ભારતની ઓલરાઉન્ડરની વર્ષો જૂની શોધ હાર્દિક પંડ્યા પર પૂરી થાય છે?

0
314

જેમ સુનીલ ગાવસ્કરની નિવૃત્તિ બાદ છેક સહેવાગના આગમન સુધી ભારતને એક કાયમી ઓપનીંગ બેટ્સમેનની ખોટ સાલી હતી એમ કપિલદેવની નિવૃત્તિ બાદ ભારતને હજીસુધી એક જોરદાર ઓલરાઉન્ડર પણ નથી મળ્યો. અત્યારસુધી કોઇપણ ‘કહેવાતો ઓલરાઉન્ડર’ એકાદ બે મેચમાં સારો દેખાવ કરે એટલે આપણું મીડિયા એને બીજો કપિલદેવ ગણાવવા લાગતું અને છેવટે એ ઓલરાઉન્ડર પોતાના અતિશય ખરાબ દેખાવને લીધે એવો ખોવાઈ જાય કે દીવો લઈને શોધીએ તો પણ ન મળે.

હાલમાં જ પૂરી થયેલી શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝની છેલ્લી ટેસ્ટમાં ગુજરાતના હાર્દિક પંડ્યાએ તેની પ્રથમ ટેસ્ટ અને ફર્સ્ટક્લાસ સેન્ચુરી કરી અને એ પણ લંચ પહેલાના એકમાત્ર સેશનમાં. આ સદી સાથે હાર્દિક પંડ્યાએ કોઇપણ ભારતીય દ્વારા કોઇપણ દિવસના પહેલા સેશનમાં સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ પણ કાયમ કર્યો. હાર્દિકના સેન્ચુરી બનાવવા સાથે ભારતીય મીડિયા અને કેટલાક સ્ટુડિયો પંડિતોએ ફરીથી કપિલદેવનો વિકલ્પ મળી ગયો હોવાની જૂની અને જાણીતી ટેપ વગાડવાનું શરુ કરી દીધું છે.

ટેસ્ટ મેચોમાં કોઈ ઓલરાઉન્ડર છઠ્ઠે કે સાતમે નંબરે આવીને રન કરે તો તે કેપ્ટન માટે અત્યંત મદદરૂપ બનતો હોય છે. અને હાર્દિક પંડ્યાએ તો છેલ્લી ટેસ્ટમાં છેક આઠમાં નંબરે આવીને ધડાધડ સેન્ચુરી ફટકારી દીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે ભારતનો સ્કોર 339/7 હતો અને ભલે સામે શ્રીલંકાની નબળી ટીમ હતી પરંતુ ઓછામાં ઓછા 400 રનની દરકાર તો ટીમને હતી જ. આવામાં હાર્દિકે માત્ર 96 બોલમાં 108 રન બનાવીને ભારતને છેક 487ના સ્કોરે પહોંચાડી દીધું અને છેવટે આ ટેસ્ટ ભારત એક ઇનિંગથી જીતી ગયું.

તો શું હાર્દિકની આ એક ઇનિંગથી તેને કપિલનો વિકલ્પ ગણી શકાય? બિલકુલ નહીં. હાર્દિક પંડ્યા બેશક ટેલેન્ટેડ ખેલાડી છે પરંતુ તેને હજી કપિલની ઉંચાઈ સુધી પહોંચતા ઘણીબધી પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે. મેચ પત્યા બાદ ખુદ હાર્દિકે કહ્યું છે કે જો તે કપિલદેવના દસ ટકા પણ એચીવ કરશે તો પણ તેને આનંદ થશે. હાર્દિકનું આ સ્ટેટમેન્ટ પેલા સ્ટુડિયો પંડિતો કરતાં તો ઘણું રાહત આપનારું છે.

જ્યારે કપિલદેવ રમતો હતો તે સમય અને તેનો આગળનો સમય એ ઓલરાઉન્ડર્સનો સમય હતો. કપિલ પહેલાં સર ગેરી સોબર્સ જેવા મહાન ઓલરાઉન્ડર થયા હતા. કપિલની સાથે સર રિચર્ડ હેડલી, ઇમરાન ખાન અને સર ઇયાન બોથમ જેવા મેચ વિનર ઓલરાઉન્ડર્સ આપણને જોવા મળ્યા હતા. કપિલદેવે તો આપણને એકલેહાથે કેટલી બધી મેચો જીતાડી હતી? પરંતુ કપિલદેવ બાદ?

કપિલના સમયમાં જ આપણને એક બીજો ઓલરાઉન્ડર મળ્યો હતો, રવિ શાસ્ત્રી. શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ જેવી તે સમયની બળુકી ટીમો સામે સેન્ચુરી બનાવી હતી. શાસ્ત્રીએ ભલે ટેસ્ટમાં સારી એવી બોલિંગ કરી હોય પરંતુ તેમ છતાં તેને જો કે બેટિંગ ઓલરાઉન્ડર કહેવો વધારે યોગ્ય રહેશે કારણકે તેણે તેની મોટાભાગની કારકિર્દીમાં ટોચના ક્રમે આવીને બેટિંગ કરી હતી. શાસ્ત્રીએ પોતાની 11 ટેસ્ટ સદીઓમાંથી મોટાભાગની ઓપનીંગ બેટ્સમેન તરીકે બનાવી હતી. શાસ્ત્રીની જેમજ મનોજ પ્રભાકરે પણ ઓપનીંગ બેટિંગ કરી હતી પરંતુ તે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે વધુ યોગ્ય પ્રદાન કરતો હતો.

