તો શું ચીન સાત હિસ્સામાં વહેંચાઇ જશે?

1
369

જૂદાજૂદા વૈશ્વિક અખબારોમાં આજકાલ જે પ્રકારના સમાચારો ચક્કર મારી રહ્યા છે તેનું માનીએ તો ચીન સોવિયેત રશિયાના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. 5 ઓગસ્ટે eછાપુંના જ ડોકલામ મુદ્દે પ્રકાશિત કરાયેલા ફીચરમાં પણ સંકેત અપાયો હતો કે ચીનની શાસક પાર્ટી એટલેકે કમ્યુનિસ્ટ પાર્ટીમાં જ અંદરોઅંદર મતભેદો છે. હવે આ મતભેદો ધીરેધીરે સપાટી પર આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ મતભેદો જ્યારે શિખર પર આવશે ત્યારે ચીન નહીં નહીં તોપણ સાત જૂદાજૂદા હિસ્સાઓમાં વહેંચાઇ જશે.

ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનો આંતરિક ઝઘડો હાલમાં અત્યંત ઝેરીલો બની ગયો છે અને આવનારા સમયમાં તે વધારે ઝેર ઓકશે અને આ ઝઘડો જ ચીનમાં હાલમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ગતી આપશે જે ચીનને બીજું સોવિયેત રશિયા બનાવશે એવો જાણકારોનો દાવો છે. હાલમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં શાંઘાઈ જૂથ છે જેનું નેતૃત્વ પૂર્વ પ્રમુખ જિયાંગ ઝેમીન કરી રહ્યા છે જ્યારે એક અન્ય ચીની પૂર્વ પ્રમુખ હુ જીન્તાઓ બેઇજીંગ જૂથની આગેવાની કરી રહ્યા છે જેને હાલના ચીની પ્રમુખ શી જીનપીંગના આશિર્વાદ મળેલા છે.

શાંઘાઈ અને બેઇજીંગ જૂથ વચ્ચેનો ઝઘડો તો કદાચ સપાટી પર દેખાઈ રહ્યો છે પરંતુ આ સ્ટેજની પાછળ મજૂરોની જબરદસ્ત નારાજગી અને હાલના શાસન સામે ઠેરઠેર ચાલી રહેલા  લોકશાહી તરફી આંદોલનો પણ છે જેના વિષે ચીની સરકારના લોખંડી મીડિયા કંટ્રોલને લીધે બાકીની દુનિયાને કોઈજ ખબર પડી રહી નથી. સરકારી જાસૂસો અને વિશ્લેષકો એવો ભય બતાવી રહ્યા છે કે ચીનની પડતી તરફની ગતી ઝડપી બની શકે છે કારણકે ચીની સરકાર વિરોધ પ્રદર્શનોને પહેલાં ક્યારેય ન વપરાયું હોય એવા બળથી દબાવી રહ્યું છે અને સામે પક્ષે માનવાધિકારવાદીઓ તેમજ વકીલો દેશ છોડીને ભાગી રહ્યા હોવાથી દેશભરમાં ગમેત્યારે જબરદસ્ત અરાજકતા ફેલાઈ શકે છે.

ચીનમાં રહેતા એક સૂત્રને ટાંકીને એક અખબારે જણાવ્યું છે કે ચીનના અંતરિયાળ પ્રદેશોમાં સરકાર વિરુદ્ધ અત્યંત રોષ છે અને મીડિયા પર સખત કન્ટ્રોલ હોવાને કારણે આ પ્રદેશોમાં થતી ચળવળોના સમાચારો બહાર આવી નથી રહ્યા. પરંતુ ભૂગર્ભમાં છૂપાયેલા કેટલાક ચળવળકારો આ ખબર ફેલાવી રહ્યા છે અને આ વર્ષે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની 19મી કોંગ્રેસ ભરાય તે અગાઉ શી જીનપીંગ શાસન સામે ખૂબ મોટો બળવો આકાર લઇ રહ્યો છે.

ચીનથી ભાગી છૂટેલા અને અમેરિકામાં શરણ મેળવનાર ચીનના સૌથી વિખ્યાત માનવાધિકાર કાર્યકર તેંગ બિઆઓએ કહ્યું છે કે ચીન અત્યારે એવા જ્વાળામુખી પર બેઠું છે કે સમય આવે ચીન શિઆનજીંગ, મંચુરિયા, હોંગકોંગ, તિબેટ, ચેંગદુ, હુઆંગહુંગ અને શાંઘાઈ એમ સાત ભાગમાં વહેંચાઇ જઈને તૂટી પડશે. બિઆઓએ દાવો કર્યો છે કે ભારત સાથે હાલના ડોકલામ મુદ્દો તેમજ ઉત્તર કોરિયા અને અમેરિકાના મુદ્દાનો ઉપયોગ જીનપીંગ તેમની ઘટતી જતી શાખને બચાવવા માટે જ કરી રહ્યા છે.

લાગતું વળગતું: ચીનમાં બોલીવુડની ફિલ્મો – જી લલચાયે, રહા ન જાયે…ઔર ધૂમ મચાયે!

