ભવિષ્યની નોકરી કરવાના સ્થળને ઇન્ટરવ્યુ સમયે જ ઓળખી કાઢો

0
330

વારંવાર નોકરી બદલવાનું લગભગ કોઈને પણ ન ગમે, સિવાય કે કોઈ અન્ય સ્થળે હાલ કરતા ઘણી સારી સેલરી ઓફર થતી હોય તો. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી હાલની નોકરીના સ્થળે સહકર્મચારીઓ દ્વારા અથવાતો બોસ દ્વારા વાતાવરણ એટલું કલુષિત થઇ જતું હોય છે કે તમારી પાસે એ નોકરીને છોડી દેવા સિવાય બીજો કોઈજ રસ્તો હોતો નથી. જ્યારે ખરાબ વાતાવરણ અથવાતો અસહ્ય વાતાવરણને કારણે નોકરી છોડવી પડે ત્યારે તમારા કુટુંબીજનો અથવાતો મિત્રો કે પછી નજીકના સગાંઓ તમને એવી સલાહ આપતા હોય છે કે, “આવું તો હવે બધે જ થતું હોય છે તો પછી તું શું નોકરીજ નહીં કરે?”

તમારા મિત્રો, કુટુંબીજનો અને સગાંઓની વાત સાવ નાખી દેવા જેવી તો નથી જ કારણકે આજકાલ  વ્યવસાયના દરેક સ્થળે તમને કોઈને કોઈ રીતે પોલીટીક્સ રમાતું કે પછી તમારી કાર્યક્ષમતાને જાણીજોઈને ઇગ્નોર કરવામાં આવે એવું તો બનતું જ હોય છે. હા, એવી કેટલીક કંપનીઓ છે જે માનવ સંસાધન પ્રત્યે ખૂબ કાળજી રાખે છે અને એ માટે એમને સરકાર એવોર્ડ્સ પણ આપતી હોય છે, પરંતુ એવી કેટલી કંપનીઓ આપણા દેશમાં હશે? એટલે જ્યારે કોઈ નવી નોકરી માટે ઇન્ટરવ્યુ આપવાનો થાય ત્યારે આપણને સતત એવી બીક લગતી હોય છે કે અહીં પણ પહેલા જેવું થશે તો?

તમારા મનનો ભય સાવ ખોટો નથી, પણ જો તમને ઇન્ટરવ્યુ અગાઉ જ ખબર પડી જાય કે અહિયાં આપણે રહેવા જેવું નથી તો? ભલેને તમને ખૂબ સારું પેકેજ ઓફર કરાતું હોય પણ ઇન્ટરવ્યુ વખતે એ કંપનીના વાતાવરણ વિષે તેમના ઇન્ટરવ્યુઅરની રીતભાતથી જ આપણને ખ્યાલ આવી જાય કે અહીં છેવટે તો કોઈને કોઈ રીતે માનસિક ત્રાસ જ સહન કરવાનો છે તો પછી બહેતર એ રહેશે કે એ કંપની આપણને રીજેક્ટ કરે તે અગાઉ આપણે જ એને રીજેક્ટ કરી દઈએ.

તો ઇન્ટરવ્યુ સમયેજ તમારી ભવિષ્યની  નોકરીના ઝેરીલા વાતાવરણને આસાનીથી ઓળખી શકાય તેવી સરળ દસ ટીપ્સ પર ધ્યાન આપીએ.

