નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર અવેલેબલ આ ચાર હોલિવુડ મુવિઝ ક્યારેય ન જોશો

0
370

આપણને વારતહેવારે આપણા રીવ્યુકારો ફલાણી અથવાતો ઢીંકણી ફિલ્મો ન જોશો એવી સલાહ આપતા હોય છે. આ સલાહો તેઓ ઓલરેડી ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોઈ ચૂકેલી હિન્દી ફિલ્મો વિષે આપતા હોય છે, પરંતુ આપણે આજે એવી ચાર હોલિવુડ ફિલ્મોની ચર્ચા કરવાની છે જે તમે ઈચ્છો ત્યારે તમારા નેટફ્લિક્સ અથવાતો એમેઝોન પ્રાઈમ પર જોઈ શકો છો તેમ છતાં અમારી સલાહ છે કે તમે એ ફિલ્મો જોવાનું અવોઇડ કરો તો સારું.

ફિલ્મના રસિયાઓ પછી ભલે તેઓ હોલિવુડ ફિલ્મોના દીવાના હોય કે પછી બોલિવુડ ફિલ્મોના, નેટફ્લિક્સ અને હજી થોડા સમય અગાઉજ ભારતમાં દેખા દેનાર એમેઝોન પ્રાઇમે તેમના માટે ઘેરબેઠાં ફિલ્મોની આખેઆખી ‘બકાસુર થાળી’ પીરસી દીધી છે. જો તમે આ બંને વેબસ્ટ્રીમીંગ સાઈટ્સની મુલાકાત લઈને જુદીજુદી કેટેગરીમાં રહેલી ફિલ્મોના લીસ્ટ ઉપર માત્ર નજર ફેરવો તોયે તમને ઓડકાર આવી જાય એટલી બધી ફિલ્મો તમને જોવા મળશે.

આ બંને વેબસ્ટ્રીમીંગ સાઈટ્સ પર એવી ઘણી બોરિંગ ફિલ્મો છે જે તમે ભૂતકાળમાં જોઈ હશે તો તમને એને લીસ્ટમાં જોઇને એવું જરૂર લાગ્યું હશે કે, ‘અરે? આ ફિલ્મ અહીં શું કરે છે?” મોટાભાગે હોલિવુડ ફિલ્મો જોવાની કોશિશ કરી રહેલા નવાસવા રસિયાઓ આ બંને સાઈટ્સ દ્વારા ઓફર કરેલી ફિલ્મોમાંથી ભૂલથી એવી ફિલ્મ પર ક્લિક થઇ જાય છે કે કદાચ એ હોલિવુડ ફિલ્મો ન જોવાની બાધા લઇ લે. બસ! આપણે એવી જ ચાર ફિલ્મો વિષે વાત કરવી છે જે તમારે નેટફ્લિક્સ અથવાતો એમેઝોન પ્રાઈમ પર અવોઇડ કરવી જોઈએ જેથી તમારો સમય અને ડેટા બંનેનું સેવિંગ થાય.

નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર અવોઇડ કરી શકાય તેવી ચાર ફિલ્મો

ટ્રોલ 2 (નેટફ્લિક્સ)

આમતો આપણને બધાને ટ્રોલ એટલે શું એ સમજાવવાની જરૂર ન પડે પરંતુ જેને પણ સોશિયલ મીડિયામાં હાજર હોવા છતાં ટ્રોલ એટલે શું એ ખ્યાલ ન હોય તો ટ્રોલ 2 જરૂર જોવે અને આ મૂવી જોયા પછી તેને ટ્રોલની વ્યાખ્યા આપોઆપ ખબર પડી જશે. આ ફિલ્મમાં એક એવા શહેરની વાત છે જે અડધું ખાલી છે, પરંતુ જેમ પાણીથી અડધા ભરેલા ગ્લાસમાં અડધી હવા પણ ભરેલી હોય છે એમ આ શહેરનો ખાલી રહેલો અડધો ભાગ ટ્રોલ્સ દ્વારા ભરી દેવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં બતાવવામાં આવેલા ટ્રોલને સાદી અને સીધી ભાષામાં ઓળખવા હોય તો પિશાચ, પણ આ પિશાચ એવા છે જે તમને ડરાવવાની બદલે તમારે ડરવું કે નહીં એ અંગે કન્ફયુઝન ક્રિએટ કરી આપે છે. 1986માં ‘ટ્રોલ’ ના નામે એક હોલિવુડ ફિલ્મ બની હતી ખરી પરંતુ આ ફિલ્મ એની સિક્વલ તો શું એની આસપાસ પણ ફટકી શકે નહીં એટલી ખરાબ છે. ન ફિલ્મમાં કોઈ ઠેકાણાં છે કે ન કોઈ એક્ટરની એક્ટિંગમાં.

ફિલ્મને અતિશય ભંગાર ફિલ્મ કહેનારા તો આ માટે એવા કારણો પણ આપી રહ્યા છે કે ફિલ્મના ડિરેક્ટર કલાઉડીઓ ફ્રેગાસ્સો ખાસ ઈંગ્લીશ નથી બોલી શક્તા અને તોયે એમણે એમના કલાકારો પાસે અંગ્રેજી બોલાવડાવ્યું છે. આ ઉપરાંત ફિલ્મની ‘સ્ક્રિપ્ટ’ ફ્રેગાસ્સોના પત્ની રોસેલ્લા દ્રુડીએ લખી છે અને એમનું અંગ્રેજી પણ એમના પતિદેવ જેવુંજ છે. ટૂંકમાં ફિલ્મનું રામનામ સત્ય કરવામાં એમના જન્મદાતાઓનો જ સૌથી મોટો ફાળો છે.

