NASA દ્વારા અવકાશમાં મોકલાયેલ સૌથી પાવરફૂલ સુપરકમ્પ્યુટર અને તેના કર્તા ડૉ ગોહ ઈન્ગ લીમ

0
305

સોમવારે ફ્લોરીડાના સમય અનુસાર બપોરે કેપ કનાવરલથી SpaceX-12 રોકેટે ઉડાન ભરી હતી જે આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ને અવકાશમાં મળશે. અન્ય સામાન સાથે આ રોકેટ પોતાની સાથે અવકાશમાં મોકલવામાં આવેલું અત્યારસુધીનું સૌથી પાવરફૂલ સુપરકમ્પ્યુટર પણ લઇ ગયું છે અને આ સુપરકમ્પ્યુટર તૈયાર કરવા પાછળ ભેજું છે સિંગાપોરના મૂળનિવાસી ડૉ. ગોહ ઈન્ગ લીમનું અને તેને જાણીતી બ્રાંડ હ્યુલેટ પેકાર્ડ એન્ટરપ્રાઈઝ (HPE) દ્વારા સંપૂર્ણ ઉત્પાદિત કરવામાં આવ્યું છે.

આ સુપરકમ્પ્યુટર આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં કાર્યરત ક્રૂને અવકાશમાં વધુ સારીરીતે સંશોધન કરવામાં અત્યંત મદદરૂપ થશે એવું માનવામાં આવી રહ્યું છે. અવકાશમાં અત્યારસુધી જે પ્રકારના સુપરકમ્પ્યુટર મોકલવામાં આવ્યા છે તે એક રીતે જોવા જઈએ તો પૃથ્વી પર વપરાતા કમ્પ્યુટર્સ કરતા બે થી ત્રણ પેઢી જુના હોય છે. આમ થવા પાછળનું કારણ એ છે કે કમ્પ્યુટર્સને ‘હાર્ડન્ડ’ થવામાં વાર લગતી હોય છે અને આથી અવકાશ સ્ટેશનમાં રહેલા તેના યુઝર્સ આપણા કરતા બહુ જૂના કમ્પ્યુટર સોફ્ટવેર્સ યુઝ કરતા હોય છે.

આમ બે થી ત્રણ પેઢી પાછળ હોવાને લીધે એવી શક્યતાઓ રહેલી છે કે અવકાશમાં થઇ રહેલા સંશોધનો ઈચ્છિત પરિણામો ન આપી શકે. કમ્પ્યુટર્સને અવકાશમાં ‘હાર્ડન્ડ’ અથવાતો બીજી ભાષામાં કહીએ તો તેના સોફ્ટવેર્સને મેચ્યોર થવામાં વાર એટલા માટે થાય છે કારણકે અવકાશના વાતાવરણ સાથે તાલ મેળવવામાં સમય જતો હોય છે. આમ અત્યંત ખર્ચાળ કમ્પ્યુટર્સ સ્પેસમાં મોકલ્યા છતાં NASAને તો જૂના જમાનાના સોફ્ટવેર્સ સાથે, જ્યાંસુધી તે મેચ્યોર ન થાય ત્યાંસુધી, કામ ચલાવવું પડે છે.

ડૉ. ગોહનું જે કમ્પ્યુટર જે આજે અવકાશમાં પહોંચશે તે HPE અને NASA દ્વારા હાથમાં લેવામાં આવેલો સંયુક્ત પ્રોજેક્ટ છે જેનો હેતુ ઉપરોક્ત સમસ્યાનો કાયમી હલ કાઢવાનો છે.

સિંગાપોરની એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ડૉ ગોહ ઈન્ગ લીમે જણાવ્યું હતું કે તેમણે કેટલીક અવધારણાઓ વિચારી હતી અને એ અંગે તેમણે NASAને ડિસેમ્બર 2014માં એક એપ્લીકેશન મોકલી આપી હતી. NASAએ અમુક જ અઠવાડિયાઓમાં ડૉ ગોહની આ એપ્લીકેશન સ્વીકારી લીધી હતી.

આ પ્રકારનું સંશોધન હાથ ધરવા પાછળનો મુદ્દો સાફ હતો કે ઉપરોક્ત કારણોનો કાયમી હલ શોધવો. હાલમાં એકદમ તાજા સોફ્ટવેર સાથે અવકાશમાં ગયેલું કમ્પ્યુટર ઓછામાં ઓછા પાંચ વર્ષ બાદ હાર્ડન્ડ થાય છે અને પછી તેને NASA મંજૂરી આપે અને તેનો વપરાશ શરુ થાય. ડૉ ગોહ કહે છે કે એનો મતલબ એક જ છે કે સ્પેસમાં વપરાતા કમ્પ્યુટર્સ પૃથ્વી પર હાલમાં વપરાતા કમ્પ્યુટર્સ કરતા ઓછામાં ઓછી બે કે ત્રણ પેઢી જૂના હોય છે.

ડૉ ગોહના કહેવા અનુસાર સ્પેસમાં કમ્પ્યુટર્સના હાર્ડનીંગ પ્રોસેસ પણ અત્યંત ખર્ચાળ હોય છે. આથી આ સમસ્યાને તેમણે ધ્યાનમાં લીધી અને એક એવી તકનીક શોધી કાઢી જેનાથી સ્પેસમાં મોકલાતા કમ્પ્યુટર્સ ‘સેલ્ફ હીલ’ થઇ શકે, એટલેકે જાતેજ ત્યાંના વાતાવરણમાં એડજસ્ટ થઇ જાય. આ માટે તેમણે કેટલીક કમ્પ્યુટીંગ સાયકલ્સ એવી બનાવી જે કમ્પ્યુટરને જાતેજ પોતાની પરીસ્થિતિ સાથે અવગત કરાવે અને તરત શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે એડજસ્ટ થઇ જાય.