તેંગ બિઆઓનું સ્પષ્ટ માનવું છે કે ચીનમાં પણ જે ભારત વિરોધી પ્રદર્શનો થઇ રહ્યા છે એ સરકાર દ્વારા પ્રમોટ કરાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે લોકશાહી તરફી કાર્યકરો ભૂગર્ભમાં રહીને અત્યંત શાંતિપૂર્વક ચીનના એકપક્ષીય શાસન વિરુદ્ધના બળવાને આકાર આપી રહ્યા છે અને બાદમાં અહીં લોકશાહી કેમ સ્થાપવી તેના પર કાર્ય પણ કરી રહ્યા છે. તેંગ બિઆઓએ સમય અંગે કોઈજ સ્પષ્ટતા નથી કરી. તેમણે કહ્યું હતું કે ચીનમાં આ બળવો થતાં પાંચ વર્ષ લાગશે કે પછી દસ વર્ષ એ કહી ન શકાય પરંતુ તે 1989ના બળવા જેવો નાનો તો નહીં જ હોય અને આ ત્યારે થઇ રહ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર કાર્યકર્તાઓ અને વકીલો પોતપોતાની રીતે માહિતી બહાર ફેલાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર કમ્યુનિસ્ટ પાર્ટીનું કાયમી લક્ષ્ય રહ્યું છે કે સમગ્ર ચીન પર તમામ સ્તરે પોતાની મોનોપોલી હોય, પરંતુ હાલની જીનપીંગ સરકાર લોકો, સરકાર અને આર્થિક મોરચે સમસ્યાનો સામનો કરી રહી છે. અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ મોટી થઇ રહી છે અને ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા લોકો સાથે જે લોકોનો સંપર્ક હોય તેમના કાર્યોજ સફળ થઇ રહ્યા છે અને સમૃદ્ધ થઇ રહ્યા છે.

ચીનની અંદર તો તકલીફ છે પરંતુ શિનજીયાંગ પ્રાંતમાં દસ મિલિયન મુસ્લિમો રહે છે અને આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદે આવ્યો છે ત્યાંની તકલીફ ભલે અલગ હોય પરંતુ ચીનના વિઘટનના પ્રયાસોમાં એ પણ મોટો ભાગ ભજવી રહ્યું છે. આ પ્રાંતમાં પણ ઉયઘુર ભાષા પર ચીની શાસકોએ પ્રતિબંધ મૂકીને મેન્ડેરીનને ફરજીયાત બનાવી દીધી હતી અને અફઘાનિસ્તાન સાથેની સરહદ પર પણ ચીને કડક હાથે જેહાદીઓને ડામી દીધા હતા. આ ઉપરાંત અહીં રમઝાન મહિનો ઉજવવા પર પ્રતિબંધ મૂકાયો છે અને મુસ્લિમોના કેટલાક નામો પર પણ પ્રતિબંધ મુકાઈ ગયો છે. તાજા સમાચાર અનુસાર અફઘાનિસ્તાન ભાગી ગયેલા જેહાદીઓ શીનજીયાંગ પ્રાંતમાં વધુ તાકાત સાથે પરત થઇ ચૂક્યા છે જે આવનારા સમયમાં ત્યાં હિંસક બળવો કરે તેવી શક્યતાઓ છે.

મંચુરિયા એક અન્ય સ્થળ છે જ્યાં કામદારોનો રોષ હવે તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. ચીની સરકાર વિરુદ્ધ આ રોષની પ્રથમ ઘટના 2008માં થઇ હતી અને હવે તે ભયાનક સ્વરૂપ લઇ ચુકી છે અને 2010-11માં માત્ર મંચુરિયામાં જ સરકાર વિરુધ્ધ દોઢલાખ વિરુદ્ધ પ્રદર્શનો તેમજ રમખાણો થઇ ચૂક્યા હતા. એક તરફ ચીની સરકાર ડોકલામ મુદ્દો ચીનના મીડિયામાં જોરશોરથી ચમકાવી રહી હતી તો બીજી તરફ માત્ર જુલાઈ મહિનામાં જ ભૂગર્ભમાં રહેલા કેટલાક ચળવળકારો દ્વારા શિનજીયાંગ પ્રાંતમાં 137 હિંસક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.

શિનજીયાંગ પ્રાંતના કમ્યુનિસ્ટ પાર્ટીના ચીફ ચેન કુઆનગુઓએ ઉપરોક્ત ચળવળો અત્યંત કડક હાથે ડાબી દીધી હતી પરંતુ એક માન્યતા અનુસાર જુલાઈ માસમાં આ પ્રાંતમાં રોજના સરેરાશ ચાર આંદોલનો જરૂર થયા હતા. તો શીચુઆન પ્રાંતની રાજધાની ચેંગદુમાં જુલાઈ મહિનામાં જ 103 આંદોલનો થયા હતા જેને લોકશાહી તરફી કાર્યકર્તાઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘણા સમયથી ચીનની જેલમાં રહેલા અને નોબલ પુરસ્કાર વિજેતા લીયુ શિયાઓબોના મૃત્યુ અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને સરકાર દ્વારા ખાનગીમાં મધદરીએ જ દફન કરી દેવાની ઘટનાએ મેઈનલેંડ ચાઈના અને હોંગકોંગમાં વિરોધ પ્રદર્શનોને જન્મ આપ્યો હતો.

હોંગકોંગમાં રહેતા વકીલ અને કાર્યકર્તા હાંગ તુંગ ચો નું માનવું છે કે ચીનનું વિઘટન જ્યારે પણ થશે ત્યારે તે સોવિયેત યુનિયનની જેમ અચાનક જ થશે અને તેની પાછળ તેની ખુદની નોકરશાહી અને જૂથવાદ જવાબદાર હશે.

eછાપું

તમને ગમશે: આવો પંચકર્મ ને સાચા અર્થમાં જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here