‘શૌચ’ બડી ચીઝ હૈ! – રીવ્યુ: ટોઇલેટ એક પ્રેમ કથા

1
365

જ્યારે કોઈ મહાન વ્યક્તિની બાયોપિક બનાવી રહ્યા હોવ કે કોઈ સરકારી મેસેજ લોકો સુધી એક ફીચર ફિલ્મ દ્વારા પહોંચાડવો હોય ત્યારે તે ફીચર ફિલ્મ જ બની રહે અને બોરિંગ દસ્તાવેજી ચિત્ર ન બની જાય તેની વધારાની જવાબદારી ફિલ્મના લેખકો અને ડીરેક્ટર પર આવી પડતી હોય છે. સર રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ અને કેતન મહેતા ની ‘સરદાર’ ભલે મહાન વિભૂતિઓની વાત કરતી હતી પરંતુ તેમના અને તેમના લેખકોના કૌશલ્યએ આ બંને ફિલ્મોને જરાય બોરિંગ બનાવી ન હતી. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ એ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આદરેલા ‘સ્વચ્છ ભારત મિશન’ ના સૌથી મોટા હિસ્સા એવા શૌચાલય નિર્માણનો સીરીયસ મેસેજ હસતાં હસાવતાં આપી જાય છે.

કથાસાર

ઉત્તર પ્રદેશના મથુરા જીલ્લાના બે નાના ગામડાઓમાં રહેતા કેશવ (અક્ષય કુમાર) અને જયા (ભૂમિ પેડણેકર) શરૂઆતની બોલાચાલી બાદ એકબીજાના પ્રેમમાં પડે છે. બાઉજી એટલેકે કેશવના પિતા (સુધીર પાંડે) અત્યંત કડક સ્વભાવના હોવા ઉપરાંત અત્યંત ધાર્મિક અને મહદઅંશે અંધશ્રદ્ધાળુ પણ હોય છે તેમને પણ કેશવ કોઈને કોઈ રીતે મનાવીને પોતાનાથી ખૂબ વધારે ભણેલી જયાને પરણે છે. લગ્ન થયાની પહેલીજ સવારે જયાને ભાન થાય છે કે તેના સાસરામાં શૌચાલય જ નથી અને ગામની મહિલાઓ ‘લોટા પાર્ટી’ બનાવીને ગામથી કિલોમીટર દૂર ખેતરમાં જઈને રોજ સવારે ખુલાસો કરે છે.

પોતાના પિયરમાં શૌચાલય હોવાને લીધે ભૂમિ આ હકીકત સામે આવતાંજ ગુસ્સે થઇ જાય છે અને ખેતરમાં જઈને શૌચ કરવાનો ઇનકાર કરે છે. પરંતુ કેશવના બાઉજી જે આંગણામાં તુલસી ક્યારો હોય ત્યાં શૌચાલય બાંધવાનો ધરાળ ઇનકાર કરે છે. પત્નીપ્રેમ હોય કે કોઈ બીજું કારણ, કેશવ પણ બાઉજીને ખબર ન પડે એમ જયાને બરોબર સાથ આપે છે અને પોતાની પત્ની રોજ કોઈને કોઈ રીતે હળવી થાય એના માટે નવાનવા જુગાડ કરતો રહે છે. પણ, જયાને જુગાડ નહીં પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ જોઈતો હોય છે અને એવામાં જ કશુંક એવું બને છે કે જયા કાયમમાટે કેશવનું ઘર છોડીને જતી રહે છે. જયાના જવાથી આક્રોશિત થયેલો કેશવ બાઉજી અને અન્ય ગ્રામવાસીઓ સામે બળવો પોકારીને ઘરમાં શૌચાલય બાંધવાનો ફેંસલો કરે છે.

