સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર રોજર ફેડરર બેશક મહાન ટેનીસ ખેલાડી છે પરંતુ …..

0
313

 

ટેનીસમાં કેટલી ગ્રાન્ડસ્લેમ હોય છે? જે ઘરમાં સાસ બહુ સિરિયલોની જગ્યાએ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ જોવાનો રીવાજ હોય તેવા ઘરમાં એક બાળક પણ આ સવાલનો જવાબ ચપટી વગાડતાં જ આપી દેશે કે “ચાર.” જી હા! ટેનિસમાં કુલ ચાર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ આખા વર્ષમાં રમાતી હોય છે. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલીયન ઓપન, માર્ચ-એપ્રિલમાં ફ્રેંચ ઓપન, જૂનમાં વિમ્બલડન અને ઓગસ્ટમાં યુએસ ઓપન. આપણે જાણીએ છીએ કે ટેનિસના હાલના બાદશાહ રોજર ફેડરરે 19 ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી છે,પરંતુ આ એટલે શક્ય બન્યું છે કારણકે હવે તમામ ખેલાડીઓ વધુને વધુ સંખ્યામાં તમામ ગ્રાન્ડસ્લેમ રમે છે જે થોડા જ વર્ષો અગાઉ શક્ય ન હતું.

ઓસ્ટ્રેલિયાના જ મહાન ટેનીસ ખેલાડી રોડ લેવર જેમણે એક જ વર્ષમાં આ ચાર ગ્રાન્ડસ્લેમ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો એ તેમના વિક્રમસર્જક વર્ષના બીજા જ વર્ષે તેઓ ચારમાંથી બે ગ્રાન્ડસ્લેમ રમી જ નહોતા શક્યા. જેમ હાલમાં ટેનીસ ખેલાડીઓના હિતનું ધ્યાન ATP રાખે છે એમ એ સમયે ‘પ્રો ટૂર’ આ કામકાજ સંભાળતું હતું. એ વર્ષે પ્રો ટૂરને એમ લાગ્યું કે ઓસ્ટ્રેલીયન ઓપન અને ફ્રેંચ ઓપનના આયોજકોએ ખેલાડીઓને પૂરતા નાણા આપ્યા નથી એટલે આથી આ બંને ટુર્નામેન્ટ રમવા માટે રોડ લેવરને મંજૂરી મળી ન હતી.

જો કે રોડ લેવરને પણ પોતાના ગ્રાન્ડસ્લેમમાં મળેલા સતત વિજ્યોને આગળ ધપાવવાનો મોકો ન મળવાથી જરાય દુઃખ નથી થયું. તેમના કહેવા અનુસાર તેમને ખરેખર ઓછી પ્રાઈઝ મની ઓફર થઇ હતી અને તે વખતે તેઓ એકત્રીસ વર્ષના હતા એટલે તેઓ પૈસા પાછળ રીતસર દોડી રહ્યા હતા. જો કે લેવર એમની કારકિર્દીના છેલ્લા ચાર વર્ષમાં ફક્ત છ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જ રમી શક્યા હતા.

ઉપરોક્ત હકીકત સામે લાવવા પાછળ કારણ એક જ છે કે આજકાલ લોકો કોઇપણ ટેનીસ પ્લેયરે કેટલી ટુર્નામેન્ટ અને ખાસકરીને ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની જીતની સંખ્યા તેમજ તેમની લાઈફ ટાઈમ પ્રાઈઝ મનીની રકમ પરથી એ ખેલાડીની મહાનતા નક્કી કરે છે. રોડ લેવરે પણ 11 ગ્રાન્ડસ્લેમ જીતી હતી પરંતુ 1969માં એક વર્ષમાં ચારેય ગ્રાન્ડસ્લેમ જીત્યા બાદ તેઓ એકપણ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યા ન હતા. આમ વધુ ગ્રાન્ડસ્લેમ ન જીતવા પાછળ ઘણા બધા કારણો છે અને એક મહત્ત્વનું કારણ એ પણ છે કે ગઈ સદીના ઘણાબધા વર્ષો સુધી આ ચારેય ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના આયોજકો બધા મોટા ખેલાડીઓને રમવાનું આમંત્રણ આપતા પણ ન હતા.

