તમને ડાયાબીટીસ ન થાય એનું ધ્યાન રખાશે! – રીવ્યુ: બરેલી કી બરફી

0
380

બરેલી કી બરફી એ પ્રકારની ફિલ્મમાંથી એક છે કે આપણે એનું નામ વાંચીને અથવાતો એનું ટ્રેલર જોઇને એક આશા લઈને થીયેટરમાં પ્રવેશ કરતા હોઈએ છીએ કે ‘આજે તો મજા આવી જશે.’ પરંતુ, ફિલ્મના ડીરેક્ટર અથવાતો વાર્તાકારે ભેગા મળીને જાણેકે નક્કી કરી લીધું હોય કે લોકોને મજા તો કરાવવી છે પણ લીમીટેડ, ‘ઇતને પૈસે મેં ઇતનાઈચ મિલેગા’ ના ન્યાયે. એક એવી ફિલ્મ જે જોતાંજોતાં આપણને એ ગમે તો ખરી પણ સતત એવું લાગ્યા કરે કે, હજી સહેજ ધમાલ કરવાની જરૂર હતી, હજી સહેજ ઈમ્પ્રુવમેન્ટ થઇ શક્યું હોત. થીયેટરની બહાર આવીએ ત્યારે આપણા ચહેરા પર સ્મિત હોય પણ એ થીયેટરના પડદા જેટલું વાઈડ ન હોય અને ‘ઠીક હતું’ જેવી લાગણી મનમાં થાય.

કથાસાર

નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે બરેલી જેવા નાનકડા શહેરની આ વાર્તા છે. અહીં પુત્રને બદલે પુત્રીનો જન્મ થતા બીટ્ટી મિશ્રા ના (ક્રીતિ સેનન) માતા (સીમા પાહવા) અને પિતા (પંકજ ત્રિપાઠી) તેને પુત્રની જેમજ ઉછેરે છે અને બીટ્ટીને પછી આદતો પણ છોકરાઓ જેવી જ પડી જાય છે જેમાં સિગરેટ પીવી વગેરે પણ સામેલ છે. આ તરફ ચિરાગ દૂબે (આયુષ્યમાન ખુરાના) કોઈ બબલીના પ્રેમમાં નાપાસ થયા બાદ પોતાની પ્રેમ કહાણી ‘બરેલી કી બરફી’ ખાસ દોસ્ત પ્રીતમ વિદ્રોહી (રાજકુમાર રાવ)ના નામે પબ્લીશ કરે છે જેથી એની બબલી બદનામ ન થાય. બે વખત સગાઈ તૂટી જતા અને વારંવાર છોકરાઓ રીજેક્ટ કરતા બીટ્ટી એક દિવસ ઘરેથી ભાગી જાય છે અને ટ્રેનમાં ટાઈમપાસ કરવા માટે સ્ટેશનેથી બરેલી કી બરફી જ ખરીદે છે.

આ નવલકથા વાંચતા એને એવું લાગવા લાગે છે કે આ વાર્તા તેના જીવન અને તેની હરકતોથી બિલકુલ મેળ ખાય છે. આગલા સ્ટેશને જ બીટ્ટી ઉતરી જાય છે અને ઘરે પરત આવે છે અને લેખક પ્રીતમ વિદ્રોહીની શોધખોળ શરુ કરે છે. નવલકથાનો મૂળ લેખક ચિરાગ બીટ્ટીને જોતાં જ તેના પ્રેમમાં પડી જાય છે, પણ ચોપડી પર તો પ્રીતમનો ફોટો છપાયેલો હતો? બસ, પછી બીટ્ટીના દિલમાં પ્રીતમ પ્રત્યે નફરત ઉભી કરવા એ તેનો પડ્યો બોલ ઝીલતા પ્રીતમને ગુંડા જેવો બનાવીને બીટ્ટી સામે રજૂ કરે છે, પણ એકપછી એક ઘટનાઓ એવી બને છે કે એનો દાવ ઉલટો પડી જાય છે.

અભિનય

જેને તમે કદાચ સ્ટાર ન કહી શકો એ સ્તરના કલાકારો એટલેકે આયુષ્યમાન ખુરાના, ક્રિતી સેનન અને રાજકુમાર રાવને આ આખી ફિલ્મનું સુકાન સોંપવામાં આવ્યું છે. આમાંથી કોઇપણ અદાકાર જો નિરાશ નથી કરતો તો બહુ ઈમ્પ્રેસ પણ નથી કરતો.

સૌથી પહેલા આયુષ્યમાન ખુરાનાની વાત કરીએ તો એને બોલીવુડના મોસ્ટ ટેલેન્ટેડ અદાકારોમાંથી એક કેમ ગણવામાં આવે છે તે હજીસુધી સમજી શકાયું નથી. બેશક એની ‘વિકી ડોનર’ લાજવાબ ફિલ્મ હતી અને તેમાં એની અદાકારી જરૂર સરસ હતી પરંતુ તે પછી? આ ફિલ્મમાં પણ તે એક ઢબની એક્ટિંગ કરે જાય છે. ચહેરા પરના હાવભાવ પણ સરખા, ચાહે કોમેડી કરતો હોય કે પછી દુઃખી હોવાની એક્ટિંગ. અફકોર્સ એ ચાર્મિંગ છે પણ તેનાથી એ ભવિષ્યમાં એકલેહાથે કોઈ ફિલ્મ ખેંચી જાય એવો કોઈજ અણસાર તેના આ ફિલ્મમાં કરેલા અભિનયથી દેખાતો નથી.