અભિનય

ટોઇલેટ એક પ્રેમ કથાના મુખ્ય ચાર કલાકારો છે કેશવ એટલેકે અક્ષય કુમાર, જયા એટલેકે ભૂમિ પેડણેકર, બાઉજી તરીકે સુધીર પાંડે અને કેશવના નાના ભાઈ નરુ તરીકે દિવ્યેંદુ શર્મા. આ ઉપરાંત કક્કાના રૂપમાં અનુપમ ખેર, દાદીના રૂપમાં શુભા ખોટે અને જયાના પિતા તરીકે સત્યજીત દૂબે. ચાલો આપણે વન બાય વન આ કલાકારો અને તેમના અભિનય વિષે ચર્ચા કરીએ.

અક્ષય કુમાર: અક્ષય કુમારને આપણે ‘મોડર્ન ભારત કુમાર’ કહીએ તો એમાં હવે તો બિલકુલ કોઈને વાંધો ન હોવો જોઈએ. અક્ષય કુમારે છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી  વારાફરતી દેશપ્રેમને અથવાતો દેશનો સંપર્ક કરતી સમસ્યાઓ પર વધારે ધ્યાન આપ્યું છે. કદાચ ખુદની વધતી ઉંમરનું અક્ષય કુમારે બોલીવુડના ટોચના અદાકારોમાં સૌથી પહેલાં સ્વાગત કરી લીધું છે. આ ફિલ્મનો કેશવ પણ છત્રીસ વર્ષનો અપરણિત યુવાન છે એવું પહેલેથીજ જાહેર કરી દેવામાં આવ્યું છે, એટલે અક્ષય કુમારનો મેચ્યોર ચહેરો પણ સહજતાથી એનાથી ઘણી નાની દેખાતી ભૂમિ સાથે રોમાન્સ કરે તો જરાય ખૂંચતું નથી.

કોમિક ટાઈમિંગ એ હવે અક્ષય કુમારના ડાબા કે જમણા હાથનો ખેલ બની ચૂક્યો છે અને તે નોનસેન્સ અને સેન્સફૂલ કોમેડીને એકસરખા નિયંત્રણ સાથે હેન્ડલ કરી શકે છે. અહીં પણ અક્ષય કુમારે એની કોમિક સેન્સનો અને એની ડાયલોગ બોલવાની અમુક જે સ્પેશિયલ સ્ટાઈલ છે એનો કન્ટ્રોલમાં રહીને ઉપયોગ કર્યો છે કારણકે ફિલ્મનો મેસેજ સીરીયસ છે. આ ઉપરાંત ફિલ્મ જ્યારે ટર્ન લે છે ત્યારે અથવાતો સુધીર પાંડે સાથે તેની ચકમક ઝરે છે એવા સીનમાં અક્ષયે પોતાનો આક્રોશ પણ એટલીજ સહજતાથી દેખાડ્યો છે. અક્ષય કુમારના ડેબ્યુ સમયથી એની ફિલ્મો જોતા બોલિવુડ ચાહકો માટે છેલ્લા ત્રણેક વર્ષનો અક્ષય એ સુખદ આશ્ચર્યથી જરાય ઓછો નથી.

ભૂમિ પેડણેકર: ‘દમ લગાકે હઈશા’માં શરૂઆતમાં શાંત અને સહજ ભૂમિ બાદમાં થોડી આક્રોશિત થયેલી જોઈ હતી, અહીં ભૂમિ એકરીતે જોઈએ તો સમગ્ર ફિલ્મમાં તોફાની અને મસ્તીખોર બતાવી છે, ખાસકરીને કેશવની પ્રેમિકા તરીકે. પરંતુ જ્યારે એના સન્માનનો સવાલ આવતા દ્રશ્યો આવે છે ત્યારે ભૂમિ પેડણેકરનું નવુંજ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ. ઈમોશનલ દ્રશ્યોમાં પણ ભૂમિ જરાય નિરાશ કરતી નથી. દમ લગાકે હઈશા અને હવે ટોઇલેટ એક પ્રેમ કથા બાદ ભૂમિ પેડણેકર ભવિષ્યમાં સ્ત્રી સશક્તિકરણનો ચહેરો બની જાય એવીજ ફિલ્મો સ્વીકારવાની ભૂલ ન કરે તો તેના માટે જ યોગ્ય રહેશે અને એમ કરીને તે એના ભરપૂર ટેલેન્ટને એ ન્યાય પણ આપી શકશે.