આજે આપણે વિશ્વભરના ક્રિકેટરો પર નજર નાખીએ તો ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ સિવાય અન્ય કોઇપણ ટીમમાં એક સારો ઓલરાઉન્ડર, એટલીસ્ટ ટેસ્ટ ટીમમાં તો જોવા નથી જ મળતો. ટૂંકમાં કહીએ તો વિશ્વ ક્રિકેટમાં જ નવા ઓલરાઉન્ડરોનો ફાલ ઉતરી નથી રહ્યો. આમ જુવો તો આ આશ્ચર્ય પમાડે તેવી પરિસ્થિતિ છે પરંતુ અત્યારે તો આ જ હકીકત છે. આવા સંજોગોમાં આપણે હાર્દિક પંડ્યા તરફ મીટ માંડીએ તે પહેલાં આપણી ટીમમાં ઓલરેડી એક ઓલરાઉન્ડર છે એને કેમ ભૂલી જઈએ છીએ?

જીહા! અમે વાત કરી રહ્યા છીએ રવિચંદ્રન અશ્વિનની. રવિચંદ્રન અશ્વિન અઢીસો વિકેટ સુધી પહોંચનારો વિશ્વનો ફાસ્ટેસ્ટ બોલર છે. પરંતુ જે હકીકતે લોકોને આશ્ચર્ય પમાડી દીધું છે એ એવી છે કે અશ્વિને અત્યારસુધીમાં ચાર ટેસ્ટ સેન્ચુરી સાથે 32.5ની એવરેજે 2000 રન બનાવ્યા છે. એક સમયે છઠ્ઠે નંબરે બેટિંગ કરવા આવતા અશ્વિનને જોઇને કદાચ સામેની ટીમને આનંદ થતો હશે કારણકે વર્ષો સુધી આ સ્થાન વીવીએસ લક્ષ્મણે શોભાવ્યું હતું, પરંતુ હવે અશ્વિનને હલકામાં લેવો કોઇપણ ટીમ માટે અસંભવ છે.

કદાચ હાર્દિક પંડ્યાની તાજેતરની સફળતા બાદ તેને આગામી ટેસ્ટ મેચમાં પ્રમોશન મળે અને તે છઠ્ઠા નંબરે બેટિંગ કરવા ઉતરે એવું બની શકે છે અને અશ્વિન આઠમા કે નવમા નંબરે બેટિંગ કરી શકે છે.  આ બંને ઓલરાઉન્ડરોની સૌથી મોટી પરીક્ષા આ વર્ષના અંત સુધીમાં સાઉથ આફ્રિકા સામે થશે કારણકે આ વખતે ભારત સાઉથ આફ્રિકામાં રમવા જવાનું છે. યાદ રહે છેલ્લે જ્યારે સાઉથ આફ્રિકા ભારત રમવા આવ્યું હતું ત્યારે ભારતે ત્રણેય ટેસ્ટમાં સ્પિનરોને ગમતી પીચો આપી હતી એટલે જ્યારે ભારત સાઉથ આફ્રિકા જશે ત્યારે તેને બાઉન્સી વિકેટ્સ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

આમતો આપણા રવીન્દ્ર જાડેજા બાપુને પણ ઓલરાઉન્ડર કહી શકાય છે પરંતુ તેમણે એકાદ બે ચમકારાથી વધુ કશું હજીસુધી એટલીસ્ટ ટેસ્ટ મેચમાં તો નથી જ કર્યું. આથી હાલપૂરતું ભારતની ઓલરાઉન્ડરની શોધ માત્ર અને માત્ર રવિચંદ્રન અશ્વિન અને હાર્દિક પંડ્યા પર જ આવીને અટકી જાય છે. ભવિષ્યમાં આમાંથી એક કે પછી બંને મહાન ઓલરાઉન્ડરના સ્તરે પહોંચશે કે કેમ તે અત્યારે તો માત્ર અટકળનો જ વિષય છે.

ટૂંકમાં અશ્વિન કે પછી હાર્દિક પંડ્યાની ક્ષમતા પર કોઈને પણ પ્રશ્ન ન હોઈ શકે પરંતુ તેમની ‘કડી પરીક્ષા’ હજીસુધી થવાની બાકી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાને તો હજી ઘણી ટેસ્ટ રમવી પડે એમ છે અને એપણ સાતત્યપૂર્ણ દેખાવ પછી અને જો એમાં તે સફળ રહેશે તો જ તેને કપિલદેવનો સાચો ઉત્તરાધિકારી માનવામાં આવશે. ત્યાંસુધી આપણે હાર્દિક પંડ્યાની સફળતા માટે પ્રાર્થના કરવી પડશે અને એના દ્વારા રમાયેલી તમામ ટેસ્ટ મેચો ધ્યાનપૂર્વક જોવી પડશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here