પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય ટ્રાવેલિંગનો આનંદ કેવીરીતે માણવો? – આ રહી કેટલીક ટિપ્સ

0
340

પ્રવાસની મજા આપણે તમામે જીવનમાં એક વખત તો લીધી જ હશે. આપણામાંથી ઘણા લોકો સતત ટ્રાવેલિંગ કરતા હોય છે. આ સતત ટ્રાવેલિંગ કરનારાઓમાં આપણે ઓફિશિયલી ટ્રાવેલ કરતા એકઝીકયુટીવની વાત નથી કરતા પરંતુ એવા ટ્રાવેલર્સની વાત કરે છે જે નિજાનંદ માટે અથવાતો કોઈ રિસર્ચ માટે સતત પ્રવાસમાં રહેતા હોય છે. જો તમે પણ એવા કોઈ પ્રવાસી છો તો આ લેખ તમારા માટે જ છે.

આપણે આપણા પ્રવાસના આનંદ સમયે ક્યારેય તેની વાતાવરણ પર થતી અસરો વિષે વિચારતા નથી. એક રીતે જોવા જઈએ તો આપણને આપણા ટ્રાવેલિંગથી પર્યાવરણને પણ અસર થઇ શકે છે એવો કોઈ વિચાર જ આવ્યો નથી. આમ થવા પાછળ આપણો કોઈ વાંક પણ નથી, કારણકે આપણને આજ સુધી કોઈએ આ અંગે જ્ઞાન આપ્યું નથી. એક રિસર્ચ એવું કહે છે કે ટ્રાવેલિંગ કરતા આપણાથી જાણેઅજાણે પર્યાવરણને નુક્સાન થઇ જાય છે. પર્યાવરણને જાણથી કરેલા નુકસાન કરતાં અજાણે કરેલું નુક્સાન વધુ હોય છે એમ પણ આ રિસર્ચ ઉમેરે છે.

આપણે અહીં આપણા દ્વારા પર્યાવરણને થતા એવા જ નુકસાનો અંગે ચર્ચા કરીશું જે જાણ્યા કરતાં અજાણે થઇ જતા હોય છે અને એમ ન થાય તેના ઉપાયો પણ આપણે અહીં જાણીશું. તો ચાલો જાણીએ કેટલીક એવી હકીકતો જેના વિષે તમને અગાઉ ખબર જ ન હતી કે એમ કરવાથી તમે તમારા પ્રવાસ દરમિયાન પર્યાવરણને અજાણતાં જ નુકસાન કરી બેસો છો.

પર્યાવરણને નુકસાન કર્યા વગર ટ્રાવેલિંગ કરવા અંગે કેટલીક જરૂરી ટીપ્સ

પ્રવાસનું માધ્યમ

કેટલાક સર્વે દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે એર ટ્રાવેલ એ પર્યાવરણ માટે સૌથી વધારે નુકસાનકારક છે. આ પાછળનું કારણ એમ જણાવવામાં આવ્યું છે કે એક એરક્રાફ્ટ ખુબજ મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરે છે. જે કોઇપણ વ્યક્તિ પર્યાવરણના બચાવ માટે અતિશય ગંભીર છે તેણે એર ટ્રાવેલને અવોઇડ કરીને રેલ અથવાતો પોતાનીજ કારનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જો એર ટ્રાવેલ સિવાય અન્ય કોઈજ રસ્તો શક્ય ન હોય, જેમાં સમયનો અભાવ અથવાતો અતિશય લાંબુ અંતર મહત્ત્વના કારણો ગણી શકાય, તો ‘ક્લાયમેટ કોમ્પેન્સેશન’માં ગ્રીનહાઉસ ગેસના ઘટાડાના કોઈ ફાળામાં દાન કરીને તમારા દ્વારા થયેલી એર ટ્રાવેલથી પર્યાવરણના નુકસાનીથી વિકાસશીલ દેશોને બચાવવા માટે થોડી મદદ મળી રહે.

લોજીંગ અને બોર્ડીંગ

એક વખત સફર પૂરી થઇ ગયા બાદ વારો આવે છે રહેવાનો. કોઇપણ અજાણ્યા સ્થળે હોટલમાં રહેવું આપણી પ્રથમ પસંદગી હોય છે. ટુરીઝમ વોચ નામની એક ટ્રાવેલ સેવા આપતી કંપનીના કહેવા અનુસાર મોટી મોટી હોટેલ ચેઈનએ ખરેખર ટકાઉપણાની કોઈ ખાતરી નથી આપતી. આ પ્રકારની હોટલોની બદલે કોઈ એક માલિક ધરાવતી નાની હોટલને પસંદ કરવાથી સ્થાનિક લોકોને વધુ રોજગારી મળતી હોય છે. મોટી મોટી હોટલોમાં સૌથી મોટી સમસ્યા કામદારો માટે કામ કરવાની અત્યંત કંગાળ પરિસ્થિતિ છે. આ ઉપરાંત અહીની સામાજીક-આર્થિક સ્થિતિ પણ એટલી સારી નથી હોતી. બહેતર એ રહેશે કે સફર શરુ કર્યા અગાઉ જ કોઇપણ હોટલનું ‘TourCert’ રેકોમેન્ડેશન જે ગ્લોબલ સસ્ટેનેબલ ટુરીઝમ કાઉન્સિલ (GSTC) દ્વારા આપવામાં આવે છે તેને ચેક કરી લેવું.

