અંશત: ચંદ્રગ્રહણથી માંડીને પૂર્ણ સૂર્યગ્રહણ સુધી; તૈયાર થઇ જાવ ઓગસ્ટના અવકાશી નઝારા માણવા

0
419

ગુજરાતીઓ માટે ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો, પરંતુ ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા ગુજરાતીઓ માટે પણ આ વર્ષનો ઓગસ્ટ મહિનો ખાસ બની રહેવાનો છે. આ મહિને એક પૂર્ણ સૂર્યગ્રહણ, એક આંશિક ચંદ્રગ્રહણ ઉપરાંત ઘણા નાના મોટા ગ્રહણો, જેમાં બે ગ્રહો એકબીજાની નજીક આવવાની ઘટના પણ સામેલ છે તેનો અનુભવ દુનિયા આખી કરવાની છે. જો કે ગુજરાતમાં પૂર્ણ સૂર્યગ્રહણ નથી દેખાવાનું પરંતુ તેના વિષે જાણવાની ઉત્સુકતા તો આપણાબધામાં હોય જ એ સ્વાભાવિક છે અને આથી જ આપણે આજે વાત કરીશું આ મહિનામાં દુનિયાભરમાં દેખાવાના તમામ ગ્રહણો વિષે.

ઓગસ્ટ મહિનાની 21મી તારીખે પૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે તે ઉપરાંત અવકાશપ્રેમીઓ માટે આવનારા અઠવાડિયાઓ અત્યંત બીઝી રહેવાના છે અને તેમાં અંશત: ચંદ્રગ્રહણ ઉપરાંત ઉલ્કાવર્ષા પણ સામેલ છે. તો જ્યાંસુધી તમે તમારા દૂરબીન પરથી ધૂળ ઉડાડો ત્યાંસુધી આ મહિનાની મહત્ત્વની અવકાશ ઘટનાઓની માહિતી લઇ લઈએ?

ઓગસ્ટ 2017માં જોવા મળનારી અદ્ભુત ખગોળીય ઘટનાઓ

2 ઓગસ્ટ – શનિ અને ચન્દ્ર (અંક પહેલો)

આજે જ્યારે ધરતી પર અંધારું છવાઈ જશે ત્યારે ચંદ્રની ઉપસી આવેલી ધરીને તમે શનિની સાવ નજીક જોઈ શકશો. આ અલભ્ય દ્રશ્ય જોવા માટે તમારે તમારા દૂરબીનોન દક્ષિણ દિશા તરફ તાંકવા પડશે. જો તમે નરી આંખે જોશો તો શનિ તમને એકદમ તેજસ્વી દેખાશે અને તેના પર જાણેકે પીળા રંગની ઝાંય પડતી હોય એવું લાગશે. એક સામાન્ય દૂરબીનથીથી પણ તમે દૂરથી શનિ મહારાજના અત્યંત લોકપ્રિય એવા વલયો પણ આછા આછા જોઈ શકશો.

શનિએ લગભગ બે મહિના અગાઉજ પૃથ્વીથી બહુ નજીક થઈને પોતાની સફર ખેડી હતી પણ તેમ છતાં તમને તે આજે રાત્રે નરી આંખે ખૂબ મોટો દેખાઈ શકે છે. જો તમારે આ સંપૂર્ણ દ્રશ્ય એકદમ સ્પષ્ટ જોવું હોય અથવાતો શનિના પ્રખ્યાત વલયોનું નજીકથી દર્શન કરવું હોય તો ટેલિસ્કોપથી જોવું વધુ સલાહભર્યું રહેશે.