HPEના એક એક્ઝીક્યુટીવ એલેઇન એન્ડ્રેઓલીએ એક અન્ય પાસા પર પણ પ્રકાશ ફેંક્યો છે. તેમણે જણાવ્યું છે કે આ કમ્પ્યુટરનું સોફ્ટવેર પોતાની જાતેજ કેટલીક ચીજોનો નાશ કરવામાં સક્ષમ છે અને આથી વાતાવરણ દ્વારા ઉભી થતી ભૂલોને પણ તે શક્ય તેટલી ઓછી કરી શકે છે. ડૉ. ગોહ દ્વારા વિક્સાવવામાં આવેલી આ તકનીક NASAની મંજૂરી મળ્યા અગાઉ ઓછામાં ઓછા 146 સુરક્ષા પરીક્ષણોમાંથી પસાર થઇ ચૂક્યું છે.

ત્રીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે અત્યારસુધીમાં જે કમ્પ્યુટર્સ અવકાશમાં મોકવામાં આવ્યા હતા તેઓ નક્કી કરેલી એપ્લીકેશન દ્વારા ચાલતા હતા. એનો બીજો મતલબ એ છે કે તેમનું કાર્યક્ષેત્ર મર્યાદિત હતું. હવે જે સુપરકમ્પ્યુટર અવકાશમાં મોકલવામાં આવ્યું છે તે ઓપન સોર્સ લિનક્સ ઓપરેટીંગ સીસ્ટમ થી ચાલે છે અને તેનો મતલબ એ છે કે એસ્ટ્રોનોટ્સ ઈચ્છે ત્યારે પોતાની જરૂરિયાતની એપ્લીકેશન તેમાં ઉમેરી શકે છે, એવીજ રીતે જેમ આપણે એપ સ્ટોર કે પ્લે સ્ટોરમાંથી આપણી મનગમતી એપ આપણા મોબાઈલ ફોનમાં એડ કરીએ છીએ.

ડૉ. ગોહના કહેવા અનુસાર તેમના દ્વારા બનાવવામાં આવેલા સુપરકમ્પ્યુટર પર લગભગ એક વર્ષ અવકાશમાં સંશોધન થશે અને તેના પરથી ખ્યાલ આવશે કે સોફ્ટવેર કેવીરીતે અને કેટલા સમયમાં ડીગ્રેડ થવા લાગશે. ડૉ. ગોહ એવું માને છે કે આજે જે કમ્પ્યુટર સ્પેસમાં પહોંચશે તેને અવકાશમાં હજી પણ ઉંડે જઈ શકવામાં કમ્પ્યુટરનો સાથ કેટલો મળી શકે એ જાણવા અંગેનું પ્રથમ કદમ ગણવામાં આવશે અને ધીરેધીરે આ પ્રકારના કમ્પ્યુટર્સ દ્વારા મંગળની બને તેટલી નજીક પહોંચી શકાશે.

NASAનું એવું માનવું છે કે આ પ્રથમ કદમ તેના વિજ્ઞાનીકોને ISS ખાતેના કમ્પ્યુટર્સને સોફ્ટવેર્સ દ્વારા કેવીરીતે સુરક્ષિત કરી શકાય જેમાં મોટો ખર્ચ ન થાય, સમય પણ બચે અને તેની સુરક્ષા માટે ભારે સામાન પણ ન મોકલવો પડે તે જાણવામાં મદદરૂપ થશે.

આ બધું જ્યારે ચાલી રહ્યું હશે ત્યારે આ સુપરકમ્પ્યુટરનું ઉત્પાદન કરનાર હ્યુલેટ પેકાર્ડ એન્ટરપ્રાઈઝને પણ માહિતી મળશે કે માત્ર અવકાશની જ નહીં પરંતુ તેના તમામ ઉત્પાદનોની ટકાઉ ક્ષમતા કેટલી છે અને તે ભવિષ્યમાં આવનારા ભય સામે કેટલા લાંબા સમય સુધી લડી શકે છે. એકરીતે જોવા જઈએ તો HPE માટે પણ આ સંશોધન લાભપ્રદ બની રહેવાનું છે કારણકે તેની પ્રોડક્ટ્સ એવી તમામ સંસ્થાઓને ભવિષ્યમાં મદદ કરવાની છે જેમને આખો સમય તેમની સિસ્ટમ દોડતી રાખવી પડતી હોય છે.

ડૉ ગોહ એન્ગ લીમની વાત કરીએ તો તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ સિંગાપોરમાં મેળવ્યું હતું અને બાદમાં તેમણે બર્મિંગહામ યુનિવર્સીટીમાંથી મિકેનીકલ એન્જીનીયરીંગમાં ફર્સ્ટક્લાસ ઓનર્સ ડીગ્રી મેળવી હતી. આ ઉપરાંત ડૉ ગોહે બાદમાં પેરેલલ આર્કીટેક્ચર્સ અને કમ્પ્યુટર ગ્રાફિક્સમાં PhD પણ કર્યું છે.

ડૉ ગોહ ઈન્ગ લીમ સત્તર વર્ષ પહેલા જ સિંગાપોર છોડી ચૂક્યા છે પરંતુ તેઓ પોતાની સફળતા માટે આજે પણ સિંગાપોરમાં તેમને મળેલા પ્રાથમિક શિક્ષણને જ જવાબદાર માને છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here