રેમન્ડના એકસમયના માલિક અને અબજોપતિ વિજયપત સિંઘાનિયા આજે રોડ પર

0
540

ભારતભરમાં જાણીતી અને અતિશય સફળ એવી ક્લોધિંગ બ્રાંડ રેમન્ડના માલિક વિજયપત સિંઘાનિયાની વાર્તા સાંભળીયે તો આપણને તરતજ અમિતાભ બચ્ચનની ‘બાગબાન’ યાદ આવી જાય. આપણા વડીલો કહી ગયા છે કે ક્યારેય પોતાની સંપૂર્ણ સંપત્તિ પોતાના સંતાનોને ન આપી દેવી જોઈએ. વિજયપત સિંઘાનિયા જેવો હોંશિયાર વ્યાપારી પણ જો ભાવનાઓમાં આવી જઈને વડીલોની એ સલાહને ન માનવાની ભૂલ કરી બેસે તો સામાન્ય વ્યક્તિની તો શી વિસાત?

વિજયપત સિંઘાનિયાએ બોમ્બે હાઈકોર્ટમાં મલબાર હિલ વિસ્તારમાં રીડેવલોપમેન્ટ કરવામાં આવેલા 36 માળના જેકે હાઉસનો માલિકીહક્ક પરત મેળવવા માટે અરજી કરી છે. પોતાની અરજીમાં સિંઘાનિયાએ સ્વીકાર્યું છે કે તેઓ હાલમાં આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વિજયપત સિંઘાનિયાએ તેમના તમામ શેર્સ છે લગભગ એક હજાર કરોડના મૂલ્યના હતા તેને પોતાના પુત્ર ગૌતમ સિંઘાનિયાના નામે કરી દીધા હતા અને બાદમાં પુત્રએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

સિંઘાનિયાના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે તેમના ક્લાયન્ટ પાસે હાલમાં કોઈ કાર પણ નથી અને તેઓ મુંબઈના નેપિયન સી રોડ પર આવેલા એક મકાનમાં ભાડે રહે છે. વકીલે કહ્યું છે કે હાલમાં જ સિંઘાનિયા પર હાર્ટ સર્જરી પણ થઇ છે. વિજયપત સિંઘાનિયા હાલ 78 વર્ષના છે અને એક સમયે તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન પામતા હતા. પોતાની હાલની હાલતનો સઘળો દોષ સિંઘાનિયાએ પુત્ર ગૌતમ પર ઢોળી દીધો છે.

વિજયપત સિંઘાનિયાના બે પુત્રો છે જેમાંથી સૌથી મોટા મધુપતી સિંઘાનિયાએ 1998માં સિંઘાનિયા પરિવાર સાથે તમામ સંબંધો કટ કરીને પોતાના પત્ની અને ચાર પુત્રોના પરિવાર સાથે સિંગાપોર જતા રહ્યા હતા. સિંગાપોર જતા અગાઉ મધુપતીએ સિંઘાનિયા પરિવાર સાથે કરાર કર્યો હતો કે તેઓ કે તેમનું કોઇપણ સંતાન ભવિષ્યમાં સિંઘાનિયા પરિવારની કોઇપણ પ્રોપર્ટી પર હક્ક નહીં કરે. મધુપતીના આ કરાર બાદ જ ગૌતમ સિંઘાનિયાને રેમન્ડના મેનેજીંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર વિવાદ પાછળ પેલું જેકે હાઉસ છે જે 1960માં જ્યારે બન્યું હતું ત્યારે ચૌદ માળનું હતું અને બાદમાં તેને રેમન્ડની જ સબસીડરી કંપની પાર્થીયન હોલ્ડિંગ્સને આપી દઈને તેને 2007માં રીડેવલોપમેન્ટમાં મુક્યું હતું. આ બિલ્ડીંગમાં ચાર ડુપ્લેક્સ છે જેમાં સિંઘાનિયા પોતે, તેમના પુત્ર તેમજ વિજયપત સિંઘાનિયાના સ્વર્ગવાસી ભાઈ અજયપત સિંઘાનિયાના પત્ની અને તેમના બે પુત્રો રહે છે.

