિસ્તૃત માહિતી લઈએ.

રિલાયન્સ જીયોના પ્રીપેઈડ પ્લાન્સ સામે વોડાફોન, એરટેલ અને આઈડિયાના પ્લાન્સ

રિલાયન્સ જીયોનો 4G ડેટા પ્રીપેઈડ પ્લાન

રિલાયન્સ જીયોનો ઓરીજીનલ પ્રીપેઈડ પ્લાન જે રૂ. 309નો જાહેર થયો હતો તે આજે પણ રોજનો 1GB ડેટા પ્રતિ દિન ઓફર કરે છે અને તેની વેલિડિટી વધારીને હવે 56 દિવસની કરી દેવાઈ છે. તો એકદમ સરળતાથી આ પ્લાન સમજવો હોય તો તમને 56 દિવસ સુધી રોજનો 1GB ડેટા વાપરવા મળે છે. જો તમે રૂ. 509 ચૂકવો છો તો તમને 56 દિવસ સુધી રોજનો 1GB ડેટા મળે છે, જેનો મતલબ એ થાય છે કે માત્ર બસ્સો રૂપિયા વધુ આપવાથી ગ્રાહકને ડેટા વપરાશમાં બમણો ફાયદો થાય છે. જીયો પાસે 90 દિવસ અને 120 દિવસનો પ્લાન પણ છે જે અનુક્રમે રૂ. 999 અને રૂ. 1999 માં ખરીદી શકાય છે. જો તમારો ડેટા યુસેજ વિશાળ હોય તો જીયો પાસે રૂ. 4999નો પણ પ્લાન છે અને તેનાથી પણ મોટો એવો રૂ. 9999નો પ્લાન તો ખરો જ! આ બંને પ્લાનમાં તમે અનુક્રમે 210 દિવસ અને 390 દિવસ ડેટા વાપરી શકો છો.

ઉપરોક્ત પ્લાનમાં 4G ડેટા વેલીડીટી અનુક્રમે (GBમાં) 90, 155, 380 અને 780 છે. જીયોએ અન્ય ડેટા પ્લાન પણ આ જ મૂલ્યના રાખ્યા છે પરંતુ તેમાંથી પહેલા રિચાર્જના વધારે વેલીડીટીના લાભને હવે બંધ કરી દીધો છે.

વોડાફોનનો 4G ડેટા પ્રીપેઈડ પ્લાન

વોડાફોને થોડા દિવસ અગાઉ જ પોતાના નવા જોડાયેલા ગ્રાહકો માટે ફર્સ્ટ રીચાર્જ કૂપન (FRC)ની જાહેરાત કરી છે અને આ FRC ગ્રાહકને રૂ. 244માં મળશે અને તે રોજ 1GB આવનારા 70 દિવસ માટે વાપરી શકશે. આ રીચાર્જ કરનાર ગ્રાહકને અનલિમિટેડ લોકલ અને STD કોલ કરવા મળશે, પરંતુ વોડાફોન નેટવર્કની અંદર જ. હજી આ પ્લાન અમુક સર્કલમાં જ જાહેર થયો છે.

અહીં નોંધવાની વાત એ છે કે જો ગ્રાહક 70 દિવસ પૂરા થયા બાદ જો બીજું રીચાર્જ કરાવે છે તો વેલીડીટી ઘટીને 35 દિવસની થઇ જાય છે. આ યોજના માત્ર નવા જોડાનાર ગ્રાહકો માટે જ છે.

એરટેલનો 4G ડેટા પ્રીપેઈડ પ્લાન

ગ્રાહકોને આકર્ષિત કરવાની દોડમાં એરટેલ પણ પાછળ નથી. એરટેલે પોતાના નવા જોડાનારા ગ્રાહકોને ઓફર આપી છે કે તેઓ પોતાનો નહીં વપરાયેલો ડેટા 200 GB સુધી દર મહીને કેરી ફોરવર્ડ કરી શકશે. આ ઉપરાંત એરટેલના રૂ. 399ના રીચાર્જ પર યુઝર્સને અનલિમિટેડ લોકલ અને STD કોલ્સ ઉપરાંત રોજના 1GB 4G ડેટા વાપરવાની સવલત પણ આપવામાં આવી છે. આ પ્લાન 70 દિવસ માટે છે. જ્યારે રૂ. 345ના પ્લાનમાં ડેટા લીમીટ વધીને રોજની 2GB થઇ જાય છે અને કોલિંગ સુવિધા જેમની તેમ જ રહે છે. રૂ. 549 નો પણ એક પ્લાન છે જેમાં રોજના 2.5GBનો વપરાશ મળે છે અને નવી રૂ 244ની ઓફરમાં યુઝર્સ રોજના 1GB 70 દિવસ સુધી વાપરી શકે છે. આમ તો આ પ્લાનમાં પણ અનલિમિટેડ લોકલ અને STD કોલિંગ છે પરંતુ તેમાં 300 મિનીટ રોજની એરટેલ ટુ એરટેલ અને અન્ય નેટવર્ક પર અઠવાડિયાની 1200 મિનીટ્સ પણ મળે છે, પરંતુ 70 દિવસ માટે વધુમાં વધુ 3,000 મિનીટ્સ જ ફ્રી મળે છે.

આઈડિયાનો 4G ડેટા પ્રીપેઈડ પ્લાન

આમતો આઈડિયાનું વોડાફોન સાથે મર્જર થઇ ગયું છે પરંતુ તે પણ જીયો સામે ટકી રહેવા માટે એક નવો પ્લાન લઈને આવ્યું છે. આ નવા પ્લાન અનુસાર તેના ગ્રાહકોને તે રૂ. 396માં 79GB ડેટા ઓફર કરે છે. પોતાના 3G ગ્રાહકો માટે આઈડિયાએ 70GB ડેટા 70 દિવસ માટે લઇ આવ્યું છે. આ ઉપરાંત તે આઈડિયા ટુ આઈડિયા ફ્રી લોકલ અને STD કોલિંગ પણ ઓફર કરી રહ્યું છે. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે અને એ એમ છે કે તમે દિવસમાં વધુમાં વધુ 300 અને અઠવાડિયામાં વધુમાં વધુ 1200 મિનીટ્સની જ ફ્રી વાતો કરી શકો છો. એકવાર આ લિમીટ પૂરી થઇ જાય પછી ગ્રાહકે પ્રતિ મિનીટ 30 પૈસા ચૂકવવાના રહેશે. આ પેકમાં કુલ 3000 મિનીટની લોકલ અને STD મિનીટ્સ અન્ય નેટવર્ક્સ પર પણ આપવામાં આવી છે.

તો, રિલાયન્સ જીયોના કલ્પના બહારના પ્લાન્સને મેચ કરવા અન્ય ટેલિકોમ કંપનીઓ જે પ્રયાસ કરી રહી છે તેનાથી ગ્રાહકોને તો ફાયદો છે પણ આ કંપનીઓને એ પ્લાન્સ પોસાય છે કે નહીં એ સમય જતાં ખબર પડી જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here