અક્કલનો ઓછો ઉપયોગ કરતો પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ

0
352

ઘણા ક્રિકેટરો એવા હોય છે કે જે કોઇપણ વિવાદ વગર પોતાની કારકિર્દી શાંતિથી પૂર્ણ કરી દેતા હોય છે, તો કેટલાક એવા ક્રિકેટરો હોય છે જેમની કારકિર્દીમાં વિવાદ સિવાય બીજું કશું જ નથી હોતું. આવો જ એક પાકિસ્તાની ક્રિકેટર છે ઉમર અકમલ જે વારંવાર વિવાદમાં પડતો હોય છે અને કદાચ તેને કારણેજ તે ઓછી આંતરરાષ્ટ્રીય મેચો રમી શક્યો છે અને તેથી તે પોતાના ટેલેન્ટને પૂરતો ન્યાય આપી શક્યો નથી.

ઉમર અકમલ જ્યાંસુધી ક્રીઝ પર હોય ત્યાંસુધી પાકિસ્તાન સામે રમતી કોઇપણ ટીમ વિજયનો વિશ્વાસ ધરાવી શકતી નથી. જો કે ઉમર અકમલ ઘણીવાર ખૂબ સારું રમતો હોય ત્યારેજ કોઈ અકળ કારણસર પોતાની વિકેટ ફેંકી દેતો પણ જોવા મળ્યો છે. બસ આવુંજ કશુંક તે પોતાની અત્યારસુધીની કરિયરમાં પણ કરતો આવ્યો છે. બધુંજ બરોબર જઈ રહ્યું હોય છે અને ખબર નહીં પરંતુ ગમેતે રીતે અકમલ પોતાની જાતને કોઈ વિવાદમાં ખેંચી જાય છે અને સરવાળે નુકસાન તેનુંજ થાય છે.

હાલમાં ઉમર અકમલ પાકિસ્તાનના કોચ મિકી આર્થર પર આરોપ લગાવીને ન્યૂઝમાં આવ્યો છે. હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ઉમર અકમલે પાકિસ્તાનના કોચ મિકી આર્થર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે અકમલને પ્રેક્ટીસ દરમિયાન અપશબ્દો કહ્યા હતા. મિકી આર્થરે જો કે આ આરોપોનો સખત શબ્દોમાં અને ત્વરિત રદિયો આપી દીધો છે. હાલમાં પાકિસ્તાની ક્રિકેટ દુનિયા પણ આ વિવાદમાં અકમલની સાથે નથી એવું જોવાઈ રહ્યું છે. આમ થવા પાછળ અકમલનો વિવાદાસ્પદ ભૂતકાળ જ કદાચ જવાબદાર હોઈ શકે છે.

તમને ગમશે: વિરાટના આક્રમક સ્વભાવને રવિ જ સંભાળી શકશે

ઉમર અકમલ અને શિસ્ત ક્યારેય સાથેસાથે નથી હોતી, આ ઉપરાંત તે વારંવાર અનફીટ પણ રહેતો હોય છે, કોઈકવાર ખરેખર તો કોઈકવાર જાણીજોઈને. આ ઉપરાંત અકમલને કોઈ બિનજરૂરી પાર્ટીમાંથી પકડવામાં આવ્યો છે, પોતાની કાર પર ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવવાનો પણ કેસ તેના પર ચાલ્યો છે અને કાયદાએ મંજૂર કરેલી સ્પીડ કરતાં વધારે સ્પીડથી ડ્રાઈવ કરવાનો કેસ પણ ઉમર અકમલ પર ચાલ્યો છે. એકવાર તો ઉમર અકમલ પોતાના મિત્રો સાથે મુજરો જોતાં પણ પકડાઈ ગયો હોવાના સમાચાર આવ્યા હતા.