રાજકુમાર રાવ જે એક્સ ફેક્ટર સાથેના અદાકારોમાં જેમકે નવાઝુદ્દીન સિદ્દીકી અથવાતો ઈરફાન ખાન,સામેલ છે તેની અદાકારી એક-બે ઠેકાણે જેમકે શરૂઆતમાં એકદમ ભોળો અને પછી ગુંડા ટાઈપમાં એનું ટ્રાન્સફોર્મેશન થવાની અવસ્થામાં તેને મોકો મળ્યો ત્યાં તે જરૂર છવાઈ ગયો છે, પણ એ માત્ર એકાદ પ્રસંગમાં અને પછી જેમ બનતું આવ્યું છે એમ આ પ્રકારની ફિલ્મોમાં એ અન્ડર યુઝ થયો છે. કદાચ રાજકુમાર રાવની ટેલેન્ટના ઓછા વપરાશથી તેને કોઈજ નુકસાન નથી થયું પણ ફિલ્મને જરૂરથી નુકસાન થયું છે.

કોઇપણ શબ્દો ચોર્યા વગર કહીએ તો ક્રિતી સેનન આ ફિલ્મનું આશ્ચર્યજનક પેકેજ છે. અભિનયમાં એણે કોઈ નવી ઉંચાઈને સ્પર્શ નથી કર્યો પરંતુ એને જે કહેવામાં આવ્યું હશે એ એણે જરૂરથી નિભાવ્યું છે એટલુંતો કહીજ શકાય. ક્રિતીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ જે તેને અહીં એની અગાઉની ફિલ્મોથી અલગ પાડે છે એ છે એનો સંપૂર્ણ નોન-ગ્લેમરસ દેખાવ અને તેથીજ તે આપણને એ સમજાવી શકી છે કે તે બરેલી જેવા નાનકડા શહેરની છોકરી છે અને મુંબઈની નહીં.

સપોર્ટીંગ કાસ્ટમાં સીમા (બર્મન) પાહવા એક મા તરીકે બરોબર ફીટ બેસે છે અને એ પ્રમાણે એમણે એમનું કાર્ય કર્યું પણ છે, ખાસકરીને એમને ગમતા છોકરા માટે શરબત લાવવાની એમની રીપીટેડ રીક્વેસ્ટ આપણા ચહેરા પર સ્મિત લાવી દે છે. પંકજ ત્રિપાઠી તો છે જ જબરદસ્ત અદાકાર! અહીં જો કે એમણે અન્ડર પ્લે કર્યું છે પણ તેમની અને ક્રિતી વચ્ચે બાપ-દીકરીની કેમિસ્ટ્રી બરોબર બેસી છે અને એ બંને જ્યારે પણ સ્ક્રીન પર ભેગા હોય ત્યારે કોઇપણ ડલ મોમેન્ટ નથી હોતી.

અને હા, જાવેદ અખ્તરને ભૂલાય નહીં. અહીં એ અદાકારી કરતા તો નથી જોવા મળતા પરંતુ તેઓ આ ફિલ્મના સુત્રધાર છે એટલે બેકગ્રાઉન્ડમાં વખતોવખત એમની કોમેન્ટ્રી જરૂર સાંભળવા મળે છે. જાવેદ અખ્તર એમની જે જાણીતી સ્ટાઈલ છે એને વળગી રહીને જ બોલે છે એટલે જરાય નિરાશ નથી કરતા.

સંગીત, સ્ક્રીપ્ટ અને નિર્દેશન

ફિલ્મના ત્રણેય ગીતો ઠીકઠાક છે અને એકાદું ગીત ફૂટ ટેપિંગ જરૂર છે. સ્ક્રીપ્ટ વિષે આગળ વાત થઇ એમ હજુપણ બહેતર થઇ શકી હોત. નો ડાઉટ કેટલાક સંવાદો જેમકે, ‘અગર લડકી શકલ દેખ કર લડકે પસંદ કરતી હોતી તો આધા હિન્દુસ્તાન કંવારા રેહ જાતા’ હસાવી દે છે. ફિલ્મની અવધી માત્ર બે કલાક અને બે મિનીટ છે અને જો આટલી અવધી મગજમાં રાખીને ફિલ્મ બનાવી હશે તો જ આપણને સતત કશુંક ખૂટી રહ્યા હોવાની લાગણી થાય એ સ્વાભાવિક છે. જો વાર્તાને છૂટી મૂકી દેવામાં આવી હોત તો બેશક વધારે મજા આવત. અશ્વિની ઐયર તિવારીએ એકદમ ટાઈટ સ્પેસમાં નિર્દેશન એવી રીતે કર્યું છે કે ફિલ્મ ચાલુ હોય ત્યારે એટલીસ્ટ મોબાઈલમાં નજર નાખવાનું મન નથી થતું.

નીચોડ

આજકાલ એ પ્રકારની ફિલ્મો માથે મરાઈ રહી છે કે આપણને એમ થાય કે ફિલ્મ હજી નાની હોત તો ચાલત અથવાતો આ સીન કે આ ગીત વગર પણ ફિલ્મ સારી બની શકી હોત એવામાં બરેલી કી બરફી જોઇને તમને સતત કશુંક ખૂટી રહ્યા હોવાની લાગણી થતી હોય તો તે એકરીતે મેકર્સની જીત જ છે, પણ તેમ છતાં તેઓ ‘ઓડર્ર પર પૂરતું ધ્યાન’ નથી આપી શક્યા એ પણ હકીકત છે. તાજા ભૂતકાળના હથોડાઓ કરતા કોઈપણ મેસેજની આશા રાખ્યા વગર જો બે કલાક ફક્ત ફ્રેશ થવું હોય તો બરેલી કી બરફી ખાવામાં જરાય વાંધો નથી કારણકે એ એટલીબધી મીઠી પણ નથી કે તમને ડાયાબીટીસ થઇ જાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here