સુધીર પાંડે: દૂરદર્શનના સમયથી જ સૌથી ગમતીલા કલાકારોમાંથી એક સુધીર પાંડેને વર્ષો બાદ મોટા પડદે લાંબા રોલમાં જોવાની ખૂબ મજા આવે છે. સુધીર પાંડે એક એવા અદાકાર છે જે પ્રાણની જેમ આંખો અને ચહેરાથી અભિનય કરે છે અને અહીં તે અક્ષય કુમારને પોતાના ચહેરાના હાવભાવથી બરોબરની ટક્કર આપે છે. ઉત્તર પ્રદેશના કોઈ પંડિત હોય તો એ કેવા હોય? એવો સવાલ જો મનમાં થતો હોય તો આ ફિલ્મના બાઉજી એટલેકે સુધીર પાંડેને જોઈ લેવા. ફિલ્મમાં મોટાભાગે એમને સીરીયસ રહેવાનું અથવાતો ગુસ્સે થવાનું વધુ આવ્યું છે પરંતુ એક બે દ્રશ્યોમાં જરાક કોમેડી કરવાની આવી છે ત્યાં પણ સુધીરભાઈ મજા કરાવી જાય છે. સુધીર પાંડેની અદાકારીની હાઈટ એ દ્રશ્યમાં જોવા મળે છે જ્યારે તેમની માતાને અચાનક આવી પડેલી તકલીફને લીધે તેમને પોતાની એક મોટી ભૂલનો અહેસાસ થાય છે. જો તમે હજીસુધી આ ફિલ્મ જોઈ નથી તો જ્યારે પણ જુઓ ત્યારે આ દ્રશ્ય પર ખાસ ધ્યાન આપજો.

દિવ્યેંદુ શર્મા: ‘પ્યાર કા પંચનામા’ના નિશાંત અગ્રવાલ ઉર્ફે લિક્વિડ તરીકે એ ફિલ્મની શરૂઆતમાં જેરીતે દિવ્યેંદુ શર્મા ધાણીફૂટ અપશબ્દો બોલે છે એ જ રીતે અહીં તે માઈનસ અપશબ્દ સતત બોલેજ રાખે છે. જો આ ફિલ્મની વાર્તામાં નરુ એટલેકે દિવ્યેંદુના કોઈ કાર્યથી ટ્વીસ્ટ આવ્યો હોત તો તેને જરૂર ફિલ્મનો મેન ઓફ ધ મેચ જાહેર કરી શકાયો હોત, પરંતુ તેમ છતાં, અક્ષયના નાનાભાઈ તરીકે દિવ્યેંદુએ દૂધમાં સાકર ભળી જાય એવું પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મમાં મોટેભાગે તે અક્ષયની સાથેજ હોય છે અને કદાચ એટલેજ અક્ષયની અદાકારી પણ નીખરી છે. કુટુંબનો સૌથી નાનો દીકરો હોવાથી નરુ બાઉજીના ગુસ્સાથી પણ ખૂબ ડરે છે, પણ સમય આવ્યે તેમની ફીરકી લેવાનું પણ ચૂકતો નથી. એક દ્રશ્યમાં જ્યારે સુધીર પાંડે અક્ષય કુમારને થપ્પડ ચોંટાડી દે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં દિવ્યેંદુનું બાઉજી પોતાને પણ થપ્પડ ન મારી દે એટલે ઘરમાં ઘૂસવું કે બહાર જતું રહેવું એવી અસમંજસ જો ધ્યાનથી જોશો તો ખડખડાટ હસ્યા વીના નહીં રહી શકો.