મિકી આર્થર પહેલા પાકિસ્તાની ટીમના કોચ રહી ચૂકેલા દિગ્ગજ ફાસ્ટ બોલર વકાર યુનુસે પણ વર્લ્ડ  ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટ દરમિયાન ઉમર અકમલ પર ગેરશિસ્તની ફરિયાદ કરી હતી અને ટુર્નામેન્ટ પત્યા પછી તે સમયના PCB અધ્યક્ષ શાહરીયાર ખાન સાથે થયેલી મીટીંગ બાદ તેને આગલી સીરીઝમાંથી ડ્રોપ કરવામાં આવ્યો. બાદમાં ઉમર અકમલે માફી માંગી અને હવે તે પોતાનું વર્તન સુધારશે તેવી ખાતરી આપતાં તેને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ,ઉમર અકમલ એ ઉમર અકમલ જ રહ્યો, તેને વચન તોડતા ક્યાં વાર લાગે છે?

આ વર્ષે એપ્રિલમાં અકમલે પોતાની ટીમના સભ્ય જુનૈદ ખાન પર આરોપ મૂક્યો હતો કે તે ટીમને અધવચ્ચે છોડીને જતો રહ્યો છે, બાદમાં જુનૈદ ખાને અકમલના આરોપને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો  હતો. તો થોડા મહિના અગાઉ ઇંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી જે પાકિસ્તાન જીતી ગયું હતું તેમાં પણ અકમલ ખોટા ફિટનેસ સર્ટીફીકેટ સાથે ઇંગ્લેન્ડ પહોંચ્યો હતો અને ઇંગ્લેન્ડમાં થયેલા ફિટનેસ ટેસ્ટમાં તે ફેઈલ થતા તેને ઘર પરત આવવું પડ્યું હતું.

હાલમાં થયેલા મિકી આર્થર સાથેના વિવાદનું કારણ પાકિસ્તાની મીડિયા એ બતાવે છે કે અકમલ પોતાની સાથે અન્યાય થયો હોવાનું જતાવીને આખી ટીમ અને અન્ય કોચિંગ સભ્યો પોતાની ખાસ સંભાળ લેવાની ઈચ્છા ધરાવતો હોવાનું લાગી રહ્યું છે. જો કે નિયમો તોડવાના સળંગ બનાવો બાદ ઉમર અકમલ પર હવે ભાગ્યેજ કોઈ વ્યક્તિ ભરોસો કરી શકે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ અકમલના આરોપ પર ધ્યાન આપવાને બદલે તેને શિસ્તભંગ માટે તેના વિરુદ્ધ પગલાં કેમ ન લેવામાં આવે તેની શો કોઝ નોટીસ તેને ફટકારી દીધી છે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જીઓ ન્યૂઝે આ નવા વિવાદ પર ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો જેવા કે શોએબ અખ્તર, વાસીમ અક્રમ, મોહમ્મદ યુસુફ અને રમીઝ રાજાનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો અને આ તમામે ઉમર અકમલના વલણની આકરી ટીકા કરી હતી અને મિકી આર્થરને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. રમીઝ રાજાએ તો ઉલટું ઉમર અકમલને કોઈ સારા મનોચિકિત્સકને મળવાની સલાહ આપી હતી જેથી તેના સ્વભાવમાં પરિવર્તન આવે.

સો વાતની એક વાત જો તમે તમારા ફરીયાદી સ્વભાવમાં કોઈ પરિવર્તન નથી લાવતા તો પછી તમારી ફરિયાદ સાંભળવાનો અધિકાર પણ કોઈ રાખતું નથી. ઉમર અકમલ માત્ર સત્યાવીસ વર્ષનો છે અને આથી જો એ રમીઝ રાજાની સલાહ માનીને કોઈ સારા મનોચિકિત્સકને દેખાડીને પોતાનો સ્વભાવ સુધારી લે તો જરાય ખોટું નથી. ઉલટું ભૂલ સ્વીકારીને તેને સુધારીને તે લોકોની નજરમાં વધુ મહાન બનશે, બાકી એનામાં રહેલું ટેલેન્ટ તેને ક્રિકેટના નવા શિખરે પહોંચાડવામાં બેશક મદદ તો કરશેજ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here