ટચૂકડો પેસિફિક દેશ ગુઆમ જેના પર ઉત્તર કોરિયાઈ સરમુખત્યાર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે

0
432

અત્યારસુધી અમેરિકાના અમુક શહેરોને પોતાના ન્યુક્લિયર મિસાઈલ ટાર્ગેટ કરી શકતા હોવાનો દાવો કરનાર ઉત્તર કોરિયાનો કમ્યુનિસ્ટ સરમુખત્યાર કિમ જોંગ ઉન હવે અમેરિકાની કોલોની એવા ટચૂકડા ટાપુ ગુઆમ પર ગમેત્યારે હુમલો કરી દેશે એવી ધમકી આપી રહ્યો છે. સુદૂર અમેરિકાના મોટા મોટા શહેરો પોતાની મિસાઈલની રેન્જમાં હોવાનો દાવો રહેલા કિમ જોંગ ઉન અચાનક જ પોતાની સૌથી નજીકના ‘અમેરિકન છેડા’ પર હુમલો કરવાનું કેમ બોલવા લાગ્યો એ ચર્ચાનો અલગ વિષય છે.

કિમ જોંગ ઉનની ધમકી બાદ ગુઆમ અચાનક જ સમગ્ર વિશ્વની નજરમાં આવી ગયું છે અને આ ‘ટાપુદેશ’ વિષે વધારે માહિતી મેળવવા લોકોમાં ઉત્કંઠા જાગી રહી છે. ગુઆમ પર ઉત્તર કોરિયા હુમલો કરશે કે કેમ એ તો કોઈજ નહીં કહી શકે પરંતુ ગુઆમના લોકો, ત્યાંની સંસ્કૃતિ અને અમેરિકા માટે તેનું કેમ વિશેષ મહત્ત્વ છે તેના વિષે આપણે અત્યારે પણ જાણી શકીએ છીએ.

અમેરિકાની પેસિફિક મહાસાગરમાં આવેલી મહત્ત્વની કોલોની એટલે ગુઆમ

ગુઆમનો ઈતિહાસ

1565માં ગુઆમ પર આક્રમણ કર્યા બાદ લગભગ ત્રણસોથી પણ વધુ વર્ષ તેના પર સ્પેનનું શાસન રહ્યું હતું. ત્યારબાદ 1898માં થયેલા સ્પેનીશ-અમેરિકન વોર બાદ ગુઆમ પર અમેરિકાનો કબ્જો થયો હતો. જો કે બીજા વિશ્વયુધ્ધ દરમિયાન જાપાને લગભગ બે વર્ષ સુધી ગુઆમને પોતાના કન્ટ્રોલમાં લઈને પોતાનું રાજ ચલાવ્યું હતું. વિશ્વયુધ્ધમાં જાપાનની હાર થઇ અને ગુઆમ પર ફરીથી અમેરિકન સત્તા બેસી ગઈ. 1950માં અમેરિકન કોંગ્રેસે એક કાયદા દ્વારા ગુઆમને અમેરિકાનો બિનજોડાણવાળો સંગઠિત પ્રદેશ જાહેર કર્યો હતો.

ઉપરોક્ત કાયદા અનુસાર ગુઆમ પાસે અત્યંત ઓછા પ્રમાણમાં શાસનાધિકાર છે જેમાં ત્યાંના નાગરિકો જ ગવર્નરની ચૂંટણી કરે છે. અહીં નાનકડી સંસદ પણ છે અને ગુઆમનો એક પ્રતિનિધિ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં હાજરી પૂરાવે છે પરંતુ તેને મતદાનનો અધિકાર નથી હોતો. ગુઆમમાં જન્મેલા તમામ નાગરિકો જન્મજાત અમેરિકન નાગરિકો ગણાય છે પરંતુ તેઓ પોતાનો ઇન્કમ ટેક્સ અમેરિકાને નથી આપતા કે પછી તેમને અમેરિકામાં મતાધિકાર પણ નથી મળતો.

