કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ 2014થી જ ઢળી રહ્યા છે

0
306

અમદાવાદ, 31 જુલાઈ 2017

ચાલો, એ દિવસો યાદ કરીએ જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીઓનો પ્રચાર હજી શરુ પણ નહોતો થયો ત્યારે ત્યારના કોંગ્રેસી નેતાઓ ભારપૂર્વક જણાવી રહ્યા હતા કે દેશમાં કોઈજ ‘મોદી વેવ’ નથી. પછી તો ચૂંટણી પ્રચાર શરુ થયો અને તેણે જોર પણ પકડ્યું અને ‘મોદી વેવ’ છે જ નહીં એવું કહેવા પર કોંગ્રેસીઓ વધુને વધુ ભાર મુકતા ગયા અને આ તમામ નેતાઓ બાદમાં પરિણામોની ત્સુનામીમાં ક્યારે તણાઈ ગયા તેમની કદાચ તેમને પણ ખબર નહીં પડી હોય. મોદી વેવ હતો કે ન હતો એ વાતને બાજુ પર મુકીએ તો પણ આ પરિણામોએ કેટલાક કોંગ્રેસી નેતાઓને પોતાના ભવિષ્ય પર એ જ વર્ષે એટલેકે 2014થી જ વિચાર કરતા કરી દીધા હતા અને ત્યારથી જ તેઓએ ભાજપ તરફ જવા પોતાના ચક્રો ગતિમાન કરી દીધા હતા.

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સૌથી પહેલા મોટા નેતા અને આસામના તે સમયના મુખ્યમંત્રી તરુણ ગોગોઈના સૌથી નજીકના નેતા અને આસામના આરોગ્ય અને શિક્ષણ મંત્રી હેમંતા બિસ્વા સરમા બન્યા. 2015માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને તેમની મદદથી જ ભાજપે 2016ની વિધાનસભા ચૂંટણીઓમાં તેના ઇતિહાસમાં પહેલીવાર આસામ કબ્જે કર્યું.  ભાજપની ચૂંટણી સમિતિના કન્વિનર બનીને સરમાએ ચૂંટણી બાદ મુખ્યમંત્રી ન બનતા સમગ્ર નોર્થ ઇસ્ટમાં એલાયન્સના મુખ્ય ચહેરા બનવાનું વધારે પસંદ કર્યું અને હવે તેઓ ભાજપનો પગ સમગ્ર ઉત્તરપૂર્વમાં વિસ્તારી રહ્યા છે.

ત્યારબાદ આવી દેશની લોકસભા પછીની સૌથી મોટી ચૂંટણી એટલેકે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી. ઉત્તર પ્રદેશ અમસ્તુંય ચૂંટણી પહેલા થતી હલચલ માટે ‘પ્રખ્યાત’ છે, પણ આ વખતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના એકસમયના પ્રદેશ અધ્યક્ષ રીતા બહુગુણા જોશી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને એ પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં! ઉત્તર પ્રદેશમાં આમ પણ કોંગ્રેસનું સ્થાન ચોથું હતું પરંતુ એક સિનીયર નેતાનું આ રીતે નારાજગી સાથે કોંગ્રેસ છોડવું એ કોંગ્રેસ માટે આવનારી ચૂંટણીઓ માટે બિલકુલ સારી નિશાની ન હતી. આજે રીતા બહુગુણા જોશી મુલાયમસિંહના પુત્રવધુ અપર્ણા યાદવને હરાવીને ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મંત્રી છે.

આવી જ રીતે ભાજપ માટે દક્ષિણમાં પણ એક કોંગ્રેસી અને એ પણ અતિશય સિનીયર કોંગ્રેસી નેતાનો સાથ ઉભો થયો. આ હતા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને UPA સરકારમાં ભારતના વિદેશમંત્રી રહી ચૂકેલા એસ એમ ક્રિશ્ના. રીતા બહુગુણા જોશીની જેમ કર્ણાટકના રાજકારણમાં એસ એમ ક્રિશ્નાની હવે કોઈ મોટી ભૂમિકા રહી નથી,પરંતુ આવતે વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ કોંગ્રેસની નબળાઈઓ અને મજબૂતાઈની ડીટેઈલ્સ ભાજપને આપીને લાભ જરૂર કરાવશે. પ્લસ એક અતિશય સિનીયર નેતા અને વિદેશમંત્રીનું પદ શોભાવી ચૂકેલી વ્યક્તિનું કોંગ્રેસ છોડવું એ પણ કોંગ્રેસ માટે શરમની બાબત તો ખરીજ.

ક્રિશ્ના બાદ કર્ણાટક કોંગ્રેસના એક અન્ય સાંસદ એમ શિવન્ના પણ પાર્ટી છોડીને પોતાના ટેકેદારો સહીત ભાજપમાં જોડાઈ ગયા હતા. આ માટે તેમણે કોંગ્રેસી નેતાગીરીથી પોતે નારાજ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મૈસુરના દલિત કોંગ્રેસી નેતા વી શ્રીનિવાસ પ્રસાદ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કોંગ્રેસને મોટો ધક્કો લાગ્યો હોવાનું કહેવાયું હતું, પરંતુ ભાજપ તરફથી નાન્જનગુડની ઉપચૂંટણીમાં હાર મેળવ્યા બાદ પ્રસાદે ચુનાવી રાજકારણમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી.

