આ રહ્યા ભારતના શ્રેષ્ઠ ઢાબા અને તેમની બેસ્ટ વાનગીઓ

1
522

ભારતમાં ઘરની બહાર ખાણીપીણી કરવી એ આત્મસંતોષનું બીજું નામ થઇ ગયું છે અને એમાંય મુસાફરી દરમિયાન હાઈવે પર આવેલા ઢાબા પર રોકાઈને ખુલ્લા વાતાવરણમાં ભોજન કરવું એ તો અહા! એક સમય એવો હતો કે ભારતના રાજમાર્ગોની હાલત એટલી સારી ન હતી અને આથી જ સમગ્ર હાઈવે પર બહુ ઓછા ઢાબાઓ જોવા મળતા અને જે કોઇપણ ઢાબા જોવા મળતા એ માત્ર ટ્રક ડ્રાઈવરોના ઉપયોગ માટે જ હતા. પણ ત્યાંથી પસાર થતા લોકોને અહીં પીરસતી વાનગીઓના નામ સાંભળીને લાલચ જરૂર થતી.

ધીરેધીરે દેશમાં હાઈવેની ગુણવત્તા સારી થવા લાગી અને તેની સાથેસાથે લોકો અંગત વાહનો લઈને મુસાફરી કરવા લાગ્યા અને હાઈવે ઢાબાઓના ‘અચ્છે દિન’ આવ્યા. હવે તો કોઈ નાનો સ્ટેટ હાઈવે પણ પકડીએ તો ત્યાં પણ આપણને સારી વાનગી પીરસતા ઢાબાઓ મળી જાય છે. ઘણીવાર એવું બને કે યોગ્ય માહિતી ન હોવાથી આપણે જે ઢાબા પર રોકાયા હોઈએ એનાથી સહેજ દૂર આવેલા ઢાબા પર જ સરસ ભોજન અને વાતાવરણ મળતું હોય છે તેનો આપણને ખ્યાલ નથી હોતો.

આપણે આજે આ મુશ્કેલી દૂર કરવા માટે જ મળ્યા છીએ અને આપણે ભારતના શ્રેષ્ઠ ઢાબાઓ અને ત્યાં કઈ સ્પેશીયલ અથવાતો લોકપ્રિય વાનગી મળે છે તેના વિષે ચર્ચા કરીશું. જો કે અહીં ઓળખ કરાવાયા હોય એવા ઢાબાઓમાંથી મોટાભાગના ઢાબાઓ ઉત્તર ભારતના છે પરંતુ છેવટે તો હાઈવે ઢાબાની કલ્પના ઉત્તર ભારતનીજ છે ને?

જાણો ભારતના શ્રેષ્ઠ ઢાબા અને તેમાં પીરસતી બેસ્ટ વાનગીઓ વિષે

મિસ્ટર સંજય ઢાબા

લોકેશન: શ્રીનગર-લેહ હાઈવે, NH 1D

લોકેશન જ કેવું જબરું છે નહીં? શ્રીનગરથી લેહ જતી વખતે કુદરતી સૌંદર્ય માણતા માણતા મિસ્ટર સંજય ઢાબાની બ્લેક ટી અને સાથે તેમના સ્પેશીયલ આલૂ પરાઠાના બાઇટ્સ લેવાની જે મજા આવશે તે તો એનો અનુભવ લેનાર જ કહી શકશે. આ ઢાબાનું ફર્નીચર કે પછી સાજ સજાવટ અત્યંત સામાન્ય છે પરંતુ ફૂડ અતિશય સ્વાદિષ્ટ છે. તો હિમાલયના દરવાજે આવેલા આ ઢાબા પર રોકાઈને આગળની સફરને વધારે આનંદમય બનાવવામાં તમને રસ ખરો કે નહીં?

