ઈરાનનું ચાબહાર પોર્ટ ભારત માટે કેમ મહત્ત્વનું છે એ સમજવાના સાત કારણો

2
323

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓને ઘણીવાર અત્યંત હળવી ભાષામાં ચર્ચીને આપણે ભૂલી જતાં હોઈએ છીએ પરંતુ જો તેમની દરેક યાત્રાનો ઉંડો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે તેમની દરેક વિદેશયાત્રા પાછળ ભારત માટે કોઈને કોઈ લાભ નક્કી કરેલો જરૂર હોય છે. આવી જ એક લાભદાયક યાત્રા વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે ઈરાનની કરી હતી. અહીં તેમણે અન્ય કરારો સાથે ભારત-ઈરાન-અફઘાનિસ્તાન એમ ત્રણ દેશોના એક સંયુક્ત કરાર પણ કર્યા હતા જે ઈરાનના ચાબહાર પોર્ટના વિકાસ અંગેના હતા.

ગત પાંચમી ઓગસ્ટે ભારતના માર્ગ અને વાહનવ્યહાર તેમજ શિપિંગ મંત્રી નીતિન ગડકરી ઈરાનના પ્રમુખ હસન રુહાનીના શપથવિધિ સમારોહમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા ગયા હતા. આ સમયે તેઓએ જણાવ્યું હતું કે ભારત એવી પૂરી કોશિશ કરી રહ્યું છે કે ચાબહાર પોર્ટ આવતા વર્ષ સુધીમાં કાર્યરત થઇ જાય. હજી ગયા વર્ષે તો મોદી-રુહાનીએ ચાબહાર પોર્ટના પાંચસો મિલિયન ડોલર્સના રોકાણ પર સહી કરી હતી અને આવતે વર્ષે પોર્ટ કાર્યરત થઇ જાય તેવી ઉતાવળ કેમ છે તેવો પ્રશ્ન કોઇપણ વ્યક્તિને થાય તે સ્વાભાવિક છે.

ચાબહાર પોર્ટનું ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું છે. જો તમને યાદ હોય તો ચીન છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના વ્યુહાત્મક લાભ માટે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલા ગ્વાદર પોર્ટને વિક્સાવી રહ્યું છે. જો ગ્વાદર પોર્ટનો જવાબ ભારત પાસે ન હોય તો  તેની આ ક્ષેત્રમાં વ્યુહાત્મક પરિસ્થિતિ નબળી પડી જાય એ સમજી શકાય એવી હકીકત છે. મોડે મોડે પણ મોદી સરકારના સત્તા સંભાળ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો અને ચાબહાર પોર્ટને પાકિસ્તાનને મળેલા વ્યૂહાત્મક પોઈન્ટને ઓછો કરવા માટે પરફેક્ટ પોર્ટ ગણવામાં આવ્યું.

ચાબહારમાં હાલમાં બે પોર્ટ્સ છે – એક છે શહીદ કલંતરી પોર્ટ અને બીજું છે શહીદ બેહેશ્તી પોર્ટ. આ બંને પોર્ટમાં પાંચ-પાંચ બર્થ છે. ચાબહાર પોર્ટને વિક્સાવવા માટે ટેક્નીકલ કાર્ય અંગે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ અને કંડલા પોર્ટ ટ્રસ્ટે હાથ મેળવ્યા છે. આ સમગ્ર યોજનાને કેન્દ્રના શિપિંગ મંત્રાલયના રોકાણ વિભાગ ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી છે. ચાબહાર પોર્ટ પર બે 640 મીટરની બર્થ તેમજ ત્રણ મલ્ટી કાર્ગો બર્થ પંચ્યાસી મિલિયન ડોલર્સના ખર્ચે બનાવવામાં આવશે.

એ 7 કારણો જે ઈરાનના ચાબહાર પોર્ટને ભારત માટે અતિ મહત્ત્વનું બનાવે છે

ચાબહાર પોર્ટનું ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ કેમ છે એ જાણીએ તે પહેલા આપણે એ જાણી લઈએ કે ચાબહાર પોર્ટ એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે. ચાબહાર એ ઓમાનની ખાડીમાં સ્થિત છે અને તે ઈરાનનો એક માત્ર સમુદ્રી છેડો છે. ખનીજતેલથી સમૃધ્ધ એવા ખાડીના દેશોના દક્ષિણી કિનારે જવા માટે એક વખત ચાબહાર પોર્ટ કાર્યરત થઇ જાય પછી ભારતને પાકિસ્તાનના રસ્તે થઈને ત્યાં જવાની જરૂર નહીં રહે.