જો આટલું વાંચ્યા પછી પણ તમને ‘ટ્રોલ 2’ જોવાની ઈચ્છા થતી હોય તો એનું ટ્રેલર એકવાર જોઈ લો.

રોબો-ડોગ (નેટફ્લિક્સ)

પ્રાણીપ્રેમીઓએ તો આ ફિલ્મ બિલકુલ ન જોવી કારણકે આ ફિલ્મમાં પશુઓ પ્રત્યે હિંસા તો બતાવવામાં આવીજ છે પરંતુ એ હિંસાને ભૂલી જઈને અહીં એક રોબો જેવો દેખાતો રોબો ડોગ પણ આવે છે જે તમારા માટે માનસિક હિંસા જેવી અસર ઉભી કરે છે. ફિલ્મની વાર્તા અંગે કહીએ તો ફિલ્મમાં એક બાળક છે જેની ભૂલને લીધે તેનો પાળેલો ડોગી મૃત્યુ પામે છે. ફિલ્મની શરૂઆતની પંદર મિનીટ આ માથાકૂટમાં જ જાય છે અને પછી આ બાળકના પપ્પા તેને માટે મૃત્યુ પામેલા ડોગી જેવો જ એક રોબો-ડોગ બનાવી આપે છે અને એને રમવા આપી દે છે. બસ પછી આખી ફિલ્મમાં આ રોબો ડોગ આમતેમ રખડે છે પેલા ઓરીજીનલ ડોગી કરતા એકદમ ફાસ્ટ અને એની આંખોથી બાળકને વિડીયો પણ દેખાડે છે. આ ફિલ્મ વિષે આનાથી વધારે કશું કહેવું એ અમારા માટે શક્ય નથી, તમે એનું ટ્રેલર જોઈ લો.

ધ પ્રોફસી ઓફ ઈવ (એમેઝોન પ્રાઈમ)

તમે આ ફિલ્મનું ટાઈટલ વાંચીને એમ વિચારતા હોવ કે આ ફિલ્મને ઓસ્કર વિનિંગ મુવી ‘ઓલ અબાઉટ ઈવ’ સાથે કોઈ સંબંધ છે કે કેમ તો તમારા વિચારોને આરામ જ આપી દેજો, કારણકે એવું કશુંજ આ ફિલ્મમાં નથી. જોકે  આ ફિલ્મને આ ચાર સૌથી ખરાબ ફિલ્મોમાં સૌથી સારી ફિલ્મ કહી શકાય કારણકે એટલીસ્ટ આ ફિલ્મમાં કોઈ પ્લોટ તો જોવા મળે છે! ફિલ્મની વાર્તા એવું કહે છે કે ઈવના માતાપિતા કોઈ સુપરનેચરલ તાકાત દ્વારા મરી જાય છે અને તેને લીધે ઈવને ફૂટપાથ પર મોટું થવું પડે છે. મોટી થયા બાદ ઈવ તેના માતાપિતાના મૃત્યુ પાછળ શું કારણ છે તે શોધવા નીકળી પડે છે.

ધ પ્રોફસી ઓફ ઈવનો સૌથી મોટો ગુનો છે તેનો સાઉન્ડ. ખબર નહીં પણ ફિલ્મના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટરને પણ ફિલ્મના અત્યંત ખરાબ સાઉન્ડની ખબર કેમ નહીં પડી હોય? જો કે અહીં છૂપા આશિર્વાદ એ છે કે ફિલ્મનો સાઉન્ડ એટલોબધો ખરાબ છે કે તમે ફિલ્મના સાવ બેકાર ડાયલોગો સાંભળવાથી બચી જાવ છો.

E-19 વાયરસ (એમેઝોન પ્રાઈમ)

ફિલ્મની વાર્તા એક એવા વાયરસની છે જે સમગ્ર શહેરને એની પકડમાં લઇ લે છે. આ વાયરસની અસર જો દૂર કરવી હોય તો વેક્સીનની બે બોટલોના ઇન્જેક્શન મારવા પડે એમ છે, પરંતુ આ વેક્સીનની અસર હેઠળ કેટલાક બાળકોને અચાનક જ સુપરનેચરલ પાવર હાંસલ થઇ જાય છે. અગાઉ જેમ ચર્ચા કરી તેમ આ ફિલ્મની વાર્તામાં પણ કોઈ ભલીવાર નથી કે પછી તેની સ્ક્રિપ્ટમાં પરંતુ ફિલ્મને અવોઇડ કરવાનું મુખ્ય કારણ બને છે તેનો મેકઅપ. સુપરનેચરલ પાવર આવ્યા બાદ બાળકોનો મેકઅપ એટલો તો ખરાબ કર્યો છે કે તમને રીતસર ઉબકા આવે. એમાંય એક સીનમાં પિત્ઝા જેવો મેકઅપ તો એવો લાગે છે કે તમારે હસવું કે રડવું એ ખ્યાલ ન આવે.

E-19 Virus – Trailer (2016) from Tirzitis Entertainment on Vimeo.

તો, ભવિષ્યમાં આ ચાર ફિલ્મો તમને નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમમાં ભૂલથી પણ ભટકાઈ જાય તો તેને દૂરથીજ નમસ્કાર કરીને પતલી ગલીમાંથી ભાગી જજો.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here