સ્પેશીયાલીટી: આલૂ પરોઠા, આલૂ સબ્ઝી અને બ્લેક ટી

 

શર્મા ઢાબા

લોકેશન: જયપુર-સીકર રોડ

અગાઉ વાત થઇ એમ નાના લોકેશન પર પણ ઘણીવાર સ્વાદિષ્ટ ખાણું મળી જતું હોય છે અને જયપુર-સીકર રોડ પર આવેલો શર્મા ઢાબા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો તમને રાજસ્થાની ક્વિઝીન દાઢે વળગી ગયું છે તો જ્યારે પણ આ માર્ગે મુસાફરી કરો તો શર્મા ઢાબા પર રોકાવાનું ભૂલાય નહીં. અહીં ઓથેન્ટિક રાજસ્થાની ડીશ મળશે અને ગુજરાતીઓ માટે ખાસ કહેવાનું કે અહીં માત્રને માત્ર શાકાહારી ભોજન જ પીરસાય છે. જો શર્મા ઢાબાની મૂલાકાત લો તો અહીંની ખાસ માવા નાન ખાવી ભૂલાય નહીં.

સ્પેશીયાલીટી: મિસ્સી રોટી, માવા નાન/માવા રોટી, પનીર મસાલા, મલાઈ મટર

 

ગ્યાની દા ઢાબા

લોકેશન: કાલકા-શિમલા રોડ, NH 22 હિમાચલ પ્રદેશ

આજકાલ ઢાબાઓ પણ મોડર્ન લૂક ધરાવતા થઇ ગયા છે અને કાલકા-શિમલા નેશનલ હાઇવે 22 પર આવેલો આ ગ્યાની દા ઢાબા એ જ પ્રકારનો મોડર્ન ઢાબા છે. અહીં જો કે કાયમ ભીડ રહેતી હોય છે પરંતુ તેનો લૂક અને તેનું વાતાવરણ તમને થોડો સમય તમારો વારો આવે તેની રાહ જોવા માટે જરૂર મજબૂર કરી દેશે. જાણવા મળ્યા મુજબ ગ્યાની દા ઢાબા આ હાઈવે પર આવેલા સૌથી જૂના ઢાબાઓમાંથી એક છે.

સ્પેશીયાલીટી: તંદૂરી રોટી, તંદૂરી પરાઠા અને ચા

 

ચીતલ ગ્રાન્ડ

લોકેશન: દિલ્હી-દહેરાદૂન હાઈવે, કટૌલી નજીક

આમ તો આ એક રેસ્ટોરન્ટ છે પરંતુ લોકો તેને ઢાબા કહેવાનું વધુ પસંદ કરે છે. અહીંની એક બીજી ચીજ લોકોને વધુ પસંદ આવે છે તે છે અહીંનું વાતાવરણ અને સ્ટાફ. જાણેકે ઘરથી દૂર કોઈ બીજું ઘર હોય એવી ટ્રીટમેન્ટ અહીં તમને મળશે અને તે પણ કોઇપણ એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર. જો વરસાદ કે ઠંડી હોય તો ઢાબાની અંદર નહીં તો બહાર પણ શાંતિથી બેસીને તમે જમી શકો છો એવી સુંદર વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે. અહીં મળતા સ્વાદિષ્ટ ગોબીનું શાક ખાવાની તો મજા જ કોઈ ઔર છે.

સ્પેશીયાલીટી: પરાઠા, પનીર કી સબ્ઝી, ઢોંસા, ઈડલી અને પનીર પકોડા

 

રાઓ ઢાબા

લોકેશન: ધરુહેરા, દિલ્હી-જયપુર NH8

જ્યારે પણ તમે દિલ્હી થી જયપુર બાય રોડ જઈ રહ્યા હોવ ત્યારે ધરુહેરા પાસે આવેલો રાઓ ઢાબા તમને ન દેખાય એવું બને જ નહીં અને તેના બે કારણો છે. એક કારણ એ છે કે રાઓ ઢાબા આ વિસ્તારનો સૌથી જૂનો ઢાબો છે અને તમને અહીં પસાર થતી વખતે વાહનોની મોટી લાઈન કાયમ જોવા મળશે. શાકાહારી અને બિનશાકાહારી બંને પ્રકારના સ્વાદ શોખીનો માટે અહીં સાદું પરંતુ અત્યંત સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે અને હા! અહીં ખાનારાઓ આંગળી ચાટતા પણ જોવા મળે છે.

