બોલિવુડ કેમ ક્યારેય બાહુબલી જેવી ભવ્ય ફિલ્મો નહીં બનાવી શકે?

0
499

અમદાવાદ, 5 ઓગસ્ટ 2017

બોલિવુડની અત્યારસુધીની ભવ્યાતિભવ્ય ફિલ્મ કઈ તે કહેવા માટે આંગળીનો એક વેઢો જ પૂરતો છે. જ્યારે પણ આ સવાલ સામે આવે છે ત્યારે નજર અને મન સમક્ષ કે આસિફની ‘મુઘલ-એ-આઝમ’ સિવાય બીજી કોઈજ ફિલ્મ સામે નથી આવતી. પરંતુ જો હિન્દી ભાષા સમજતા સૌથી વધારે દર્શકોએ જોયેલી કોઈ ભવ્ય ફિલ્મનું નામ પૂછવામાં આવે તો જરૂરથી આપણને એસ રાજામૌલીની ‘બાહુબલી’ જ યાદ આવે. પરંતુ બાહુબલી સિક્વલ એ હિન્દીમાં ડબ થયેલી છે નહીં કે ઓરીજીનલ ફિલ્મ.

બાહુબલીના બંને ભાગોએ ભવ્યતાનો એક માપદંડ નક્કી કરી લીધો છે અને આવનારા ઘણા વર્ષો સુધી કોઇપણ ભવ્ય હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કરાશે ત્યારે તે બાહુબલી જેવીજ બને તેવો ખ્યાલ રાખવામાં આવશે. પરંતુ શું હિન્દી ફિલ્મ નિર્માતાઓ બાહુબલી પ્રકારની ફિલ્મ બનાવી શકવા સમર્થ છે ખરા? બાહુબલીના સ્તરને સ્પર્શ કરવાની વાત તો દૂર પરંતુ હાલના સંજોગોમાં તો બાહુબલીના સ્તરથી સો પાંચસો કિલોમીટર નજીક પહોંચવાની પણ બોલિવુડીયા નિર્માતાઓ સમર્થતા ધરાવતા હોય એવું લાગતું નથી.

બાહુબલીના બીજા ભાગની અપ્રતિમ સફળતા જોયા બાદ એવા સમાચાર મળ્યા હતા કે સંજય લીલા ભણસાલી તેમની આવનારી ફિલ્મ ‘પદમાવતી’ના પ્રોડક્શન લેવલમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. હવે આ ફેરફાર કેટલા કારગત નીકળશે એતો સમય જ કહેશે પરંતુ આવો કોઇપણ ફેરફાર પદમાવતીને સીધેસીધી બાહુબલીના સ્તરે પહોંચાડી દેશે એ આશા રાખવી વ્યર્થ પણ રહેશે.

કેમ બાહુબલી જેવી ફિલ્મ બોલિવુડ નહીં બનાવી શકે?

બોલિવુડને બાહુબલીની કક્ષાએ પહોંચતી ફિલ્મ બનાવવી હાલના સંજોગોમાં કેમ મુશ્કેલ છે તેની પાછળ ત્રણ ચાર કારણો છે. ચાલો આપણે એક પછી એક આ કારણો પર નજર નાખીએ.

દક્ષિણમાં વધારે નાણા પ્રોડક્શનમાં ખર્ચાય છે

દક્ષિણ ભારતની કોઇપણ ફિલ્મ લઇ લો તમને તરતજ ખ્યાલ આવી જશે કે તેની પ્રોડક્શન વેલ્યુ અત્યંત ઉંચી છે. બાહુબલીમાં તો આ હકીકત ઉડીને આંખે વળગે છે. આની સામે બોલિવુડની ફિલ્મ પર થતા બજેટ ખર્ચનો સૌથી મોટો હિસ્સો સ્ટાર લઇ જાય છે અને પછી જે બજેટ વધે તેમાંથી ફિલ્મ બને છે. એવું કહેવાય છે કે સાઉથની સરેરાશ ફિલ્મોનું બજેટ કોઇપણ મોટા બોલિવુડ સ્ટારને અપાતી ફી જેટલું અથવાતો તેનાથી પણ ઓછું હોય છે. હવે આવા કિસ્સામાં ભવ્ય ફિલ્મ બનાવવાનો વિચાર પણ કેવીરીતે આવે? હાલમાં આવેલી રણબીર કપૂર અને કેટરીના કૈફની ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ની પ્રોડક્શન વેલ્યુ જબરદસ્ત હતી કેમ? કારણકે તેને હોલિવુડના ડિઝની સ્ટુડિયોએ બનાવી હતી એટલે કદાચ એને પોસાયું હશે. પણ ફિલ્મની પટકથા એટલી નબળી નીકળી કે ફિલ્મ ચાલી નહીં એટલે હવે ડિઝની પણ ફરીથી આટલોબધો ખર્ચ કરતાં પણ દસ વખત વિચારશે.

