બેડ કોલેસ્ટ્રોલ હટાવવા તમારે રોજ બદામ ખાવીજ જોઈએ

0
443

એક સમયમાં આપણે ત્યાં કોઈને ઉતારી પાડવા માટે ‘બે બદામના’ શબ્દ છૂટથી વાપરવામાં આવતો હતો, પરંતુ આજે બદામની કિંમત જોતા ઉપરાંત અમેરિકાથી ભારત પ્રવાસે આવતા સંબંધીઓ દ્વારા બદામના ઘેરઘેર ઢગલા થતા જોતા હવે આપણો એકપણ દેશવાસી બે બદામનો હોય એ શક્ય નથી.

જોક્સ અપાર્ટ! જો તમારે ત્યાં પણ તમારા અમેરિકાથી આવતા સંબંધીઓ વારંવાર બદામ લેતા આવે છે તો તેને ડીપ ફ્રીઝરમાં ન મૂકી રાખતા અથવાતો માત્ર મોહનથાળ કે અન્ય મીઠાઈઓને ડેકોરેટ કરવા પૂરતો એનો ઉપયોગ ન કરતા તેને રોજ ખાવામાં જ માલ છે એવું પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સીટીના સંશોધકોએ સાબિત કર્યું છે. આ સંશોધકોએ એવું શોધી કાઢ્યું છે કે આલ્મન્ડ એટલેકે બદામમાં એન્ટી-કોલેસ્ટ્રોલ તત્વો રહ્યા છે અને માત્ર અમુક નંગ બદામ પણ HDL અથવાતો ગૂડ કોલેસ્ટ્રોલ પાર્ટીકલ્સને મેચ્યોર બનાવવામાં મદદ કરે છે.

આ સંશોધનમાં એમ પણ સાબિત થયું છે કે આ HDL જે કાર્ડિયોવસ્ક્યુલર હેલ્થ સાથે 19% જેટલું સંકળાયેલું છે તેમાં માત્ર રક્તનું સ્તર જ ઉંચું નથી કરતું પરંતુ તે તમારા બેડ બ્લડ કોલેસ્ટ્રોલને લીવર સુધી પહોંચાડવામાં પણ ગતી લાવે છે. અગાઉ પણ જે સંશોધનો થયા છે તેમાં આ હકીકત સાબિત થઇ છે કે નાના અને તૈલી ફળો જે ખરેખર બદામ નથી હોતા તે LDL એટલેકે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને આ રીતે હ્રદયરોગનો હુમલો થવાના ચાન્સીસ અત્યંત ઘટી જાય છે.

પેન્સિલ્વેનિયા યુનિવર્સીટીના સંશોધકોએ છ અઠવાડિયાના પોતાના સંશોધન દરમિયાન બે ગ્રુપના પેશન્ટ્સને પસંદ કર્યા હતા. આ બંને ગ્રુપના પેશન્ટ્સમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું ઉંચું હતું. એક ગ્રુપના પેશન્ટ્સને રોજ 43 ગ્રામ બદામ આપવામાં આવી જે લગભગ આપણી હથેળીમાં સમાઈ જાય તેટલી થતી હતી, જ્યારે અન્ય ગ્રુપના પેશન્ટ્સને બનાના મફિન્સ ખાવા આપવામાં આવ્યા હતા.

રીસર્ચનો નક્કી કરવામાં આવેલો સમય પૂર્ણ થયા બાદ સંશોધકોએ દરેક પેશન્ટમાં HDL કોલેસ્ટ્રોલ કેવીરીતે કાર્ય કરી રહ્યું છે તે જાણ્યું અને તેને સંશોધન શરુ કર્યા અગાઉ લેવામાં આવેલા બ્લડ કાઉન્ટ સાથે મેચ કરવામાં આવ્યા. આ સંશોધનનું જેમણે નેતૃત્વ કર્યું હતું તે ડૉ. ક્રિસ એથરટને જણાવ્યું હતું કે, “જ્યારે HDLબ્લડ સર્ક્યુલેશનમાં જાય છે ત્યારે તે ખૂબ નાનું હોય છે, પણ જેમ ગાર્બેજ બેગ પોતાનામાં કચરો ભરતાં ભરતાં મોટી થવા લાગે છે તેવીજ રીતે HDL પણ આપણા સેલ્સમાંથી કોલેસ્ટ્રોલ ભેગું કરતું કરતું લીવર સુધી પહોંચાડે છે અને મોટું થતું જાય છે અને છેવટે મેચ્યોર થાય છે.”

ઉપરોક્ત સંશોધનમાં એ સાબિત થયું છે કે જે પેશન્ટ્સના ગ્રુપને રોજ બદામ ખવડાવવામાં આવી હતી તેમાં HDLના મેચ્યોર પાર્ટીકલ્સ 19% જેટલા વધ્યા હતા. આ ઉપરાંત જે પેશન્ટ્સનું વજન સામાન્ય કહી શકાય તેવું હતું તેમના શરીરમાં લીવર સુધી કોલેસ્ટ્રોલ પહોંચાડવાની ક્ષમતા 6.4% જેટલી વધી ગઈ હતી.

ઉપરોક્ત સંશોધનને જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર એવી બદામ ફાઈબર અને પ્રોટીન પૂરું પાડીને તમારા શરીરને હેલ્ધી બનાવે છે. આમ તો રોજની દસ બદામ ખાવી સલાહભર્યું રહેશે અને તે તમારા શરીરમાં 100 કેલરી વધારશે.

તો હવેથી કોઈને બે નહીં પરંતુ રોજની દસ બદામ ખાવાની સલાહ જરૂર આપશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here