ભાવિ નોકરીનું સ્થળ કેટલું દુષિત છે એ જાણવાની દસ સરળ ટીપ્સ

  1. જો તમે કરેલી એપ્લીકેશનનો જવાબ તમારી ભાવિ કંપની એમ કહીને આપે કે, “તમારી અરજી અમને મળી ગઈ છે, અને અમને જો જરૂર હશે તો અમે તમારી પાસેથી વધુ વિગતો મંગાવીશું” તો તરતજ નક્કી કરી નાખો કે આપણે અહીં નોકરી નથી કરવી. કેમ? કારણકે આ બહુ જૂનો પુરાણો જવાબ છે જે અત્યારની વિચારધારા સાથે ચાલતી કંપનીઓ સાથે બિલકુલ મેળ ખાતો નથી. આધુનિક વિચારધારા ધરાવતી કંપનીઓ ભલે કહે ગમે તે પરંતુ તેમને તમારા ટેલેન્ટમાં પહેલા દિવસથી વિશ્વાસ હોય છે એટલેએ આ પ્રકારનો જવાબ બિલકુલ નહીં આપે.
  2. તમારી અરજીના જવાબમાં કોઈ કંપની તમને તરતજ એવો ઈમેઈલ મોકલે કે તમારે હવે ઓનલાઈન ટેસ્ટ આપવાનો છે અને કેટલાક અંગત સવાલોના જવાબ આપવાનું કહે જેમાં તમારી હાલની સેલરી તેના સ્લેબ પ્રમાણે તમારે રજૂ કરવાની હોય તો એક વાત સમજી લેજો કે કંપનીને તમારા પર તેણે કેટલો ખર્ચ કરવાનો આવશે એમાંજ રસ છે નહીં કે તમારી સાથે એ લાંબા સમય સુધીનો સંબંધ કેવીરીતે બાંધવો જોઈએ તેમાં. જો આવું જ હોય તો એ કંપની સાથે આપણે ટૂંકાગાળાનો સંબંધ પણ કેમ બાંધવો જોઈએ?
  3. કોઈ વખત એવું બનતું હોય છે કે તમારી અરજીનો એક કે બે અઠવાડિયા તો શું મહિનાઓ સુધી જવાબ ન આવે પણ એક સુંદર સવારે અચાનક જ ઈમેઈલ આવે અને તમને કહેવામાં આવે કે અમુક દિવસે નક્કી કરેલા સમયે ઇન્ટરવ્યુ માટે આવી જાવ. આ પ્રકારની કંપનીઓને અવોઇડ કરો કારણકે એમને ખુદને વ્યવસ્થાપન કરવાની ભાન નથી એ તમારી કરિયરને કેવીરીતે સુંદર બનાવી શકશે ખરુંને? જો તેમની પાસે તમારા માટે તે સમયે કોઈ નોકરી ન હતી તો તેમણે ત્યારે તરતજ નકારમાં તમને જવાબ આપી દેવો જોઈતો હતો, ટૂંકમાં કહીએ તો આ પ્રકારની કંપનીઓ ‘સ્વાર્થી’ હોય છે.
  4. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ ઇન્ટરવ્યુ સમયેજ જો તમારી સાથે કડક અથવાતો અપમાનજનક કે અભિમાની સ્વરમાં વર્તન કરે તો એ કંપની એનેજ મુબારક! કોઇપણ વ્યક્તિ સાથે કામ પાર પાડવું હોય તો બોસે એની સાથે નમ્રતા અથવાતો વિવેકથી વર્તન કરવું પડે. આમ એને એની કંપનીના લાભમાં ઓછો અને પોતાના સહકર્મચારીઓ પર બોસિંગ કરવામાં વધુ રસ છે એવું આપણે માની શકીએ અને એ પ્રકારની કંપનીમાં કામ કરવાથી દૂર રહેવું.
  5. કોઈ કંપની ઇન્ટરવ્યુ સમયે કે એ પહેલાં તમારી હાલની પે સ્લીપની કોપી માંગે અથવાતો શહેરના બે-ત્રણ પ્રતિષ્ઠિત નાગરિકોના રેફરન્સ લેટર્સ માંગે તો એવી અવિશ્વાસુ કંપનીમાં તમારે કામ કરવાની જરાય જરૂર નથી. જો ઇન્ટરવ્યુ વખતે કે એ અગાઉજ તેને પોતાના કર્મચારી પર વિશ્વાસ નથી તો નોકરી કરતી વખતે તમારા પર ગમેત્યારે અવિશ્વાસ મુકીને તે તમને તકલીફમાં મૂકી શકે છે, ખરુંને?