બોલિવુડમાં શિસ્તનો અભાવ

સાઉથની ફિલ્મો નક્કી કરેલા ટાઈમ ટેબલ પ્રમાણે આગળ વધતી હોય છે અને પૂરી પણ થઇ જતી હોય છે. અહીં બોલિવુડમાં સિતારાઓ એટલાબધા માથે ચડી ગયા હોય છે કે પહેલી શિફ્ટનું કામ બીજી કે ત્રીજી શિફ્ટમાં શરુ થઇ શક્તું હોય છે. આજે   અમિતાભ બચ્ચન જેટલી શિસ્ત માત્ર અક્ષય કુમારમાં જોવા મળે છે. અક્ષય કુમાર છેલ્લા કેટલાક વર્ષોથી તેની ફિલ્મ માત્ર ચાલીસ કેલેન્ડર દિવસોમાં પૂરી કરી આપે છે. આમ, પ્રોડ્યુસરને તો અક્ષય પોસાયજ છે અને અક્ષય પણ વર્ષની બે થી ત્રણ ફિલ્મો આસાનીથી કરી શકે છે. અક્ષય ખુદ રજનીકાંત સાથે સાઉથની ‘રોબોટ 2’ કરી રહ્યો છે આમ અક્ષય અને સાઉથની શિસ્ત કેટલી પ્રસ્તુત છે એનો ખ્યાલ આવે છે. જો બોલિવુડને બાહુબલી બનાવવી હશે તો પહેલાંતો શિસ્તબધ્ધ કામ કરતા શિખવું પડશે અને આવું કેટલા વર્ષ પછી શક્ય થશે એ તો ઉપરવાળાને જ ખબર હશે.

કન્ટેન્ટ નહીં પરંતુ તારીખ મહત્ત્વની

છેલ્લા ઘણા વર્ષોથી હિન્દી ફિલ્મોમાં જો સૌથી ઓછું મહત્ત્વ અપાતું હોય તો તે છે કન્ટેન્ટ. મોટા ભાગની ફિલ્મો જે ‘ચાલી જાય છે’ તે માત્ર ને માત્ર સ્ટાર પાવરને કારણે. દક્ષિણમાં ફિલ્મ બનાવવાની આવે ત્યારે લિસ્ટમાં સૌથી પહેલું નામ કન્ટેન્ટ એટલેકે સ્ક્રિપ્ટ એટલેકે પટકથાનું હોય છે. જ્યારે બોલિવુડ કાયમ રિલીઝ તારીખની ઝંઝટમાંથી ઉંચું નથી આવતું. દિવાળી, દશેરા, હોળી અને ઈદ પર ફિલ્મો રિલીઝ કરવાની જાણેકે હોડ લાગે છે. ઘણાં કિસ્સામાં તો ફિલ્મ બનવાની શરુ પણ ન થઇ હોય અને રિલીઝ ડેટ જાહેર કરી દેવાતી હોય છે. તાજું જ ઉદાહરણ લઈએ તો તે છે સલમાન ખાનની ‘ટ્યુબલાઈટ’. લગભગ દોઢ વર્ષ પહેલાં ફિલ્મની જાહેરાત થઇ ત્યારેજ જણાવી દેવામાં આવ્યું હતું કે ફિલ્મ 2017ની ઈદના દિવસે રિલીઝ થશે. છેવટે પટકથા નબળી બની અને ફિલ્મ પીટાઈ ગઈ.

મલ્ટી સ્ટારર ફિલ્મો બનવી લગભગ બંધ

યાદ કરો છેલ્લી હિન્દી ફિલ્મ આપણે કઈ જોઈ જેમાં બે દિગ્ગજ સ્ટાર હોય? એક જમાનો હતો જ્યારે એક જ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તેના નજીકના હરીફ ગણાતા વિનોદ ખન્ના પણ જોવા મળે કે પછી ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર પણ એકસાથે સ્ક્રિન શેર કરતા હોય. પબ્લિક સિંગલ ટીકીટ ડબલ મનોરંજન મેળવવા માટે તલપાપડ થતા હોય અને છેવટે જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે ટીકીટ બારી છલકાવી દેતા હોય. કલ્પના કરો કે આપણને સલમાન-શાહરૂખ કે પછી શાહરૂખ-આમિર કે પછી આમિર-અક્ષય સાથે હોય એવી કોઈ ફિલ્મ જોવા મળે તો? બાહુબલીમાં પ્રભાસ અને રાણા દગ્ગુબાટી બે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો છે પણ તેઓ ફિલ્મમાં એકસાથે જોવા મળ્યા હતા.

અહીં એવું થવું શક્ય નથી. અક્ષય કુમારની જ વાત લઈએ તો તેણે સાઉથની રિમેક ‘બોસ’ માં કામ કર્યું હતું. સાઉથમાં એ ફિલ્મ એટલેકે પોક્કીરીરાજામાં મામુટી જેવા મોટા સ્ટાર સાથે ઉભરતા સુપર સ્ટાર પૃથ્વીરાજ પણ હતો. જ્યારે અહીં અક્ષયે કોઈ બીજા સ્ટાર સાથે સ્ક્રિન શેર કરવાની અનિચ્છા બતાવી અને છેવટે ફિલ્મનું મ્યુઝિક હીટ ગયું હોવા છતાં ફિલ્મ બિલકુલ ન ચાલી, બલ્કે રીતસર હથોડા ટાઈપ બની હતી.

ટૂંકમાં હિન્દી ફિલ્મોના ચાહકોએ બાહુબલી ટાઈપની ફિલ્મો હિન્દીમાં જોવા માટે હજી ઘણાબધા વર્ષો રાહ જોવી પડશે એવું બિલકુલ લાગી રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here