 

લાગતું વળગતું: ભારત માટે આનંદના સમાચાર લઈને આવ્યું ઈરાનનું ચાબહાર પોર્ટ

હવે જાણીએ ચાબહાર પોર્ટનું મહત્ત્વ જણાવતાં એ સાત કારણો

કારણ 1: સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનું કારણ એ કે ચાબહાર પોર્ટ કાર્યરત થતા ભારત અફઘાનિસ્તાનમાં પોતાના માલસામાનની હેરફેર પાકિસ્તાન થઈને નહીં પરંતુ સીધી જ ઈરાનના આ પોર્ટથી કરી શકશે. આ ઉપરાંત આ પોર્ટ ભારત માટે ઈરાનનો સીધો રસ્તો ખોલી આપશે. ભારત, રશિયા, ઈરાન, યુરોપ અને મધ્ય એશિયાને જોડતો મહત્ત્વનો દરવાજો એટલેકે નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર ભારત માટે ખુલ્લો મુકાશે જેનાથી દરિયાઈ, રેલ્વે અને રોડ વ્યવહાર સરળ બનશે.

કારણ 2: ચાબહાર પોર્ટ આ ક્ષેત્રમાં ચીનની લશ્કરી હાજરીનું મહત્ત્વ ઘટાડશે કારણકે ચીને ઉપર જણાવ્યા અનુસાર પાકિસ્તાનના ગ્વાદર પોર્ટનું ડેવલોપમેન્ટ હાથ ધર્યું છે. ગ્વાદર ચાબહાર પોર્ટથી રસ્તેથી ચારસો કિલોમીટરથી પણ ઓછું અને દરિયાઈ માર્ગે સો કિલોમીટર જ દૂર છે.

કારણ 3: ચાબહાર પોર્ટ ભારત દ્વારા વિક્સીત કરવામાં આવ્યું હોવાથી ઈરાન ભારતનું લશ્કરી ભાગીદાર પણ બનશે. આથી ભવિષ્યમાં જો ચીન તેના નેવી શિપ્સ ગ્વાદર પોર્ટ પર લાંગરીને ભારતને હિન્દ મહાસાગર, પર્શિયન ગલ્ફ અને મધ્યપૂર્વમાં ધમકી આપવાની કોશિશ કરશે તો વળતા જવાબ તરીકે ભારત ચાબહાર પોર્ટનો ઉપયોગ કરી શકશે.

કારણ 4: ચાબહાર પોર્ટ કાર્યરત થઇ જતા ભારતમાં આયર્ન ઓર, ખાંડ અને ચોખાની આયાત સરળ તેમજ સસ્તી થઇ જશે. આ ઉપરાંત જ્યારથી પશ્ચિમી દેશોએ ઈરાન પરના પ્રતિબંધો દૂર કર્યા છે ત્યારથી ભારતે ઈરાનથી ક્રૂડ ઓઈલ આયાત કરવાનું નોંધપાત્ર રીતે વધારી દીધું છે આથી ભારતની તેલ આયાતના ખર્ચમાં પણ વ્યાપક ઘટાડો નોંધાશે.

કારણ 5: ચાબહાર પોર્ટ અફઘાનિસ્તાન સાથે ભારતના માત્ર વ્યાપારિક જ નહીં પરંતુ રાજકીય સંબંધોને પણ મજબૂત બનાવશે. ભારત અફઘાનિસ્તાનને વધુ સારી રીતે આર્થિક સહાયતા કરી શકશે અને છેવટે લાંબાગાળે તેનો રાજકીય લાભ ભારતને જ મળશે.

કારણ 6: ચાબહાર પોર્ટનું વ્યુહાત્મક સ્થાન એટલું મહત્ત્વનું છે કે ભવિષ્યમાં ભારતે કોઈ અન્ય દેશને માનવીય મદદ કરવી પડે એવા સંજોગો ઉભા થાય તો આ પોર્ટ પરથી તે અત્યંત આસાનીથી કરી શકશે.

કારણ 7:  ઈરાન અને અફઘાનિસ્તાનને જોડતો ઝારંજ-ડેલારામ હાઈવે 2009માં ભારતે બાંધી આપ્યો હતો અને હવે ચાબહાર પોર્ટના અસ્તિત્વમાં આવ્યા બાદ આવનારા સમયમાં તે અફઘાનિસ્તાનના મહત્ત્વના શહેરો હેરાત, કંદહાર, કાબુલ અને મઝારે શરીફ સુધી હાઇવે બાંધી શકશે.

eછાપું

તમને ગમશે: મને ચિકનગુનિયા થયો……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here