સ્પેશીયાલીટી: સ્ટફ્ડ નાન, દાલ મખની અને ચના મસાલા

 

કરનાલ હવેલી

લોકેશન: ગ્રાંડ ટ્રંક (GT) રોડ કરનાલ, NH 1

ચંડીગઢ થી હરિયાણા તરફ બાય રોડ જતો કોઇપણ વ્યક્તિ હવેલી ઢાબા જે કરનાલ પાસે આવ્યો છે ત્યાં ન રોકાયો હોય તો તે તેનું બદનસીબ જ કહી શકાય. આમ જુવો તો આ એક પોશ ઢાબો છે પરંતુ અહીં ઓથેન્ટિક પંજાબી ફૂડ તમારું દિલ જીતી લેશે અને આથી બીલ કેટલું થયું તેની ચિંતા તમને ક્યારેય નહીં સતાવે. અહીં નું ફૂડ ઉપરાંત પંજાબની સંસ્કૃતિ બતાવતી મૂર્તિઓ અને અન્ય સજાવટ તમારું મન જરૂર મોહી લેશે.

સ્પેશીયાલીટી: અમ્રિતસરી છોલે, કઢી, પરાઠા અને લસ્સી

 

ચિલિકા ઢાબા

લોકેશન: ચિલિકા લેક પાસે, બહેરામપુર જતા બારકુલ NH 5, ઓડિશા

નોનવેજ ખાનારાઓ અને તેને માણનારાઓ જો ઓડિશાની યાત્રા એ જાય તો ચિલિકા ઢાબાની મુલાકાત લેવાનું ન ભૂલે. અહીં વિવિધ બિનશાકાહારી વાનગીઓ લોકોના મોઢામાં પાણી લાવી દે છે જેમાં ખાસ કરીને સી ફૂડના ચાહકોએ તો આ સ્થળની મૂલાકાત અચૂક લેવી જોઈએ. અમસ્તુંય ચિલિકા લેક ઓડિશાના મૂલાકાતીઓ માટે મસ્ટ ગો પ્લેસ છે એટલે આ ઢાબાની મૂલાકાત ભાગ્યેજ ચૂકી જવાય.

સ્પેશીયાલીટી: કોલોસલ ક્રેબ, ચીલી પ્રૌન્સ, ફિશ કરી

તમને ગમશે: હોય નહીં! શાકાહારી વ્યંજનો માટે જાણીતું ગુજરાત સી ફૂડ એક્સપોર્ટમાં મોખરે

પુરન સિંઘ દા ઢાબા

લોકેશન: અંબાલા શહેર નજીક, NH 1

આપણા દેશમાં ટીવી પર જેટલી પણ ફૂડ ચેનલો આવે છે તેમાંથી ભાગ્યેજ કોઈ એવી ચેનલ હશે જેણે આ પૂરન સિંઘ દા ઢાબા વિષે કોઈ પ્રોગ્રામ ન કર્યો હોય. આનો મતલબ એક જ છે કે આ ઢાબામાં કશુંક વિશેષ તો જરૂર છે. અહીં વેજીટેરીયન ડીશીઝ તો સ્વાદિષ્ટ છે જ પરંતુ ઓથેન્ટિક પંજાબી નોનવેજ ડીશીઝ જેવી કે મટન કરી, ચીકન કરી અને ખીમા કલેજી ખાવા લોકો અહીં ખાસ આવે છે.

સ્પેશીયાલીટી: પાલક પનીર અને કઢી ચાવલ

 

અમરીક સુખદેવ ઢાબા

લોકેશન: ગ્રાંડ ટ્રંક (GT) રોડ NH 1, મુરથલ, હરિયાણા

સાવ નાનકડી જગ્યાએ શરુ થયેલા આ ઢાબાની પ્રખ્યાતી દિલ્હી અને ચંડીગઢ તેમજ આ હાઈવે પર મુસાફરી કરતા લોકોમાં એટલી બધી ફેલાઈ કે હવે અહીં એક મોટા એરકંડિશન્ડ ઢાબાએ આકાર લઇ લીધો છે. અમરિક સુખદેવ ઢાબાની સફળતા પાછળ તેનું સ્વાદિષ્ટ ભોજન જેમાં ખાસકરીને વિવિધ પ્રકારના પરોઠા અને જલેબી જવાબદાર છે.