આ ઉપરાંત પ્રવાસના સાધનોની કમીએ પણ મોટો ભાગ ભજવ્યો હતો, કારણકે યુરોપીયન ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલીયા બહુ દૂર પડતું હતું પરંતુ અમેરિકન ખેલાડીઓ દર વર્ષે ઓસ્ટ્રેલિયા રમવા આવતા હતા. આ ઉપરાંત આ ટુર્નામેન્ટના આયોજકો માટે પણ બધા જ ખેલાડીઓનો ખર્ચ ઉપાડવો અને ઇનામી રકમ વગેરે ખૂબ મોંઘુ પડતું હતું. 1968માં છેવટે વ્યવસ્થિત પ્રાઈઝ મની આપવાનું શરુ થયું પરંતુ તે અગાઉ તેનો મોટો ગેરફાયદો એવો થઇ ચૂક્યો હતો કે વધુને વધુ ખેલાડીઓ ટેનીસ રમવાનું છોડીને વિવિધ દેશોમાં કોચિંગ કરવા લાગ્યા અથવાતો તેના પર લેક્ચરો આપવા લાગ્યા.

આ ઉપરાંત ઘણાબધા વર્ષો સુધી ઓસ્ટ્રેલીયન ઓપનને મેજર ટુર્નામેન્ટ ગણવી કે નહીં તે અંગે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા. આ પાછળ કારણ હતું કે બહુ ઓછા ટોચના ટેનીસ ખેલાડીઓ આ ટુર્નામેન્ટ રમવા આવતા તે ઉપરાંત ઓસ્ટ્રેલીયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલા  મેલબર્નમાં રમાતી આ ટુર્નામેન્ટને જોવા આવતા દર્શકોની સંખ્યા પણ પાંખી જ રહેતી. કેન રોઝવેલ 1971 અને 1972 માં ઓસ્ટ્રેલીયન ઓપન જીત્યા હતા. તેમણે પોતાની 1971ની વિનિંગ સ્પીચમાં તે સમયના ખેલાડીઓને રીતસરની વિનંતી કરી હતી કે, “હું એવી આશા રાખું કે આવતે વર્ષે વધુ ખેલાડીઓ અહીં રમવા આવે.”

માત્ર ઓસ્ટ્રેલીયન ઓપન જ નહીં પરંતુ 1970ના દસકાની અન્ય ત્રણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના ઘણા વર્ષો સવાલોના ઘેરામાં રહી છે કારણકે કેટલાક વર્ષોમાં ફ્રેંચ ઓપન, યુએસ ઓપન અને વિમ્બલ્ડનમાં પણ ટોચના ખેલાડીઓ નદારદ રહ્યા હતા. ફ્રેંચ ઓપનમાં તો ક્લે કોર્ટનું આગવું મહત્ત્વ હોય છે અને આ સપાટી પર રમવાની પણ ઘણા ટોચના ખેલાડીઓ એ કાં તો હિંમત નહોતી દેખાડી અથવાતો એમણે આ ટુર્નામેન્ટ અંગે કોઈ પરવા પણ નહોતી કરી.

આ ઉપરાંત રોલેન્ડ ગેરોસે સિત્તેરના દાયકાના મધ્યમાં વર્લ્ડ ટેનીસ પ્લેયર્સ સાથે જોડાયેલા ખેલાડીઓને પોતાને ત્યાં રમવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો અને આ જ કારણે અમેરિકાના લેજન્ડ જીમી કોનર્સ ને 1974માં ચારેય ગ્રાન્ડસ્લેમ જીતવાનો મોકો ગુમાવવો પડ્યો હતો. રોલેન્ડ ગેરોસના પ્રતિબંધને લીધે બ્યોન બોર્ગ અને ક્રિસ એવર્ટ લોઈડ સતત બે વર્ષ ફ્રેંચ ઓપન રમવાથી દૂર રહ્યા હતા. યાદ રહે આ બંને મહાન ખેલાડીઓ ક્લે કોર્ટના ચેમ્પિયન ખેલાડીઓ ગણાતા હતા.

આમ, જો રોજર ફેડરરને આપણે ટેનીસનો અત્યારસુધીનો સૌથી મહાન ખેલાડી ગણતા હોઈએ તો એમ કરવામાં કોઈ વાંધો નથી પરંતુ, ઈતિહાસ કશુંક અલગ જ ચિત્ર આપણી સમક્ષ રજુ કરી રહ્યો છે અને આ ચિત્રને અવગણવું આપણા માટે યોગ્ય નથી. બેશક રોજર ફેડરર મહાનતમ ખેલાડી છે જ અને રહેશે જ પરંતુ ફક્ત તે જ મહાન ખેલાડી છે એવું માનીશું તો રોડ લેવર,જીમી કોનર્સ અને બ્યોન બોર્ગ ઉપરાંત એવા ઘણા મહાન ખેલાડીઓ જે પોતાના કન્ટ્રોલમાં ન હોય એવા કારણોસર ટેનીસથી વર્ષો સુધી દૂર રહ્યા હોય એમની સાથે અન્યાય હશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here