  6. એવું નથી કે ઇન્ટરવ્યુ દરમિયાન તમને નોકરી આપનાર કંપની જ તમને સવાલ કરે, ઘણીવાર આપણી પાસે પણ એ કંપની બાબતે કેટલાક પ્રશ્નો હોય છે. જો એ કંપની ઇન્ટરવ્યુ સમયે તમારા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે અથવાતો જવાબ ન આપવાનું બહાનું બનાવે કે પછી તમને એમ કહે કે “હજી સેકન્ડ ઇન્ટરવ્યુ બાકી છે ત્યારે તમને જવાબ આપીશું” તો સમજી લેજો કે અહીં કામ કરવામાં કોઈજ ફાયદો નથી, કારણકે કંપનીને તમારા વિષે જાણવામાં જેટલો રસ છે એટલો જ રસ તેને પોતાના પત્તાં સંતાડી રાખવામાં છે.
  7. જેમ અપમાનજનક વર્તન કરતા ઇન્ટરવ્યુઅરથી કંપનીની પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય છે એવીજ રીતે નિરાશ વદને અથવાતો નિરાશાજનક વાતો કરતા ઇન્ટરવ્યુઅરથી પણ ક્યાસ લગાવી શકાય છે કે અહીં નોકરી કરવાનું વાતાવરણ સદાય નિરાશ જ હોવાનું અને એથી અહીં આપણને કશુંજ નવું જાણવા નહીં મળે અથવાતો અહીં આપણો માનસિક વિકાસ થવાનો નથી.
  8. એક પછી એક કોઈને કોઈ બહાને ઇન્ટરવ્યુ લંબાવતી જતી કંપનીઓ પણ જોવા મળે છે. તે તમને વારંવાર અઠવાડિયા સુધી કોઈને કોઈ બહાને ઇન્ટરવ્યુ લેવા બોલાવશે, આવી કંપનીઓમાં કામ કરવાથી બહેતર એ રહેશે કે આપણે એક લીમીટ બાદ ઇન્ટરવ્યુમાંથી આપણું નામ પાછું ખેંચી લઈએ કારણકે એ કંપનીમાં જ નિર્ણયશક્તિનો અભાવ છે.
  9. તમે ઇન્ટરવ્યુ કોઈ એક લેવલ માટે આપ્યો હતો અને એની સેલરીનું એક નક્કી કરેલું સ્તર હતું, પરંતુ જ્યારે તમે તમારી નોકરી ફાઈનલ કરવા બેસો છો ત્યારે તમને તમારા ઇન્ટરવ્યુ સમયે ચર્ચા કરેલા એ સ્તરથી નીચેની નોકરી તેમજ સેલરી ઓફર કરવામાં આવે તો મહેરબાની કરીને એ નોકરી બિલકુલ ન કરતા, કારણકે એમ કરવાથી એક સ્પષ્ટ મેસેજ જશે કે આ વ્યક્તિ ભવિષ્યમાં કોઇપણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર છે અને આથી તમારો સો ટકા ગેરલાભ ઉઠાવવામાં આવશે જ!
  10. ઇન્ટરવ્યુ દરમિયાન અથવાતો રિક્રુટમેન્ટના કોઇપણ સમયે સ્ટાફ દ્વારા તમારી સાથે ગેરવર્તન થાય અથવાતો તમારા ટેલેન્ટની દેખીતી કદર ન થાય તો એ કંપનીમાં કામ ન કરવું એ જ સલાહભર્યું રહેશે. આ પાછળ કારણ એવું છે કે જે કંપનીને અત્યારે તમારી કદર નથી એ ભવિષ્યમાં તમે જ્યારે તેમની સાથે ખભેખભો મેળવીને કામ કરતા હશો ત્યારે તમારી કદર કેવીરીતે કરશે? ટૂંકમાં આવી કંપનીઓ ને ઇન્ટરવ્યુ સમયે જ “નો થેન્ક્સ” કહેવું જ બહેતર રહેશે.

આશા છે, કે નોકરીના ઇન્ટરવ્યુ સમયે તમારે તમારી ભાવિ કંપની અંગે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એ ટીપ્સ જરૂર ગમી હશે અને તમને ભવિષ્યમાં કામ પણ લાગશે. તમે તમારા મંતવ્યો અહીં નીચે કમેન્ટ્સ સેક્શનમાં અથવાતો અમારા ફેસબુક, ટ્વીટર અને ગૂગલ પ્લસ પેજ પર જરૂર આપશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here