કોંગ્રેસ સિવાય અન્ય પક્ષોના નેતાઓ પણ છેલ્લા ત્રણ વર્ષમાં ભાજપ તરફ આકર્ષાયા છે. હેમંતા બિસ્વા સરમાની રણનીતિથી જ પિપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશના પેમા ખંડુ તેમના 33 વિધાનસભ્યો સાથે ભાજપમાં જોડાઈ જતા ભાજપે અરુણાચલમાં ચૂંટણી લડ્યા વગર સત્તા હાંસલ કરી લીધી છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણી અગાઉ જ બહુજન સમાજ પાર્ટીનું મોટું માથું ગણાતા સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપમાં જોડાયા હતા. યાદ રહે મૌર્ય બસપા છોડ્યા અગાઉ ઉત્તર પ્રદેશમાં વિપક્ષના નેતા હતા. આ વર્ષની વિધાનસભા ચૂંટણીઓમાં સ્વામી પ્રસાદ મૌર્ય પદ્રુના વિધાનસભા સીટથી ભારે બહુમતીથી ચૂંટણી જીતી ગયા હતા. તેમની પાછળ પાછળ એક અન્ય વરિષ્ઠ બસપા નેતા અને પક્ષમાં બ્રાહ્મણ ચહેરો ઓળખાતા બ્રજેશ પાઠકે પણ બીજેપી ભણી પ્રવાસ કર્યો હતો.

આતો થઇ એકલ-દોકલ નેતાઓનું ભાજપમાં જોડાવાની વાત, પણ ગયે અઠવાડીએ તો ‘મહાગઠબંધન’ તરીકે ઓળખાતા જનતાદળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતાદળમાં ફાડચા પડી ગયા અને નીતીશ કુમારના જનતાદળ યુનાઇટેડે ચાર વર્ષ બાદ ફરીથી ભાજપનો પાલવ પકડી લીધો. માત્ર બાર કલાકની ટાઈમલાઈનમાં જ સત્તાધીશ ગઠબંધનમાં પક્ષો બદલાયા પરંતુ મુખ્યમંત્રી તો નીતીશ કુમાર જ રહ્યા.

આ આખો મુદ્દો ઉખેળવા પાછળ કારણ બન્યું છે ગુજરાત કોંગ્રેસના છ વિધાનસભ્યોનું અચાનક જ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ જવું. શરૂઆત જો કે વરિષ્ઠ કોંગ્રેસી નેતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ. એમણે જો કે કોંગ્રેસ છોડ્યા પછી રાજ્યસભાની ચૂંટણી બાદ ચુનાવી રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. પણ મુખ્યત્વે વાઘેલાના જ ટેકેદારો ગણાતા છ કોંગ્રેસી ધારાસભ્યોએ માત્ર ચોવીસ જ કલાકમાં પક્ષ તો છોડ્યો પરતું પોતાના વિધાનસભ્ય પદને પણ અલવિદા કરી દીધી હતી.

આ પાછળ કોંગ્રેસે ભાજપની મોટી સાઝીશ હોવાનો આરોપ મૂક્યો છે, કારણકે રાજ્યસભાની ચૂંટણીની ત્રીજી બેઠક માટે કોંગ્રેસના અહમદ પટેલ સામે ભાજપે બે કલાક પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કોંગ્રેસ વિધાનસભા પક્ષના દંડક બળવંતસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા અને પછી જે રીતે ટપોટપ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા તેના પરથી અહમદભાઈને જીતવા જરૂરી એવા 45 મતના પણ સાંસા પડી જાય એવું લાગે છે.

ગઈકાલે પોતાના 44 ધારાસભ્યોને લઈને બેંગ્લોરના ઈગલટન રિસોર્ટ પહોંચેલા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ધારાસભ્યોને નાણાંકીય લાલચ અને ધાકધમકી આપવાનો આરોપ મૂક્યો છે, ફક્ત અહમદ પટેલને હરાવીને કોંગ્રેસને નીચાજોણું કરાવવા માટે. પરંતુ ઉપર આપણે જે દાખલાઓ જોયા તે એમ સાબિત કરે છે કે કોંગ્રેસીઓ અને અન્ય પક્ષોના સભ્યોનો ભાજપ તરફી પ્રવાહ કોઈ આજકાલનો નથી, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા સંભાળી છે ત્યારથી ચાલ્યો આવે છે.

હજીપણ આ પ્રવાહ અટકશે નહીં એવા સંકેતો જ્યારે પૂર્વ શિવસૈનિક અને હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનીયર નેતા નારાયણ રાણે મહારાષ્ટ્રના ટુરિઝમ મંત્રી એ ભાજપના ધારાસભ્ય જયકુમાર રાવલને મળ્યા ત્યારથી જ મળવા લાગ્યા છે.

શું ઉપર જણાવેલા તમામ નેતાઓની દુરંદેશી અત્યારે પણ કોંગ્રેસની મને-કમને ‘સેવા’ કરી રહેલા નેતાઓથી વધુ તેજ હતી કે તેઓ ફક્ત ‘જીસકે તડ મેં લડ્ડુ ઉસકે તડ મેં હમ’ ના ન્યાયે માત્ર સત્તા ભોગવવા ભાજપમાં આવી ગયા છે તે તો આવનારો સમય જ કહી શકશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here