7 ઓગસ્ટ અંશત: ચંદ્રગ્રહણ

બરોબર રક્ષાબંધનની રાત્રેજ અંશત: ચંદ્રગ્રહણ થવાનું છે અને તેને જોવાના શ્રેષ્ઠ સ્થળોમાં પશ્ચિમ ચીન સાથે ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 7 ઓગસ્ટ રાત્રે ભારતીય સમય અનુસાર 9.20 કલાકે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધનો ભાગ ચંદ્રને સ્પર્શ કરવાનું શરુ કરશે. ગ્રહણ લાગવાની સંપૂર્ણ પ્રક્રિયા લગભગ બે કલાકનો સમય લેશે અને 8 ઓગસ્ટે વહેલી સવારે 2.21 વાગ્યે આ ગ્રહણ પૂર્ણ થશે. આ અંશત: ચંદ્રગ્રહણ તેના ચરમ પર ભારતીય સમય અનુસાર રાત્રે 11.50 વાગ્યે પહોંચશે.

પશ્ચિમના દેશોમાં સ્વાભાવિકપણે સુર્યાસ્ત બાદ જ આ ઘટનાનો અનુભવ કરી શકાશે પરંતુ પૃથ્વીના પૂર્વ ભાગમાં જ્યાં ચંદ્ર વહેલો ઉદિત થાય છે ત્યાં આ ઘટના લાંબો સમય જોવા મળશે. આમ ઉપર જણાવ્યા અનુસાર ભારત અને પશ્ચિમ ચીન ઉપરાંત પૂર્વી એશિયા, ઇન્ડોનેશિયા,ઓસ્ટ્રેલિયા તેમજ ન્યુઝીલેન્ડમાં મધ્યરાત્રી બાદ વહેલી સવાર સુધી આ અનોખી અવકાશી ઘટનાનો આનંદ લઇ શકાશે.

12 ઓગસ્ટ – ઉલ્કા વર્ષા

આ દિવસે ભારતીય સમય અનુસાર રાત્રે સાડાદસ વાગ્યે ઓગસ્ટ મહિનાની જાણીતી ઉલ્કા વર્ષા તેની ચરમ પર હશે અને તે બીજે દિવસે સાંજે પણ જોઈ શકાશે. ભારતમાં રાત્રીનો સમય હોવાથી આ ઉલ્કા વર્ષાને સ્પષ્ટ જોઈ શકાશે પરંતુ અમેરિકામાં વસતા લોકોને તેને સોમવાર અને મંગળવાર સાંજે જ જોવાનો મોકો મળશે. આ ઉલ્કા વર્ષાનો પૂરેપૂરો આનંદ લેવા શહેરથી દૂર કોઈ અંધારી જગ્યાએ જવું વધારે હિતાવહ રહેશે. સારા સમાચાર એ છે કે ચંદ્રનું અજવાળું હોવા છતાં આ અવકાશી ઘટના અત્યંત સ્પષ્ટ દેખાઈ શકાશે. આ બંને દિવસોએ અંધારી જગ્યાએથી અમુક મિનિટોના અંતરે તમને એક તારો ખરતો તો જરૂર જોવા મળશે.

16 ઓગસ્ટ – ચંદ્ર અને એલ્ડેબારન

સૂર્યોદય સમયે પૂર્વ દિશાએ અત્યંત ચમકતા તારા જેવી વસ્તુ તમને દેખાશે જે હશે શુક્ર અને રાત્રે ઉપરનો અર્ધચંદ્રાકાર વિસ્તાર નારંગી રંગના તારા અલ્ડેબારનની સાવ નજીક પહોંચી ગયો જોવા મળશે. આ સમયે એક વિશાળ તારો જેને વૃષભ રાશિના વૃષભની કહેવાતી આંખ ગણવામાં આવે છે તે ચંદ્રથી ત્રણ અંશથી પણ ઓછા અંતરે જોઈ શકાશે. જો કે આ કહેવાતી નજીકતા એ માત્ર ભ્રમ જ છે, કારણકે ચંદ્ર એ પૃથ્વીથી 2,40,000 માઈલ દૂર છે જ્યારે અલ્ડેબારન અધધધ 65 પ્રકાશવર્ષ દૂર છે.

