ભારત સાથે ડોકલામ મુદ્દે ચીનને જ યુદ્ધ પાલવે તેમ નથી

1
394

ભલે ચાઇનીઝ મીડિયા હાકોલા પડકારા મારતું હોય. ભલે ચીનની સેના પિપલ્સ લિબરેશન આર્મી (PLA) ના પ્રવક્તા તેમની દરેક પ્રેસ કોન્ફરન્સમાં ભારતને ધમકીભર્યા શબ્દોમાં ખખડાવતા હોય પણ એક વાત તો નક્કી થઇ ગઈ છે કે ડોકલામના મુદ્દે ભારત અને ચીન વચ્ચે મોટું યુદ્ધ તો શું પરંતુ નાનું અમથું છમકલું પણ થાય એવી હાલમાં કોઈજ શક્યતાઓ વર્તાઈ રહી નથી.

આપણે હાલમાં જ ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું રાજ્યસભામાં નિવેદન સાંભળ્યું. સ્વરાજનો એવો સ્પષ્ટ મત હતો કે ડોક્લામના મુદ્દે માત્ર શાંતિ અને સુલેહથી જ કોઈ ઉકેલ આવી શકે તેમ છે. આપણે એમ પણ નોંધ્યું છે કે જ્યારથી ડોકલામ મુદ્દો ચગ્યો છે ત્યારથી ચીનનું સરકારી મીડિયા જેટલું ઉછળકૂદ કરે છે એટલીજ ત્યાંની સરકાર અને પ્રમુખ શી જીનપીંગ માથા પર બરફ મૂકીને શાંતિ રાખી રહ્યા છે.

ડોકલામના મુદ્દે ભારત-ચીન સીમા પર કેમ કોઈ અશાંતિ નહીં સર્જાય એના વિષે વાત કરતા અગાઉ આપણે આ મુદ્દો શું હતો એ જાણી લઈએ.

ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થવાના હાલપૂરતી કોઈજ શક્યતાઓ નથી

આમ તો ભારતની આઝાદીના સમયથી જ ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ છે અને બંને દેશો આ અંગે એકબીજા સામે એક પૂર્ણકક્ષાનું યુદ્ધ પણ લડી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં ચાલો જાણીએ કે ખરેખર ડોકલામ મુદ્દો અચાનક જ કેમ બે એશિયાઈ મહાસત્તાઓ વચ્ચે તકરારનો મુદ્દો બની ગયો?

શું છે ડોકલામની તકરાર?

બન્યું એવું કે જૂન મહિનાની 16મી તારીખે ચીનની PLAના કેટલાક સૈનિકોએ સિક્કિમના ડોકલામ, જેને ચીનીઓ ડોક લા કહે છે ત્યાં પ્રવેશ કરીને પાક્કો રસ્તો બાંધવાનો પ્રયાસ શરુ કરી દીધો હતો. ભારતના સૈનિકોએ આ અંગે ત્વરિત વાંધો ઉઠાવતા ચીની સૈનિકોને પરત જવા માટે મજબૂર કરવાનું શરુ કરી દીધું હતું પરંતુ ચીનના સૈનિકો ત્યાંથી આજદિન સુધી હટ્યા નથી.

આપણે આગળ જાણ્યું કે આમતો ભારત-ચીન વચ્ચે સીમાવિવાદ બહુ જૂનો છે પરંતુ ડોકલામનું એક અનોખું સ્થાનિક અને વ્યુહાત્મક મહત્ત્વ છે અને આથીજ આ વિવાદને ખૂબ મહત્ત્વ અપાઈ રહ્યું છે. આ જગ્યાએ જ્યાં ચીનીઓએ ઘૂસણખોરી કરી એ ખરેખર તો ભારત, ચીન અને ભૂતાનની સીમાઓનું ટ્રાઈ જંક્શન છે, એટલેકે અહીં આ ત્રણેય દેશોની સીમાઓ ભેગી થાય છે. આમ, ભૂતાનની રોયલ ભૂતાન આર્મીની પેટ્રોલિંગ પાર્ટી જે ઘૂસણખોરીના સમયે ત્યાં પેટ્રોલિંગ કરી રહી હતી તેણે પણ તેનો વિરોધ કર્યો હતો. યાદ રહે, યુદ્ધ કે આક્રમણના સંજોગોમાં ભૂતાનની રક્ષા કરવા ભારત વચને બંધાયું છે.