સાથી કલાકારો: અનુપમ ખેરની હાજરી હવે ગમે તે ફિલ્મમાં જોવા મળે છે એટલે એનાથી કોઈ આશ્ચર્ય પણ નથી થતું કે પછી એમને જોઇને પહેલા જેવો આનંદ પણ નથી થતો. અહીં જોકે એમણે કક્કા તરીકે થોડી મજા કરાવી છે પણ તેનાથી ફિલ્મની કથા પર કોઈજ અસર પડતી નથી. આ ઉપરાંત ભૂમિના પિતા તરીકે સત્યજીત દૂબે અને અક્ષયની દાદી તરીકે ઘણા સમયબાદ શુભા ખોટેને જોઇને આનંદ થાય છે. આ ઉપરાંત અક્ષય કુમારની ફિલ્મોમાં હવે લગભગ રેગ્યુલર થઇ ચૂકેલા રાજેશ શર્મા પણ સરકારી અધિકારી તરીકે પોતાનો રોલ કહ્યા પ્રમાણે ભજવી જાય છે.

સંગીત, સ્ક્રિપ્ટ અને નિર્દેશન

ફિલ્મના બે ગીતો “હસ મત પગલી પ્યાર હો જાયેગા” અને “ગોરી તુ લઠ માર” ઓલરેડી અત્યંત લોકપ્રિય થઇ ગયા છે પરંતુ તે જેટલા કર્ણપ્રિય છે એટલી ફિલ્મમાં ધારી અસર છોડતા નથી. ‘ટ્યુબલાઈટ’, ‘જગ્ગા જાસૂસ’ અને છેલ્લે ‘જબ હેરી મેટ સેજલ’ જોઇને એમ લાગી રહ્યું હતું કે બોલિવુડ સ્ક્રિપ્ટ નામના મહત્ત્વના સાધનને ભૂલી ગયું છે કે શું? પરંતુ અહીં ઉપરવાળાની દયાથી સ્ક્રિપ્ટ હાજરાહજૂર છે અને કદાચ એટલેજ ફિલ્મ બીજા હાફમાં સહેજ ખેંચાતી હોવા છતાં તેને માફ કરી દેવાનું મન થાય છે. મજબૂત અથવાતો સારી સ્ક્રિપ્ટ કદાચ ડીરેક્ટરનું કામ આસાન કરી દે છે અને તેથી જ ફિલ્મને એના વહેણ મુજબ ચાલવા દેવાની ફિલ્મના ડીરેક્ટર શ્રી નારાયણ સિંઘને સરળતા રહી હશે.

નીચોડ

જે ફિલ્મ જોતી વેળાએ મોટાભાગના દર્શકો સાથે હસે, તાળીઓ પાડે અને કોઈકવાર તેને ચીયર પણ કરે તે ફિલ્મ જોવી જોઈએ કે નહીં એ નિર્ણય તમારા પર જ છોડી દઈએ છીએ. ફિલ્મ ભલે કોઈ ગામડાની છે પરંતુ શહેરી દર્શકોને પણ એ એટલીજ અપીલ કરે છે કારણકે ભારતના ગામડાઓમાં જ નહીં પરંતુ શહેરોમાં પણ ઝુંપડપટ્ટીમાં જ્યાંજ્યાં શૌચાલય નથી ત્યાં લોકોને અને ખાસકરીને સ્ત્રીઓને કેવી તકલીફ પડે છે એનો સીધો ચિતાર આ ફિલ્મ તેમને આપે છે. ગામડાઓમાં તો આ ફિલ્મ લોકોને પોતીકી લાગશેજ એમાં કોઈ સવાલ જ નથી.

માત્ર દોરી જેટલી પાતળી એક સત્યઘટના પરથી ૧૬૪ મિનીટની ફિલ્મ અને તે પણ મનોરંજક ફિલ્મ એક સિરિયસ મેસેજ સાથે ડીલીવર કરવી એ એટલીસ્ટ આજના બોલિવુડની વાત કરીએ તો કોઈ કાચાપોચાનું કામ તો નથી જ.

ફિલ્મ રીવ્યુ એ છેવટે રીવ્યુકારનો અંગત મત હોય છે આથી ફિલ્મ જોવાનો તમારો નિર્ણય કોઇપણ રીવ્યુ પર આધારિત ન હોવો જોઈએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here