ઓગસ્ટ 19 – શુક્ર અને ચંદ્ર

19 ઓગસ્ટના સૂર્યોદયના સમયે સૂર્ય પછી સૌથી તેજસ્વી એવો શુક્ર તેનું ચંદ્ર સાથેનું અંતર ઘટાડતો તેની નજીક આવી જશે અને આ બંને ગ્રહોની નજદીકી ક્ષિતિજને અદ્ભુત બનાવીને તમને ફોટોગ્રાફ્સ લેવાની બહુ મોટી તક પૂરી પાડશે.

ઓગસ્ટ 21 પૂર્ણ સૂર્યગ્રહણ

ભારતીયો આ પૂર્ણ સૂર્યગ્રહણ નહીં જોઈ શકે અને માત્ર અમેરિકામાં જ આ અલભ્ય અવકાશી ઘટના આકાર લેવાની છે. આ દિવસે સૂર્યની સમક્ષ ચંદ્ર પૂર્ણપણે હાજરી પુરાવવા આવી જશે અને અમેરિકાના 70 માઈલ પહોળા વિસ્તાર જે ઓરેગોનથી દક્ષીણ કેરોલિના સુધી ફેલાયો છે ત્યાં બે મિનીટની સરેરાશે જોવા મળશે. ઉપરોક્ત વિસ્તારની ઉત્તર તેમજ દક્ષિણમાં રહેતા લોકો એટલેકે કેનેડા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારો,અંશત: સૂર્યગ્રહણની મજા માણી શકશે. આ દિવસે જો કે વાદળછાયા વાતાવરણની આગાહી છે આથી ખગોળશાસ્ત્રપ્રેમીઓને પોતાના તંબુઓ સ્વચ્છ અવકાશની ગેરંટી માટે પશ્ચિમી ઓરેગોનથી પશ્ચિમની તરફ એટલેકે નેબ્રાસ્કા અને ટેનેસીના વિસ્તારોમાં તાણવાની સલાહ આપવામાં આવી છે.

25 ઓગસ્ટ – ગુરુ અને ચંદ્ર

તમારા સ્થાનિક સુર્યાસ્ત બાદ તરતજ દક્ષિણ-પશ્ચિમ ભાગે નજર નાખશો તો તમને ચંદ્રનો અર્ધચંદ્રાકાર વિસ્તાર એકદમ તેજસ્વી સ્વરૂપમાં ગુરુની નજીક પહોંચી ગયેલો જોવા મળશે. આંખને અતિશય ગમી જનારી આ ઘટનાને તમે તમારા કેમેરામાં ઝડપી લેવાનું ભૂલતા નહીં. જો તમારી પાસે દૂરબીન છે તો આ જ સ્થળે સહેજ નીચે તમને એક બીજો અવકાશી પદાર્થ જે ભૂરા રંગનો હશે તે પણ દેખાશે જેને સ્પાઇકા અથવાતો મંજરી કહેવામાં આવે છે.

ઓગસ્ટ 30 – શનિ અને ચંદ્ર (અંક બીજો)

આ મહિનાના બીજા દિવસ બાદ મહિનો પતવાના છેલ્લાથી બીજા દિવસે પણ શનિ અને ચંદ્ર એકબીજાની નજીક આવશે. આ નઝારો આપણે સાંજના સમયે સુર્યાસ્ત બાદ તુરંત જ દક્ષિણ દિશામાં જોઈ શકીશું. આ જ સમયે જ્યારે તમે આ અવકાશી ઘટનાના સાક્ષી બની રહ્યા હશો ત્યારે NASAનું કાસ્સીની સ્પેસક્રાફ્ટ પણ તેર વર્ષની શનિની સફર પતાવીને પૃથ્વીના વાતાવરણ સાથે ચકનાચૂર થવાની પોતાની સફર શરુ કરવાની તૈયારી કરી રહ્યું હશે.

તો! તૈયાર છો ને ઓગસ્ટનો અવકાશી નઝારા જોવા માટે? બસ તમારા દૂરબીનો તૈયાર રાખજો અને ચોમાસાના ત્રીજા મહિનામાં ઉપરોક્ત ઘટનાઓના સમયે સમગ્ર ગુજરાતનું આકાશ સ્વચ્છ રહે તેની પ્રાર્થના કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here