વર્ષ 1988 અને 1998માં ભારત અને ચીન વચ્ચે કરાર થયા હતા જેમાં બંને દેશોની સીમાઓનું સન્માન કરવા માટે બંને દેશો સહમત પણ થયા હતા. આ ઉપરાંત 2012માં પણ આ બંને વચ્ચે સમજૂતી થઇ હતી કે જે-જે જગ્યાએ કોઈ ત્રીજા દેશની સીમા પણ મળતી હોય ત્યાં તેમણે એ ત્રીજા દેશ સાથે ચર્ચા કરવી. પરંતુ ચીને આ ત્રણેય કરારોનું હળાહળ અપમાન કર્યું અને આ જગ્યાએ પોતાનો દાવો ઠોકી બેસાડ્યો.

ભારત માટે પ્રોબ્લેમ એ છે કે ચીન જો અહીં પોતાનો રસ્તો બનાવે તો તેની સીધી નજર ભારતના ઉત્તરપૂર્વી રાજ્યો પર રહે જે ભારત માટે આપોઆપ વ્યૂહાત્મક પીછેહઠ ગણાઈ જાય. વળી સિક્કિમ થઈને ભારતને ઉત્તરપૂર્વ સાથે જોડતો ‘ચીકન નેક’ વિસ્તાર પર ચીન સહેલાઈથી આક્રમણ કરી શકે અને જો એમ થાય તો ભારતનો તેના ઉત્તરપૂર્વના રાજ્યો સાથે માર્ગ દ્વારા સંબંધ તૂટી જાય. ટૂંકમાં કહીએ તો ભારત માટે ચીનની ડોકલામમાં હાજરી એ ‘બીગ નો નો’ છે.

લાગતું વળગતું: તો શું ચીન સાત હિસ્સામાં વહેંચાઇ જશે?

ચીન શસ્ત્રો સજાવે છે પણ તેમ છતાં શાંત છે

ગયા મહીને ચીને તિબેટના વિસ્તારમાં પોતાના શસ્ત્રો ફટાફટ મોકલીને પોતે યુદ્ધ માટે ટૂંકાગાળાની નોટીસ સાથે પણ તૈયાર થઇ શકે છે એવું દર્શાવ્યું હતું. આ ઉપરાંત આ મહિનાની પહેલી તારીખે પિપલ્સ લિબરેશન આર્મીના 90માં સ્થાપના દિવસે પણ તેણે પોતાના શસ્ત્રોનું પ્રદર્શન એ રીતે કર્યું હતું કે જાણે તે ભારત સાથે યુદ્ધ માટે અત્યારે જ તૈયાર છે. આટલુંજ નહીં પરંતુ આ ઉત્સવમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ લશ્કરી ડ્રેસ પહેરીને હાજર રહ્યા હતા. આ ઉપરાંત આપણે આગળ જાણ્યું તેમ ચીની મીડિયા અને ચીનનું રક્ષા મંત્રાલય અવારનવાર યુદ્ધના ઢોલ વગાડતું રહે છે.

આ બધુંજ થઇ રહ્યું છે પરંતુ તેમ છતાં ચીન સાથેની ભારતની સરહદો એક મોટા ટેન્શન સાથે પણ શાંત છે. આ પરિસ્થિતિને માત્ર પાકિસ્તાન સાથેની ભારતની સરહદની પરિસ્થિતિ સાથે સરખામણી કરવાથી ચીન સાથે હાલમાં યુદ્ધ કેમ નહીં થાય તે આસાનીથી સમજી શકાય છે.

સૌથી પહેલી દલીલ એ કરી શકાય કે ચીનની સેના ડોકલામમાં મધ્ય જૂનમાં ઘૂસી ગયું હતું અને ભારતીય સૈનિકોએ તેને એ જ જગ્યાએ રોક્યા બાદ તેણે વધારે ઘૂસવાનો પ્રયાસ સુધ્ધાં કર્યો નથી. આ ઉપરાંત આ ઘટનાને લગભગ દોઢ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે અને ઘટના કાબુ બહાર ગઈ નથી જેથી ટેન્શનમાં પણ ઘટાડો નિશ્ચિતપણે થયો છે.

ગયા મહીને બીજી મહત્ત્વની ઘટના બની જર્મનીના હેમ્બર્ગમાં જ્યારે G20 બેઠક દરમિયાન જ BRICS (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા,ચાઈના, સાઉથ આફ્રિકા) દેશોના રાષ્ટ્રાધ્યક્ષ મળ્યા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જીનપીંગે ફક્ત હાથ જ ન મેળવ્યા પરંતુ પોતપોતાના ભાષણમાં પણ એકબીજાના દેશોના વખાણ કર્યા અને બંને દેશો વચ્ચે રહેલા તણાવનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો. (યાદ કરો પાકિસ્તાન કોઇપણ આંતરરાષ્ટ્રીય મંચ પર બિનજરૂરી રીતે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનું ચૂકતું નથી.)