સ્થાનિક ટ્રાન્સપોર્ટ

એક વખત તમે તમારા પ્રવાસન સ્થળે પહોંચી જાવ પછી ત્યાંની લોકલ ટ્રેન અથવાતો બસનો મહત્તમ ઉપયોગ કરો અને બને ત્યાંસુધી ભાડે મળતી ટેક્સી અથવાતો કેબનો સહારો લેવાનું ટાળો કારણકે બસ અને ટ્રેન ખુબ ઓછો કાર્બન ડાયોક્સાઈડ બહાર ફેંકે છે. આ ઉપરાંત સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનનો એક અન્ય લાભ પણ છે, તમને સ્થાનિકો સાથે વાતો કરવા મળશે અને તેમની સંસ્કૃતિ વિષે પણ માહિતી મળશે. પરંતુ હા, જે કોઇપણ દેશમાં ક્રાઈમ રેટ હાઈ હોય ત્યાં જરૂરથી ટેક્સી કે કેબ ભાડે લઇ લેવી.

રહેણીકરણી

ઘરની બહાર છો અને હોટલમાં રહો છો એટલે હોટલ દ્વારા અપાતી વધારાની સુવિધાનો લાભ લેવાનો મોહ ન રાખો. ઘરે જેમ વર્તો છો એમજ હોટલમાં પણ વર્તો. જો ઘરે એકથી વધારે વખત નથી ન્હાતા તો હોટલમાં રૂપકડો શાવર જોઇને અને તેનાથી મોહિત થઈને વધુ નહાવાથી તમે અજાણતામાં પાણીનો બગાડ કરી દો છો. આ ઉપરાંત જો ઘરે રોજ ટોવેલ ધોતા નથી તો હોટલમાં પણ એકજ ટોવેલથી તમે કામ ચલાવી શકો છો.જો તમારે રૂમ સર્વિસ પાસે ટોવેલ બદલાવવો નથી તો ફોન કરીને તેમને આ બાબતે જાણ કરી દો આથી તમારી ગેરહાજરીમાં જો રૂમની સાફસફાઈ થાય તો તમારા ટોવેલને રૂમ સર્વિસનો સ્ટાફ અડે પણ નહીં. આટલુંજ નહીં તમે તમારા રૂમમાં તમારા દ્વારા ઉભા થયેલા કચરાનો નિકાલ પણ જે-તે શહેર અથવાતો દેશના નિયમો અનુસાર જ કરો કારણકે તમે તમારા ઘરમાં,શહેરમાં કે દેશમાં પણ એમજ કરો છો ને?

સહેલગાહ

જો જંગલની સફરે ગયા હોવ તો હાથીની રાઈડ અવેલેબલ હોય તો તે જરૂર અપનાવો. આમ થવાથી પ્રાણીઓ પ્રત્યે થતી ક્રુરતા કોઈને પણ યાદ આવી જશે, પરંતુ જંગલમાં કાર્બન ડાયોક્સાઈડ છોડતી જીપ કે અન્ય વાહનોથી તે લાખ દરજ્જે સારો વિકલ્પ છે. પરંતુ તમે જ્યાં ગયા હોવ ત્યાંની કોઈ યાદગાર વસ્તુ ઘેરે લાવવાની ઈચ્છા હોય તો એ બાબતનું બમણું ધ્યાન રાખજો કે તે કોઈ પ્રાણીની ચામડીમાંથી કે તેના શરીરના કોઇપણ અંગમાંથી ન બન્યું હોય, ક્યાંક તમે જે સ્થળે પ્રવાસ કર્યો છે એની યાદગાર તમને ઘરે પહોંચતાની સાથેજ જેલભેગા ન કરી દે.

તો આ હતી ટ્રાવેલિંગ દરમિયાન પર્યાવરણનું ધ્યાન રાખવા અંગેની કેટલીક ટિપ્સ. આપણે જાણીએ છીએ કે આ તમામ ટિપ્સને તેના કહેવામાં આવેલા સંદર્ભમાં જ ફોલો કરવી શક્ય નથી, પરંતુ જ્યાંસુધી શક્ય હોય ત્યાંસુધી તેનો અમલ કરી અને આપણી સાથે રહેલાઓને કરાવીને પર્યાવરણને બચાવવામાં આપણું નાનું પરંતુ મહામુલું યોગદાન તો આપીએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here