ગુઆમના નાગરિકો અને સંસ્કૃતિ

ચામાર્રોઝ એ ગુઆમની સૌથી જૂની વંશીય જાતી છે જે લગભગ ચાર હજાર વર્ષ અગાઉ અહીં આવી હોવાનું કહેવાય છે અને તેની આ ટાપુ પર બહુમતી છે. હાલમાં ગુઆમની કુલ વસ્તી દોઢ લાખથી સહેજ વધારે છે. ગુઆમનું પાટનગર હગટાના છે જ્યારે તેનું સૌથી મોટું શહેર ડેડેડો છે. અહીંના લોકો પોતાની સ્થાનિક ભાષા ચમોર્રો તેમજ અંગ્રેજી આસાનીથી બોલી અને સમજી શકે છે. પ્રવાસન એ ગુઆમના નાગરિકોને સૌથી મોટી સંખ્યામાં રોજી રળી આપે છે. ભૂતકાળમાં અહીં વધારે સત્તા માટે અથવાતો અમેરિકાના રાજ્ય બનવા માટેની ઘણી ચળવળો થઇ હતી પરંતુ તે તમામ નિષ્ફળ ગઈ હતી. સૌથી નોંધપાત્ર ચળવળ 1980માં થઇ હતી જેમાં ગુઆમને પ્યુર્ટો રિકોની સમકક્ષ અમેરિકન કોમનવેલ્થ ગણવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી પણ આ ચળવળ પણ છેવટે નિષ્ફળ રહી હતી.

ગુઆમની ભૌગોલિક પરિસ્થિતિ

 

પેસિફિક મહાસાગરમાં ગુઆમ એક પહોળી પટ્ટી જેવું દેખાય છે અને તેનું કુલ ક્ષેત્રફળ અમેરિકાના સૌથી મોટા શહેરોમાંથી એક એવા શિકાગો જેટલું છે. ગુઆમનો સૌથી સાંકડો ખૂણો માત્ર છ કિલોમીટર જેટલો પહોળો છે. ઉત્તર કોરિયાને ગુઆમ પર હુમલો કરવામાં રસ એટલે પડ્યો છે કારણકે તે અમેરિકાનું જે ભૂભાગમાં શાસન ચાલતું હોય તેનાથી સૌથી નજીક છે. અમેરિકાથી સૌથી દૂર આવેલું તેનું રાજ્ય હવાઈ ઉત્તર કોરિયાથી પૂર્વ દિશામાં 6,500 કિલોમીટર દૂર આવેલું છે જ્યારે તેની સરખામણીમાં ગુઆમ માત્ર 3,500 કિલોમીટર જ દૂર છે.

અમેરિકા માટે ગુઆમનું આગવું મહત્ત્વ

ચીન, જાપાન, ફિલીપાઈન્સ તેમજ બંને કોરિયાઈ દેશોથી સાવ નજીક હોવાને લીધે અમેરિકાના લશ્કર માટે ગુઆમનું આગવું વ્યૂહાત્મક મહત્ત્વ છે. ગુઆમમાં અમેરિકાના બે મોટા લશ્કરી થાણા છે. ઉત્તરમાં એન્ડરસન એરફોર્સ બેઝ અને દક્ષિણમાં નેવલ બેઝ. આ બંને બેઝને સંયુક્ત બેઝ મેરીઆન્ઝ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે. ઉત્તરનો એરબેઝ 1944માં બીજા વિશ્વયુધ્ધ દરમિયાન જાપાન પર બોમ્બમારો કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

લાગતું વળગતું: હિરોશીમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલા : કારણો અને તારણો

એન્ડરસન એરબેઝ પર એક નેવી હેલિકોપ્ટર સ્કવોડ્રન અને એરફોર્સ બોમ્બર હાજર હોય છે. આ એરફોર્સ બેઝ પર ત્રણ કિલોમીટર લાંબો રનવે છે જેમાં ઇંધણ અને શસ્ત્રોનો મોટો ભંડાર રાખવામાં આવ્યો છે. જ્યારે ગુઆમના નેવલ બેઝ પર કાયમ ચાર ફાસ્ટટ્રેક સબમરીન તેમજ બે સબમરીન ટેન્ડર્સ કોઇપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહે છે. આ ઉપરાંત સાત હજાર અમેરિકી સૈનિકોની કાયમી હાજરી ગુઆમમાં જોવા મળે છે.