ગયા મહિનાની 29 તારીખે દેશના નેશનલ સિક્યોરીટી અડવાઈઝર અજીત ડોવાલ BRICSના NSAની બેઠકમાં ભાગ લેવા બેઇજીંગ ગયા હતા અને તેમણે પણ જીનપીંગ સાથે ચર્ચા કરી હતી. જો કે આ ચર્ચામાં ડોકલામ મુદ્દો કેમ સુલટાવી શકાય એ અંગે કોઈ ભારપૂર્વકની ચર્ચા થઇ શકી હોય તેનો બંને સાઈડના પંડિતો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ BRICSના નેજાં હેઠળ મળેલી પાંચેય દેશોના NSAની આ બેઠકમાં પણ ડોવાલે આ દેશો વચ્ચે આતંકવાદના મુદ્દે સારી સંવાદિતા હોવી જોઈએ તેના પર ભાર મૂક્યો હતો.

ચીનની આંતરિક અને અન્ય બાહ્ય મુશ્કેલીઓ પણ ભારત સાથે યુદ્ધ ટાળશે

ચીન એક વિશાળ દેશ છે અને તેની સામ્રાજ્યવાદી નીતિઓને લીધે ભારત સિવાય અન્ય પડોશીઓ સાથે પણ તેને તકલીફ છે. જેમકે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને અમેરિકાના વિરોધ છતાં કૃત્રિમ ટાપુઓ ઉભા કર્યા છે જે જાપાન સાથે તેને સીધા વિવાદમાં ઘસડી ચૂક્યા છે. આ મુદ્દો પણ ભારતની તરફેણમાં આવી શકે છે, કારણકે ડોકલામ જો ચીન માટે ભૂમિ વિવાદ છે તો દક્ષિણ ચીન સમુદ્રમાં તેની કાર્યવાહી એ જળ વિવાદનું કારણ છે અને બંને માટે તેણે જ શરૂઆત કરી હતી. આથી આંતરરાષ્ટ્રીય ટેકો ડોકલામના મુદ્દે ભારત સાથે જ રહેશે.

આ ઉપરાંત ઉત્તર કોરિયા જે રીતે પોતાની મિસાઈલ તાકાત વધારી રહ્યું છે તેને ભલે ચીનના છૂપા આશિર્વાદ હોય પરંતુ ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ ઉન ક્યારે ચીનને જ કરડી જાય તે નક્કી ન કહેવાય અને ચીનના ઉચ્ચ નેતાઓ પણ આ ભયને બરોબર સમજી રહ્યા છે.

ચીનની સત્તાધારી પાર્ટીના કેટલાક ‘યુદ્ધપ્રેમી નેતાઓ’ પણ ડોકલામના મુદ્દે આરપાર થઇ જવાની સલાહ આપી રહ્યા છે પરંતુ અહીં કેટલાક યુદ્ધ ન ઈચ્છતા નેતાઓ પણ છે. ચીનની કમ્યુનીસ્ટ પાર્ટીની આંતરિક ચૂંટણીઓ આ વર્ષનાં અંત સુધીમાં થવાની છે અને આથી પાર્ટીને શું જવાબ આપવો એ મૂંઝવણ પણ ચીનની ટોચની નેતાગીરી અનુભવી રહી છે.

આ બધું વિચાર્યા પછી પણ એક એવો મુદ્દો એવો છે જે ચીનને ડોકલામના મુદ્દે ભારત સાથે ભાગ્યેજ યુદ્ધ કરવા પ્રેરે. આ કારણ છે ભારતમાં ચીનના આર્થિક રોકાણો. ચીન માટે ભારત કોઇપણ અન્ય દેશની જેમ ખૂબ મોટું બજાર છે. અહીં ચીનની જેન્યુઈન પ્રોડક્ટ્સ ઉપરાંત તે ઘણાં ઉત્પાદનો ડમ્પ પણ કરે છે. આથી યુદ્ધની પરિસ્થિતિ ભારત સરકારને કદાચ ચીની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે મજબૂર કરે અથવાતો દેશના લોકોમાં જ સ્વયંભુ ચીન વિરોધી આક્રોશ ફાટી નીકળે એવા સંજોગો ચીનને બિલકુલ પાલવે તેમ નથી.

eછાપું

તમને ગમશે: ડિજીટલ વ્યવહારો સરળ બનાવતી એપ્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here