આ દરમિયાન સિંઘાનિયાએ પોતાની સમગ્ર સંપત્તિ ગૌતમને આપી દીધી અને ગૌતમે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હોવાનો આરોપ વિજયપતના વકીલે કોર્ટમાં મૂક્યો છે. વિજયપત સિંઘાનિયાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે ગૌતમ તેમને ધાકધમકી પણ આપતા હતા અને આ ઉપરાંત તેમણે પોતાના કેટલાક અંગત પ્રોપર્ટી અને બેંક દસ્તાવેજો રેમન્ડના બે વિશ્વાસુ કર્મચારીઓને આપ્યા હતા પરંતુ ગૌતમના કહેવાથી તે બંને પણ આ દસ્તાવેજો લઈને ક્યાંક ભાગી ગયા છે.

નેપિયન્સી રોડના મકાનનું ભાડું દર મહીને સાત લાખ જેટલું થવા જાય છે અને વિજયપત સિંઘાનિયાએ આ ભાડું પણ રેમન્ડ ચૂકવી આપે તેવી માંગણી કરી છે.

વિજયપત સિંઘાનિયાએ પોતે મહેનત કરીને રેમન્ડ બ્રાંડ બનાવી છે અને આજે તેમની આ હાલત જોઇને કોઈને પણ આઘાત લાગે. કદાચ આજની પેઢીને વિજયપત સિંઘાનિયા કોણ છે એનો ખ્યાલ ન પણ હોય. ઉદ્યોગપતિ હોવા ઉપરાંત વિજયપત સિંઘાનિયાએ એરક્રાફ્ટ ફ્લાઈંગમાં પણ ઘણા વિક્રમો સ્થાપિત કર્યા છે.  તો આવો જાણીએ ભારતના એક સમયના બિઝનેસ ટાઈકૂન વિષે.

બિઝનેસ ટાયકૂન વિજયપત સિંઘાનિયાની સિધ્ધિઓ

  • વિજયપત સિંઘાનિયા સફળ ઉદ્યોગપતિ હોવા છતાં સદાય એક ઉત્સાહી વિમાનચાલક રહ્યા છે અને તેમણે 67 વર્ષની ઉંમરે સૌથી ઉંચા સ્તરે હોટ એર બલૂન ચલાવવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો જે આજે પણ કાયમ છે.
  • સિંઘાનિયા આજે પણ યુકેથી ભારત સુધી સોલો માઈક્રોલાઈટ એરક્રાફ્ટ ઉડાડવાનો વિશ્વવિક્રમ ધરાવે છે.
  • વિજયપત સિંઘાનિયા પાસે પાંચ હજાર કલાકથી પણ વધારે ફ્લાઈટ ઉડાડવાનો અનુભવ છે.
  • 1994માં વિજયપત સિંઘાનિયાએ ફેડરેશન એરોનોટિક ઇન્ટરનેશ્યોનાલની એર રેસમાં 34,000 કિલોમીટરનું અંતર ચોવીસ દિવસમાં કાપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • ઉપરોક્ત સિધ્ધી માટે વિજયપત સિંઘાનિયાને ઇન્ડિયન એરફોર્સના ઓનરરી એર કોમોડોરના પદથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 2005માં સિંઘાનિયાને રોયલ એરો ક્લબ તરફથી ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો ભારત સરકારે 2006માં તેમને પદ્મભૂષણ એનાયત કરીને સન્માન આપ્યું હતું.
  • 19 ડિસેમ્બર 2005 થી 18 ડિસેમ્બર 2006 સુધી વિજયપત સિંઘાનિયા મુંબઈ શહેરના શેરીફ રહ્યા હતા.
  • પોતાની 1988ની યુકેથી ઇન્ડિયાની માઈક્રોલાઈટ એરક્રાફ્ટની સફર પર વિજયપત સિંઘાનિયાએ ‘એન એન્જલ ઇન ધ કોકપીટ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.
  • માર્ચ 2017માં વિજયપત સિંઘાનિયાને IIM અમદાવાદની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન તરીકે નોમીનેટ કરાયા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here