ગુઆમના અમેરિકી મિલીટરી બેઝનો ઈતિહાસ

અમેરિકન સેનાએ ગુઆમનો મિલીટરી બેઝ ભલે જાપાન પર બોમ્બમારો કરવા માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ તેનો મહત્તમ ઉપયોગ વિયેતનામ યુધ્ધ વખતે કરાયો હતો. આ સંપૂર્ણ એરબેઝનો જો વિસ્તાર ગણવામાં આવે તો તે ગુઆમના કુલ ક્ષેત્રફળનો 30%  ભાગ રોકે છે. ગુઆમના મહત્ત્વને ધ્યાનમાં રાખીને અમેરિકા જાપાનના ઓકીનાવા ખાતેના તેના મરીન્સને પણ ગુઆમ ખાતે શિફ્ટ કરવાનું વિચારી રહ્યું છે. અમેરિકા માટે ગુઆમની સુરક્ષા કેટલી મહત્ત્વની છે  એ ત્યાં ગોઠવવામાં આવેલા ટર્મિનલ હાઈ અલ્ટીટ્યુડ એરિયા ડીફેન્સ અથવાતો THAAD સીસ્ટમની હાજરીથી સાબિત થઇ જાય છે. THAAD એક એવી સીસ્ટમ છે જે ટ્રક પર લોડ કરી શકાય છે અને કોઇપણ બેલીસ્ટીક મિસાઈલને હવામાંજ તોડી પાડવા માટે સક્ષમ છે. અહીંની પ્રજા દ્વારા ભૂતકાળમાં અમેરિકી રક્ષા બળોની આટલી મોટી હાજરી પર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ તે છેવટે ગુઆમનું અર્થતંત્ર જેના લીધે ચાલે છે તે ટુરીઝમ બાદ બીજું સૌથી મોટું મહત્ત્વ ધરાવે છે.

ગુઆમ પર ઉત્તર કોરિયા હુમલો કરશે?

અમેરિકાના વરિષ્ઠ નેશનલ સિક્યોરીટી અધિકારીઓએ એ હકીકતનો સ્વીકાર કર્યો છે કે ઉત્તર કોરિયા સાથે યુધ્ધ થશેજ એ જરૂરી નથી, પરંતુ તેનો ભય એક દાયકા અગાઉ હતો તેનાથી વધારે જરૂર છે. CIAના ડીરેક્ટર માઈક પોમ્પીઓ અને આર્મીના લેફ્ટનન્ટ જનરલ એચ આર મેકમાસ્ટર જે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેશનલ સિક્યોરીટી સલાહકાર છે તેમનું કહેવું છે કે યુધ્ધ નીવારી શકાય છે પરંતુ પ્રમુખ ટ્રમ્પની ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથેની કડક ભાષાની વાતચીત પણ જરૂરી છે.

મેકમાસ્ટરના કહેવા અનુસાર અમેરિકા ‘અડગ રાજદ્વારી પ્રયાસો’ દ્વારા ઉત્તર કોરિયા પર નવા નાણાંકીય પ્રતિબંધો લાવશે જે કિમ જોંગ ઉનને વધારે આક્રમક બનતા અટકાવશે અને આ અંગે સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટીલરસનના નેતૃત્વમાં કાર્ય જારી રહેવાનું છે.

સામાન્યતઃ કોઈ ટચૂકડા દેશ વિષેની માહિતી તે દેશ પર કોઈ કુદરતી આફત આવી પડે અથવાતો તે કોઈ લશ્કરી આક્રમણનું કેન્દ્ર બને ત્યારેજ વિશ્વ સમક્ષ આવતી હોય છે. વર્ષો અગાઉ કુવૈત વિષે પણ લોકોને તેના પર ઈરાકે કરેલા હુમલા બાદ જ વધારે માહિતી મળી હતી અને હવે ગુઆમ કિમ જોંગ ઉનની ધમકી બાદ સ્પોટલાઈટ હેઠળ આવ્યું છે. આપણે ઈચ્છીએ કે શાંતિપ્રિય ગુઆમની જનતાને યુધ્ધના ત્રાસમાંથી પસાર ન થવું પડે.

eછાપું

તમને ગમશે: ખીચડી: ખરેખર ‘નેશનલ ફૂડ’ કહી શકાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here