સ્પેશીયાલીટી: અમ્રિતસરી કુલચા, સ્ટફ્ડ પરાઠા, વ્હાઈટ બટર, લસ્સી અને જલેબી

 

ભજન તડકા ઢાબા

લોકેશન: NH 24, સરલપુર, ગજરૌલા, ઉત્તર પ્રદેશ

એકદમ ગ્રામીણ વાતાવરણ જે તમને ઉત્તર પ્રદેશની અસલી ઓળખ આપશે. જો તમે મેરઠ કે હાપુડથી મુરાદાબાદ તરફ નીકળી રહ્યા હોવ તો સ્વાદિષ્ટ ખાણા માટે ભજન તડકા ઢાબા પર રોકાવાનું ભૂલતા નહીં. અહીંનું વાતાવરણ જેટલું સુંદર છે તેટલુંજ સ્વાદિષ્ટ અહીંનું ફૂડ છે અને કિંમત તમારા પર્સને પોસાય તેટલી.

સ્પેશીયાલીટી: પનીર બટર મસાલા, કઢી પકોડા, ગાર્લિક લચ્છા પરાઠા, તંદૂરી રોટી, દાલ અને ચના મસાલા

 

ઉમિયા અન્નપુર્ણા

લોકેશન: NH 8, આણંદ નજીક, ગુજરાત

ભારતના શ્રેષ્ઠ ઢાબાઓમાં ગુજરાતનો કોઈ ઢાબો પણ સ્થાન પામે તો એનાથી વધારે આનંદ શો હોય? અને જો આ આનંદ મિલ્ક સીટી આણંદ નજીક મળે તો? નેશનલ હાઈવે 8 પર આણંદથી અમદાવાદ જતા કાઠીયાવાડી તેમજ ગુજરાતી ભોજન પીરસતી ઉમિયા અન્નપુર્ણા રેસ્ટોરન્ટ ઘણા લોકોની પસંદ બની ચૂકી છે. આ ઢાબાની વિશેષતા એ છે કે અહીં ભોજન લાકડાના ચૂલામાં જ બને છે અને આથી તેનો સ્વાદ અન્ય હોટલો કરતા જૂદો હોય છે.

સ્પેશીયાલીટી: લસણીયા બટેટા, સેવ ટમેટાનું શાક અને ગટ્ટા સબ્જી

 

સમારોહ એન દીસ ઢાબા

લોકેશન: 37A હાઈવે કનેક્ટર, ભોમોરાગુરી થી સોનિતપુર જતાં, આસામ

ઓથેન્ટિક આસામીઝ ક્વિઝીનની લહેજત માણવા ઈચ્છતા લોકો માટે સમારોહ એન દીસથી વધારે યોગ્ય જગ્યા બીજી કોઈજ ન હોઈ શકે. ઉત્તરપૂર્વની સફરે નીકળેલા લોકો જો ભોમોરાગુરીથી સોનિતપુર જઈ રહ્યા હોય તો અહીં જરૂર રોકાય અને અહીની ખાસ વાનગી ખાય. અહીંના ફૂડ તેમજ ઇન્ટીરીયરના પ્રેમમાં પડતાં તમને વાર નહીં લાગે અને એથી તમારા લાંબા પ્રવાસનો થાક ચપટીમાં ઉતરી જશે.

સ્પેશીયાલીટી: આલૂ પીટીકા

તો કેવી લાગી તમને અમારી આ મોઢામાં પાણી લાવી દેતી ભારતના શ્રેષ્ઠ ઢાબાઓની સફર? તમારા વિચારો અને અને મંતવ્યો અમને અહીં નીચે કમેન્ટ્સ સેક્શનમાં અથવાતો અમારા ફેસબુક, ટ્વીટર કે ગૂગલ પ્લસ પેઈજ પર જરૂરથી જણાવજો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here